પ્રશાંત, તુમ આગે બઢો સભી ભ્રષ્ટાચારી તુમ્હારે સાથ હૈ!

વ્યંગ -ભરત વૈષ્ણવ
માણસને એક વાતનું ક્ધફયુઝન રહે છે. હૃદયમાં ડચુરો બાઝેલો રહે છે. હું પત્ની કે પ્રેમિકા વચ્ચે પીસાતા પુરૂષની વાત કરતો નથી. પત્નીના બેડરૂમમાં બેસીને પ્રેમિકાને પત્ર લખવાની ધૃષ્ટતાની વાત નથી. સિગારેટ પીતાં પીતાં નો સ્મોકિંગના ફલેકસ બેનર બનાવવાની વાત નથી! શેરબજારમાં લગડી સ્ક્રિપ્ટોમાં રોકાણ કરીને રાતા પાણીએ રોવાની વાત નથી આ.
આ દ્રશ્યમ્ ની ઘણાને જાણ હશે. એક તરફ ગુરૂ ઊભા હોય અને બીજી તરફ ગોવિંદ ઊભા હોય. બંનેમાંથી કોના ચરણમાં શીશ નમાવી સાષ્ટાંગ દંડવત કરવા તેની મીઠી મૂંઝવણ હોય.માનો કે, ફીફટી- ફીફટીનો સવાલ હોય!પછી વ્યક્તિ ગુરૂના ચરણમાં લેટી જાય છે. કેમ કે, ગુરૂની કૃપાથી ગોવિંદ મળે છે. ગોવિંદની કૃપાથી ગુરૂ મળતા નથી!
આપણે ત્યાં ગુરૂ પૂજનીય છે. દેવો અને દાનવોમાં પણ ગુરૂ સમાન રીતે પૂજનીય છે.!અલબત, કાળા કારનામાના લીધે આશારામ કે રામ રહીમ જેવા ગુરૂમાંથી ગુરૂઘંટાલ બને છે, તે વાત અલગ છે. આદિકાળથી જેમનાં ચરણોમાં રાજા-મહારાજા, સમ્રાટો પડતા હતા તેવા ગુરૂઓની આવક અમાવાસ્યના ચંદ્રની જેવી હતી. કોઇ પણની આવક આવકવેરો ભરવા જેટલી કે રિટર્ન ફાઇલ કરવા જેવી ન હતી. એમની આર્થિક અવદશા ધ્યાને લઇને કદી આઇટી કે ઇડીની રેડ પડી ન હતી.
ઉલ્ટાનું ,પાંડવ-કૌરવના ફેમિલી ટીચર એવા રાજગુરૂ દ્રૌણાચાર્ય દીકરા અશ્ર્વત્થામા માટે દૂધની વ્યવસ્થા કરવામાં પણ અસમર્થ હતા. તેમની પાસે બીપીએલ કાર્ડ પણ ન હતું અને દૂધ સંજીવની જેવી યોજના તત્સમયે અમલમાં ન હતી. પરિણામે પાણીમાં લોટ નાખીને આર્ટિફિશ્યલ મિલ્ક કે દૂધતુલ્ય પેય પીવડાવતા હતા.અશ્ર્વત્થામા ચિરંજીવી બનીને ક્યારેક દૂધ મળશે એ આશાએ દૂધની ડેરી આસપાસ સમય કસમયે ચક્કર કાટે છે!
શિક્ષકો મહેતાજી, માસ્તરજી, ગુરૂજી,ગુરુદેવ, મહેતુસ અને પંતુજી વગેરે સન્માનીય નામે ઓળખાય છે. લોકો શિક્ષકને ચાવી દીધેલ રમકડું સમજે છે! સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ ચાણક્યે તો કહી દીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા , અસાધારણ હોતા હૈ. ચડ જા બેટા શૂલીપેં લે પ્રભુકા નામ! વિદ્યા સહાયક, પ્રવાસી શિક્ષક, જ્ઞાનસહાયકના રૂપકડા નામે ઓળખાતા ગુરૂદેવો ન્યુનતમ વેતન કરતાં ઓછું વેતન મેળવે છે.
ડો. સંદીપસિંહ નામના પીએચડી હોલ્ડર ખંડસમયના અધ્યાપક એટલે એડહોક લેકચરરે પાંત્રીસ હજારની પગારડી શાંકપાંદડું પણ ખરીદ કરી શકાતું ન હતું એટલે નોકરી છોડી પીએચડી સબ્જીવાલા નામથી શાકભાજી વેચે છે!
પૂર્વકાલીન કે અલ્પકાલીન શિક્ષકો ખુલ્લા આકાશમાં-ધરાર પ્રકૃતિના ખોળે ઠંડી, ગરમી, વરસાદમાં દેશના ભવિષ્યને આકાર આપે છે.દેશના નિરાકાર ભાવિને સાકાર કરે છે! માસ્તર એટલે ખાદીના કપડાં, દોરી લબડાવેલા ચશ્માં, ચહેરા પર દીનતાનું લીંપણ કરેલ હોય, ખભે ગોઠણ સુધી લબડતો થેલો હોય, પગમાં સાદી ચંપલ હોય. ‘ભાભીજી ઘર પર હૈ સિરિયલ’ના શિક્ષક પાત્રની જેમ વારંવાર ‘સંસ્કાર નામકી કોઇ ચીજ હૈ કે નહીં’નું રટણ કરતો હોય એવું હવે નથી.
મઘ્ય પ્રદેશમાં એક સ્વનામધન્ય અને સાહસિક યુવાન સ્વબળે, આપમેળે, સ્ટાર્ટઅપ, ઇનોવેટીવ, મેઇક ઇન ઇન્ડિયા,આત્મનિર્ભર સ્નોકિમનો લાભ લઇ બે પાંદડે થયો છે!એમપી રાજ્યના પનોતો પુત્ર પ્રશાંત પરમાર આમ તો શિક્ષણ સહાયક છે. ગ્વાલિયર જિલ્લાના ઘાટીગામ બ્લોક સ્થિત સરકારી શાળામાં પ્રશાંત પરમાર સહાયક શિક્ષક તરીકે કાર્યરત છે. પગાર પાંત્રીસ ચાલીસ હજાર રૂપરડી હશે.
પ્રશાંતના નાનકડા હૈયામાં હામ ભરેલી છે. મન હોય માળવે નહીં પણ ભોપાલ જવાય એ ઉક્તિ ચરિતાર્થ કરી છે! દઢ ઇચ્છાશક્તિ , મનોબળ અને પહાડને ધૂળમાં ફેરવવાની સાહસવૃત્તિ તેમ જ મા લક્ષ્મી અને સરસ્વતીની અસીમ અને નિસીમ કૃપાથી માત્ર આઠ ખાનગી શાળાઓ અને અનેક કોલેજોના માલિક છે. પ્રશાંત ગ્વાલિયરના સૌથી પોશ વિસ્તારમાં એક ફ્લેટમાં રહે છે. ઘરનું ઈન્ટિરિયર જોઈને જ એસીબીના અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. ફ્લેટમાં ઈન્ટિરિયર પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
આ સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રશાંતની ચાર ઓફિસ છે. તેના ઘરેથી કરોડો રૂપિયાની જમીનના કાગળ મળી આવ્યા છે.પ્રશાંતના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમના ઘરમાંથી ૫.૯૦ લાખ રૂપિયા,૨.૨૫ કરોડ રૂપિયાની જમીનના દસ્તાવેજ,૩૬ લાખ રૂપિયાના ઘરેણાં પણ મળી આવ્યા છે. પ્રશાંત પરમાર મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેમની વર્ષ ૨૦૦૬માં શિક્ષણ વિભાગમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી. ૧૬ વર્ષની નોકરીમાં પગારની કુલ ૨૦ લાખ રૂપિયાની કમાણી થઈ છે. પરંતુ ,તેમની સંપત્તિ કરોડોમાં છે. વર્ષ ૨૦૦૮માં તેમણે શિક્ષણનો વેપલો શરૂ કર્યો હતો. પ્રશાંત નામનો ભ્રષ્ટાચારનો ભૂખ્યો વાઘ પાંજરે પુરાયો છે!
આવો જ બીજો કિસ્સો મધ્ય પ્રદેશની આંગણવાડી મહિલા કાર્યકર્તાનો છે. મહિલા દ્વારા અત્યાર સુધી પોતાના વેતનમાંથી માત્ર ૧૨ લાખ ૭૦ હજાર રૂપિયા કમાણી કરી છે. પરંતુ, તેની પાસે ૪૩ લાખ ૭૦૦ રૂપિયાની પ્રોપર્ટી મળી આવી.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની લોકાયુક્તની ટીમે શ્યોપુર શહેરની આંગણવાડી કાર્યકર્તાના ઘરે દરોડો માર્યો. કાર્યવાહી દરમિયાન કાર્યકર્તાના ઘરે આવક કરતાં ૩૦ લાખ વધારે સંપત્તિ
મળી આવી છે. તેની સામે એસીબી એકટ હેઠળ કેસ નોંધાયેલ છે!
મધ્ય પ્રદેશમાં પન્ના ખાતે હીરામોતીની ખાણ છે પરંતુ, હીરામોતીની ખાણ કરતાં પણ ભ્રષ્ટાચાર નામના ટોનિકની મોટી ખાણો હશે તે આજે જ ખબર પડી!વ્યાપમ્ તો હીમશીલાની ટોચ છે.!
પ્રશાંત નામ જેવા જ ગુણો ધરાવે છે. એકદમ યંગ અને ડાયનેમિક છે. ભ્રષ્ટાચારની મુખ્ય ધારાથી તો ઘણો પાછળ છે. મુખ્ય પ્રવાહ અને ધારામાં સામેલ થવા કઠોર પરિશ્રમ કરવા અને પરસેવો વહાવવાની જરૂર છે. ભ્રષ્ટાચારનો યુથ આઇકોન અને બ્રાંડ એમ્બેસેડર બને તેવી શુભેચ્છા!સ્ટાર્ટઅપમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ એ મોટું ગણાય છે. દસ હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ
યુનિકોર્ન સ્ટાર્ટઅપ ગણાય છે. પ્રશાંત પણ ભ્રષ્ટાચારનું યુનિકોર્ન સ્ટાર્ટઅપ બને એવી વગર લાંચે લવલી શુભેચ્છા! પ્રશાંત તુમ આગે બઢો . તમામ ભ્રષ્ટાચારી તુમ્હારે સાથ હૈ!