વીક એન્ડ

મહાન બનવાના હવાતિયાં મારતું અમેરિકા પતનના અંતિમ તબક્કે?

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

કોઈ મહાસત્તાનું પતન એ પણ કેટલાક ચોક્કસ તબક્કામાં વહેંચાયેલી ઘટના છે. છેલ્લી ચાર-પાંચ સદીનો વિશ્વનો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે જુદા જુદા સમયે મહાસત્તા બનેલા દેશો એકસરખી પેટર્ન અનુસરીને પતન પામ્યા ને પોતાનું મહાસત્તા તરીકેનું પદ ગુમાવી બેઠા. હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ… પુનરાવર્તન થતું રહે છે. જોવાની ખૂબી એ છે કે છેલ્લી પાંચેક સદીઓ દરમિયાન યુરોપે મહાસત્તાઓ બનવાનો અને પતનનો જે ઇતિહાસ જીવ્યો. એ આજે ફરી એક વખત વૈશ્વિક ફલક પર ક્રમશ : આકાર લઈ રહ્યો છે.

ફ્લેશબેકથી માંડીને સાંપ્રત સુધીની. વાત વિગતે સમજવા જેવી છે. ભારત જવા માટેનો જળમાર્ગ ખોજવા નીકળેલા કોલંબસે 1492માં અમેરિકા શોધી નાખ્યું. એ સાથે જ ઉત્તર અને દક્ષિણ અમેરિકાની ગોલ્ડ માઈન્સ (સોનાની ખાણો) યુરોપ માટે ખુલી ગઈ. સૌથી મોટો લાભ મજબૂત લશ્કરી તાકાત ધરાવતા સ્પેનને મળ્યો. એ વખતે અમેરિકાથી આવતા સોના-ચાંદીના જથ્થાએ સ્પેનની અર્થવ્યવસ્થાને જબરદસ્ત મજબૂતી આપી. આખા યુરોપની અર્થવ્યવસ્થા સ્પેનની આર્થિક તાકાતના પ્રભાવ હેઠળ હતી. માણસ હોય કે મહાસત્તા, અમર્યાદ સંપત્તિ મળ્યા બાદ એ વધુ લાલચુ, વધુ ક્રૂર બનીને વિશ્વવિજેતા બનવાનાં સપનાં જોવા માંડે છે.

સ્પેનિશ સત્તાધીશોને આખી દુનિયા કબજે કરવાના સપનાં આવવા લાગ્યા. એ વખતે બીજા કોઈ દેશ પાસે એવું પાયદળ કે નૌકાદળ નહોતું, જે સ્પેનને ટક્કર આપી શકે. લશ્કરી તાકાતને જોરે અમેરિકા, ફિલિપાઈન્સ, ઈટાલીના કેટલાક વિસ્તારો અને નેધરલેન્ડ સુધી સ્પેનિશ સામ્રાજ્ય વિકસ્યું. જ્યાં કોઈ યુદ્ધ થતું દેખાય ત્યાં સ્પેન અખાડામાં ઊતરી પડતું. એટલું જ નહીં, પણ પોતાના આર્થિક સંસાધનો વડે યુદ્ધો સ્પોન્સર કરતું!

યુરોપની ધરતી પર ખેલાયેલા દાયકાઓ લાંબા યુદ્ધોમાં સ્પેને ભાગ લીધો. સામ્રાજ્યનો વિસ્તાર કરવાની લાલચના પરિણામે કાળનું ચક્ર ફર્યું. યુદ્ધના તોતિંગ ખર્ચ ઉપરાંત દૂરના વિસ્તારો સુધી ફેલાયેલા સામ્રાજ્યનો નિભાવ ખર્ચ કાઢવો પણ ભારી પડવા માંડ્યો. અને અંતે સ્પેનિશ તિજોરીના તળિયા દેખાયા. એટલું ઓછું હોય એમ આંતરિક અસંતોષ પેદા થવા માંડ્યો અને દેશનો વેપારી વર્ગ ઉચાળા ભરીને બીજા દેશોમાં સ્થાયી થવા લાગ્યો. સ્પેનિશ ચલણનું પણ અવમૂલ્યન થવા માંડ્યું.

આ બધાને પરિણામે સત્તરમી સદીના પ્રારંભે જ સ્પેનિશ મહાસત્તા ધરાશાયી થઇ. આર્થિક રીતે પાયમાલ થયેલા આ દેશે અનેક વખત દેવાળું ફૂંક્યું. આઠેક દાયકા સુધી મહાસત્તા તરીકેનો મોભો પામ્યા બાદ સ્પેનનું જે પતન થયું એ પછી મહાસત્તા તરીકેનું પદ પાછું ક્યારેય ન મળ્યું!

આ આખો ઘટનાક્રમ તમને સાંપ્રત સમયની એક મહાસત્તા સાંકળી લેતો હોય એવું લાગે છે ને? હજી એક ઓર દાખલો જુઓ. ગઈ સદીમાં બ્રિટન વિશ્વની એકમાત્ર મહાસત્તાનું સ્થાન ભોગવતું હતું. આખા વિશ્વમાં બ્રિટને ભારત સહિતના અનેક દેશો કબજે કર્યા અને અત્યંત શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપ્યું, પણ બ્રિટનનું સામ્રાજ્ય એ હદે વિસ્તર્યું કે એનો નિભાવ કરવાનું મુશ્કેલ બન્યું. એ સિવાય સામ્રાજ્યવાદને કારણે ઉપરાછાપરી ખેલાઈ ગયેલા બે વિશ્વ યુદ્ધોએ બ્રિટનની કેડ ભાંગી નાખી.

વિશાળ સામ્રાજ્યને કારણે એક સમયે એવું કહેવાતું કે બ્રિટિશ રાજમાં સૂર્ય ક્યારેય આથમતો નથી, પણ આર્થિક રીતે પડી ભાંગ્યા બાદ નિભાવખર્ચના અભાવ સહિતનાં કારણોસર ભારત સહિતના મોટા ભાગનાં સંસ્થાનો બ્રિટિશરાજમાંથી મુક્ત થયા.અને બ્રિટને મહાસત્તા તરીકેનું પદ ગુમાવ્યું.

એક સમયે અમેરિકાને હંફાવનારા સોવિયેત યુનિયનને પણ આર્થિક નીતિઓ નડી ગઈ, અને એ મહાસત્તા પણ. નાના નાના ટુકડાઓમાં વિખેરાઈ ગઈ. હવે જો તમે મહાસત્તાઓના પતનનાં કારણોનો અભ્યાસ કરશો તો દરેક કેસમાં ચોક્કસ પ્રકારનો તબક્કાવાર ઘટનાક્રમ દેખાશે. આ ઘટનાક્રમ નીચે મુજબ છે:

(1) ઠેર ઠેર લશ્કરી હસ્તક્ષેપ:

સ્પેન, બ્રિટન અને રશિયાએ દુનિયાના અનેક ઠેકાણે લશ્કરી હસ્તક્ષેપ કરેલા અને પોતાનાં લશ્કરો મોકલીને ભારે ખુવારી વેઠેલી.

(2) ચલણનું અવમૂલ્યન:

એક સમયે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ખ્યાતિ પામતું જે-તે મહાસત્તાઓનું ચલણ ખોટા નિર્ણયો અને આર્થિક નીતિઓ થકી અવમૂલ્યન પામતું રહ્યું.

(3) દુનિયા આખીમાં ઉધારી:

અર્થતંત્રમાં પડેલાં ગાબડાઓ પુરવા માટે અને યુદ્ધોના ખર્ચને પહોંચી વળવા માટે મહાસત્તાઓ અનેક દેશો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી આંખ મીંચીને ઉધાર લેતી રહી.

(4) ઉત્પાદન બંધ થઇ જવું:

મહાસત્તા હોવાના કેફમાં રાચતી પ્રજા પોતે ફેક્ટરીમાં કે ખેતરોમાં જઈને કામ કરવાનું બંધ કરી દે છે. એમને સ્થાને બીજા દેશોમાંથી આવેલા લોકો આ કાર્ય કરે છે. અને દેશ આયાત ઉપર નિર્ભર થઇ જાય છે.

(5) સામાજિક પતન અને ઊંચો જતો ક્રાઈમરેટ:

આ વાત આસાનીથી સમજી શકાય એવી છે. એના પરિણામે બૌદ્ધિક વર્ગ દેશ છોડીને બીજે સ્થાયી થવા માંડે. નવું રોકાણ આવતું નથી. હવે ઉપરોકત પાંચે પાંચ તબક્કાઓના અભ્યાસ પછી તમારા મનમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવશે … અમેરિકા આજે વિશ્વની એકમાત્ર મહાસત્તા છે, પરંતુ મહાસત્તાનું પતન પામવાના જે જે તબક્કા છે એ અમેરિકા મહદઅંશે પાર કરી ચૂક્યું છે!

આ વાત પણ સમજી લઈએ કે અમેરિકાએ આખી દુનિયામાં પોતાના મિલીટરી બેઝ બનાવી રાખ્યા છે. લગભગ એંસી જેટલા દેશોમાં અમેરિકન સૈનિકોની હાજરી છે. આવડા મોટા સૈન્યને લડતું રાખવા માટે કેવડો ગંજાવર ખર્ચ થતો હશે! ટ્રમ્પે એટલા માટે જ થોડા સમય પહેલા `નાટો’માંથી ખસી જવાની વાત કરેલી. યુરોપની લડાઈઓનો આર્થિક બોજ અમેરિકા શું કામ વેંઢારે? જોકે થોડા જ દિવસોમાં ટ્રમ્પે યુ-ટર્ન લીધો અને હવે એ ઈરાન, વેનેઝુએલા, ગ્રીનલેન્ડ… એમ ઠેર ઠેર યુદ્ધ મોરચા ખોલવાની પેરવીમાં છે. ટ્રમ્પે આખી દુનિયા સાથે છેડેલી ટૅરિફ વોર પણ અંદરથી પોલા થઇ ગયેલા અમેરિકન અર્થતંત્રને બચાવવાના હવાતિયા જ છે. ટૂંકમાં કહીએ તો અમેરિકા પણ એ જ ભૂલો કરી રહ્યું છે જે ક્યારેક સ્પેન, બ્રિટન અને રશિયાએ કરેલી.

હવે જો મહાસત્તા પદ ગુમાવવાનો વારો અમેરિકાનો છે? જો અમેરિકા મહાસત્તા નહિ રહે તો નવી મહાસત્તા કોણ બનશે? જવાબ જટિલ છે અને અનેક પરિબળો એમાં ભાગ ભજવશે, પણ મૂળ વાત એ કે જે દેશ યુદ્ધના ચાળે ચડ્યા સિવાય પોતાના અર્થતંત્રને મજબૂત રાખી શકશે. એ જ મહાસત્તા બનશે, કારણકે મહાસત્તા બનવા માટે લશ્કરી નહિ – આર્થિક બળ વધુ કાર્યસાધક ને ઉપકારક નીવડે છે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : `1955 સિસ્ટમ’ : આ છે જાપાનની યુનિક રાજકીય વ્યવસ્થા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button