ભાત ભાત કે લોગ : કયારેક કોઈ ઘટના બને ને લો, ફેશન બદલાઈ ગઈ!

જ્વલંત નાયક
થોડા સમય પહેલા અમેરિકાના પ્રમુખની ઓવલ ઓફિસમાં મોટી બબાલ થઇ ગઈ. અમેરિકી પ્રેસિડેન્ટ અને યુક્રેનના પ્રેસિડેન્ટ એકબીજાને સંભળાવી દેવાના ચક્કરમાં બાખડી પડ્યા. એ પહેલા જયારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી મીટિગ માટે ઓવલ ઓફિસ પહોંચ્યા ત્યારે એમનો પહેરવેશ પ્રોટોકોલ મુજબનો નહોતો.
સામાન્ય રીતે અમેરિકા અને યુરોપના ઉચ્ચસ્તરીય નેતાઓ એકબીજાને મળે ત્યારે સૂટ-બૂટ પહેરીને મળતા હોય છે. ઝેલેન્સકી પાસે સૂટ ન પહેરવાના પોતાનાં કારણ હતા અને સામે પક્ષે પ્રોટોકોલનું પાલન કરવાની વાત પણ સાચી હતી.
આપણે એ વિવાદમાં ઊંડા નથી ઊતરવું, પણ જરા વિચાર કરો કે જે રીતે એકાદ ફિલ્મ સુપરહિટ થાય અને કોલેજિયન્સની ફેશનમાં બદલાવ આવી જાય એ રીતે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની આવી એકાદ મીટિગને કારણે પણ ફેશન બદલાઈ જાય એવું બને ખં?
આપણ વાંચો: ભારતની વીરાંગનાઓ : પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર ડોલી જૈન
એવું થાય તો ભવિષ્યમાં ગંભીર ચર્ચાઓ માટે ભેગા થતા રાષ્ટ્રપ્રમુખો બર્મ્યુડા અને ટીશર્ટમાં આંટા મારતા દેખાય તો નવાઈ નહિ. એન્ડ ઈન ધેટ કેસ, ફેશન પ્રોટોકોલને એકલા હાથે બદલવાનું `શ્રેય’ ઝેલેન્સ્કીને આપવું પડે.
ખેર, ઇતિહાસમાં અમુક ઘટના ખરેખર એવી બની ગઈ, જેમાં એક જ વ્યક્તિને કારણે ફેશન ટે્રન્ડ બદલાઈ ગયો હોય અથવા તો કોઈ ફેશન ટે્રન્ડનું સાવ ભળતા જ કારણોસર બાળમરણ થઇ ગયું હોય.
શરૂઆત અમેરિકન પ્રેસિડેન્ટથી જ કરીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ એક સમયે માથે પહેરવાની હેટ પણ અમેરિકન રાષ્ટ્રપતિના ડે્રસકોડમાં સામેલ હતી. ઇસ 1961માં જ્હોન એફ કેનેડી પ્રેસિડેન્ટ બન્યા ત્યાં સુધી આ વણલિખિત ડે્રસકોડનું પાલન થતું રહ્યું. જેએફકે'ના હુલામણા નામે જાણીતા કેનેડીની ગણના અમેરિકાના સૌથી હેન્ડસમ અને સૌથી
ફૂલ’ પ્રેસિડેન્ટ તરીકે થાય છે.
આપણ વાંચો: ફેશનઃ વિચ બટન ડુ યુ વોન્ટ…
કેનેડી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા ખરા, પણ એમને માથા પર પેલી હેટ પહેરવાનું વળગણ નહોતું. કેનેડી હેટ નહોતા પહેરતા એટલે બીજા ઘણા સજ્જનોએ પણ પોતાના દૈનિક પોષાકમાંથી હેટને કાયમી તિલાંજલિ આપી.
રમૂજની વાત એ છે કે કેનેડીની લોકપ્રિયતા એવડી જબ્બર કે હેટ બનાવનારી કંપનીવાળા રીતસર પત્રો લખી લખીને એમને હેટ પહેરવાની વિનંતી કરતા હતા : હેટ પહેરવાનું રાખો માઈ-બાપ, નહિતર તમારી દેખાદેખીમાં અમેરિકન સમાજનો બહોળો વર્ગ હેટને તિલાંજલિ આપશે તો અમારો ધંધો ચોપટ થઈ જશે !
આમ છતાં, કેનેડીને એ સમયના અમેરિકન પ્રમુખો પહેરતા એવી કાઉબોય હેટ પહેરવાનું ક્યારેય ફાવ્યું નહિ એટલે મોટે ભાગે એ ઉઘાડે માથે જ ફરતા. આમ આ એક માણસને કારણે હેટ પહેરવાની ફેશન જ ભૂતકાળની વાત બની ગઈ. કેનેડી પછી આવેલા એક્કેય પ્રેસિડેન્ટે હેટને પોતાના પહેરવેશનો ભાગ બનાવ્યો નથી.
ઓ. જે. સિમ્પસન નામનો કાળી ચામડીનો પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી પાછળથી એક્ટિંગ ક્ષેત્રે પણ ઊતર્યો અને મીડિયા જગતમાં ય પ્રવેશ્યો. આ સિમ્પસન સાહેબ એક કાતિલ ઘટનામાં પણ સંડોવાયેલા છે.
સોહામણો સિમ્પસન પહેલેથી પરણેલો, તેમ છતાં 1977માં નિકોલ બ્રાઉન નામની એક શ્વેત યુવતી સાથે પ્રેમમાં પડ્યા. આખરે 1985માં બેય પ્રેમીપંખીડા પરણ્યા. પણ સંબંધોમાં બધું બરાબર નહોતું ચાલતું. બ્રાઉનની બહેનના કહેવા મુજબ લગ્ન પછીના ચારેક વર્ષ દરમિયાન પોલીસને સિમ્પસન દંપતીને ઘરે સાતેક વખત ધક્કો ખાવો પડ્યો. કારણ હતું ડોમેસ્ટિક વાયોલન્સના કોલ્સ! પોલીસને ય કદાચ આ સેલિબ્રિટી કપલના ઝગડા કોઠે પડી ગયા હશે.
આપણ વાંચો: પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ
પણ એક વાર. પોલીસને સિમ્પસનના ઘરમાંથી એની પત્ની નિકોલ બ્રાઉન અને નિકોલના મિત્ર રોન ગોલ્ડમેનનાં શબ મળી આવ્યા. શંકાની સોય સીધી ઓ.જે. સિમ્પસન તરફ જ તકાતી હતી, પણ પોલીસ પાસે કોઈ પાકો પુરાવો નહોતો, સિવાય કે લોહીના ખાબોચિયામાં ઝબોળાયેલું એક પગલું!
ખૂનીએ શૂઝ બનાવતી ખાસ જાણીતી નહિ એવી કંપની બ્રૂનો મેગલી'એ બહાર પાડેલ લેટેસ્ટ મોડેલ
લોરેન્ઝો’ના જૂતાં પહેર્યાં હતાં. કોઈક રીતે ખૂનીનો એક પગ લોહીના ખાબોચિયામાં પડ્યો હશે, એટલે પોલીસને એટલો પુરાવો મળ્યો. કંપનીનું આ લેટેસ્ટ શૂ મોડેલ હતું.
એ સમયે આખા અમેરિકામાં આ મોડેલની માત્ર 288 જોડી જ વેચાઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે ખૂનીએ પહેરેલા જૂતાં 12 નંબરના હતા. ખુદ ઓ.જે. સિમ્પસન પણ 12 નંબરના જૂતાં પહેરતો હતો. પોલીસે પૂછપરછ કરી ત્યારે સિમ્પસને તો બેફિકરાઈથી કહી દીધું, `હું પણ લોરેન્ઝો મોડેલના જૂતાં ખરીદવા વિચારતો હતો ખરો, પણ મને એ બહુ બેહૂદા લાગ્યા એટલે નહોતા ખરીદ્યા! ‘
આપણ વાંચો: એક સાથે કેટલાય સિતારાઓએ જયપુરને ઝગમગાવ્યુંઃ જૂઓ ફેશન કા જલવા
સિમ્પસન તો આ કેસમાંથી પુરાવાના આધારે છૂટી ગયો, પણ પેલી શૂમેકર કંપનીની બુન્ધ બેસી ગઈ. એક તો સિમ્પસને લોરેન્ઝોને બેહૂદા શૂઝ કહી દીધા એમાં બ્રાન્ડનું નામ ખરડાઈ ગયું ને બીજું મહત્ત્વનું કારણ એ કે લોરેન્ઝો શૂઝનું નામ એક હાઈ પ્રોફાઈલ મર્ડર કેસમાં સંડોવાઈ ગયું એટલે સ્વાભાવિક રીતે જ લોકો આવી બ્રાંડ ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા. સિમ્પસનનું જે થયું એ, પણ લોરેન્ઝો શૂઝના ટે્રન્ડનું બાળમરણ થઇ ગયું!
વાતની શરૂઆત અમેરિકન પ્રેસિડેન્ટથી કરી, તો એની સમાપ્તિ પણ ત્યાં જ કરીએ. કેનેડીએ હેટને તિલાંજલિ ભલે આપી, પણ ડોનલ્ડ ટ્રમ્પની લાલ રંગની ગોલ્ફ કેપ આજકાલ ખાસ્સી ફેમસ થઇ ગઈ છે.
ટ્રમ્પે પોતાની લાલ રંગની ટોપી પર ‘Make America Great Again’ લખાવ્યું છે. દરેક શબ્દોના પ્રથમ અક્ષરને લઈને આ કેપ MAGA' કેપ તરીકે ઓળખાય છે. ટ્રમ્પના સમર્થકો MAGA શબ્દને બહુ મહત્ત્વ આપે છે. બીજી તરફ ટ્રમ્પ વિરોધીઓ માટે રેડ કેપ નફરતનું પ્રતીક બની રહી છે. દૈનિક
ન્યુયોર્ક ટાઈમ્સે’ તો આના પર એક આખો લેખ પ્રગટ કર્યો છે.
બીજી તરફ, સિનસિનાટીની પ્રોફેશનલ બેઝબોલ ટીમનું નામ સિનસિનાટી રેડ' છે. આ ટીમના તમામ સભ્યો અને સમર્થકો પણ રેડ કેપ ધારણ કરે છે, પરંતુ
ન્યુયોર્ક ટાઈમ્સ’ના આર્ટિકલ મુજબ હવે આ ખેલપ્રેમીઓએ રેડ કેપને તિલાંજલિ આપી દીધી છે!
જો આવું ને આવું ચાલ્યું અને ટ્રમ્પની ટેરિફ વોરમાં અમેરિક્નસ દુ:ખી થતા રહ્યા તો ટ્રમ્પ આખા અમેરિકામાંથી લાલ રંગની ગોલ્ફ કેપની ફેશનનું એકલા હાથે અચ્યુતમ કરી નાખશે!