ભાત ભાત કે લોગ : પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા: ખિસકોલી કર્મના હિમાલય જેવડાં પરિણામ…

– જ્વલંત નાયક
લાઈટ મૂડમાં એવું કહી શકાય કે ભારતીય મધ્યમવર્ગના ઘરમાં દીકરાઓ નથી જન્મતા, એન્જિનિયર્સ જન્મે છે. આ ઈજનેરો વળી ઈજનેરી વિદ્યાશાખામાં મોંઘા ભાવની સીટ રોકીને અભ્યાસ કર્યા બાદ બીજી કોઈ પણ ભળતીસળતી કેરિયરમાં ઘૂસી જશે! ભારતમાં એન્જિનિયરિગ એક એવી વિદ્યાશાખા છે, જ્યાં ભણેલો યુવાન બેન્કિંગથી માંડીને પ્રોગ્રામિંગ અને કારાઓકે સિંગિંગથી માંડીને હોટેલ મેનેજમેન્ટ સુધીના દરેક ક્ષેત્રે ડાફોરિયા મારતો દેખાશે. આની પાછળ અંગત ચોઈસથી માંડીને વિકલ્પોના અભાવ અને આર્થિક લાચારી સુધીનાં અનેક પરિબળો જવાબદાર છે.
આવા માહોલમાં કોઈ એન્જીનિયર મલ્ટિનેશનલ કંપનીની સારા પગારની નોકરી છોડીને સમાજસેવામાં કૂદી પદે તો?
આ સમાજસેવા ય કેવી? ગામેગામ રખડીને ગંદા તળાવોમાં ઊતરવાનું અને એની સફાઈ કરવાની! આવા માણસને તો લોકો ગાંડો જ ગણે ને લટકામાં કોઈ સાથ પણ આપે નહીં. અધૂરામાં પૂં, ઘરની બચત ગંદા તળાવોની સફાઈમાં ડૂબી જાય!
સદનસીબે પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા' તરીકે ખ્યાતિ પામેલા રામવીર તંવરના કિસ્સામાં આવું કશું નથી થયું. ઉલટાનું સમાજ આજે એને એક
હીરો’ તરીકે જુએ છે.
વાત થોડી વિસ્તારથી જાણીએ. નોઇડા નજીકના ડાઢા ગામમાં રામવીરનો જન્મ. ખેડૂત પરિવારનાં સંતાનોમાં રામવીર પાંચમો અને છેલ્લો. 2014માં મિકેનીકલ એન્જિનિયરિગનું ભણતર પૂં કરતા જ સારી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ, પણ બે જ વર્ષની નોકરી દરમિયાન રામવીરના જીવનનું લક્ષ્ય સમૂળગું પલટાઈ ગયું. કારણ હતું બાળપણની યાદોનો ખટકો!
બાળપણમાં રામવીરે ગામના મિત્રોની સાથે તળાવમાં ધુબાકા મારવાની ભરપૂર મજા લૂંટેલી.ગામ પાસે એક-બે તળાવ હતાં, જે રામવીર અને એના મિત્રોની અત્યંત પ્રિય જગ્યા. બાળમંડળીએ પ્રદૂષણ કે તબિયતની લેશમાત્ર ચિંતા કર્યા વિના અનેક વાર આ તળાવોનું પાણી સીધેસીધું ગળે ઉતારેલું, પણ એ પેઢી યુવાવયે પહોંચી ત્યાં સુધીમાં પેલાં તળાવ મરવા પડ્યા. કારણો એ જ જૂના ને જાણીતા. જાગૃતિનો અભાવ, પારાવાર ગંદકી અને વિવિધ કારણોસર વધી રહેલું જળપ્રદૂષણ.
એક-દોઢ દાયકા પહેલા જે પાણી બિન્દાસ્ત પી શકાતું, એમાં પગ બોળવા ય કોઈ રાજી ન થાય એવી પરિસ્થિતિ ઊભી થઇ હતી.
રામવીરનું મન આ બધું જોઈને અંદરોઅંદર બળે, પણ કરવું શું? આખરે એક દિવસ ઉદ્વેગભર્યા મને નિર્ણય લેવાઈ ગયો. આમ જીવ બાળવાથી કશું નહિ વળી. કોઈકે તો શરૂઆત કરવી જ પડશે તો ચાલો, આપણે જ કરીએ.
નોકરીમાં રાજીનામું આપીને રામવીરે તળાવ શુધ્ધીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવાનું જાહેર કર્યું. પરિવાર, ગ્રામજનો, સમાજ તરફથી અપેક્ષિત પ્રતિભાવ આવ્યો : `અલ્યા, ભેજું ચસકી ગયું છે કે શું? આ કંઈ આપણું કામ છે?’ જેવા અનેક પ્રશ્નો, તર્કો અને દાખલા-દલીલોને અવગણીને રામવીર પૂરી વીરતા સાથે પોતાના નિશ્ચયને વળગી રહ્યો. સફાઈની જવાબદારી સરકારની-ગ્રામપંચાયતની હોય શકે, પણ સાથે જ સ્વચ્છતા જાળવવાની જવાબદારી ખુદ લોકોની ય ખરી કે નહિં? લોકો એક તરફ તળાવનું મહત્ત્વ સમજ્યા વિના બેજવાબદારપણે ગંદકી ફેલાવતા રહે અને બીજી તરફ સરકારી તંત્રને માથે દોષનો ટોપલો ઢોળતા રહે, તો થઇ રહ્યું કલ્યાણ! રામવીરને પ્રથમ ચરણમાં જ સમજાઈ ગયું કે શરૂઆત લોકોનું માઈન્ડસેટ- વિચારધારા બદલવાથી જ કરવી પડશે.
રામવીરનો અંતરાત્મા કંઈ અચાનક નહોતો જાગ્યો. માઈન્ડસેટ બદલવાની શરૂઆત એણે પોતાની જાતથી જ કરી નાખેલી, એ ય ઠેઠ વિદ્યાર્થી કાળમાં. કોલેજમાં ભણતર દરમિયાન જ એણે કેટલાક મિત્રોની મદદથી ગામના એક તળાવમાંથી કૂડો-કચરો કાઢીને એને ચોખ્ખુંચણાક બનાવી દીધેલું. જો કે લોકોને એમ કે ઠીક મારા ભાઈ. એકાદ તળાવ સાફ કર્યું એ સાં કર્યું, બાકી આ બધાની જરૂર નથી. રામવીર કહે છે કે મોટા ભાગના લોકો તો એ વાત જ સ્વીકારવા તૈયાર નહોતા કે ભવિષ્યમાં ક્યારેક પીવાના પાણીની ય તંગી પડશે! દેશની દરેક સમસ્યા પ્રત્યે આપણા બધાનું વલણ વધતે ઓછે અંશે આવું જ હોય છે ને!
નોકરી છોડ્યા બાદ તળાવ શુધ્ધીકરણના કામમાં ઝંપલાવ્યું એ પછી 2018 સુધીમાં રામવીરને સમજાઈ ગયું કે હવે એકલેહાથે સમજાવટ કરતા રહેવાથી કશો શક્કરવાર નહિં વળે. એટલે એણે પોતાના જેવા યુવાનોને ભેગા કરવા માંડ્યા. આ લોકો ભરઉનાળાથી માંડીને ધોધમાર વરસતા વરસાદ જેવી જોખમી પરિસ્થિતિમાં ય આસપાસનાં ગામોનાં તળાવ સાફ કરવા મંડી પડ્યા. પહેલા લોકોએ અવગણના કરી, કદાચ ઉપહાસ પણ થયો હશે, પણ થોડા જ સમયમાં પરિણામ દેખાવાં માંડ્યાં. ગંદા-ગંધાતા, ગોબરા ખાબોચિયાઓને બદલે રમણીય તળાવ કોને ન ગમે? ફિર તો લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા….
2020થી સે અર્થ' (Say Earth) નામક એનજીઓ દ્વારા રામવીરે આસપાસનાં બીજાં અનેક ગામોના લોકોમાં જાગૃતિ આણવાનું કામ શરૂ કર્યું છે. આ માટે ગામેગામ જઈને
જલ ચૌપાલ’ નામે બેઠક યોજવામાં આવે છે. ગામના યુવકો હોંશે હોંશે આવી જળ-બેઠકોમાં ભાગ લઈને રામવીર પાસેથી માર્ગદર્શન મેળવે છે.
સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો આજે પોતાના ગામની વોટરબોડીઝ-સરોવર કે તળાવના ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છે, જેથી રામવીર અને એની ટીમને ક્યાં પહોંચીને કામ કરવું, એનું પ્લાનિંગ કરતા ફાવે.
રામવીરના કહેવા મુજબ દરેક તળાવમાંથી સેંકડોથી માંડીને હજારો કિલોગ્રામ સુધીનો કચરો નીકળે છે. એમાં વળી પ્લાસ્ટિકનું પ્રમાણ સૌથી મોટું! પ્લાસ્ટિકને રિસાઈક્લિંગ પ્રોસેસ માટે મોકલી આપવાનું કામ પણ આ ટીમ જ કરે. સાથે જ દરેક તળાવ નજીક ખાડો ખોદીને એવી વ્યવસ્થા તૈયાર કરાય છે, જેમાં કચરો એકઠો કરી શકાય, જેથી તળાવની સ્વચ્છતા જળવાઈ રહે. જે લોકો પહેલા રામવીરને હસી કાઢતા હતા, એ હવે એને ભારોભાર પ્રેમ અને ઈજ્જત આપતા થયા છે.
ઓકે ફાઈન. આ બધું મર્યાદિત ક્ષેત્રમાં થઇ શકે, પણ જળપ્રદૂષણ તો ઘણું વ્યાપક છે. એમાં એકલવીર એવા રામવીર કે એનું એનજીઓ કરી કરીને કેટલું કામ કરી શકશે?
જવાબ રસપ્રદ અને આંખ ઉઘાડનારો છે.
રામવીરની સાથે ધીમે ધીમે કરતા પાંચસો જેટલા સ્વયંસેવી યુવાનો જોડાઈ ગયા છે. 2021 સુધીમાં રામવીરે ઉત્તર પ્રદેશ સહિત હરિયાણા અને દિલ્હીના વિસ્તારોમાં આવેલ 40 તળાવોને પુનર્જીવિત કર્યા. 2023 સુધીમાં તો કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સુધી વિસ્તર્યું અને આશરે 80 તળાવોની સફાઈ તેમજ નવીનીકરણ થઇ શક્યું!
આપણ વાંચો: સ્પોર્ટ્સમૅન: લૉર્ડ્સમાં ભારતે બ્રિટિશરોને 1932થી લડત આપી છે
ક્યારેક ખિસકોલીકર્મ જેવડું લાગતું આ કામ આજે ઊંચા પર્વત જેવડું લાગે છે. આટલા ટૂંકા ગાળામાં રામવીરે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીજીએ પણ પોતાના `મન કી બાત’ કાર્યક્રમમાં રામવીર તંવરનો ઉલ્લેખ કરેલો. એક માણસ જો ધારે તો ટૂંકા ગાળામાં આશ્ચર્ય સર્જી શકે છે. કોર્પોરેટ ઓફિસની એસી કેબિનમાં બેઠા બેઠા કે સોફા પર બેસીને ટીવી જોતા જોતા જગત આખાની ટીકાઓ કર્યા કરતા લોકોની સરખામણીએ જાતે મેદાને ઊતરનારી વ્યક્તિ જ મોટો બદલાવ લાવવામાં નિમિત્ત બનતો હોય છે એ હકીકત છે.