વીક એન્ડ

પીડા પતી? એ તો પગે વળગી છે

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

કહેવત વિશ્વ એવું ગજબનું છે કે ક્યારે ક્યાંથી અને કેવી રીતે એનો જન્મ થાય એનું કોઈ ધોરણ નક્કી ન કરી શકાય. કોઈ ઘટના કે પ્રસંગ પણ કહેવતને જન્મ આપે છે. આ કથા પરથી વાત સ્પષ્ટ થઈ જશે. એક દિવસ એક કંજૂસ શેઠને ત્યાં મહેમાન આવ્યા. મહેમાન માટે સૂગ ધરાવતા શેઠને એને જોઈ ટાઢ ચડી. શેઠ બહાર નીકળવાનું પડતું મૂકી તરત પથારીમાં પડ્યા અને બે ચાર ગોદડાં ઓઢી લીધા. મહેમાન તો જોઈને મૂંઝાઈ ગયો.

હાથમાં રહેલા ઝોળા સાથે ઘરના ખૂણે ઊભો રહી ગયો. શેઠ તરફથી ન કોઈ આવકાર કે ન કોઈ આદર સત્કાર, કારણ કે એ તો ઇચ્છતા હતા કે મહેમાન દરવાજેથી જ પાછો ફરે. જોકે, આ મહેમાન ચતુર હતો, જમાનાનો ખાધેલ હતો. એને શેઠ પર શંકા પડી. એટલે ચુપચાપ ઘરના ખૂણામાં ઊભો રહી તાલ જોવા લાગ્યો. શેઠે સૂતા સૂતા જ બૂમ પાડી શેઠાણીને કહ્યું કે ‘જરા પગ તો દબાવ. આખા શરીરે કળતર થાય છે. તાવ આવ્યો હોય એવું લાગે છે.

‘ શેઠાણી આવીને ચંપી કરવા લાગ્યા. થોડી વાર પછી કશું કામ યાદ આવ્યું એટલે બહાર ગયાં. લાગ જોઈને પેલો મહેમાન શેઠના પગ દાબવા બેસી ગયો. શેઠને બદલાવનો અણસાર પણ ન આવ્યો.

આપણ વાચો: અજબ ગજબની દુનિયા

જોકે, પગને અડતા જ એ ઠંડા હોવાનો ખ્યાલ આવતા મહેમાન સમજી ગયો કે શેઠને તાવ બાવ જેવું કશું છે નહીં, નર્યો ઢોંગ કરી રહ્યા છે. થોડીવાર પછી શેઠાણી જ સેવા કરી રહ્યાં છે એમ ધારી શેઠે હળવેકથી પૂછ્યું કે ‘પેલી પીડા ગઈ કે નહીં?’ સવાલ સાંભળી મહેમાન ચહેરા પર સ્મિત સાથે બોલ્યા કે ‘એમ કંઈ પીડા જતી હશે? એ તો પગે વળગી છે.’ શેઠાણીને બદલે બીજો અવાજ સાંભળી શેઠ ભોંઠા પડ્યા. તેમને ખ્યાલ આવી ગયો કે આ તો પેલા મહેમાન જ છે. આ પ્રસંગ પરથી કહેવતનો જન્મ થયો.

ગુજરાતી – મરાઠી કહેવતોના સામ્યના બીજા કેટલાક ઉદાહરણ જાણીએ – સમજીએ અને ભાષા ઐક્યનો આનંદ લઈએ. देव तारी, त्यास कोण मारी મરાઠી કહેવત ખૂબ જાણીતી છે. ज्याचें परमेश्वराच्या मनांत रक्षण करावयाचें आहे, त्याचा नाश कोणाच्याहि हातून हात नाहीं. પરમેશ્વર જેનું રક્ષણ કરવા ધારે છે એનો નાશ કોઈ નથી કરી શકતું એ એનો ભાવાર્થ છે.

આટલું વાંચ્યા પછી તમને રામ રાખે એને કોણ ચાખે – રામ રક્ષે તેને કોણ ભક્ષે? કહેવત જરૂર યાદ આવી હશે. મરાઠીમાં દેવ છે અને ગુજરાતીમાં રામ હાજર છે. પંચતંત્રમાં પણ એજ ભાવાર્થ સાથે કહ્યું છે કે अरक्षित तिष्ठति दैवरक्षितम्. બે ભાષાનું સામ્ય દર્શાવતી અન્ય એક કહેવત જાણીએ: इच्छा असेल तर मार्ग दिसेल – एखादा काम किती ही अवघड असलं तरी मनापासून प्रयत्न केले तर यश मिळतो। ઈચ્છા હોય તો માર્ગ જડી જાય. મતલબ કે દિલ દઈને કામ કરવામાં આવે તો ગમે એવા મુશ્કેલ કામમાં પણ સફળતા મળે છે.

આપણ વાચો: અજબ ગજબની દુનિયા…

અસ્સલ આવો જ ભાવાર્થ ધરાવતી ગુજરાતી કહેવત છે મન હોય તો માળવે જવાય. એનો પણ અર્ઘ ઈચ્છા હોય તો બધું પાર પડે એવો જ થાય છે. अहेर नारळाचा गजर वाजंत्र्याचा – काम अगदी लहान सारखे करायचं, पण त्याचा बोभाटा मोठा करायचा. क्षुल्लक गोष्टीकरितां फार गाजावाजा केला असतां म्हणतात. આ કહેવતમાં નાની અમથી વાત માટે ખૂબ ગાજતું એવો ભાવાર્થ છે. ગુજરાતીમાં પણ કામ થોડું ને ગરબડ ઘણી કહેવત પણ આવો જ ભાવાર્થ ધરાવે છે ને.

Dog से कुछ कम नहीं है इन का bite nowadays

હિન્દી ભાષાના સાહિત્યકાર અને ખડી બોલીના હિમાયતી અયોઘ્યાપ્રસાદ ખત્રીનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો, પણ કલેકટર તરીકે તેમની નિયુક્તિ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં થઈ હોવાથી તેઓ બિહારમાં સ્થાયી થયા હતા. 1877માં તેમણે ખડી બોલીનું વ્યાકરણનું પહેલું પુસ્તક લખ્યું હતું જેના પ્રકાશક હતા બિહાર બંધુ પ્રેસ. ત્યારબાદ ખડી બોલીના પ્રસાર અને પ્રચાર માટે તેઓ સતત સક્રિય રહ્યા હતા.

1960માં પટના સ્થિત બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા अयोध्याप्रसाद खत्री – स्मारक ग्रन्थ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં उर्दू अंग्रेजी की खिचड़ी શીર્ષક હેઠળ પ્રગટ થયેલી રચના ભાષાની ભેળસેળનું ઉદાહરણ છે. આ રચના 12 ફેબ્રુઆરી, 1886માં લખાઈ હોવાનો ઉલ્લેખ છે. આ શીર્ષક હેઠળ જે કેટલીક રચના પ્રગટ થઈ છે એમાંની એક રચનાની કેટલીક પંક્તિઓ જોઈએ.

આપણ વાચો: ક્લોઝ અપ: ભેદ-ભરમની અજબ દુનિયા ને દુનિયાના ગજબ ભેદ-ભરમ!

Dog से कुछ कम नहीं है इन का bite nowadays, तसफ़िया (समझौता) सरहद के बारे हो गया अब चीन से, शोर वो शर करते नहीं mask aite nowadays, ये जो मस्ल है world के अब है semi barbarian, और वो sevage पहिले थे वह है polite nowadays, एक सिरे से काम की बातें इन्हें आती नहीं, सिर्फ आता है इन्हें to fly kite nowadays, Darkness छाया हुआ है हिन्द में चारों तरफ, नाम की भी कहीं बाकी न light nowadays.

કવિતામાં એ સમયની પરિસ્થિતિ અંગે તીવ્ર સંતાપ વ્યક્ત થયો છે. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ સંબંધ ધરાવતા શબ્દોમાં થયો છે. જેમ કે Dog – bite (શ્વાન – બચકું ભરવું) sevage – polite (ક્રૂર – નમ્ર), Darkness-light (અંધારું – અજવાળું) વગેરે. 140 વર્ષ પહેલા હિંગ્લિશનો ઉપયોગ કવિતામાં થયો છે.

હિન્દી ફિલ્મોના સંવાદમાં હિંગ્લિશના ઉપયોગનું એક વધુ સશક્ત ઉદાહરણ જોઈએ. એકવીસમી સદીના પાત્રો આવી ભાષા બળે છે જેને કારણે યંગ જનરેશનને તેમના કહેવાનો ભાવાર્થ બહુ જલદી સમજાઈ જાય છે, ગળે ઊતરી જાય છે એ સ્વીકારવું રહ્યું. હિન્દી ફિલ્મનું નામ જ અંગ્રેજીમાં છે – A Wednesday. ફિલ્મમાં આતંકવાદીઓને છોડાવવા માગતી અજાણી વ્યક્તિ કયા સ્થળેથી કામ કરી રહી છે એ જાણવા એક કિશોરને પોલીસ કમિશનર અનુપમ ખેર પાસે લાવવામાં આવે છે

એ દ્રશ્યના સંવાદો હિંગ્લિશમાં છે. એની ઓળખ આપતા પોલીસ ઈન્સ્પેક્ટર કહે છે કે इसका नाम अनुज है, सायबर क्राइम case crack करने में हमे अकसर मदद करता है. અનુપમ ખેર જ્યારે એને કમ્પ્યુટર વિશે પૂછે છે ત્યારે એ કિશોર એના અંદાજમાં જવાબ આપે છે કે ये सारे equipment outdated है.

દરમિયાન એની ગર્લફ્રેન્ડનો ફોન આવે છે ત્યારે એ બંને વચ્ચેનો સંવાદ પૂર્ણપણે અંગ્રેજીમાં છે. એ વાતચીત પૂરી થયા પછી અનુપમ ખેર એને સવાલ કરે છે કે ये होगा तुमसे? જવાબમાં કિશોર કહે છે Definitely, I am Drop – out by choice. વિચાર કરો કે આ સંવાદ શુદ્ધ હિન્દીમાં मैंने अपनी मर्ज़ी से पढ़ाई छोड़ी हे રાખ્યો હોત તો અંગ્રેજી જેવી અસર ન જ પેદા કરી શક્યો હોત. અર્થપૂર્ણ બદલાવ આવકાર્ય છે. એક મિનિટથી પણ ઓછા સમયની આ સિક્વન્સમાં હિંગ્લિશનો ઉપયોગ અલગ ઉઠાવ આપે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button