ભાત ભાત કે લોગ: ઈશ્વરમાં નથી માનતા એવા લોકોય ભૂતમાં માને છે!

જ્વલંત નાયક
દુનિયાના દરેક સમાજમાં મૃત્યુ સાથે જોડાયેલી વિભિન્ન અંધશ્રદ્ધા જોવા મળે છે.જગતમાં અનેક પ્રકારની સંસ્કૃતિ છે. દરેકના આરાધ્ય દેવ જુદા જુદા છે. કેટલીક સંસ્કૃતિ-સમાજમાં તો ગોડ’ જેવો ક્નસેપ્ટ જ નથી. કમાલની વાત એ છે કે જે ઈશ્વરને નથી માનતા એમની લોકકથાઓમાં પણ ભૂતોની-પરાભૌતિક વિશેની વાતો આવે છે. અંધશ્રદ્ધાને લઈને તો પશ્ચિમના દેશોનીસુધરેલી’ ગણાતી પબ્લિક પણ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે. ઘણા સ્વદેશીઓ યમરાજને કાલ્પનિક અને પોતાને ભણેલા-ગણેલા માનીને હરખાય છે, પણ યમરાજ જેવું જ એક પાત્ર યુરોપમાં ય પ્રચલિત છે, જે આત્માને શરીરથી અલગ કરીને પોતાની સાથે લઇ જાય છે….
`ગ્રીમ રીપર’ (Grim Reaper) તરીકે ઓળખાતું એ પાત્ર પશ્ચિમી સંસ્કૃતિમાં મૃત્યુનું પ્રતીક છે. હાથમાં દાતરડું પકડેલા ગ્રીમ રીપરને એક કાળા ઝભ્ભામાં ઢંકાયેલા હાડપિંજર તરીકે તમે અનેક ફિલ્મોમાં જોયું હશે. ગ્રીમ રીપરનું નામ અને દેખાવ યુરોપિયન લોકકથાઓ, ખાસ કરીને મધ્યયુગીન સમયથી ઉદભવ્યું છે. હકીકતે પરાભૌતિક, ભૌતિકશાસ્ત્ર, લોકસાહિત્ય…આ બધું એકબીજા સાથે બહુ મજબૂત તાણાવાણા ધરાવે છે.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ :એવો બદલાવ શું કામનો જ્યાં માણસો પેદા થતા જ બંધ થઇ જાય?
તમે બાંશી નામની એક છોકરી’ વિષે સાંભળ્યું છે? જાણીતા ગુજરાતી લેખક મધુ રાયનો આ નામનો વાર્તાસંગ્રહ છે. આપણે અહીં એની વાત નથી કરવી. આયરિશ લોકવાયકા પ્રમાણે બાંશી (banshee) નામની છોકરી કોઈ માનવ નહીં, પણ એક પરાભૌતિક (પેરાનોર્મલ) તત્ત્વ છે. જો તમને બાંશીના રડવાનો અવાજ સંભળાય તો નક્કી જાણજો કે નજીકના ભવિષ્યમાં તમાં મૃત્યુ નિશ્ચિત છે એવી દ્રઢ માન્યતા આયરિશ લોકોમાં છે. આપણા સાહિત્યમાં પણ આવી રીતે ભૂતના-કોઈક પરાલૌકિક તત્ત્વના દન સાથે મૃત્યુની એંધાણીને જોડતી કથાઓ વણાયેલી છે.સૌરાષ્ટ્રની રસધાર’ માં આવતી ચાંપરાજ વાળાની વાર્તામાં મૃત્યુ ભાખી લીધા પછી દન કરતી અપ્સરાની વાત આવે છે. જો કે એની સાપેક્ષે આયર્લેન્ડની બાંશી ખાસ્સી ડરામણી છે. એથીય ડરામણી માન્યતા છે `ફેન્ટમ ફ્યુનરલ’ વિશેની.
ફેન્ટમ ફ્યુનરલ એટલે ભૂતોની અંતિમયાત્રા. આ વિભાવના ફક્ત બ્રિટિશ ટાપુઓ સુધી મર્યાદિત નથી. જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવી અનેક વાયકા – કથાઓ છે. કોઈ વાર એવું બને કે તમને મોડી સાંજે અથવા રાત્રિના અંધકારમાં નિર્જન રસ્તેથી અંતિમયાત્રા પસાર થતી દેખાય. એમાં કોફિન ઊંચકીને ચાલતા, મરશિયા ગાતા લોકો જોવા મળે. અંતિમયાત્રામાં કેટલાક જાણીતા ચહેરા ય તમને દેખાય એમ બને. હકીકતે આ આખી ભૂતાવળ જ હોય છે!
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ- કામણગારી કોલગર્લ પામેલા બોર્ડસ અત્યારે ક્યાં છે?
આખી શબયાત્રા જ પરાભૌતિક હોય અને તમારા સિવાય બીજા કોઈને એ દેખાય જ નહિં, તો શું સમજવાનું? એ જ કે તમારી પાસે કોઈ વિશેષ શક્તિ છે, જેના કારણે તમે પરાભૌતિક દુનિયા સાથે સંકળાયેલા છો. અને આ દુનિયા તમને કોઈક ઓળખીતી વ્યક્તિના મૃત્યુનો સંદેશ આપવા માગે છે. આવી અલૌકિક શબયાત્રાને `ફેન્ટમ ફ્યુનરલ’ કહેવાય.
એવા ઘણા લોકો મળી આવે છે જેમણે ફેન્ટમ ફ્યુનરલના દર્શન કર્યા છે. એટલું જ નહિ,થોડા જ દિવસો બાદ એ જ રસ્તા ઉપરથી પસાર થતી અદ્દલોઅદ્દલ એવી જ અસલી શબયાત્રા પણ જોઈ હોય. તમને ય સપનામાં કોઈ સ્વજનની અંતિમયાત્રા દેખાય અને થોડા જ દિવસો પછી એ સ્વજન ખરેખર મૃત્યુ પામે તો? બસ, આ એવું જ કંઈક છે. તમે એને મૃત્યુનું પૂર્વદર્શન કહી શકો.
બીજી બાજુ, માન્યતા તો એવી ય છે કે જો કોઈ ભડનો દીકરો અડધી રાત્રે દેખાતી ફેન્ટમ યાત્રામાં સામેલ થઈ, કોફિન ખોલીને મરનારનો ચહેરો જોવાની કોશિશ કરે તો એને પોતાનો જ ચહેરો દેખાય. અને પછી થોડા જ દિવસમાં એની ખુદની સ્મશાનયાત્રા નીકળી જાય! આ બધું ખરેખર સાચું હશે?
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: સિરિયલ કિલર જેફરી ડોમર: આજે ય ઉકેલ માગે છે આ કોયડો
અન્ય એક માન્યતા ત્રણના આંક સાથે સંકળાયેલી છે. યુદ્ધમેદાને દરેક વસ્તુની તંગી હોવાની એટલે માચીસ જેવી ક્ષુલ્લક ચીજ પણ બહુ સાચવીને વાપરવી પડે. ક્યારેક ધૂમ્રપાન કરવા ટોળે વળેલા સૈનિકો એક જ માચીસથી બને એટલી વધુ સિગરેટ સળગાવી લેતા હોય છે, પણ ક્રિમીઅન વોરના સમયથી સૈનિકોમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે કદી એક જ માચીસથી જો ત્રણની સિગારેટ પેટાવી તો ગયા કામથી! દુશ્મનના હાથે ત્રણેય સૈનિકનું મૃત્યુ નિશ્ચિત! બારણે પડતા ત્રણ ટકોરા પણ મૃત્યુ સાથે સંકળાયેલા છે. કોઈ આવ્યું ન હોય છતાં જો તમને બારી કે બારણા પર ત્રણ વખત ટકોરા મારવાનો અવાજ સંભળાય તો માનવું કે આપણી ટિકિટ ફાટી ચૂકી છે.!
અહીં વધુ એક સર્જક અશ્વિની ભટ્ટ યાદ આવી જાય એવી હોન્ટેડ સ્ટોરીઝ અરીસા સાથે જોડાયેલી છે. અશ્વિની ભટ્ટે `આયનો’ નામથી લોકપ્રિય હોરર નવલકથા લખેલી. પણ જગત આખાના તાંત્રિકો-પરાભૌતિકવાદીઓ અરીસાને બહુ મહત્ત્વની ચીજ ગણે છે. બ્લડી મેરી સહિતના અનેક બિહામણાં પાત્રોની કથાઓ અરીસા સાથે જોડાયેલી છે. કહેવાય છે કે જ્યાં સુધી બાળક એક વર્ષનું ન થાય ત્યાં સુધી એને અરીસો દેખાડવો નહિં. નહિતર બાળક કમોતે મરે….
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!
યુરોપિયન્સ સહિતની અનેક પ્રજાઓ માને છે કે બે અરીસા કદી સામસામે ન મૂકવા. અરીસાને ભૂતોની અવરજવર માટેના માધ્યમ તરીકે પણ જોવામાં આવે છે. એક જ રૂમમાં બે મિરર મૂકેલા હોય તો ડાહ્યા માણસો બંને અરીસાને કપડા વડે ઢાંકીને રાખવાનું સૂચન કરે છે. જો બે અરીસા એકબીજાનું પ્રતિબિંબ ઝીલે એ રીતે સામસામે મૂક્યા હોય તો ભૂતિયા પેસેજ'ની રચના થઇ જાય! પછી અરીસામાં ફસાયેલી બૂરી આત્માઓ એ રૂમમાં હંમેશ માટે રહી પડે! વિકસિત દેશોમાં
ફ્રાય ડે ધ થર્ટીન્થ’થી માંડીને ઉપરોકત પ્રકારની અંધશ્રદ્ધાઓની એટલી બધી કથાઓ છે કે એની સામે આપણી ભારતીય પ્રજા ય ક્યારેક `રેશનલ’ લાગે. કેટલાક દેશોમાં તો ઘરમાં ઘૂસી ગયેલા ભૂતને ક્નફયુઝ કરવા માટે વાંકાચૂકા દાદર બનાવવાનો ય રિવાજ હતો, બોલો!
આમે ય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે.
આ બધી વાતમાં તમે જેટલા ઊંડા ઊતરો એટલી વધારે બીક લાગે. જો કે મૃત્યુ-પરાભૌતિક બાબતો વિશેની એકસરખી અંધશ્રદ્ધાઓ, એકસરખા પાત્રો અને વાયકાઓ દુનિયાની દરેક સંસ્કૃતિમાં જોવા મળે છે. એની પાછળ કયું કારણ હશે?
અ રે, એક મિનિટ, મોડી રાત્રે આ લેખ લખી રહ્યો છું ત્યારે બહાર કોઈકના રડવાનો અવાજ સંભળાય છે. લાગે છે કે કોઈ સ્ત્રી `ઠક… ઠક… ઠક’ કરીને દરવાજો ઠોકીને બોલાવી રહી છે. હું તપાસ કરીને આવું પછી રૂંવાડા ઊભા થઇ જાય એવી એક હોરર માન્યતા વિષે લખવાનો છું…!