વીક એન્ડ

રાહુ – કેતુ તો બંને માફિયા ગ્રહ છે…!

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

સૂર્ય- ચન્દ્ર- મંગળ અને શુક્ર જેવા ગ્રહોને તો આપણે નરી આંખે નીરખી શકીએ છીએ, જ્યારે રાહુ અને કેતુ એ ભૂત-પલિત જેવા ગ્રહ છે, જેને કોઈ ચોક્કસ આકાર નથી. તેને નથી પ્રકાશ કે નથી પડછાયો, છતાં તેના એક અશુભ દૃષ્ટિપાતથી માણસનું ધનોતપનોત નીકળી જાય છે. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણકક્ષાએ એકબીજાને ક્રોસ કરતું કે છેદતું હોય એવું તે એક કાલ્પનિક બિંદુ છે. એ અર્થમાં આ બંને ગ્રહ એક કલ્પના છે, પણ તેમની ધાક અને છાપ ગલીના કોઈ ટપોરી કરતાં ય વધુ તો ખોફનાક ગુંડા જેવી છે.

જોકે બૃહદ્ જાતકમાં રાહુ-કેતુનો ઉલ્લેખ સુધ્ધાં નથી. તેને ગ્રહ તરીકે માન્યતા નથી આપી. શકય છે કે ગ્રંથકારને આ ગ્રંથ રચાયા પછી રાહુ-કેતુ વિશેની માહિતી મળી હોય, પરંતુ ભૃગુસંહિતા લખનારને આ ગ્રહે ચોક્કસ પરચો બતાવ્યો હોવો જોઈએ, કેમ કે તેણે નવ ગ્રહોમાં રાહુ-કેતુને એક ગ્રહ તરીકેનું સ્ટેટસ આપ્યું છે અને આ રાહુ-કેતુને મહાભારતકાર વેદવ્યાસનો પરિચય હતો કે નહીં એનો ઉલ્લેખ જયોતિષશાસ્ત્રના કોઈ ગ્રંથમાં મળી આવતો નથી કિંતુ તેનો એકપક્ષી પરિચય મહાભારત રચનારનો હતો એટલે તો તેણે ભીષ્મપર્વમાં એની નોંધ લીધી છે.

આપણ વાચો: કાર્તિક પૂર્ણિમા પર કરજો આ 4 કામ, દૂર થશે રાહુ-કેતુનો દુષ્પ્રભાવ

ધૃતરાષ્ટ્ર સમક્ષ સંજય યુદ્ધસમયના વિનાશકારી ગ્રહોનું ટીવી પર (સંજય દૃષ્ટિ દૂરદર્શન!) વર્ણન કરતાં જણાવે છે કે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રની વચ્ચે રાહુ આવી ગયો છે. સૂર્ય અને ચન્દ્ર પણ રાહુના ગ્રહણયોગમાં આવી રહ્યા છે વગેરે વગેરે વગેરે.

કેટલાક માફિયા દુબઈમાં બેઠાં બેઠાં મુંબઈ અને દિલ્હીમાં આતંક મચાવે છે એ રીતે, આ રાહુ એટલો બળવાન છે કે ગ્રહણટાણે તે સૂર્ય અને ચન્દ્રને ગ્રસી લે છે- નિર્માલ્ય કરી નાખે છે. આડી લાઈનના માણસની પેઠે રાહુ વક્રગતિએ ચાલે છે એ બધાં જાણે છે. સૂર્ય તેમજ ચન્દ્ર સાથે તેને દુશ્મની કેમ થઈ એ માટેની એક દંતકથા એવી છે કે વિવિધ પક્ષો સરકાર ચલાવવા યુતિ રચે છે એ રીતે અમૃત મેળવવા સમુદ્રમંથન કરવા માટે દેવ-દાનવોએ યુતિ રચી હતી.

(જોકે આ તુલનામાં ફરક એટલો છે કે સરકાર બનાવવા કાજે યુતિ કરનાર દરેક પક્ષ પોતાને દેવ અને બીજાઓને દાનવ માનતો હોય છે.) કોઈ મોટો લગ્ન-સત્કાર સમારંભ ચાલતો હોય ત્યારે કેટલાક લોકો સુંદર-સુઘડ કપડાં પહેરીને વગર આમંત્રણે ઘૂસી જાય છે એ રીતે રાહુ પણ અમૃતની લાલચે છદ્મવેશે અમૃત પીનારાઓની પંગતમાં ગોઠવાઈ ગયો. તે સ્ટ્રો વડે અમૃતની સીપ લેતો હતો એ જ ઘડીએ સૂર્ય-ચન્દ્રની નજરની અડફેટે તે ચડી ગયો. ધાર્યું હોત તો આ બંને ભેગા થઈને રાહુને બોચીએથી પકડીને આ અમૃતપાર્ટીમાંથી બહાર હાંકી શકત,

આપણ વાચો: 30 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત યોગ, શનિ-રાહુ-કેતુ વક્રી થશે, 3 રાશિઓને થશે બમ્પર લાભ…

પણ આ પાર્ટીના તે યજમાન નહોતા અને કદાચ ત્યાંય આપણા સરકારી તંત્રની પેઠે બધુંય થ્રુ પ્રોપર ચેનલ ચાલતું હશે એટલે તેમણે ભગવાન વિષ્ણુ પાસે જઈ તેમના કાનમાં કહી દીધું કે એક તો અમૃત ઓછું છે ને ગળતું જામ છે… અમૃત પીનારાઓમાં આ ખુદાબક્ષ રાહુ ઘૂસી ગયો છે.

અમારી ફરજ તો તમારું ધ્યાન દોરવા પૂરતી જ છે, અને ભગવાન વિષ્ણુએ પોતાના ખિસ્સાવગા એવા સુદર્શનચક્રથી રાહુનું માથું વાઢી નાખ્યું. પણ ત્યાં સુધી તો રાહુના ગળા સુધી અમૃત પહોંચી ગયું હતું. તેનાં ધડ અને મસ્તક છૂટાં પડી ગયાં, પણ તે અમર થઈ ગયો! મસ્તકનો ભાગ રાહુ રહ્યો ને નીચેનો ભાગ કેતુ તરીકે ઓળખાયો.

એટલે આમ તો એક જ શરીરના રાહુ અને કેતુ એમ બે કટકા છે. રાહુ મસ્તકમાં રહે છે ને તેની છાપ માથાભારેની છે. વિષ્ણુને ખબર આપનાર સૂર્ય-ચન્દ્ર જેવા ખબરી યા બાતમીદારો પર ત્યારનો રાહુ ગુસ્સે છે. આ બંને તેના કટ્ટર વેરી છે.

આપણ વાચો: રાહુ-કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન, આ ચાર રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ…

કોઈને ત્યાં શુભ પ્રસંગે પધારવાનું વ્યવસ્થિત વિધિવત આમંત્રણ ન મળે તો આપણે તેને ત્યાં જતા નથી. પોસ્ટમાં (ને આજે તો ‘વોટસઅપ’ પર !) કોઈ કંકોતરી કે ફોન પર આગ્રહભર્યું નિમંત્રણ ન આપે તો તે મોટો ચમરબંધી હોય તો પણ સ્વમાની માણસ તેના આંગણામાં પગ નથી મૂકતો. જ્યારે આ રાહુ તો અમૃતપાન જેવા માંગલિક પ્રસંગે ગેરકાયદે ઘૂસી ગયો, કારણ કે તેની પ્રકૃતિ જ સજજનની નથી.

અસામાજિક તત્ત્વો જેવી છે. આમ પણ તે એક તોફાની ગ્રહ છે. કોઈને ગાંઠતો નથી. આથી કોઈ જાતક પર પ્રસન્ન થઈને રાહુ તેને મિલકત અપાવે તો મોટા ભાગે ઝઘડાવાળી જ હોય, મકાન હોય તો તેનું બાંધકામ પ્લાન મુજબ ન હોય એટલે કે તે જાતકના પ્લાન પ્રમાણે હોય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજૂર કરાવેલા પ્લાન પ્રમાણે ન હોય. આ બધું ધારો કે હોય તો તેનાં ટાઈટલ ક્લિયર ન હોય. ટૂંકમાં બધું સીધેસીધું ન હોય. ક્યાંક કશોક લોચો રહેવાનો જ.

અને આ રાહુ જેના પર રીઝે તેના ભવની ભાવઠ ભાંગે છે. રાહુ ચોથા સ્થાને હોય તો તે જાતકને બબ્બે મકાનોનો યોગ કરી આપે છે. એમાંય જોકે એક નંબર અને બે નંબરનાં નાણાં જેવું રહે.

આપણ વાચો: 2025 માં રાહુ અને કેતુ બદલશે ચાલ, આ ચાર રાશિના જાતકોને આખું વર્ષ થશે ફાયદો જ ફાયદો…

એક મકાન સત્તાવાર માલિકીનું હોય, જેમાં જાહેરમાં હાથ પકડીને લાવવામાં આવેલી એક નંબરની સ્ત્રી ઠાઠથી રહે અને બે નંબરના મકાનમાં બે નંબરની સ્ત્રીને બેવડા ઠાઠથી રહેવા મળે. બહારથી જોનારને લાગે કે આને કેવી લીલાલહેર છે, પણ એ બિચારાનું મન જાણતું હોય કે લહેર કેવી છે અને વિધિની પણ વક્રતા એવી છે કે રાહુની મહેરબાનીથી લોકો ઘરવાળા બની શકે છે, પણ આ ગ્રહ અત્યંત શક્તિશાળી હોવા છતાં અન્ય કોઈ ગ્રહ સાથે મારપીટ યા છેતરપિંડી કરીને પણ તે કોઈનું ઘર આંચકી લઈ તેમાં રહી શકતો નથી. આમ તો તે ઘર વગરનો, બેઘર, ખાનાબદોશ છે. કદાચ આ કારણે જ તે જે કોઈ સ્ત્રી-પુરુષ પર ખિજાય છે એનું ઘર ભાંગે છે.

રાહુની પરમ કૃપા હોય એવી વ્યક્તિઓને પણ તેના પ્રભાવની અસરથી, સીધી આંગળીએ ઘી કાઢવું ગમતું નથી. સીધા રસ્તે ધન મેળવવાનું પસંદ પડતું નથી. આથી લગ્ને રાહુ હોય એવી વ્યક્તિ લગભગ તો દાણચોરી, જુગાર, શેરસટ્ટો, એકના ડબલ કરી આપવાના ધંધા, બિલ્ડિંગ કોન્ટ્રાકટરના તેમ રાજકારણના ધંધામાં ઝંપલાવે છે. આખાય ગ્રહમંડળમાં રાહુની છાપ ડોનની છે અને એનું કનેકશન પણ અન્ડર વર્લ્ડ સાથે નિકટનું હોય છે.

આ કારણે તેની અસરવાળો જાતક પણ બનાવટ, બદમાશી, છેતરપિંડી, કૌભાંડો, વિશ્ર્વાસભંગ, નશીલા પદાર્થોની હેરાફેરી, દારૂ ગાળવાનો કુટિરઉદ્યોગ, કુકર્મો, છળકપટ, લૂંટફાટ, ચોરીચપાટી, ઘરમાં કરન્સી નોટો છાપી સરકાર સાથે હરીફાઈ કરવી, ફાઈનાન્સ કંપનીઓ સ્થાપવી અને ડિપોઝિટરો ઊંઘતા હોય ત્યારે અધરાતે – મધરાતે અંતર્ધાન થઈ જવું – વગેરે ધંધાનો ઉત્કૃષ્ટ કલાકાર બની શકે છે.

આ ગ્રહથી ઘેરાયેલો જાતક અભિમાની હોય છે. જોકે અભિમાનથી પ્રેરાઈને તે રાવણ જેવું અટ્ટહાસ્ય નથી કરતો. તે વધારે પડતો અવિશ્ર્વાસુ બને છે. લોકો પર તે વિશ્ર્વાસ નથી મૂકતો, પણ છેતરાવા માગતા માણસો તેના પર અખૂટ વિશ્ર્વાસ મૂકે છે… છેતરાઈ ગયાની ખબર ન પડે એટલી હદ સુધી. આવો માણસ બેવડું વ્યક્તિત્વ ધરાવે છે.

તેને પોતાના જ ઘરના અંધારામાં ખુદનો ડર લાગે છે અને તેની સાથે વિજાતીય પાત્ર હોય ત્યારે તેને સિનેમા થિયેટરમાં થતા અજવાળાની પણ એટલી જ બીક લાગે છે. રાત્રે પોતાના જ કોઈ કુકર્મનાં સ્વપ્ન આવવાથી ભયથી તે ચીસ પાડીને બેઠો થઈ જાય છે. આ પ્રકારના જાતકો આત્મકેન્દ્રી (આઈ સ્પેશિયાલિસ્ટ… કે પોતાના હુંને મોટો ચીતરનાર), સ્વાર્થી, નગુણા અને કદમાં ઠીંગણા હોય છે છતાં અન્યને વામન અને ક્ષુદ્ર જંતુ જેવા માનતા હોય છે ને એ રીતે જ વર્તતાય હોય છે.

તેની દરેક વાતનો મધ્યવર્તી વિષય પૈસા હોય છે. આદર્શ, નીતિમત્તા, પ્રામાણિકતા, સદાચાર અને સત્યવચન જેવા શબ્દોને તે ફાલતુ ગણે છે. આવા જાતકને એક પત્નીથી ચાલતું નથી.

રાહુની મહેરબાનીથી અમુક રોગ જાતકને અનાયાસ મળે છે. ઉદાહરણ તરીકે કોઢ, રક્તપિત્ત, સનેપાત, ગાંડપણ, પેરેલિસિસ, કેન્સર અને એઈડ્સ પણ. હા, આ એઈડ્સ પણ રાહુની દેણગી છે. આ શોધ જ્યોતિષીઓની છે. એમ તો ખુદ રાહુને પણ તેમણે જ શોધ્યો છે.

એક જ્યોતિષી મિત્રના કહેવા પ્રમાણે કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોકટરમાંના એંસી ટકા ડોક્ટરોને લગ્નસ્થાનમાં રાહુ હોય છે કે પછી ચન્દ્ર સાથે રાહુ હોય છે. આમાં કેન્સર જન્માવે છે રાહુ તેને મટાડે પણ રાહુની અસરવાળો ડોકટર. એ બંને રાહુના હાથમાં છે. આનો અર્થ એ થયો કે કેન્સરના કેસમાં રાહુ વર્સિસ રાહુ છે.

આ ગ્રહમાં શું શું આપવાની શક્તિ છે એ પણ જાણી લઈએ: વૈધવ્ય કે વિધુરત્વ, દેશનિકાલ, આજીવન કારાવાસ, ફાંસી અથવા આત્મહત્યા. આગળ રાહુપ્રેરિત જે કાર્યો દર્શાવાયાં છે તેના ફળસ્વરૂપ આ સિદ્ધિઓ મળી શકે છે.

રાહુ લગ્ને કે મેષમાં હોય એવા કિસ્સામાં જાતક ધનવાન, તાકાતવાન (આમ તો ધનમાં જ મોટી તાકાત હોય છે.) વિદૂષક (ના, હાસ્યલેખક નહીં, એન્ટરટેનર), બદસૂરત… હોરર ઑફ ડ્રેકયુલાની પેઠે દાંત બહાર નીકળી ગયેલા હોય યા દંતશૂળ હોય. આ હિસાબે દંતશૂળ ધરાવનાર દરેક હાથીને રાહુ લગ્ને કે પછી મેષનો હોવો જોઈએ.

આવો જાતક રંગે કાળો હોય, તેને નીચું જોઈ ચાલવાની અગાઉની ટેવ ખપમાં આવે. ચારિત્ર્યમાં તે શિથિલ હોય અને બોલવામાં ઉદ્ધત હોય. જોકે આ બંને દુર્ગુણ વચ્ચે વિરોધાભાસ જેવું દેખાય છે. કેમકે જાતક જો પોતાનું ચારિત્ર્ય ઢીલું રાખવા માગતો હોય, વિજાતીય પાત્રોને વશ કરવા ઈચ્છતો હોય તો સ્વાભાવિક છે કે તેણે મીઠાબોલા – મિતભાષી થવું પડે. ઉદ્ધત થવાનું તેને ન પોસાય.. રેલવે સ્ટેશન પરના હમાલને બિલ્લા નંબર અપાય છે એ રીતે રાહુનો અંક ચાર અને કેતુનો અંક છ છે.

રાહુ અને મંગળ સાથે હોય તો જાતકનું મન સ્ત્રીઓ પાછળ ભટકયા કરે… જોકે આ માટે રાહુને મંગળ સાથે હોવાની ખાસ જરૂર નથી. રાહુ શુક્રની સાથે હોય તો એ જાતકનું બળ વધે. બળ વધે એટલે પત્ની સુંદર મળે એટલું જ અથવા તો એના વિકલ્પે સુંદર લલનાઓ સાથે નૈકટય કેળવાય. જો રાહુ-કેતુ ભેગા થાય તો પતિ-પત્ની છૂટાં પડે. ડિવોર્સ થઈ જાય. જો રાહુ આ સ્થાન પરથી ખસી જાય ને તેના સ્થાને કેતુ ગોઠાવાઈ જાય તો આ જાતકને નિંદા, અપકીર્તિ અર્થાત બદનામી મળે છે.

કેતુ બીજે કે વૃષભમાં હોય તો જાતક ગણિતમાં કાચો હોય છતાં તે જ્યોતિષશાસ્ત્ર તરફ વળે અને લોકો વિષેની ખોટી આગાહીઓ તે સાચી જ પડવાની છે એવા આત્મવિશ્ર્વાસથી અખબારોની કોલમો દ્વારા ભાખ્યા કરે અને એ ભવિષ્યવાણી ખોટી પડી છે એ જાણ્યા બાદ પોતાના બચાવમાં રાહુ-કેતુનો વાંક કાઢીને કહે કે આ બંને ગ્રહો અન-પ્રિડિકટેબલ છે, જે ભલભલા જયોતિષીઓને ખોટા પાડે છે. આ બંને ગ્રહ માત્ર સૂર્ય-ચન્દ્રના જ નહીં, અમારા જેવા જ્યોતિષિઓનાય પરમ શત્રુ છે.

આ રાહુ અને કેતુમાં કોણ વધારે નખ્ખોદિયો છે યા કોણ ઓછો ઉપદ્રવી છે એ અંગે બધા જ્યોતિષીઓ એકમત નથી, પણ કેટલાક જ્યોતિષીઓ એવું માને છે કે રાહુ પ્રમાણમાં સારો અને શુભ છે. તે પોઝિટિવ છે, સારું ફળ આપે છે અને કેતુ નેગેટિવ છે, તોડફોડિયો છે, વિનાશક છે. તો અમુક જ્યોતિષીઓ કે જેમના ધંધાને કેતુએ ખાસ કોઈ નુકસાન નથી પહોંચાડ્યું તેમનો મત એવો છે કે રાહુ કરતાં કેતુ ઓછો બદમાશ, વધુ ભલો ને શુભ છે, તે મોક્ષદાતા છે.

સાતમે રાહુ યા કેતુ હોય તો એ જાતકને દ્વિભાર્યાયોગ સમજવો (લફરાં અલગ). સાતમે માત્ર રાહુ હોય એ જાતકની પત્ની ખરેખર દુ:ખી હોય અથવા તો દરેક પરણેલી સ્ત્રીની જેમ તે માનતી હોય કે આ બેવકૂફને પરણી એ કરતાં બીજા કોઈ લબાડને પરણી હોત તો પણ હું આટલી બધી દુ:ખી તો ન જ હોત…!

જેને રાહુ સાતમા સ્થાને હોય તેને સોક્રેટિસની પત્ની ઝેન્થીપી જેવી કર્કશા ભાર્યા મળે. અલબત્ત, તેથી ફિલસૂફ બનવાના યોગ વધી જાય ખરા. એમાં પણ રાહુ ને કેતુની યોગ્ય મદદ સમયસર મળી રહે તો ફિલસૂફ થવાની તક ઉજજવળ બને છે.

કેતુને કરાવવા ગમે એવા ધંધામાં ભૂતવિદ્યા, સદગત સુંદર અભિનેત્રીઓના આત્મા સાથે વાતો કરાવવી, ભૂવા-જતિ, મદારી, તાંત્રિક તેમ જ કલાકારીગીરીનો સમાવેશ થાય છે . બીજી બાજુ જેને રાહુ પજવતો હોય તેણે તેને રાજી કરવા, તેની મહેરબાની મેળવવા કાળાં વસ્ત્રોનો ઉપયોગ કરવો. શનિવારે કાળા અડદ, કાળા તલ, કાળી દ્રાક્ષ, કાળાં વસ્ત્રો ને આવું કશું ન મળે તો કાળા ધનમાંથી થોડી નાની કરન્સી નોટોનું સુપાત્રને દાન કરવું.

અત્રે એ યાદ રાખવું કે સુપાત્ર શબ્દ સાપેક્ષ છે એટલે શકય હોય તો રાહુને ખુદને જ પૂછી લેવું કે ભાઈ, તું સુપાત્ર કોને માને છે? તું કહે એને દાન આપી દઉં. જેથી સુપાત્ર બાબતનો કકળાટ તો તું ન જ કરે..! .

રાહુને રાશિમંડળની પ્રદક્ષિણા કરતાં પૂરાં 18 વર્ષ લાગે છે. છતાં તેની હરકતો કાયમ કિશોરાવસ્થાના છોકરડા જેવી જ બેજવાબદાર હોય છે.

હાસ્ય, કરુણ અને વીર વગેરે રસને અંદર અંદર મૈત્રી અને દુશ્મનાવટનો સંબંધ છે એ રીતે રાહુને સૂર્ય અને ચન્દ્ર સાથે શત્રુતા છે તો બુધ સાથે પાકી ભાઈબંધી છે.

મારા એક જ્યોતિષી મિત્રે મને જણાવ્યું કે તેને તાજેતરમાં રાહુ અને કેતુ બંને એકસાથે સપનામાં આવ્યા હતા. આ બંને ભરાડી ગ્રહોએ તેને કહ્યું કે તારા પેલા ટૂચકાબાજ મિત્ર વિનોદ ભટ્ટને ચેતવી દે જે કે અમારી મજાક – મશ્કરી તેને ભારે પડી જશે… તેને એ પણ જણાવજે કે હે કહેવાતા હાસ્યલેખક… તારો આ લેખ વાંચીને એક પણ જાતક હસવાનો નથી અને જો ભૂલેચૂકે હસશે તો પછી કાયમ માટે તે હસવાનું ભૂલી જશે…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button