ભાત ભાત કે લોગઃ પીએમ નહેરુને મળી એક અનોખી ભેટ…

જ્વલંત નાયક
હમણાં જ પ્રધાનમંત્રી મોદીજીની વર્ષગાંઠ ગઈ. વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો ધોધ વહ્યો. ઘણી કિમતી ભેટ-સોગાદો પણ આવી, પણ આજે ભૂતપૂર્વ વડા પ્રધાન નહેને મળેલી એક જરા જુદા પ્રકારની બર્થ-ડે ગિફ્ટ વિશે વાત કરવી છે.
1926માં મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના એક ગામમાં બાળક જન્મ્યું. નામ પડયું પ્રીતમ. ગામડિયા પરિવારમાં બાળકો મોટે ભાગે ઉપનામથી જ ઓળખાય. ગરીબ પરિવારોમાં બાળકોના ઉપનામ પણ એવા જ હોય, જે પરિવારની ગરીબીની ચાડી ખાય. પ્રીતમને ઉપનામ મળ્યું `ગબરો.’ ગબરાના બાપા પાસે જમીન નામ પૂરતી જ એટલે પરિવાર માટે પેટિયું રળવા પથ્થરની ખાણમાં મજૂરીએ જવું પડે. જુવાન થયો એટલે ગબરાને ય ખાણમાં પથ્થર તોડવાની મજૂરીએ વળગાડી દેવામાં આવ્યો.
પ્રીતમ ઉર્ફે ગબરો બીજાં બાળકોની સરખામણીએ દેખાવે જરા ઠીકઠાક. પથ્થર તોડવાની મજૂરીને કારણે શરીર પણ ખડતલ બની ગયું. આ ખડતલ શરીર જ એને આગળ જતા બહુ કામ લાગ્યું. થયું એવું કે જમીનને લગતા એક વિવાદમાં બે માથાભારે શખ્સએ પ્રીતમના પિતાને ખૂબ માર્યા. વાત પંચાયત સુધી પહોંચી. પંચાયત પણ પેલા ગુંડાઓના પ્રભાવમાં આવી ગઈ. પરિણામે પેલો જે નાનો અમથો જમીનનો ટુકડો હતો એ ય ગુંડાઓએ પચાવી પાડ્યો.
પ્રીતમથી આ સહન ન થયું. એણે તાબડતોબ બંને બદમાશોને મોતને ઘાટ ઉતાર્યા. એ સમયે હત્યા જેવો અપરાધ બાદ ગરીબ માણસ પાસે એક જ વિકલ્પ રહેતો ચંબલની કોતરોમાં ઊતરી જવું અને કોઈ ડાકુ ગેંગમાં ભળી જવું. પ્રીતમ ઉર્ફે ગબરાએ પણ એ જ કર્યું. અને અહીંથી શરૂ થયું ફિલ્મી કહાણીને ટક્કર મારે એવું દસ્યુ જીવન.
ગબરાએ સૌથી પહેલાં ડાકુ કલ્યાણસિંહની ટોળકીમાં પ્રવેશ મેળવ્યો. બે હત્યા પછી સામાન્ય જીવન જીવવાનો મોહ રાખવો વ્યર્થ હતો. સમાજ અને પંચાયત તરફથી જે અન્યાય થયો એના પ્રતાપે ગબરાને `જિસકી લાઠી ઉસકી ભેંસ’ કહેવત પણ બરાબર સમજાઈ ગઈ. બાકીનું જીવન ચંબલની કોતરોમાં જ વિતાવવું પડશે એ નક્કી હતું. તો પછી કોઈની નોકરી કરવા કરતાં વટ કે સાથ શા માટે ન જીવવું?
કલ્યાણસિંહની ટોળકીમાં રહીને ગબરાએ બહુ ટૂંકા ગાળામાં ડાકુ જીવનના મહત્ત્વના પાઠ ભણી લીધા. એ પછી થોડા જ મહિનામાં થોડા સાથીઓને ભેગા કરીને પોતાની અલાયદી ટોળકી બનાવી. આ ગબરો ડાકુ ગબ્બરસિંહ ગુજ્જર’ને ચંબલની કોતરો બરાબર ફળી. જેમ જેમ લૂંટ અને હત્યાની ઘટનાઓને એક પછી એક અંજામ આપતો ગયો તેમ તેમ ગબ્બરસિંહનાં કર્મોનીસુવાસ’ એટલે કે હાક મધ્ય પ્રદેશની સરહદો વટાવીને ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાન જેવાં પડોશી રાજ્યોમાં પણ વાગવા માંડી. ત્રણેય રાજ્યની પોલીસ પાછળ પડે એ સ્વાભાવિક હતું.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : `1955 સિસ્ટમ’ : આ છે જાપાનની યુનિક રાજકીય વ્યવસ્થા
ગબ્બરને અંદાજ હતો જ કે જે ઝડપે એ પોતાની ડાકુગીરીને ઊંચા શિખરો પર પહોંચાડી રહ્યો છે એ જોતા પોલીસ લાંબો સમય ચૂપ નહિં બેસે. અને જો બે-ત્રણ રાજ્યોની પોલીસ પાછળ પડી જાય તો જીવ બચાવવો મુશ્કેલ.
હવે કરવું શું? કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર માટે સૌથી મોટું મદદરૂપ પરિબળ જો કોઈ હોય તો એ છે લોકોના મનમાં પેઠેલો ડર. ડરના માર્યા લોકો પોલીસને ચાડી ખાવાનું જોખમ ન જ ઉઠાવે. ગબ્બરસિંહે લોકોને ડરાવવામાં કોઈ કસર ન છોડી.
ગબ્બ્બર આવડો મોટો થઇ ગયો ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? સાચું પૂછો તો ચંબલ પ્રદેશની ભૂગોળ એવી છે કે સ્થાનિક લોકોની મદદ વિના ગમે એવા જાંબાઝ અધિકારીઓ ડાકુઓને પકડી જ ન શકે. કોઈ સ્થાનિક વ્યક્તિ આવીને ચાડી ખાય તો જ પોલીસને ડાકુઓના લોકેશનની ખબર પડે. પણ ગબ્બરની ચાડી ખાવાની જુર્રત કરે કોણ?
આખરે પોલીસે બાળકો પાસે કામ લેવાનું નક્કી કર્યું. ડાકુઓની ઘણી હિલચાલ ખેતરોમાં કે વગડામાં રમતા બાળકોની આંખ સામે થતી. બાળકો જો ખબરી બની જાય તો કામ આસાન થઇ જાય. પોલીસે કેટલાંક બાળકોને તૈયાર કરવા માંડ્યા. કમનસીબે ગબ્બરને ગંધ આવી ગઈ. એણે એક દિવસ ગામ ઉપર હુમલો કરીને 21 બાળકોને માત્ર શંકાના આધારે ગોળીઓથી વીંધી નાખ્યા!
એક સમયે અન્યાયનો ભોગ બનીને મજબૂરીવશ ડાકુ બનેલો ગબ્બર હવે પૂરેપૂરો શેતાન બની ચૂક્યો હતો. બાળકોની હત્યા પછી આખા મધ્ય પ્રદેશમાં હાહાકાર મચી ગયો. વાત તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સુધી પહોંચી. એમણે પોતાના વિશ્વાસુ એવા ઉચ્ચ પોલીસ અધિકારી ખુસરો ફરામર્ઝ રૂસ્તમને બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી: ગમે તે કરો, પણ ગબ્બરને ઠેકાણે પાડો.
રૂસ્તમે `ઓપરેશન ગબ્બર’ની જવાબદારી મધ્ય પ્રદેશના ચુનંદા પોલીસ અધિકારી રાજેન્દ્રપ્રસાદ મોદીને સોંપી. મોદીએ મહિનાઓ સુધી મહેનત કરી, પણ ગબ્બર વિદ્ધ પોલીસના ખબરી બનવાની મગદૂર કોની હોય!
બીજી તરફ પોલીસની હિલચાલ અંગે ગંધ આવી જતા ગબ્બર પોતાની ક્રૂરતાને વધુ ઊંચા લેવલ પર લઇ ગયો. ધોલપુર, ભીંડ, ગ્વાલિયર અને ઈટાવા જેવાં ક્ષેત્રો ગબ્બરના નામમાત્રથી થર થર કાંપતા. ગબ્બર માટે આટલું પૂરતું નહોતું. એણે તો કંઈક એવું કરી દેખાડવું હતું કે પોલીસને ચાડી ખાવાનું તો દૂર-ગબ્બરનું નામ પડતા જ લોકો જીવતેજીવ ફાટી પડે! ગબ્બરને આ કરવાનો મોકો આપ્યો એક તાંત્રિકે.
પોલીસથી બચવા શું કરવું જોઈએ એ જાણવા માટે ગબ્બરે કોઈક તાંત્રિકની સલાહ લીધી. તાંત્રિકે કહ્યું: `જો, 116 વ્યક્તિના નાક-કાન કાપીને કુળદેવીને ચઢાવવામાં આવે તો માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે ને એ પછી પોલીસ કે સરકાર ગબ્બરનું કશું બગાડી નહિં શકે…’
પત્યું. ગબ્બરની ગેંગે એક પછી એક અનેક નિર્દોષ લોકોના નાક-કાન કાપવા માંડ્યા. લોકોમાં એવી ફડક પેઠી કે ધોળે દહાડે ય એકલદોકલ વ્યક્તિ ઘરની બહાર નીકળવાનું ટાળતી…
એવામાં એક ઘટના બની. કોઈ એક ગામમાં રામચરણ નામક વ્યક્તિના ઘરમાં આગ લાગી. એ વખતે એનો નાનકડો દીકરો ઘરમાં જ ફસાઈ ગયો. નસીબજોગે ગબ્બરનું પગેં શોધતા ગામેગામ ફરી રહેલા પોલીસ અધિકારી રાજેન્દ્રપ્રસાદ મોદી એ વખતે ગામમાં જ હાજર હતા. કહે છે કે આ મોદીજીએ બિલકુલ ફિલ્મી સ્ટાઈલે આગમાં કૂદીને પેલા બાળકને બચાવી લીધું. ઉપકારતળે દબાયેલા રામચરણે મોદીના કાનમાં ફૂંક મારી દીધી :
`ગબ્બરસિંહ 13 નવેમ્બરે હાઈ-વે પરથી પસાર થવાનો છે.’ બસ, પછી તો મોદીના વડપણ હેઠળ પોલીસની મોટી ફોજ હાઈ-વે પર મોરચો બાંધીને ખોડાઈ ગઈ. ખુદ આઇજી રૂસ્તમ પણ હાજર રહ્યા. ગબ્બરની ટોળી આવી તેવી જ પોલીસ ટીમે ગોળીઓની રમઝટ બોલાવી દીધી.
ગબ્બરને મારવાની અધીરાઈ એવી ચરમસીમાએ હતી કે પોલીસે એ દિવસે હેન્ડગ્રેનેડ્સ સુધ્ધાં વાપર્યા. આઝાદ ભારતમાં થયેલા કોઈ એન્કાઉન્ટરમાં હેન્ડગ્રેનેડ્સ વપરાયા હોય એવો બીજો દાખલો મળવો મુશ્કેલ છે. આખરે ગબ્બરસિંહ ગુજ્જર મરાયો અને ઇતિહાસના એક કલુષિત પ્રકરણનો અંત આવ્યો.
એ તારીખ હતી 13 નવેમ્બર, 1959. બીજા જ દિવસે પ્રધાનમંત્રી નહેની વર્ષગાંઠ હતી. અને કહે છે કે એમના માનીતા પોલીસ અધિકારી રૂસ્તમે આગલે દિવસે જ `બર્થ-ડે ગિફ્ટ’ આપી દીધી.
હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ફિલ્મ `શોલે’ના ખૂંખાર વિલન ગબ્બરસિંહનું પાત્ર આ ગબ્બર ગુજ્જર ઉપરથી જ સર્જાયું છે!
ફિલ્મમાં જેમ ગબ્બરના માથે પૂરા પચાસ હજારનું ઇનામ હતું એમ અસલી ગબ્બરના માથે ત્રણ રાજ્યની સરકારોએ 50-50 અને 10 એમ કુલ 1 લાખ 10 હજારના ઇનામ જાહેર કરેલા. ફિલ્મના ડાયલોગમાં બોલાતી રકમ કરતાં અસલમાં જાહેર કરાયેલું ઇનામ વધુ હતું, કેમ કે ફિલ્મી ગબ્બર કરતાં અસલી ગબ્બર અનેકગણો વધુ ખૂંખાર હતો.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : યે કૈસા દર્દ કા રિશ્તા…? દર્દના સંબંધે જોડાયેલી છે બે પ્રજાની પીડાભરી કથા