વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: વરસાદનાં પાણીનો નિકાલ

હેમંત વાળા

મૂળમાં આ વિચાર જ અયોગ્ય છે. વરસાદનું પાણી એ નિકાલ કરવા જેવો બગાડ નથી, તે તો સંપત્તિ સમાન કુદરતનો આશીર્વાદ છે. પોતાની પાસે રહેલી સંપત્તિનો જેમ નિકાલ કરવાનો ન હોય, પણ ઉપયોગ કરવાનો હોય તેમ વરસાદના પાણીનો પણ નિકાલ કરવાની વાત ન કરાય, તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, તેની ચર્ચા થવી જોઈએ. જો કે આજે પરિસ્થિતિ એ પ્રમાણેની છે કે વરસાદના પાણીના નિકાલ વિશે સમાજ અને સત્તાધીશો ચિંતિત રહે છે.

પ્રશ્ન આપણે જ ઊભો કરેલો છે. ગમે ત્યાં બાંધકામ કરેલું છે, ગમે ત્યાં પુરાણ કરેલું છે, ગમે ત્યાં આડાશ ઊભી કરી
દીધી છે અને એ બધા પછી કોઈ અસરકારક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરાઈ. મોટા વિસ્તારમાં, મોટા શહેરોમાં આવી વૈકલ્પિક વ્યવસ્થા બહુ મુશ્કેલ અને જટિલ રહે. તેની અસરકારકતા પણ સામાન્ય વરસાદ સુધીની જ હોય. જ્યારે વરસાદની માત્રા વધી જાય ત્યારે આ વ્યવસ્થા વામણી સિદ્ધ થાય. આની બધાને ખબર છે. છતાં પણ આજની તારીખે પણ, ભારતના પ્રત્યેક શહેરમાં, વરસાદના કુદરતી પ્રવાહ અવરોધવાની પ્રક્રિયા ચાલુ જ છે.

આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: થોડામાં ઘણું-સાદગીની પૂર્ણતા

બધા બૂમો પાડે છે. બધાને તકલીફ પડે છે. બધાને નુકસાની વેઠવી પડે છે. આ બધા પાછળનું કારણ પણ બધાને ખબર છે. બધા પાસે ઉકેલ માટેની સમજ પણ છે. છતાં પણ પરિણામ કશું નથી આવતું. બધા થોડાક સમય માટે સત્તાધીશોને
આમતેમ સંભળાવી અંતે પોતપોતાના કામે ચડી જાય છે. કોઈ લાંબા ગાળાના કાયમી ઉકેલ માટે પ્રયત્ન નથી કરતું. બધા જ પાછા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે પુરાણ કરતા જાય છે. બધા જે તે જવાબદારી સરકારની છે તેમ માની પોતાનો મનસ્વી વ્યવહાર ચાલુ રાખે છે.

માનવીમાં એટલી બુદ્ધિ તો છે જ કે તે સમજી શકે કે વરસાદનું પાણી કઈ તરફ વહી જશે, અને આગળ જતાં કયાં કુદરતી સ્ત્રોતને મળી શકે. સામાન્ય સરવે – મોજણી દ્વારા તે જાણી શકાય. આ માર્ગમાં કશે અવરોધ ન ઊભો થવો જોઈએ. આ માર્ગની પાણીના વહનની ક્ષમતા પણ ઓછી ન થવી જોઈએ. આ સમગ્ર વહેણ અંતે પાણીના કુદરતી સ્ત્રોત સાથે જોડાઈ જવું જોઈએ. આ બધું સમજવા માટે કોઈ તીક્ષ્ણ કે વિશાળ બુદ્ધિમતાની જરૂર નથી હોતી. સામાન્ય માનવી પણ પાણીના વહેણને થોડા ચિંતનથી સમજી શકે છે.

આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: શું ઉંદર સ્થપતિ છે?

સરકાર પણ ક્યાંક લાભાર્થી અને મજબૂર છે. લાભાર્થી એટલા માટે કે આ સમગ્ર પરિસ્થિતિમાં ચોક્કસ લોકોને ચોક્કસ
પ્રકારનો લાભ થતો હોય છે. મજબૂર એટલા માટે કે આ પરિસ્થિતિના નિવારણ માટે કડક પગલાં લેવા ભારત જેવી લોકશાહીમાં મુશ્કેલ છે. અહીં તો પોતાના ઘરે એક દિવસ પાણી ન મળે તેની માટે સરકાર બદલી નાખવા લોકો તૈયાર થાય છે – તે પણ રાષ્ટ્રહિત બાબતે વિચાર્યા વિના. સમાજની દરેક વ્યક્તિ વરસાદનાં પાણીના નિકાલના પ્રશ્નમાં સમાન રીતે જવાબદાર છે. જે વ્યક્તિ પાસે બગાડ કરવાની સંભાવના નથી તે જ જવાબદાર નથી. બાકી તો અહીં બધા જ કાગડા બધે જ કાળા છે.

મકાનોની પ્લિન્થ ઊંચી થતી જાય છે. રોડનું લેવલ પણ ઊંચું થતું જાય છે. પાણીના ભરાવાથી બચવા દરેક પોતાના પ્લોટમાં પુરાણ કરે છે. બાકી રહેલી જમીન પર લાદી પાથરી દેવામાં આવે છે જેનાથી જમીનની પાણી શોષવાની ક્ષમતા લગભગ શૂન્યવત થઈ જાય છે. વ્યક્તિગત વપરાશ માટે પણ વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા નથી પ્રયોજાતી. આમ પણ પાણીના ઉપયોગ કરતાં પાણીના બગાડની સંભાવના વધતી જ જાય છે. જેને કારણે શુદ્ધ પીવા લાયક પાણીની માગ વધે તે સ્વાભાવિક છે. એક બાજુ માગ વધે છે અને બીજું વરસાદનાં પાણીને બગાડ ગણી એના નિકાલની વ્યવસ્થા માટે પ્રયત્ન કરવામાં આવે છે.

આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા

જ્યારે સત્તા મંડળ કે સરકાર પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં ઉણા ઉતરે ત્યારે સામાજિક સંસ્થાઓએ તથા સંવેદનશીલ વ્યક્તિઓએ કાર્ય પોતાના હાથમાં લેવું જોઈએ. વ્યક્તિગત ધોરણે વરસાદનાં પાણીનો ઉપયોગ થઈ શકે તે પ્રમાણેની અસરકારક વ્યવસ્થા વિકસાવામાં આવે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં તો તે શક્ય બની શકે પણ શહેરી વિસ્તારમાં અન્ય પ્રકારની જરૂરિયાત રહે. વળી કેટલીક સંસ્થાઓ દ્વારા આ માટે આર્થિક સહાય માટેનું માળખું પણ હોવું જોઈએ. આ પ્રકારના પ્રયત્નને અન્ય રીતે પણ પ્રોત્સાહન મળવું જોઈએ. વરસાદનાં પાણીના ઉપયોગની સંભાવના ને વધારવાની પ્રક્રિયાને રાષ્ટ્રીય કર્તવ્ય તરીકે માન્યતા મળવી જોઈએ. જો વરસાદના પાણીનો ઉપયોગ વધે તો તેના નિકાલની જટિલતા ઓછી થઈ જાય.

ભારતીય પરંપરાગત સ્થાપત્યમાં એવી ઘણી બાબતો જોવા મળે કે જેનાથી વરસાદનાં પાણીના નિકાલની વ્યવસ્થા માટેની સંવેદનશીલતા વધી શકે. હવે તો આ માહિતી સરળતાથી મળી રહે તેમ છે. તેના પર નજર નાખવાની જરૂર છે. તેના પાસેથી શીખવાની જરૂર છે. કુદરતની જે તે બાબતનું સમગ્રતામાં કેવી રીતે આયોજન થઈ શકે એ વાત સમજવા માટે ભારતીય ઉપખંડની બહારના વિસ્તારમાંથી પણ પ્રેરણા મળી શકે તેમ છે. પ્રશ્ન ઈચ્છાશક્તિનો છે. આ પ્રકારના પ્રશ્નોના નિવારણ માટે વ્યક્તિનો સહકાર જોઈએ, સમાજ પાસે દૃષ્ટિ જોઈએ, સત્તા પાસે ઈચ્છાશક્તિ જોઈએ અને સામાજિક સંસ્થાઓમાં ચોક્કસ પ્રકારની કર્તવ્ય-નિષ્ઠા જોઈએ. આ બધું જ એકત્રિત થાય તો ચોક્કસ પરિણામ મળે. આ માટે વ્યવસ્થિત કાયદા અને નીતિનિયમો પણ નિર્ધારિત કરી શકાય. વધુ અસરકારક પરિણામ મેળવવા માટે આ પ્રકારના કાયદાનું ઉલ્લંઘન કરનાર માટે કડક સજાની જોગવાઈ પણ હોવી જોઈએ.

બધું જ શક્ય છે. કરનાર, સ્વીકારનાર અને સહકાર આપનાર, જો આ ત્રણેય પક્ષ એક સાથે રહે તો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button