સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્માઇલી લંડન: માત્ર મજા માટેની રચના…

- હેમંત વાળા
આમ તો સ્થાપત્ય ગંભીરતા ધરાવતું ક્ષેત્ર છે. તેમાં માત્ર મજા માટે કોઈ પણ રચના નથી કરાતી. સ્થાપત્યમાં ઉપયોગિતા, મજબૂતાઈ અને દેખાવ, એ ત્રણેયનું મહત્ત્વ છે. ઉપયોગિતા વગરની મજબૂતાઈ કે દેખાવ કામના નથી. દેખાવ વિનાની ઉપયોગીતા કે મજબૂતાઈ પણ વ્યર્થ છે. સ્થાપત્યમાં મજબૂતાઈ તો જરૂરી છે જ, તે ન હોય તો ઉપયોગિતા શક્ય નથી અને દેખાવ માન્ય નથી. છતાં પણ ક્યારેક આ પ્રકારના પ્રયત્ન થતા જોવા મળે છે.
સ્થપતિ એલિસન બ્રૂક્સ દ્વારા ગ્રેટર લંડનમાં નિર્ધારિત કરાયેલ આ એક ઇન્સ્ટોલેશન સ્ટ્રક્ચર છે. સન 2016 માં તૈયાર થયેલ આ રચના ડિઝાઇન ફેસ્ટિવલના એક ભાગ સ્વરૂપ હતી. 3.5 મીટર ઊંચી, 4.5 મીટર પહોળી અને 34.0 મીટર લાંબી આ 136 ચોમી ક્ષેત્રફળવાળી વળાંકાકાર લંબચોરસ મેગા ટ્યુબ ક્રોસ લેમીનેટેડ લાકડાના પાટીયામાંથી બનાવવામાં આવી છે. આ મકાન બંને દિશામાં 12.0 મીટર જેટલું ઝૂલતું રહે છે, અર્થાત્ વચમાં 10.0 જેટલો ગાળો જમીન સાથે ટેકવાયેલો છે. અહીં માળખાકીય રચનામાં જરૂરિયાત પ્રમાણે લોખંડનો ઉપયોગ પણ કરાયો છે. આશરે 100 મીટર વ્યાસના વર્તુળના એક ચાપ સમાન આ રચના વિશેષ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે છે, જ્યાં મૂંઝવણ પણ છે અને થોડીક આશ્ચર્ય સહિતના આનંદની અનુભૂતિ પણ છે. અહીં આકારની મજા છે, બાંધકામની સામગ્રી તરીકે લાકડાના ઉપયોગમાં સરળતા છે અને પ્રમાણમાપમાં વ્યક્તિગતતા છે. રાત્રિની કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થામાં તેના આકારની અનુભૂતિ વધુ તીવ્રતાથી ઊભરે છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: સમુદ્રમાંથી નીકળેલા છીપ જેવી રેસ્ટોરાં!
માત્ર એક માળની રચનાવાળી આ ટ્યુબમાં વચ્ચે પ્રવેશ અપાયો છે અને ત્યાંથી બંને તરફ ઊંચાઈ પર જઈ શકાય છે. બંને છેડા પર બાલ્કની જેવી રચના કરવામાં આવી છે જ્યાં એને થોડો સમય વિરામ કરી શકાય – ઊભા રહી શકાય. અહીંથી આજુબાજુની પરિસ્થિતિ પર નજર નાખી શકાય. લાંબી દીવાલમાં નિયમિત અંતરે કાણા પડાયા છે જેમાંથી બહાર ડોકિયું કરી શકાય. તેના બંને છેડા એ રીતે અને એટલા ઉપર ઊઠે છે કે તેની નીચેથી અવરજવર શક્ય બને. બસ આ જ રચના, બસ આટલી જ રચના. વળી આ ઇન્સ્ટોલેશન એવા વિસ્તારમાં બનાવ્યું છે કે જ્યાં પરંપરાગત શૈલીનાં મકાનો છે. તેથી આ મકાન અજાણી બહારથી લાવી ગોઠવાઈ દેવાયેલી વસ્તુ તરીકે ત્યાં ઊભી રહી જાય છે.
એમ જણાય છે કે આ રચના આ પ્રકારના લાકડાને વ્યાપારી ધોરણે કેવી રીતે પ્રયોજી શકાય તેનું દ્રષ્ટાંત સ્થાપવા કરાઈ છે. અહીં કોઈ હેતુ નિર્ધારિત નથી, પરંતુ અહીં હંગામી પ્રદર્શની થઈ શકે, નાનો સમૂહ એકત્રિત થઈ શકે, બાળકો વળાકાકાર સપાટી પર ભાગદોડ કરી શકે અને દીવાલમાં પડાયેલા કાણામાંથી બહારના દ્રશ્યને નવી જ રીતે માણી શકાય. અહીં કોઈ રાચરચીલું નથી, અહીં કોઈ વિશેષ ઉપયોગમાં આવે તેવા બારી બારણા નથી, અહીં ઉપયોગિતા પ્રમાણે છતની ઊંચાઈમાં વધઘટ નથી – જે છે તે આ છે. તમે એનો જે રીતનો ઉપયોગ કરી શકો એ પ્રમાણે કરો. સ્થાપત્યમાં આટલી છૂટછાટ કદાચ કોઈએ નથી લીધી.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: વરસાદનાં પાણીનો નિકાલ
આ રચના બગીચામાં આવતી `સી-સો’ની રચના પ્રમાણે છે. એકવાર એમ જણાય કે તે એક બાજુથી નીચે જશે અને બીજી બાજુથી ઊંચકાશે. પણ આમ થતું નથી. મકાન મજબૂત છે. સાંપ્રત સમયમાં જ્યારે સ્થાપત્યમાં કોન્ક્રીટનો મહત્તમ ઉપયોગ જોવા મળે છે ત્યારે લાકડાની આવી વિશેષ પ્રકારની રચના ધ્યાન તો દોરે જ. તેમાં પણ જ્યારે એ મૂંઝવણ ઊભી થાય કે આ છે શેની માટે, ત્યારે વધુ રસ જાગ્રત થાય. રસ જાગ્રત થયા પછી જિજ્ઞાસા ઉદ્ભવે અને વ્યક્તિ અનાયાસે પણ મકાનની મુલાકાત લે. તેમાં પણ જ્યારે એ નક્કી હોય કે આ મુલાકાત માટે વધારે સમય જરૂરી નથી ત્યારે તો મુલાકાતની સંભાવના વધી જ જાય. આ રચનામાં કંઈક આમ જ થઈ રહ્યું હોય તેમ જણાય છે. સાથે સાથે એ પણ સત્ય છે કે, કદાચ બાળકો સિવાય અન્ય વ્યક્તિ આ મકાનની બીજી વારની મુલાકાત માટે તૈયાર ન થાય. વ્યક્તિને બીજી વાર આકર્ષી શકે કે ત્રીજી વાર આકર્ષી શકે તેવું અહીં કશું જ નથી.
મારી દૃષ્ટિએ આ સ્થાપત્યની રચના નથી પરંતુ એવું એક શિલ્પ છે કે જેની અંદર અવરજવર કરી શકાય. જ્યારે અવરજવર કરી શકાય ત્યારે અવરજવર નામની ઉપયોગિતા તો સાથે વણાઈ જ જાય. તેથી હવે આ શિલ્પ ઉપયોગી પણ છે જેને કારણે તેની ગણના સ્થાપત્યમાં થઈ શકે, પરંતુ આ ઉપયોગિતા તો ઉદ્ભવેલી ઉપયોગિતા છે, પૂર્વ નિર્ધારીત ઉપયોગિતા નથી. કોઈપણ વસ્તુ બનાવી દેવામાં આવે તો માનવ સ્વભાવ પ્રમાણે તેનો ઉપયોગ તો થવાનો જ. કોઈપણ બનાવાયેલ વસ્તુ સર્વથા નિરુપયોગી નથી હોતી. મોટી દ્વિધા છે કે આ ઉપયોગમાં લઈ શકાય તેવું શિલ્પ છે કે ઉપયોગને કારણે અસ્તિત્વમાં આવેલું સ્થાપત્ય. સામાન્ય સંજોગોમાં થતું આવ્યું છે તેમ, તેના પ્રમાણમાપ, તેના મૂળભૂત આકાર તથા તેના જે તે પ્રકારના સંભવિત ઉપયોગને કારણે આ પ્રકારની રચનાને સ્થાપત્યની કૃતિ ગણવામાં આવે છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: થોડામાં ઘણું-સાદગીની પૂર્ણતા