શરદ જોશી સ્પીકિંગ: એક જીપ સરકારી ને ત્રણ ઇયળની સવારી…

- સંજય છેલ
એટલું તો હું પાક્કે પાયે જાણું છું કે ચણાના છોડ હોય છે, ઝાડ નહીં. ચણાનું જંગલ નથી હોતું, ખેતરો હોય છે. જો ખેતરો ન હોત તો પછી મને કહો કે જોરા જોરી ચને કે ખેત મેં’ આવું ગીત કઇ રીતે બન્યું? બસ, આ ગીત જ આ એક મજબૂત પુરાવો છે કે ચણાનાં ખેતરો હોય છે. ચણાના ઝાડ પર ચઢવાવાળી વાત તદ્દન ખોટી છે. એ કાલ્પનિક ઉપજાવેલી વાત છે. જો કે આમ તો ચણા વિશે માં જ્ઞાન ચણાના લોટના ભજિયા ખાનારા દરેક વ્યક્તિ જેટલું જ છે. હમણાં છાપાઓમાં પણ ચણા વિશે જોરદારથી વિવાદ ઉપડ્યો છે. હમણાં કમોસમી વરસાદ પડ્યો અને ઠંડી વધી ગઈ એટલે આસપાસનાં ચણાનાં ખેતરોમાં ઈયળો લાગી ગઈ. આને લઈને છાપાઓમાં હોબાળો મચી ગયો કેચણામાં ઈયળો લાગી ગઈ ને સરકાર સૂતી રહી છે…’ વગેરે…વગેરે. એક છાપવાળાએ તો ચણાના છોડ પર બેઠેલી ઈયળનો ફોટો પણ છાપી માર્યો, જેમાં ઈયળ ખરેખર સુંદર દેખાઈ રહી હતી. અમે પણ આજ સુધી ઘણાં ચણા ખાધા છે, પણ પેપરવાળાઓનો પક્ષપાત જુઓ, અમારો નહીં, પણ પેલી એકલદોકલ ઈયળનો ફોટો છપાયો!
આમ તો અમને ઈયળ વિશે કંઈ ખબર નથી. એને ક્યારેય મળવાનું કે જાણવાનું સૌભાગ્ય નથી મળ્યું. પણ ઘણાં લોકો ઈયળનો ઉલ્લેખ એટલી સહજ રીતે કરતા હોય છે કે જાણે એ પડોશમાં જ રહેતી હોય.
મારો એક જ્ઞાની મિત્ર છે. એક કાર્યક્રમમાં એણે ઈલા' નામ વિશે કહ્યું હતું કે
ઇલા’ અન્નની મુખ્ય દેવી છે. મને એ વાત યાદ રહી ગઈ હતી. જ્યારે ચણાંના છોડ પર ઇયળ લાગવાના સમાચાર ફેલાયા, ત્યારે હું વિચારવા લાગ્યો કે આ ઈલા'નો
ઈયળ’ સાથે શું સંબંધ હશે? ઈલા' અન્નની દેવી છે અને
ઈયળ’ અન્નનો નાશ કરનારી દેવી છે. નક્કી આ ઈયળો ઈલાની દીકરીઓ છે. જે એમની મમ્મી ઈલાની કમાણી ખાઈને છાપામાં પ્રસિદ્ધિ મેળવી રહી છે. એટલામાં મારી દીકરીએ ઈયળ વિશે પોતાનું જ્ઞાન દર્શાવતા કહ્યું કે ઈયળમાંથી પતંગિયું બને છે, પતંગિયું જે ફૂલોનો રસ પીવે છે અને ઊડી જાય છે. મારી અંદર એક કવિ છે, જે લોકોનાં મેણાંટોણાં પછી નિષ્ક્રિય થઈ ગયો હતો એ પતંગિયાનું નામ સાંભળતા જ જાગી ગયો અને ઈયળના સમર્થનમાં કવિતા કરવા લાગ્યો કે ઇયળ બગીચાની સુંદરતા છે, વગેરે વગેરે. પછી મેં મારી અંદરના કવિને કહ્યું, `અબે ઘનચક્કર, આ ઈયળો ચણાનાં ખેતરો ખાઈ રહી છે ને આવતા વર્ષે ભજિયા ને ચણાના લાડુ મોંઘા થવાની શક્યતા છે. ચૂપ રહે મૂર્ખ કવિ!’
જ્યારે છાપાઓમાં ઈયળ વિશે અવાજ ઊઠ્યો ત્યારે નેતાઓએ પણ ભાષણ આપવાનું શરૂ કર્યું (અથવા કદાચ નેતાઓ ભાષણ આપ્યું પછી છાપવાળાઓએ અવાજ કરવાનું શરૂ કર્યું.! )
હવે સરકાર જાગી, મંત્રીઓ જાગી ગયા, અધિકારીઓ જાગી ગયા, ફાઇલો બની, બેઠકો બોલાવવાની શરૂ થઈ, રસ્તાઓ પર નિવેદનોનાં ઝાડુ ફરવા લાગ્યા, કાર્યકર્તાઓએ પાંખો ફફડાવી અને ગામડાંઓ તરફ ઉડાન ભરી. ઇયળનો મુદ્દો છેક દિલ્હી પહોંચ્યો. ઇયળના રિપોર્ટે રાજધાનીને ઘેરી લીધી. તરત આદેશો છૂટ્યા. સરકારી જીપોએ ગડગડાટ કર્યો. હેલિકૉપ્ટરો ને વિમાનો દ્વારા ખેતરો પર જંતુનાશક દવાનો છંટકાવ થયો.
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગઃ પૂર ને સરકારી સૂર… સમસ્યાનાં સોલિડ સમાધાન!
બિચારા ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા. પાક બચ્યો કે નહીં એની ખબર નથી, પણ સરકારી પાર્ટીના વોટ પાક્કા મજબૂત થયા. વિપક્ષે મામલો ઉછાળ્યો કે જો વિમાનો આમ ખેતરો પર જંતુનાશક દવા છાંટતા રહેશે, તો એમના મૂળિયાં નાશ પામશે.
એ પછી એક કૃષિ ઓફિસરે મને કહ્યું, `ચાલો, ઈયળ નાબૂદીની પ્રગતિ જોવા માટે ખેતરોમાં જઈએ. તમે પણ જીપમાં બેસી જાવ…’ મને થયું ચલો, આ બહાને ખબર પડશે કે ચણાના છોડ હોય છે કે ઝાડ? હું જીપમાં બેસી ગયો. આખા રસ્તે હું સરકારી અધિકારીઓ વિશે ખરાબ ખરાબ વાતો કરીને એનું મનોરંજન કરતો રહ્યો. દોઢ કલાક પછી ચારે બાજુ ખેતરો હતા ત્યાં પહોંચ્યા. જુનિયર ઓફિસર ત્યાં રાહ જોતો ઊભો હતો.
અમે નીચે ઊતર્યા અને મેં ધ્યાનથી જોયું કે ચણાના છોડ જ હોય છે ઝાડ નહીં. ત્યાં મેં ખેડૂતને પૂછ્યું, તમે ખેતરો ખોદો, ત્યારે શું નીકળે?'
માટી!’
`એનો અર્થ એ કે પ્રાચીન સમયમાં પણ અહીં ખેતરો હતા.’ મેં કહ્યું.
મને ઇતિહાસમાં થોડો રસ છે. ખોદકામ દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. ખોદકામ પછી જો કોઈ શહેર બહાર આવે છે તો સમજવું જોઈએ કે પ્રાચીન સમયમાં ત્યાં એક શહેર હતું અને જો ફક્ત માટી બહાર આવે છે તો સમજવું જોઈએ કે ત્યાં ખેતરો હતા. અને જો માટી પણ ના નીકળે તો સમજવું કે ખેતરો પણ નહોતા.
સિનિયર ઓફિસર એના જુનિયર ઓફિસર સાથે વાત કરતાં કરતાં ચાલતા હતા.
`શું આ ખેતરમાં કોઈ ઈયળો નથી?’, સિનિયરે પૂછ્યું.
`ના, નથી.’
`મને તો કેટલીક દેખાય છે.’, સિનિયર ઓફિસરે કહ્યું.
`હા, આટલી તો હંમેશાં હોય જ છે.’ જુનિયર બોલ્યો.
`છતાં મેં સાંભળ્યું છે કે આટલી પણ આખું ખેતર સાફ કરી શકે. ખેતર પર છંટકાવ કરવો જોઈએ. તમને શું લાગે છે?’
`સાહેબ, તમે જેમ કહો એમ.’ જુનિયરે નમ્રતાથી કહ્યું.
`અરે સાંભળો, મને ચણા જોઈએ. તાજા ને લીલા. ઘરે લઈ જવા છે. જીપમાં મુકાવી દો.’
`હમણાં જ મુકાવી દઉં.’ કહીને જુનિયર ઓફિસરે ખેડૂતને ઠપકો આપ્યો :
`એય તારા ખેતરમાં ઈયળ છે?’
`ના, સાહેબ.’
`અરે, એક હતી ને.. એ ક્યાં ગઈ?’
`ખબર નથી ક્યાં ગઈ.’ ખેડૂત હાથ જોડીને ધ્રૂજવા લાગ્યો.
એને લાગ્યું કે આ ગુના માટે એનું ખેતર જપ્ત થઈ જશે. જુનિયર ઓફિસરે ગુસ્સાથી ખેતરમાં ચારે તરફ જોઇને પછી કહ્યું,
`ચાલ, લીલા ચણા સાહેબની જીપમાં મુકી દે.’
ખેડૂત ખેતરમાંથી ચણાના છોડ ઉખાડવા લાગ્યો. એટલામાં સિનિયર ઓફિસરે કહ્યું,
`મને ખેતરો ગમે છે. અહીં ખરેખર સુખ શાંતિ ભર્યું જીવન છે.’ એમણે મને મૈથિલીશરણ ગુપ્તની ગામડાના જીવન પરની કવિતા સંભળાવી, જે એમણે આઠમા ધોરણમાં યાદ કરી હતી. સાહેબે કહ્યું કે જ્યારે પણ આ કવિતા મારા મનમાં આવે, ત્યારે હું જીપમાં બેસીને ખેતરોમાં આવી જાઉં છું.
હું ચણાના છોડ ઉખેડતા ખેડૂતને જોઈને વિચારવા લાગ્યો- `કવિ ગુપ્તજીને શું ખબર કે કવિતા લખીને એ શું નુકસાન કરાવશે!’
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ: ‘ખ’ ખરીદીનો ‘ખ’… ભીતરથી કોતરતી કલા
પછી અમે જીપમાં બેસીને નીકળ્યા. જીપમાં ઘણાં બધાં લીલા ચણા હતા. મેં ખાવાનું શરૂ કર્યું. સિનિયર ઓફિસર પણ ખાવા લાગ્યો. અચાનક મને લાગ્યું કે જીપ પર ત્રણ ઇયળ સવાર છે, જે ખેતરો તરફ જઈ રહી છે. ત્રણ મોટી મોટી ઇયળ… ફક્ત ત્રણ નહીં, આવી હજારો લાખો સરકારી ઇયળો છે, જે ફક્ત ચણા નથી ખાઈ રહી, એ બધી દેશનું ઘણું બધું ખાઈ રહી છે ને નિર્ભયતાથી સરકારી જીપમાં ફરી રહી છે.