વિશેષ: પાનની દુકાન ને ઘરની જવાબદારી સાથે આ બાબુમોશાયે લખ્યા છે દસ પુસ્તક! | મુંબઈ સમાચાર

વિશેષ: પાનની દુકાન ને ઘરની જવાબદારી સાથે આ બાબુમોશાયે લખ્યા છે દસ પુસ્તક!

-નિધિ ભટ્ટ

એક સુનસાન રાસ્તા હૈ,
રાત મેં બચ્ચે બૈઠે હૈ,
પેટ મેં ભુક હૈ પર,
વો યે નહીં જાનતા કી આજ યા કલ ખાના મિલેગા યા નહીં,
ઔર યહી એક કલ્પના કી કોઈ આયેગા, મેરા હાથ થામેગા.
ઔર મેરા ભાગ્ય સુધર જાયેગા…

આ કહેવું છે કલકત્તામાં રહેતાં પિન્ટો પોહનનું, જે હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ છવાઈ ગયા છે. પાનની ગાદી અને ઘરની જવાબદારી સંભાળતા સંભાળતા તેમણે દસ પુસ્તકો લખી નાખ્યાં છે. જીવનમાં ઘણાં ઉતાર-ચડાવ જોનારા પિન્ટુએ કદી હાર માની નથી. સંઘર્ષના દિવસોમાં તેની પાસે બે ટંક ભોજનના પણ સાંસા હતાં. જોકે તેનામાં જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સકારાત્મક હતો અને તેણે મહેનત કરવાથી કદી પાછીપાની નથી કરી. એ વિશે પિન્ટો કહે છે, `સપના જોવા અને એને પૂરા કરવા માટે દિવસ-રાત એક કરવા એ બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. હું હંમેશાં પરિશ્રમમાં માનું છું. જીવનમાં અનેક વખત એવું બન્યું છે જ્યારે સંજોગો મારી તરફેણમાં નહોતાં, પરંતુ મેં કદી હાર નહોતી માની.’
લેખક બનવાની ઈચ્છા કઈ રીતે જાગી?

`હું જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો. વાત 1989ની છે. એ વખતે અમારા વિસ્તારમાં પૂર આવ્યાં હતાં. પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. એથી અમારે ઘર ખાલી કરીને મારા અન્કલના ઘરે જવું પડ્યું હતું. હું ઓછું બોલતો હોવાથી મારે કાંઈક વાંચવાની ઈચ્છા થઈ હતી. હું મારી કાલ્પનિક દુનિયામાં રહેવા માગતો હતો. એ વખતે મને ઘરની બહાર એક જર્જરિત હાલતમાં એક પુસ્તક મળી આવ્યું. જેના કેટલાંક પાનાં ખરાબ થઈ ગયાં હતાં. એ શોર્ટ સ્ટોરીઝનું પુસ્તક હતું. મેં એને વાંચવાનું શરૂ કર્યું. એક પછી એક એમ હું પુસ્તકો વાંચતો ગયો. એ જ વખતે મેં નક્કી કર્યું કે મારે લેખક બનવું છે.’

પિન્ટોને ભણવાનો ખૂબ શોખ હતો, પરંતુ મા-બાપ આર્થિક રીતે સધ્ધર નહોતા. એથી તેઓ ભંગારવાળા પાસેથી પુસ્તકો લઈને વાંચતા અને પોતાના વાંચનના શોખને જીવંત રાખ્યો હતો. આઠમા ધોરણમાં તેમણે ગીત લખ્યાં હતાં. એ વિશેનો કિસ્સો સંભળાવતા પિન્ટો કહે છે, `લેખનના શોખ વિશે જાણ્યા બાદ તો મેં કદી પાછળ ફરીને જોયુ નહોતું. હું આઠમા ધોરણમાં ભણતો હતો અને મેં ન્યૂઝ પેપરમાં એક ઍડ વાંચી કે ગીતકારની જરૂર છે. 1993માં એ વખતે મારી પાસે મારા લખેલાં ગીતો અને કવિતાઓ હતી. જ્યાંથી ને ત્યાંથી 10-15 રૂપિયા જમા કર્યાં અને એ એડે્રસ પર પહોંચી ગયો. તેમણે મારા ગીત જોયા અને મને કહ્યું કે તેઓ મારા બે ગીત લેશે અને મને એના 600 રૂપિયા ચુકવશે. એ સમયે તો મારા પરિવારની મહિનાની આવક જ 300 રૂપિયા હતી. એથી 600 રૂપિયા સાંભળીને તો મને આંચકો જ લાગ્યો. જોકે મને સમજમાં આવ્યું કે આ કોઈ ફ્રોડ છે એથી તરત પાછો આવી ગયો.’

આ પણ વાંચો…વિશેષ: મલ્ટિનેશનલ કંપનીની જોબ માટે જરૂરી આ EQ શું છે?

દસમા ધોરણમાં સારા માર્ક્સે પાસ થવા છતાં પણ પિન્ટો કોલેજમાં ન ભણી શક્યા, કારણ કે તેમના પિતાનું મજૂરી કરતી વખતે અકસ્માત થયો અને આખા પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. એથી પિતાને બદલે પોતે સખત મજૂરી કરવા લાગ્યા. ત્રણ મહિના સતત કાળી મજૂરી કરવા છતાં પણ તેમને પગાર ન મળ્યો. આવી છેતરપિંડી તો અનેક વખત તેમની સાથે થઈ હતી. એથી તેમણે નક્કી કર્યું કે જાતે જ કાંઈક કરવું પડશે. એ વિશે પિન્ટો કહે છે, `મારી પાસે માત્ર 1500 રૂપિયા હતા એનાથી મેં 1999માં પાનની દુકાન શરૂ કરી.’

લેખક બનવાની તેમની ચાહના સાંભળીને લોકો તેમની મજાક ઉડાવતા હતા. તેમને રવીન્દ્રનાથ ટાગોર કહીને ચીડાવતા હતા. 2005માં તેમણે સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા અને હિન્દીમાં એડવાન્સ ડિપ્લોમા કર્યો હતો. 2012માં તેઓ ગ્રેજ્યુએટ થયા અને 2015માં માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેમણે લખેલા લેખ લોકલ ન્યૂઝ પેપરમાં છપાયા છે.

પિન્ટો કહે છે, `2017માં મારી પહેલી બુક પબ્લિશ થઈ હતી. કોવિડ વખતે તો હાલત ખૂબ કફોડી થઈ ગઈ હતી. આમ છતાં મેં બાળકોને શિક્ષણથી વંચિત ન રાખવા એવું મેં નક્કી કરી રાખ્યું હતું. હું સોશ્યલ મીડિયાનો આભારી છું કે તેમના કારણે આજે લોકોને મારી સ્ટોરીની જાણ થઈ છે.’

તેમણે અત્યાર સુધી દસ બુક લખી છે અને પબ્લિશ પણ થઈ છે. હજી તેઓ બે પુસ્તકો લખી રહ્યાં છે.

આ પણ વાંચો…વિશેષ: ક્રિપ્ટો કરન્સીમાં પાકિસ્તાનને કેમ રસ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button