વ્યંગ: પોલીસ સ્ટેશન પર ચોર ત્રાટકે તો…?!

- ભરત વૈષ્ણવ
`સાહેબ, આ પ્રેસનોટ જોઇ લો.’ કનુ કોન્સ્ટેબલે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતાપને કહ્યું.પોલીસ અને પ્રેસ વચ્ચે છત્રીસનો નહીં પણ બોંતેરનો આંકડો હોય. છાપાવાળા પોલીસના નાકમાં દમ લાવી દે. દેશી દારૂના અડ્ડા, સ્પા- મસાજ પાર્લરની આડમાં લોહીનો વેપાર, ધમધમતા જુગારખાના, લોકઅપમાં તહોમતદારને ન મારવાના બે લાખ રૂપિયા ઝૂડવા, દુષ્કર્મના કેસનાં ભીનું સંકેલાણું, હોમગાર્ડ હાઇવે પર ઉઘરાણું કરતા ઝડપાયા, ખૂનના આરોપીની લોકઅપમાં વીઆઇપી સરભરા, ઇન્સ્પેક્ટરના વહીવટદાર કોન્સ્ટેબલના કારનામાં, વગેરેના સમાચારો ખૂણેખાંચરેથી મેળવે અને ચોપાનિયા કે વર્તમાનપત્રમાં બિન્ધાસ્ત છાપે…
`આ વખતે પ્રેસનોટ દેવાની નથી.’ પ્રતાપે કાગળિયું પાછું આપતા નિરાશ થઇને કહ્યું. પ્રેસનોટને પોલીસ ખાતામા પ્રેસ તરીકે ઓળખવામાં આવે છે…
`પણ સર, કેમ પ્રેસ આપવાની નથી?’ કનુએ દાળમાં કડછો હલાવતો હોય તેમ સવાલ પૂછયો.
`યાર તમે એ લપ મુકોને’ પ્રતાપ ચિડાયો.
`સાહેબ, આપણે કેટલી તગડી રેડ પાડી છે. જાનના જોખમે બે હજાર કિલો ચાંદી પકડી છે. બસો કરોડ રૂપિયાની ચાંદી પકડી છે. એના દસ ટકા રકમ આપણને ઇનામ તરીકે મળશે. આપણી વાહવાહી થાય તેવો મોકો છે. તમને અકારણ તતડાવતા આઇજી સાહેબ તો સમાચાર સાંભળીને કોલસો થઇ જશે. ડીજીપી સરની શાબાશી મળશે. નાનો- મોટો મેડલ મળશે. સર્વિસ બુકમાં એન્ટ્રી થશે. આપણા પ્રમોશન- બ્રમોશન પણ થશે.’ કનુ મુંગેરીલાલ બની ગયો.
આ પણ વાંચો: વ્યંગ : બેસણામાં ઉઠમણું…!
`કનિયા, મૂંગો મરીશ કે ભોડામાં અડબોથ આલું? જા ગલ્લે જઇને ચા કહી આવ અને મારું તમાકુવાળું પાન લઇ આવ.’ પ્રતાપે પેલા કોન્સ્ટેબલ કનુને કામ ચીંધી દીધું. પ્રતાપને એક ચિંતા કોરી ખાતી હતી.
પોલીસ ચોકીમાં તો મુદ્ામાલ રૂમ હોય નહીં. મુદ્ા માલ રૂમ હોય તો પણ નરસિંહ મહેતાના ઉતારા જેવા હોય. કોઇ લાત મારે તો બારણું તૂટી જાય.મુદ્ા માલ રૂમમા બધું ઠાંસી ઠાંસીને ભર્યું છે. ચલણી નોટો ઉંદરડા ચાવી જાય છે. દારૂની બોટલ, દેશી દારૂની પોટલીની ગંધથી માથું ચડી જાય છે. ભગતડા ઝાઝા અને વૈકુંઠ નાનું એવી દશા છે.
`કનુ અહીં આવ.’ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતાપે એક દિવસ કનુને સામેથી બોલાવ્યો.
`યેસ સર.’ કહી કનુએ સલામ ઠોકી.
`કનુ, આ પ્રેસની પચાસ ઝેરોકસ કોપી કરાવી તમામ પત્રકારોને મોકલી આપ. આ પ્રેસ કાલના પેપરમાં છપાવી જોઇએ.’ પ્રતાપે કડક સૂચના આપી.
આ પણ વાંચો: વ્યંગઃ બે પાકિસ્તાનીએ કંઇ ફતેહની પાર્ટી કરી?
`સર આ શેની છે?’ આપણે કોઇ ડંકી રૂટ કે કબૂતરબાજીનો પર્દાફાશ કર્યો છે?’ કનુએ પ્રેસ વાંચ્યા વગર પ્રતાપને પ્રશ્ર પૂછયો.
`કનુ, કેટલી ચોપડી ભણેલો છે?’ પ્રતાપે સીટી વગાડતા પૂછયું.
`સાહેબ, નોન મેટ્રિક પાસ છું.’ કનુએ અંચબો પામી જવાબ આપ્યો. સાહેબના મનમાં કંઇક ગડમથલ ચાલે છે એ તે વાત નક્કી છે.
`તો ડોબા ,વાંચી લે. પ્રેસ ગુજરાતીમાં છે. ઉર્દૂમાં નથી.’
ક્નુ પ્રેસનોટસ પર નજર ફેરવી ગયો.
`વાંચી લીધી?’ પ્રતાપે પૂછયું.
`હા સર.’
`કેવી છે? કાલે પેપરમાં આવશેને?
`બોસ, પાંચ લિટર દેશી દારૂ અને વીસ લિટર વોશ પકડવાની નેત્રદીપક કામગીરીમાં પોલીસ વડાનું નેતૃત્વ, રેન્જ આઇજીનું દિમાગ, એસપીનું કૌશલ, ડીવાયએસપીની કુનેહ, પીઆઇની ચપળતા અને તમારું શૌર્ય તો સમજ્યા, પણ પ્રેસમાં ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને પીએમ સાહેબનું નામ પણ ઉમેરો તો સોનામાં નહીં તો કથીરમાં સુગંધ ભળે.’ કનુએ વ્યાજસ્તુતિ અલંકાર વાપર્યો.
આ પણ વાંચો: વ્યંગ : આ મુંહ દિખાઇ તો મોંઘી પડી…
`કેમ કનિયા, બહુ આડો ફાટ્યો છે? તારા કાળા કામોના કાળા ચીઠા મારી પાસે છે. બહુ ટણી કરીશ નહીં. હું તારો બોસ છું.’
`સર, મારા મનમાં એક સવાલ ઊભો થયો છે.’ કનુએ મૂંઝવણને વાચા આપી.
`કનુ , તું સવાલ પૂછી લે. નહીંતર તારા પેટમાં દુખ્યા કરશે’ પ્રતાપે પરવાનગી આપી.
`જ્યારે આપણે ચાંદી પકડી. ઘરેણાં પકડ્યા, મોબાઇલની દુકાનનાં થયેલ ચોરીનો મુદ્ામાલ પકડ્યો. આપણી પીઠ થાબડવાની તક હતી. ત્યારે તમે મેં લખેલી પ્રેસ છાપામાં આપવાની ના પાડી. આજે પાંચ લિટર દારૂ પકડ્યો એની પ્રસિદ્ધિ કરવા તલપાપડ થયા છો. યેહ કુછ હજમ નહીં હુઆ.’ કનુની વાત સોળ આની સાચી હતી.
કનુ, આપણા જ પોલીસ સ્ટેશનની હાલત તો તારાથી અજાણી નથી. મુદ્ા માલ રૂમમાંથી ગાંજો, દારૂ, કાગળો અને રૂપિયા પગ કરી જાય છે.
ચોરને ઘરે ચોર પરોણા’વાળી કહેવત સાંભળી હશે. હવે તો કોટવાલની ચોકીમાં ચોર મહેમાન થાય છે. જ્યારે કોર્ટ મુદ્ામાલ રજૂ કરવા કહે ત્યારે આપણી બેઇજ્જતી થાય છે.’ પ્રતાપ લાંબુંલચ બોલ્યો.
આ પણ વાંચો: વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?
`એટલે’ કનુએ આંખ પહોળી કરીને સવાલ કર્યો.
`આપણે ક્યાંક રેડ કરીએ અને તેની પ્રેસ આપીએ એટલે ચોરચકકાને ખબર પડી જાય કે આપણી પોલીસ ચોકીમાં આંકડે મધ છે. ચોર આપણે ત્યાં ચોરી કરી જાય અને આપણું નાક કપાઇ જાય. એવું ન થાય એટલે હેડકવાર્ટરથી રેડ કરીને પકડેલ સોનું, ચાંદી, રોકડ, દારૂની રકમની માહિતી પ્રેસ ન આપવાનો નિર્ણય લીધો છે.’ પ્રતાપે પાના ઓપન કર્યા. ન રહેંગા બાંસ ન રહેંગા બાંસુરી!
કનુ કોન્સ્ટેબલ સબ ઇન્સ્પેક્ટર પ્રતાપને ફાટી આંખે જોઇ રહ્યો.