વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

મંદી નડે છે? ચુનિયો છે ને…

મસ્ત રામની મસ્તી – મિલન ત્રિવેદી

ચુનિયાએ આ કટોકટીની પરિસ્થિતિમાં પણ ધંધો ગોઠવી લીધો છે, જેને એની કોઠાસૂઝ ગણી શકાય.

આજે સવારે મારી પાસે આવીને મને બે કંકોત્રી આપી ગયો અને જાણે એના ઘેર પ્રસંગ હોય એમ લળી લળીને ‘આવવાનું જ છે સહકુટુંબ’ તેવું આમંત્રણ પણ આપી ગયો.

મેં બંને કંકોત્રી જોઈ તો એક જ પાર્ટીની… બેમાંથી કોઈને હું ઓળખતો નહોતો મેં કહ્યું કે, તારા ઘરના પ્રસંગ હોય તો બરાબર છે આ અજાણ્યાની કંકોત્રી મને શું કામ બટકાવે છે?એવું હોય તો મારો ૧૫૧-૧૫૧ નો ચાંદલો લખી લે.’

એ મને કહે, ‘તમે સેલિબ્રિટી છો એટલે દરેકને એવું હોય કે મારા પ્રસંગમાં આવે તો પ્રસંગ યાદગાર બને અને આ આપણો નવો બિઝનેસ છે એટલે ‘તમારે આવવું જ પડશે.’ મેં પૂછયું:

‘શેનો બિઝનેસ શરૂ કર્યો છે’? છે કહે :

‘આ મંદીના માહોલમાં લોકોના લગ્ન કરાવી આપવાનો બિઝનેસ દરેકને હું ફાયદા જણાવું છું. અત્યારે કેટલા ઓછા ખર્ચમાં પતી જાય તે સમજાવું છું સમજી જાય તો બંને ખર્ચના ડિફરન્સના જે પૈસા થાય તેના ૧૦ ટકા લઈ લઉં છું’.

વાતમાં મને પણ રસ પડયો. મેં વિગત જાણવા માટે અડધી ચાનો ઓર્ડર આપ્યો અને બેસાડ્યો ચા આવે ત્યાં સુધીમાં તેના ખુરાફાતી મગજનું ઓપરેશન મેં ચાલુ કર્યું.

ચુનિયાએ ચાની રાહમાં ચાલુ કર્યું :

‘અત્યારે લગ્નનું નક્કી થાય એટલે તરત જ હોટલ બુક કરીશું કેટલા દિવસ કરીશું અને એમાં પણ વેવાઈ અકોણો હોય તો જામી પડે કે ડેસ્ટિનેશન વેડિંગ કરો. અરે, ભાઈ ચાર બેંકના હપ્તા ચાલે છે. ઘરે સાંજે ખીચડી કઢીથી ચલાવી લો છો અને વેવાઈને ઘરે જાવ ત્યારે કંસાર બનાવડાવો છો? અને એમાંય વચ્ચોવચ ઘી માટે ખાડા કરો છો? ’

આવા સંજોગોમાં ચુનિયાને યાદ કરી લોકો બોલાવે છે. ચુનિયાની વાતની નાંખણી જ એવી હોય કે કંસારમાં ઘી માટે ખાડો કરતો વેવાઈ ત્રણ ટંકના લાંઘણ ખેંચી આર્ય સમાજમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય. વેવાઈ હારે વાત કરતા કરતા વચ્ચે વચ્ચે ઇન્કમટેક્સ અને ઈ.ડી.ના ફોન ચાલુ હોય. વેવાઈના ચહેરા ઉપર જો તેમ છતાં કરચલી ન પડે તો એકાદ ફોન સીબીઆઈનો પણ વચ્ચે આવી જાય..

તમને એમ છે ને કે ચુનિયાને આટલી બધી ઓળખાણ ? હકીકતમાં આ ત્રણ ખાતાના અધિકારી તરીકે એના જ ત્રણ લેણિયાત મિત્રો -પાનવાળો – ચાવાળો અને પંચરવાળો હોય . એના નંબર ફોટા નામ સાથે સ્ટોર કરેલા છે. જૂની ઉઘરાણી પાકી જાય તેવી આશાએ ત્રણેય ચુનિયાની મદદ કરે છે. આ ત્રણેય ‘અધિકારી’ ઓ સાથે વાત કરતા કરતા સામે અજડ વેવાઈ સાથે પણ વાત કરતો જાય:

‘ખોટા ખર્ચા કરે છે.અને એમની પાસે આ હિસાબે ઘણા રૂપિયા હશે તો રેડ પાડો ’ એવું જણાવે.
આટલી વાત કર્યા પછી ચુનિયો પાર્ટીને કહે છે કે આ એક પાર્ટી માનતી નથી એટલે પછી આ રસ્તો અપનાવવો પડ્યો. તમારી જેવા બધા સમજુ ન હોય.

બસ, આ માસ્ટર સ્ટ્રોક માર્યા પછી તાકાત છે કે કોઈ ચમરબંધી ચુનિયાની વાત ન માને?

બંને પાર્ટી જે ખર્ચ કરવાની હોય અને પછી જે ખર્ચ હવે થવાનો હોય તેના ડિફરન્સ ના ૧૦% બંને પાર્ટી હસતા મોઢે ચુનિયાને આપે.

ખરેખર આમ જુઓ તો બેરોજગારી છે જ નહીં જેની પાસે થોડું મગજ છે અને જેને કામ કરવું છે તે શ્રાદ્ધમાં કાગડા ભેગા કરવાનો કોન્ટ્રાક્ટ લઈને પણ કમાઈ શકે છે.

હમણાં મારે મુંબઈ કાર્યક્રમ હતો. બહાર નીકળી ટેક્સી કરી હું બરાબર મલાડ પહોંચ્યો ત્યાં એક ફરસાણવાળાની દુકાન વખણાય છે અને હું ખાવાનો શોખીન એટલે પાછળ બેઠા બેઠા મેં ટેક્સીવાળાના ખભા ઉપર હાથ મૂક્યો. હજુ હું ઊભા રહેવા માટે કહું તે પહેલા તો એટલો બધો ગભરાઈ ગયો. શ્ર્વાસ અધર ચડી ગયો છાતી ધમણની જેમ ફુલવા લાગી અવાજ નીકળવાનો બંધ થઈ ગયો. રેબઝેબ થઈ ગયો મને એમ થયું કે આને હૃદયરોગનો હુમલો આવ્યો કે શું ? આજે મારો કાર્યક્રમ રખડી પડશે જો આને દવાખાને લઈ જવો પડે તો….

એના મેં પર પાણી છાંટીને એને પાણી પીવરાવ્યું એને પૂછ્યું કે ભાઈ તારી તબિયત બરાબર છે ને શું થયું? પાંચેક મિનિટ પછી સ્વસ્થ થયો અને કહ્યું કે ‘ ભાઈ, તમારો વાંક નથી… ટેક્સીમાં આજે મારો પહેલો દિવસ છે અત્યાર સુધી હું શબવાહિની ચલાવતો હતો….!’

આખી વાતનો મને તાળો મળી ગયો. શબવાહિનીમાં કોઈએ પાછળથી ખભે હાથ મૂક્યો ન હોય અને જો મૂકે તો અત્યાર સુધી તે કોઈ પણ પ્રકારની ગાડી ચલાવવા માટે આ પૃથ્વી ઉપર ન રહ્યો હોય…! .

લોકો મંદીના વાતાવરણમાં ગમે ત્યારે ધંધો બદલી નાખે છે એમાં ચુનિયા જેવા લોકો જુગાડુ થઈ ગયા છે ….

વિચારવાયુ:

ચાની ટપરી પર ચર્ચા હતી કે મંદી ખૂબ છે. બે -ચાર ખેસ નાખેલા મિત્રો બોલ્યા : ચાર પક્ષના જુદા જુદા ખેસ ખભે રાખો પછી જુઓ કેટલી કેશ આવે છે….મંદી દૂર દૂર સુધી નડશે નહીં

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…