અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…

પ્રતીક્ષા થાનકી

ચાર રસ્તા કે પછી ક્રોસ રોડ્સનું દરેક કલ્ચરમાં આગવું મહત્ત્વ રહૃુાં છે. બે રોડ એક બીજાને ઓવરલેપ કરીને ચાર રસ્તા બનાવી દે છે. જિંદગીમાં ચાર રસ્તાની વાત કરવામાં કેટલાય ફિલોસોફર બની ગયા છે. એવામાં ટોકિયોના શિબૂયા ક્રોસિંગ પર કેટલાં ઝિબ્રા ક્રોસિંગ છે એ કહેવું મુશ્કેલ બની જાય છે. ત્યાં પહોંચીને તો માણસ આપમેળે જ વિચારમાં પડી જાય.

હાચિકોના સ્ટેચ્યુની બીજી તરફ ચિચિયારીઓ સંભળાઈ રહી હતી. કોઈ મેળો લાગ્યો હશે અથવા કોઈ કોન્સર્ટની તૈયારી થતી હશે એમ લાગ્યું, પણ ત્યાં માત્ર રસ્તો ક્રોસ કરવાની લાઇટ ગ્રીન થઈ હતી અને લોકો માત્ર આ ખ્યાતનામ ક્રોસિંગ પર એકથી બીજી તરફ જઈ રહૃાં હતાં.

અહીં ઉપરથી જુઓ તો કુલ પાંચ રસ્તાઓ એકબીજાને ક્રોસ કરે છે, એટલે દસ રસ્તા બનતા હોય એવું લાગે. તેમાં ઝિબ્રા ક્રોસિંગનો ઓવરલેપ થયા પછી ખરેખર કેટલા રસ્તા બને છે તે ગણવાનું જ શક્ય ન લાગ્યું. અને ઇન્ટરનેટને પૂછીને તે જાણવાને બદલે, તે ક્રોસિંગની એ નાનકડી મિસ્ટ્રીને મેં મિસ્ટ્રી જ રહેવા દીધી.

પહેલાં તો થોડી વાર શિબૂયા ક્રોસિંગને સાઇડમાં ઊભાં રહીને લોકોને ક્રોસ કરતાં જોયા કર્યું. ઘણાં તો માત્ર એક બાજુથી બીજી બાજુ માત્ર મજા કરવા જતાં હોય તેવું લાગ્યું. ઘણાં તો ડાન્સ કરતાં કરતાં નીકળેલાં, ઘણાં ગ્રુપમાં એકબીજાનો હાથ પકડીને, તો ઘણાં ઊંધા પગલે મજા કરવા માટે, અને ઘણાં રિલ્સ, ટિકટોક કે પોડકાસ્ટ બનાવવા માટે શૂટિગ કરતાં કરતાં ત્યાંથી નીકળી રહૃાાં હતાં.

આ પહેલાં લંડનના એબી રોડ પર બીટલ્સના ખ્યાતનામ ક્રોસ રોડ પર બે-ત્રણ વાર નીકળીને સારો ફોટો આવે ત્યાં સુધી ત્યાં સમય વિતાવેલો, પણ આ શિબૂયા ક્રોસિંગ પર તો આખો દિવસ વિતાવો તો પણ બોર ન થવાય. અને એટલે જ કદાચ ત્યાં બેસીને લાંબા સમય સુધી આ સ્ક્રેમ્બલ ક્રોસ રોડ્સ પાસે વ્યુ સાથે બેસીને કલાકો સુધી લોકોને એક તરફથી બીજી તરફ જતાં જોવામાં મેડિટેશન જેવી મજા હતી.

થોડી વાર અમે પણ એક કાફેમાં બેઠાં અને માહોલને ઓબ્ઝર્વ કર્યો. કેટલાં લોકો માત્ર ફોટા પાડવા આવે છે અને કેટલાંને ખરેખર આ રોડ ક્રોસ કરીને ક્યાંય જવું છે. ઠંડીમાં ઘણાં લોકો આ ક્રોસરોડ પર પ્રાઇવેટ ફોટો શૂટ્સ માટે એક ખૂણામાં તૈયાર પણ થતાં હતાં. ટોક્યોની ખરી ભીડ, ત્યાંની ખરી ચહેલપહેલ જોવી હોય તો આ પાંચ રસ્તા પર છે.

જોકે માંડ ચાલવાની જગ્યા મળે અને રસ્તો કઈ તરફ જાય છે તેની ખાતરી ન હોય તો પણ જાપાનમાં આ પરિસ્થિતિ કેઓસ તો નહોતો સર્જી શકતી. ત્યાં પણ બધું આયોજનપૂર્વક જ ચાલી રહ્યું હતું.

અને છતાંય તે ઓવરલેપિંગ ક્રોસરોડની ગૂચવણને જાપાનીઝ લોકોએ `સ્ક્રેમ્બલ’ જ નામ આપી દીધું હતું. અમે પણ ત્યાં થોડું આગળ, થોડું પાછળ, થોડું ત્રાંસમાં જવા માટે સજ્જ હતાં, પણ લોકોને જોવામાં જ એટલી મજા આવતી હતી કે ત્યાં દિવસનાં અલગ અલગ સમયે ફોટા પાડવાની પણ મજા આવે છે.

ત્યાં માત્ર ટૂરિસ્ટ જ નહીં, સ્થાનિકોની પણ ભીડ હતી. ટોકિયોમાં અઢળક લોકોને એક રસ્તેથી બીજા રસ્તે જવાની જરૂર પડે અને તેમાં ખ્યાતનામ શિબૂયા સ્ટેશન ક્રોસ કરવું પડે તેમાં નવાઈ લાગી જ ન શકે.

ઘણી ફિલ્મોમાં પણ આ ક્રોસિંગ ટોકિયોનું પ્રતીક બનીને નજરે પડી જાય છે. તેમાંય ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ'નીટોકિયો ડ્રિટ’માં આ જ રસ્તાઓ પર કાર ચેઝ જોવાનું એડવેન્ચર પણ યાદ હતું.

તે ઉપરાંત સ્કારલેટ જોહાન્સનની ફિલ્મ `લોસ્ટ ઇન ટ્રાન્સ્લેનશન’નો શિબૂયા ક્રોસિંગ પરનો સંવેદનશીલ સીન પણ મનમાં રહી જાય. રાતના કે વહેલી સવારે ક્યારેક તો આ ક્રોસિંગ શાંત પડતું હશે તે વિચાર આવ્યા વિના ન રહે.

માત્ર પરોઢિયે બે કલાક જેટલા સમય માટે ત્યાં ભીડ ઓછી થાય છે, બાકી નેચરલી આ ક્રોસિંગ સાવ ખાલી થાય એવું તો શક્ય લાગતું ન હતું. અને રોજ ટોકિયોમાં 30,000 સ્ટેપ્સ દિવસે ચાલીને વહેલી સવારે ત્યાં રોપોન્ગીથી માત્ર ખાલી ક્રોસ રોડનો ફોટો પાડવા જવાનું એડવેન્ચર જરાય રસ પડે તેવું લાગતું ન હતું. ત્યાં સાંજના સમયે દર બે મિનિટની લાઇટ સાઇકલમાં બેથી ત્રણ હજાર લોકો રસ્તો ક્રોસ કરે છે. તે દિવસે અમે પણ તેમાં જોડાયેલાં.

ત્યાંનાં નિયોન બિલબોર્ડ્સ વચ્ચે રોજનાં બે-અઢી મિલિયન લોકો રસ્તાઓ ક્રોસ કરવા માટે જ ત્યાં આવે છે તે કોઈ નાનીસૂની વાત નથી. આ ક્રોસિંગની બીજી મજાની વાત હતી ત્યાંની જાપાનીઝ ફેશન. શિબૂયા ક્રોસિંગ એક સાથે જાહેરાતો, શોપિંગ, રન વે ફેશન, એક્સરસાઇઝ અને ટૂરિઝમના ઘણા અનુભવો કરાવી દે છે.

1950માં પોસ્ટ વોર બૂમ દરમિયાન શિબૂયા વિસ્તાર એવો વિકસ્યો હતો કે ત્યાંનો સૌથી મોટો ક્રોસ રોડ આખી દુનિયામાં તે કેટલો વ્યસ્ત રહે છે તે માટે જાણીતો બની ગયો. ત્યાં ક્રોસરોડના વ્યુવાળું સ્ટારબક્સ ફોટા પાડવા માટે ખાસ જાણીતું છે. સ્વાભાવિક છે ત્યાં પીક સમયે તો અંદર પ્રવેશવા માટે પણ લાંબી લાઈનો લાગે છે.

અમે માહોલને પૂરતો માણીને, થાક્યાં ત્યાં સુધી એક ખૂણેથી બીજા ખૂણે જવામાં સમય વિતાવ્યો. અને અંતે થાક્યાં ત્યારે એ જ ક્રોસિંગ પરની જાણીતી રામેન ચેઇન ઇચિરાનમાં જવાની લાઈનમાં ઊભાં રહી ગયાં.

આવી લોકપ્રિય જગ્યાએ જાપાનની સૌથી ખ્યાતનામ રામેન રેસ્ટોરાં પર લાઇન ન હોય તેવું કઈ રીતે ધારી શકાય. હવે જાપાનમાં એટલો સમય વિતાવી ચૂક્યાં હતાં કે ત્યાં નક્કી હતું કે જો સ્થળ થોડું પણ જાણીતું હોય, તો ત્યાં લાઈન તો હોવાની જ.

શિબૂયા ક્રોસિંગ પર ટાઇમ સ્ક્વેર કરતાં પણ વધુ મજેદાર માહોલ હતો. કોઈ ખાણી-પીણી, મનોરંજન, કુદરતી દૃશ્ય, આર્કિટેક્ચર વિના, માત્ર ભીડનો રોજનો સ્પોન્ટેનિયસ ડાન્સ ત્યાં લોકોને લઈને આવતો હતો. જાપાનની અજાયબીઓ પણ અજીબોગરીબ હતી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: હાચિકો સ્ટેચ્યૂ – જાપાનના જ નહીં, દુનિયાના સૌથી લોકપ્રિય કૂતરા પાસે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button