પોએમા ડેલ માર – એક્વેરિયમની માછલીઓને દરિયાનાં સપનાં આવે?

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
કોઈ પણ ટાપુ પર દૂર દૂર સુધી ડ્રાઇવ કરીને જાઓ તો જળચર જીવ જોવાનો કોઇ ને કોઈ રસ્તો તો મળી જ જશે. માસપાલોમાસ બીચ પર વેવ સર્ફિંગ અને સ્નોર્કલિંગ માટે ભીડ જામેલી હતી. બીજી તરફ ડીપ-સી ડાઇવિંગ અને વ્હેલ અને ડોલ્ફિન વોચિંગની બોટ્સ પણ ઘણા બીચ પરથી જતી હોવાનાં પેમ્ફલેટ અમારા એપાર્ટમેન્ટ પર જ પડેલાં હતાં, પણ અમે ડોલ્ફિન અને વ્હેલ વોચિંગ પહેલાં ટેનેરિફે અને આર્જેન્ટિનામાં કરી ચૂક્યાં હતાં. ઉશુઆઇયામાં તો પેન્ગ્વિન પણ જોઈ લીધાં હતાં.
કરેબિયનમાં પુન્ટા કાનામાં સ્નોર્કલિંગ પણ કર્યું હતું. હવે આ બધું જોવામાં છેલ્લા લગભગ બે દશકથી કોઈ એક્વેરિયમ જવાનું નહોતું થયું. છેલ્લે 2006 કે 7માં લિસ્બનની પહેલી ટ્રિપ દરમ્યાન ત્યાંનું ભવ્ય એક્વેરિયમ જોયું હતું. ત્યારથી માત્ર સાં એક્વેરિયમ જોવાનો કોઈ રીતે મેળ જ નહોતો પડ્યો. એવામાં અહીં વાંચવામાં આવ્યું કે કેનેરી આયલેન્ડમાં જળચર જીવોનું અને વાઇલ્ડ લાઇફનું વૈવિધ્ય એટલું છે કે ત્યાં એક્વેરિયમ છે અને તે મુલાકાતીઓને તો મજા કરાવે જ છે, એટલું જ નહિ, આ એક્વેરિયમ આ ટાપુઓની ઓળખ જ બની શકે તેવું છે. આટલી બધી હાઇપ અનુભવ્યા પછી લાગ્યું કે આ વખતે એક્વેરિયમ જવું જ પડશે.
તેને લગભગ આખો દિવસ આપવાનો હતો, એટલે સવારમાં નાસ્તો કરીને ફરી એકવાર સજ્જ થઈને નીકળી પડ્યાં. લા પાલ્માસ શહેર તરફ જવાનું હતું. આ તરફ પહેલાંનો વિસ્તાર તો હવે એકદમ જાણીતો થઈ ગયો હતો. એક વાર લા પાલ્માસ નજીક આવ્યું અને ઘણા દિવસ પછી કોઈ મોટું શહેર જોવા મળવાનું હોય તેવી અનુભૂતિ પણ સાથે આવી.aથોડાં મોટાં બિલ્ડિગ, ગીચ ઇમારતો, મોટા બ્રિજ, શોપિંગ સેન્ટર, મોલ્સ અને તેનાથી પણ મોટી સાઇન ટ્રાફિક જોવાનો પણ મોકો મળી ગયો હતો. હવે અહીં કઈ ગાડી ટૂરિસ્ટની લાગે છે અને કઈ સ્થાનિકોની એ વાતો ચાલુ થઈ. મોટાભાગના સમયે ક્યારેક થોડો નજીક તો ક્યારેક થોડો દૂર, દરિયો તો સાથે જ ચાલતો હતો.
પાર્કિંગ કર્યું અને થોડું ચાલીને પોએમા ડેલ માર એક્વેરિયમ તરફ જવાનું હતું. એક્વેરિયમથી દરિયો એટલો નજીક હતો કે એક પ્રશ્ન એ પણ થયો, આ માછલીઓ, કાચબા, કરચલા અને ઓક્ટોપસ સહિતના દરિયાઇ જીવોને ખબર હશે ખરી કે ખરો, વિશાળ દરિયો બરાબર એક ગલી છોડીને છે. તે પછી એક પ્રશ્ન એ પણ થયો કે એક્વેરિયમમાં ઊછરેલાં અને ત્યાં જ રહેવાં ટેવાયેલાં પ્રાણીઓને કદાચ વાઇલ્ડ સમુદ્રમાં રહેવાની આદત અને ટે્રનિંગ ન પણ હોય. તેમની તો દુનિયા જ આ એક્વેરિયમમાં હશે. કોને ખબર આ માછલીઓમાં કોમ્યુનિટી મેમરી અને વારસા જેવું કંઇ હોય તો તેમને દરિયાનાં સપનાં આવતાં પણ હોઈ શકે.આ વાત પર કોઈ ચર્ચા થાય તે પહેલાં જ ટિકિટબારી પાસે અમને નાનાં ટાબરિયાની લાંબી લાઈન દેખાઈ. તે બધાં એક ટીચર સાથે ઊભાં રહીને કલબલાટ કરતાં હતાં. તેમની બીજી ટીચર અંદરથી સ્કૂલની સ્પેશિયલ ટિકિટની વ્યવસ્થા કરીને આવી અને બધો કલબલાટ નાનકડા દરિયાના મોજાની જેમ અંદર ચાલ્યો ગયો.
આ બાલમંદિરને માછલીઓ જોવા લઈ આવવાનો પ્રોગ્રામ તો મજેદાર હતો. અમને ટિકિટ તો તરત મળી ગઈ, પણ હવે અમે મોટાભાગનો દિવસ આ ટેણિયાંઓની આસપાસ રહેવાનાં હતાં તે પણ સ્પષ્ટ હતું. વળી બધાં સ્પેનિશ બોલતાં હતાં. આ ગ્રુપ સ્થાનિક હતું તે વાતમાં કોઈને શંકા ન હતી. એક પછી એક અનોખી માછલીઓ, દુર્લભ માછલીઓ, વિચિત્ર માછલીઓ, દરેક પ્રકારની, રંગની, આકારની, માન્યામાં ન આવે તેવી માછલીઓ જોઈને લાગ્યું કે કુદરતનું વૈવિધ્ય એવો ખજાનો છે જ્યાંથી દરેક પ્રકારની ડિઝાઇનની પ્રેરણા લઈ શકાતી હોય છે.ફિશની વિગતો તો ક્યાંયથી પણ મેળવી શકાય, પણ ત્યાંની વાઇબ જરા અલગ જ સ્તરે મજા કરાવી ગઈ હતી. અહીં ત્રણ ભાગમાં એક્વેરિયમને વહેંચીને તેને અત્યંત વિઝિટર ફ્રેન્ડલી રીતે ડિઝાઇન કરવામાં આવેલુંં.
દરેક જગ્યાએ બેસવાની અને આરામથી પાણી અને ફિશ પાસે શાંતિથી માહોલનો આનંદ લેવાની પૂરતી વ્યવસ્થા હતી. પહેલો અને બીજો વિભાગ તો ફિશના પ્રકાર અને ભૌગોલિક થીમ પર આધારિત હતો, પણ છેલ્લા વિભાગમાં તેમણે બધા પ્રકારના જળચર જીવોને એક મોટી વિશાળ ટેન્કમાં એવી રીતે ગોઠવેલાં કે એક ભવ્ય સ્ક્રીનની સામે કલાકો બેસી રહેવાની ઇચ્છા થઈ આવે.તે ઓડિટોરિયમમાં અમે કમ સે કમ એક કલાકથી વધુ સમય વિતાવ્યો હશે. ત્યાં હજી ઘણું વધારે બેસી શકાયું હોત. ખાસ હવે તે વ્યુને યાદ કરતાં એમ થાય છે કે વધુ અડધો કલાક તો ક્યાંય નીકળી જાત. ત્યાં સુધી પહોંચવામાં અમે વચ્ચે ત્રણ શોર્ટ ફિલ્મો પણ એક નાનકડા થિયેટરમાં જોઈ હતી.
એક તો ખાસ આ વિસ્તારમાં એક્વેરિયમ અને બર્ડ પાર્કની સ્થાપના વિષે હતી. બીજી એક ફિલ્મ દરિયામાં વેપારી જહાજો અને પોલ્યુશનને કારણે ડોલ્ફિન અને કાચબાઓને થતી ઇજા વિષે હતી. દરિયાઈ જીવને માટે પ્લાસ્ટિકના કચરાથી મોટો કોઈ દુશ્મન ન હોઈ શકે. આ પહેલાં ફ્લોરિડામાં પણ ફોર્ટ લોડરડેલ પાસે એક ટર્ટલ પાર્કમાં પણ નરી આંખે મહાકાય કાચબાઓને પ્લાસ્ટિકના કચરાથી ઇજા પામેલા જોયા હતા. દુનિયા ખરેખર ફેર તો નથી લાગતી, પણ પછી `ફાઇન્ડિગ નીમો’ જેવી ફિલ્મ યાદ આવી જાય અને બધું રંગીન અને મજેદાર લાગવા માંડે. બરાબર નીમોના જ પ્રકારની એમ્ફિપ્રિયોન પરક્યુલા ફિશ ત્યાં ઢગલા મોઢે હતી. તે ક્લાઉન ફિશ તરીકે પણ ઓળખાય છે. અમે શરૂઆતમાં જોયેલાં ટાબરિયાં તો મોટાભાગે તેની આસપાસ જ ફરતાં હતાં. મારો મનપસંદ હતો એક સફેદ અને લાલ ઓકટોપસ, જેના હાથ, પગ, જે કહો તે બધા કાચ સાથે વેક્યુમ સીલ થઈ ગયા હોય તેવું લાગતું હતું.
સી હોર્સ એટલે કે જળ ઘોડા અને રંગીન જેલી ફિશ, ઘણા પ્રકારની માછલીઓ તો કુદરતે પોતાની ડિઝાઇન સ્કિલને શો-ઓફ કરવા માટે ખાસ રાખી હોય તેવું લાગતું હતું. પોએમા ડેલ મારમાં વિતાવેલો તે દિવસ ડિઝાઇન ક્લાસ પણ હતો અને પાણી અને રંગો વચ્ચે રિલેક્સ થવાનો મોકો પણ.