અમદાવાદ મેયરના નોન યુઝ લકઝુરિયસ બંગલામાં રાજુ રદ્દીને રહેવા જવું છે!
ઊડતી વાત-ભરત વૈષ્ણવ
તમારે ક્યાંક છેડા હોય તો લગાડજો!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઇ ઓળખાણ ખરી? “રાજુ રદ્દીએ તદન ધીમા અવાજે મારા કાન પાસે મેં લઇ જઇ પૂછયું. હમણા રાજુ રદ્દીના નામની શાંતિ હતી. રાજુ કયાં ખોવાઈ ગયો તે ખબર નથી. શક્ય છે કે જી-૨૦ માટેના અધિવેશન સ્થળ ભારત મંડપમાં સ્વિમિંગની પ્રેકટિસ કરવા ગયો હોય! રાજુનાં કપડાં અબીલ ગુલાલથી રંગેલા હતા. હોળી-ધૂળેટી તો ચાર-પાંચ મહિના પહેલાં ગઇ, હજુ ધુળેટીને સાત-આઠ મહિનાની વાર છે. રાજુ રદી રંગરસિયા થઇ કયાં ધૂળેટી રમી આવ્યો હશે?
“રાજુ, બે-ત્રણ મહિનાથી કયાં ખોવાઈ ગયેલ? કપડાં રંગેલા છે તો સગાઇ નક્કી કરી આવ્યો? મેં પ્રશ્રોનો મારો ચલાવ્યો!
“ગિરધરભાઇ, મહાનગરપાલિકામાં મેયરપદની અઢી વરસની પ્રથમ ટર્મ પૂરી થઇ. બીજી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી હતી. પાયાના કાર્યકર તરીકે ચૂંટણીમાં હાજર હતો! ત્યાં કાર્યકરો ધૂળેટી રમ્યા. અમને પણ હોળી રમાડી! રાજુએ કપડાં પરના રંગનું કારણ આપ્યું.
“રાજુ, મહાનગરપાલિકામાં કંઇ કામ છે? મેં રાજુને પૂછયું.
“ના રે ના રાજુનો જવાબ.
“રાજુ, જન્મનો દાખલો કઢાવવો છે? મેં સવાલ કર્યો.
“ના, રાજુનો જવાબ વિધાનસભામાં વિપક્ષોની સંખ્યા સંકોચાઇ તેમ સંકોચાયો.
“ટેન્ડર મંજૂર કરાવવાનું છે? સ્પોર્ટસ સંકુલ ભાડે લેવાનું છે? એસ્ટેટ ખાતાના અધિકારીની બદલી કરાવવાની છે? સ્માર્ટ સિટીમાં કોન્ટ્રેકટ લેવાનો છે! રિવરફ્રંટમાં પ્લોટ લેવાનો છે? કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આઉટ સોર્સમાં પ્રવાસી અજગર કે સહાયક તરીકે નોકરી કરવી છે? મેં ઘણા સવાલ કર્યા!
“ના, રાજુનો જવાબ. રાજુ મૂંઝાયો. તેના પેટમાં વાત ઉછાળા મારતી હતી. હું તેને કોઠું આપતો ન હતો.
“ગિરધરભાઇ, હમણાં પ્રતિભાબેન જૈન નામનાં નવા મહિલા મેયર ચૂંટાઇ આવ્યાં. કિરીટ પરમાર નામના મેયર આગળ ભૂતપૂર્વનો સિક્કો લાગી ગયો. રાજુ શું કહેવા માંગે છે તે ક્લિયર ન થયું!
“હમમ, મેં મિતાક્ષરી જવાબ આપ્યો. હું મારું અજ્ઞાન પ્રદર્શિત કરવા માગતો ન હતો! જે કાંઇ હશે તે વાજતું ગાજતું માંડવે આવશે!
“ગિરધરભાઇ, અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના પ્રથમ નાગરિક કે નાગરિકોના નિવાસ માટે લૉ ગાર્ડન ખાતે મહેલનુમા લકઝુરિયસ બંગલો બનાવ્યો છે! આશરે એક હજાર વારના પ્લોટ એરિયામાં બનેલો એક માળનો આ બંગલો સાડાત્રણ વર્ષ પહેલાં જ રિનોવેટ કરાયો હતો. તદ્દન નવા રાચરચીલા-વોલ પેઈન્ટ અને મનમોહક એલિવેશન ધરાવતા આ આલીશન બંગલાનું નવીનીકરણ કરાયું છે. રાજુએ આર્કિટેકટ બની બંગલાની વિગતો જણાવી.
“રાજુ, મારે મેયર બંગલાનું ખાટું કે ગળ્યું અથાણું કરવાનું છે? મેં અકળાઇને રાજુને કહ્યું.
“મેયર બંગલા તરીકે ઓળખાતો આ બંગલો અત્યંત વૈભવી છે. મેયર બંગલો પહેલાં ટ્રાન્સપોર્ટ મેનેજર બંગલો તરીકે ઓળખાતો હતો. વર્ષ ૧૯૫૪માં આ બંગલો બનાવવામાં આવ્યો હતો. પૂર્વ મેયર અમિત શાહના કાર્યકાળમાં આને મેયર બંગલો તરીકે ઓળખ મળી હતી. ૨૦૧૮માં બીજલ પટેલ મેયર હતાં ત્યારે વર્ષો બાદ પહેલીવાર બંગલાને રિનોવેટ કરાયો હતો. આશરે રૂ.૧.૨૦ કરોડની આસપાસના ખર્ચે આ બંગલાનું રિનોવેશન કરી એને અત્યંત વૈભવી સ્વરૂપ અપાયું હતું. એક માળના આ બંગલામાં ચાર એસી બેડરૂમ, એક એસી કોન્ફરન્સ હોલ, એક ઓફિસ, રસોડું વિથ ડાઇનિંગ હોલ, જિમનાં સાધનો અને ગાર્ડન સહિતની એમેનિટી છે. અસિત વોરા એવા એકમાત્ર પૂર્વ મેયર છે, જેઓ વેકેશનના સમયગાળામાં જ પરિવાર સહિત મેયર બંગલો રહેવા જતા હતા. જ્યારે શહેરના પોશ વિસ્તારમાં બંગલો ધરાવતા હોવા છતાં ગૌતમ શાહ, બીજલ પટેલ, માલિનીબેન અતીત, મીનાક્ષીબેન પટેલ સહિતનાં પૂર્વ મેયરો આ બંગલામાં રહેતાં હતાં. એવા પણ અનેક મેયર છે, જેઓ આ બંગલોમાં ૪-૬ મહિનાની ટર્મ હોય તોપણ રહેવા ગયા હતા. પૂર્વ મેયર કાનાજી ઠાકોર આ બંગલામાં રહ્યા ન હતા. કાનાજી માધુપુરા વોર્ડના કોર્પોરેટર હતા અને ૨૦૦૮ની સાલમાં અમદાવાદના ૩૭મા મેયર બન્યા હતા. કાનાજી ચાલી વિસ્તારમાં રહેતા હતા અને મેયર બન્યા હતા છતાં પણ તેઓ એક દિવસ પણ આ બંગલામાં રહેવા ગયા ન હતા. જ્યારે તેમણે મેયર તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે જ કહ્યું હતું કે હું ત્યાં નહીં, પરંતુ મારા ચાલીના જ મકાનમાં રહીશ. આ કારણથી જ આજે પણ જે લોકોને મેયરનું કામ હોય તેઓ લો-ગાર્ડનના ભવ્ય બંગલામાં નહીં, પરંતુ બાપુનગરની ચાલીના મકાનમાં શહેરના પ્રથમ નાગરિકને મળવા જાય છે. તાજેતરમાં ભૂતપૂર્વ મેયર બનેલા અભૂતપૂર્વ કિરીટ પરમાર એક દિવસ માટે પણ આ બંગલામાં રહેવા ગયા ન હતા. આજે પણ તેઓ બાપુનગર સ્થિત પોતાના ચાલીવાળા મકાનમાં જ રહે છે. નવનિયુકત મેયર પ્રતિભાબેન પણ મેયર બંગલામાં રહેવા જવાના નથી! રાજુએ કહ્યું.
“રાજુ, મેયર બંગલામાં કોઇ રહેતું ન હોય અને મેઇન્ટેન્સ ખર્ચ કરવામાં આવતો હોય એટલે લાખના બાર નહીં પણ બે હજાર કરવા જેવું જ કહેવાયને? મેં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો.
“ગિરધરભાઇ, આ બંગલો વધુ અઢી વરસ ખાલી રહેવાનો છે! રાજુએ પૂરક માહિતી રજૂ કરી.
“રાજુ, આ મેયરબંગલાયણ મને શા માટે સંભળાવે છે? રાજુ બિરબલ સ્ટાઇલથી ખીચડી પકાવી રહ્યો હતો!
“ગિરધરભાઇ, મારો પહેલો સવાલ પૂછવાનો એ જ મતલબ હતો કે મહાનગરપાલિકા કે પાર્ટી હાઇકમાન્ડમાં તમારી ઓળખાણ હોય તો ઓળખાણનો જેક લગાવીને વરસોથી ખાલી રહેલા મેયર બંગલામાં રહેવા જવું છે. આપણે મહિને સવા પાંચ કે સવા એકવીસ રૂપિયા શુકન એટલે ભાડા તરીકે ચૂકવીશું. ખાલી રહેલો બંગલો વપરાય અને મ્યુનિસિપલ કોર્પોરેશનને રેવન્યુ લોસ થાય છે તે બંધ થાય અને મ્યુનિસિપલ કોર્પોરેશન બે પાંદડે થાય! ગોળ વિના સૂનો કંસાર, મા વિના સૂનો સંસાર એમ મેયર વિના સૂનો મેયર બંગલો જોઇને મારું હૃદય દ્રવી ઊઠે છે માટે મેયર બંગલામાં રહેવા જવું છે! રાજુએ ઇન્ટેન્શન ડીસકલોઝ કર્યો.
“હેંહેંહેંહેંઅ મારા કાનમાં ધાક પડી હોય તેવી મેં પ્રતિક્રિયા આપી! મારે તો વાંચકો સિવાય કોની ઓળખાણ હોય? તમારે ક્યાંક છેડા હોય તો લગાડજો! રાજુની ખ્વાહિશ પૂરી કરજો!
“સાલ્લુ, રાજુ રદ્દીના ભેજામાં કેવા કેવા તુંબડાં ભરેલા છે? રાજુ રદ્દી ઓલવેઇઝ રોકિંગ! ઉ