સ્થાપત્યનું વાઈ-ફાઈ: સમુદ્રમાંથી નીકળેલા છીપ જેવી રેસ્ટોરાં!

- હેમંત વાળા
આશરે 60 મુલાકાતીઓનો સમાવેશ કરી શકે તેવી, વર્ષ 2022માં તૈયાર થયેલાં આ રેસ્ટોરાંની પ્રેરણા કોઈ વિશાળ છીપમાંથી મળી હશે. ઈન્ડોનેશિયાના નુસા પેનિડામાં બનાવાયેલ આ રેસ્ટોરાં જાણે સમુદ્ર કિનારે જાતે ઊગી આવેલ મકાન સમાન છે. આ રેસ્ટોરાંના સ્થપતિ પાબ્લો લુના દ્વારા જણાવાયા પ્રમાણે આ રેસ્ટોરાં દરિયાઈ છીપ ઉપરાંત દરિયાની લહેરોને પણ પ્રતિબિંબિત કરે છે.
આશરે 265 ચોરસ મીટર જેટલાં બાંધકામ માટે જે પ્રકારના ઓર્ગેનિક – સેન્દ્રિય આકારની પસંદગી થઈ છે તે એમ દર્શાવે છે કે અહીં કુદરત સાથે સંવાદ સ્થાપવા માટે માનવ-નિર્મિત રચનાને કુદરતી હોય તે પ્રમાણે બનાવવાનો પ્રયત્ન થયો છે. એકવાર એમ જણાય કે આ રચના જાણે સમુદ્રને આલિંગન આપવા તૈયાર છે અથવા જાણે સમુદ્રમાંથી બહાર આવીને સ્વયં ગોઠવાઈ ગઈ છે અથવા જાણે સમુદ્રના પ્રસાર સમાન છે અથવા જાણે સમુદ્રની સીમાના બહારના વિસ્તારમાં અસ્તિત્વમાં આવેલી કોઈ સામુદ્રિક ઘટના છે.
આ સમગ્ર રચનાનો મુખ્ય આધાર વાંસમાંથી બનાવેલ ટ્રસ છે. તે ઉપરાંત જરૂરિયાત પ્રમાણે અહીં લોખંડની પાઇપનો પણ ઉપયોગ કરાયો છે. પરંતુ સમગ્રતામાં વાંસ પર વધુ દ્રષ્ટિ પડતી રહેતી હોવાથી સમગ્ર રચનામાં વાંસનું જ પ્રભુત્વ હોય છે તેમ લાગે છે. વાંસની પોતાની મર્યાદા છે. આ મર્યાદાના નિવારણ માટે ક્યાંક વાંસ તો ક્યાંક વાંસના સમૂહનો ઉપયોગ કરાયો છે. જ્યાં વાંસનો એકલવાયો ઉપયોગ છે ત્યાં એક પ્રકારની નરમાશ ઊભી થાય છે અને જ્યાં વાંસ સમૂહમાં પ્રયોજાયાં છે ત્યાં ચોક્કસ પ્રકારની દ્રઢતાની ખાતરી થાય છે. આ રીતે વાંસ બે ભિન્ન પ્રકારની અનુભૂતિ અહીં કરાવે છે. વાંસ આ રચનાનો આધાર પણ છે, મુખ્ય નિર્ધારક પણ છે, કલાત્મકતા વ્યક્ત કરવા માટેનું સાધન પણ છે અને કુદરત સાથે સંવાદ સ્થાપવાનું માધ્યમ પણ છે. વાંસ અહીં આવરણ પણ છે અને આવરણની બાદબાકી પણ છે. અહીં સ્થાપત્યમાં વાંસને જાણે એક ઊંચાઈ અપાઈ છે. આ રચના વાંસને એક ડિગ્નિટી – ગૌરવ અપાવે છે. સ્થાપત્યમાં વાંસ એ માત્ર ઝૂંપડી બનાવવાની સામગ્રી નથી, તેનાથી પણ ભવ્યતાની રજૂઆત થઈ શકે – આ દલીલ અહીં સાચી ઠરે છે.
હાથથી વણાયેલા વાંસના વણાટમાંથી બનાવવામાં આવેલી છત, જોડીવાળા વાંસના થાંભલાઓથી બનેલા વૃક્ષ જેવા પૂરક સ્તંભ, પ્રવેશદ્વારથી આગળ વધતા વિસ્તારમાં અને ઊંચાઈમાં રેસ્ટોરાંના વધતાં પ્રમાણમાપ, રાચરચીલાની ગોઠવણ માટે મળતી મોકળાશ, સમુદ્રને સન્મુખ રેસ્ટોરાંની મુખ્ય બેઠક વ્યવસ્થા, છીપ જેવા બાંધકામને કારણે આપમેળે મળતી ચોક્કસ પ્રકારની મજબૂતાઈ, બાંધકામની સ્થાનિક સામગ્રી અને તકનીકનો કલાત્મક તેમજ રચનાત્મક ઉપયોગ, સમુદ્રની તાજી કુદરતી હવાની નિર્બંધ આવ-જા, વરસાદના પાણીના ઉપયોગ માટે અસરકારક વ્યવસ્થા, પર્યાવરણની કેટલીક મહત્ત્વની બાબતો માટે પ્રતીત થતી સંવેદનશીલતા, વાંસના માળખાકીય બંધારણમાં રહેલાં પડકારોનું અસરકારક નિરાકરણ, આકારોની પસંદગીમાં રહેલી અર્થપૂર્ણ વિવિધતા, છીપના આકારને તેની જ અંતર્ગત ભૂમિતિ થકી મળતો આધાર અને આ બધાં સાથે વિવિધ અંગોના એકત્રીકરણના સિદ્ધાંત પર નિર્ધારિત થયેલી રચના – આ વાતો આ રેસ્ટોરાંની કેટલીક ખાસિયત છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: વરસાદનાં પાણીનો નિકાલ
ભાવાત્મક દૃષ્ટિએ જોતાં કહી શકાય કે સમગ્ર રચનામાં પ્રતીત થતો આવકાર’નો ભાવ, આજુબાજુના કુદરતી તેમજ માનવ નિર્મિત લેન્ડસ્કેપ સાથે સ્થપાતી સંવાદિતતા, કુદરતી પરિસ્થિતિ પર સ્થપાતો ન્યૂનતમ અધિકારનો ભાવ, સતત અનુભવાતી એક પ્રકારની મોકળાશ, ઊંચાઈને કારણે સમુદ્રની સાથે સાથે આકાશ સાથે પણ સ્થપાતો દ્રશ્ય સંપર્ક, કોઈપણ પ્રકારના નિયમોથીમુક્તિ’નો થતો અહેસાસ, કુદરતી ભવ્યતાની થતી અનુભૂતિ, બાંધકામના અભાવનો અહેસાસ કરાવી શકે તે પ્રમાણેનું બાંધકામ, સમુદ્રના પ્રમાણમાપને અનુસાર સર્જાતું પ્રમાણમાપ, છતની રચનાના પ્રકારને કારણે મળતી એક પ્રકારની દ્રઢ રક્ષિતની ભાવના, વળાંકોમાં રહેલી સમુદ્રના લહેર જેવી લયબદ્ધતા અને સમગ્રતામાં કુદરતી વાતાવરણ સાથે સ્થપાતો સુમેળ – આ બાબતો પણ આ રેસ્ટોરાંની ઉપલબ્ધી છે એમ કહી શકાય. આ બધાં માટે સૌંદર્યનાં કેટલાંક મૂળભૂત સિદ્ધાંતોનો ખૂબીગત ઉપયોગ કરાયો છે.
વાંસની માળખાકીય રચનાની મજબૂતી માટે પ્રશ્નો રહ્યાં હશે. સમુદ્રકિનારે કરાતી આ પ્રકારની રચના સામાન્ય રીતે વાતાનુકુલ બનાવાય, જે અહીં શક્ય ન હતું. આવી જગ્યાએ હવાના ભેજનો પ્રશ્ન પણ હોય, જેનો અહીં ઉકેલ નથી. વળી આ પ્રકારની રચનામાં છતને ઢાંકી દેવાનો પ્રયત્ન થાય છે, તેની અપેક્ષાએ અહીં સંપૂર્ણ માળખાકીય રચનાને નજરે ચડે કેવી રીતના બનાવાઈ છે. સફાઈના પ્રશ્નો પણ રહેતાં હશે. આ પ્રકારના બાંધકામની માવજત અને રખરખાવ પણ વધુ ધ્યાન માંગી લે. પ્રશ્નો તો રહેવાનાં જ, દરેક પ્રકારની રચનામાં. સમગ્રતામાં શું ઇચ્છનીય છે, કઈ બાબતને પ્રાધાન્ય આપવું છે અને કઈ બાબત સાથે બાંધછોડ માન્ય રહેશે, તે નક્કી કરવું પડે.
આ રચનાથી અને તેની સ્વીકૃતિથી એમ તો સાબિત થઈ જ શકે કે સ્થાપત્યમાં દર વખતે એક જ પ્રકારનાં આધુનિક ધારાધોરણનું અનુસરણ જરૂરી નથી. દર વખતે આધુનિકતાની માગ સ્વીકારવી પણ જરૂરી નથી. જે તે પરિસ્થિતિની પણ ચોક્કસ માગ હોય. આ માગ ક્યારેક બાંધકામની સામગ્રીલક્ષી પણ હોઈ શકે. બાંધકામની પ્રત્યેક સામગ્રીની પણ એક માગ હોય. દરેક સામગ્રી એ રીતના ઈચ્છે કે તેનો ઉપયોગ અમુક પ્રકારે થાય તો તેને મજા આવે. સમગ્રતામાં એમ કહી શકાય કે જ્યારે સ્થાપત્યનો નમૂનો કુદરતી રીતે ઊગી નીકળ્યો હોય તેમ જણાય તો તે જુદા જ પ્રકારનો સંતોષ તેમજ આનંદ આપી શકે. બની શકે કે આ પ્રમાણે આધુનિક `શહેર’માં શક્ય ન પણ હોય, પરંતુ જેટલું શક્ય હોય, જ્યાં પણ શક્ય હોય ત્યાં આ રચનાના સિદ્ધાંતનું જેટલું પણ અનુસરણ શક્ય બને તો તે ઇચ્છનીય ઘટના ગણાય.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: થોડામાં ઘણું-સાદગીની પૂર્ણતા