અરાઉન્ડ ધ વર્લ્ડ: ઓવાકુડાની – હાકોનેમાં ઊકળતી ખીણ…

પ્રતીક્ષા થાનકી
જાપાનમાં તમે આઇટનરરી ધારો એટલી પેક્ડ બનાવી શકો. એક વાત નક્કી હતી, ત્યાં પહોંચીને પણ ઘણા અવનવા ફેરફારો માટે પ્લાન ફ્લેક્ઝિબલ રાખવા જરૂરી બની જાય છે. જેમ કે એક વાર હાકોને યુમોટો પહોંચીને ઇચ્છા થઈ આવેલી કે અહીં કમ સે કમ એક રાત રોકાઈ જવું જોઈતું હતું. જોકે ત્યાં વેધર બગડ્યું અને ફુજી ક્યાંયથી પણ ન દેખાયો પછી લાગ્યું કે રોકાવાને બદલે બીજા દિવસનો કાવાગુચિકોનો નવો પ્લાન જ અમારા માટે વધુ યોગ્ય હતો. માઉન્ટ ફુજીના વ્યૂ જોવા માટે આમ પણ ઘણાં ઓપ્શન્સ છે. હાકોનેથી ફુજી જોવા મળી જ જાય તો એ બોનસ જ બની રહેવાનું હતું. તે સમયે અમે હાકોને-યુમોટાથી ટોગેન્ડાઇ પોર્ટ જતી બોટમાં લેક આશી પર સરકી રહૃાાં હતાં ત્યારે પવન એટલો ઠંડો પડી ગયો હતો કે એક સમયે તો લાગ્યું કે ઓડાવરાથી ટોગન્ડાઇ સુધી જતી ડાયરેક્ટ એેન્કલોઝ્ડ બસ જ લઈ લેવા જેવી હતી. બપોર થવા સાથે ઠંડી વધતી ચાલી હતી. ખાસ તો તેમાંય માઉન્ટ હાકોને પર સ્નો વચ્ચે વિતાવેલા સમય દરમ્યાન તો લાગ્યું કે અહીં વિન્ડશીટરનાં ત્રણેય લેયર પણ લઈ આવવા જેવું હતું.
ટોગન્ડાઈ પોર્ટ આવ્યું પછી બોટની એક્ઝિટ બરાબર માઉન્ટ હાકોને જતી કેબલકારના બિલ્ડિગમાં જ હતી. અહીં કેબલકારની લાઇનો લાંબી ને લાંબી થતી જતી હતી. અમારા ઉપરાંત અહીં બીજી બે બોટ્સ આવેલી. બધાં આખાય જાપાનની જેમ અહીં પણ ડિસિપ્લિનથી લાઈન લગાવીને ઊભાં હતાં. કેબલકાર આમ તો દરેક મિનિટે જતી હતી. લાઇનને સાચી દિશામાં ગાઈડ કરવા માટે આયોજકોનો સ્ટાફ પણ ત્યાં શિસ્તબદ્ધ રીતે કામ કરી રહૃાો હતો. એટલું જ નહીં, જ્યાં પણ થોડો કચરો દેખાય ત્યાં સૂટ પહેરેલાં માણસો આવીને તેને સાફ કરી જતાં હતાં. ટૂરિસ્ટનું મિશ્રણ પણ ઘણું અનોખું હતું. અમારી આગળ યુરોપની જ કોઈ અજાણી ભાષા બોલતી પાંચ-છ યુવતીઓનું ગ્રુપ હતું. સાથે જાપાનીઝ પરિવારો પોતાનાં બાળકોને લઈને આવેલાં. ઘણાં ચાઇનિઝ ટૂરિસ્ટ પણ નજરે પડતાં હતાં. ભારતીય ટૂરિસ્ટનું તો એક મોટું ગ્રુપ પોતાની બસ અને પોતાની બોટમાં આવેલું. અમારી લાઈનનાં મિક્સમાં પણ થોડાં ભારતીય લોકો હતાં જ.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : વાદળોથી ફુજીને છુપાવીને બેઠેલો લેક આશી…
થોડી જ વારમાં કેબલકારનું ગોન્ડોલા આવી ગયું અને અમે લાઇનમાંથી ગોન્ડોલામાં આવી ગયાં. અંદર બેસી શકે તેટલાં જ લોકો હતાં, એટલે બધાંને સારો વ્યૂ તો મળી જ રહેવાનો હતો. ખાસ તો આ પહેલા સ્ટે્રચ પછી ગોન્ડોલાની બારીમાંથી ફુજી દેખાવાની આશા હતી, પણ વાદળો એટલાં ગાઢ હતાં કે અહીંથી ફુજી ખરેખર કેવો દેખાય છે તેનો તો અમે માત્ર ફોટો જ જોઈ શકેલાં. થોડી જ વારમાં ઓવાકુડાની આવી ગયું. ઘણાં માટે હાકોનેની મુખ્ય હાઇલાઈટ જ આ સ્ટોપ હોય છે. અમે પણ થોડી વાર સમય વિતાવ્યો પછી લાગ્યું કે માત્ર આ અનુભવ માટે પણ હાકોને આવવાનું લેખે લાગ્યું હતું. આ ઓવાકુડાની ત્યાંના લાવામાં રંધાયેલાં એગ્સ અને વોલ્કેનોની આસપાસની હાઇક ટે્રલ એકદમ અનોખા અનુભવોથી ભરેલું છે.
ઘણાં અહીં ઓવાકુડાની પર આવેલા રિસોર્ટમાં રહેવાનું પણ પસંદ કરે છે. અમે ત્યાં કેબલકારથી બહાર નીકળીને સીધાં મોટા મોલ જેવા વિસ્તારમાં પહોંચી ગયાં. ત્યાં ઘણાં અનોખા સુવિનિયર તો હતાં જ, સાથે એક તરફ એક કાઉન્ટર પર પાંચસો યેનમાં એક પેકેટમાં લાવામાં પકવેલાં એગ્સનો નાસ્તો મળતો હતો. બધાં ખાસ ત્યાં લાઇન લગાવીને ઊભાં હતાં. મજાની વાત એ હતી કે ત્યાં લાવામાં એગ્સ કાળાં થઈ જતાં હતાં અને એવાં કાળાં એગ્સનાં શિલ્પ આ વિસ્તારમાં બે તરફ લગાવેલાં હતાં. ત્યાં ફોટા પડાવવા માટે પણ લોકોની લાઈનો લાગી હતી. અહીં એગ્સની ઉજાણી કરીને અમે આ રિજનની સ્થાનિક મોચી પણ ચાખી. તે પછી એક નાનકડી હાઇક કરવાનો સમય હતો.
અમે તો ત્યાં સાઇનવાળા રસ્તાને વળગી રહૃાાં અને માંડ એકાદ કલાક જેવું ત્યાં રહૃાાં. ત્યાં જે લોકો લાંબું રોકાતાં હોય, તે લોકો માટે ખાસ દર અડધા કલાકે દિવસ દરમ્યાનની ગાઈડેડ ટૂર લેવા જેવી છે. અમે તે ગાઇડેડ ટૂર સુધી તો ન પહોંચ્યાં પણ આ પહાડ જાણીતો જરૂર લાગવા માંડ્યો હતો. આ નાનકડી ટે્રલ માટે પણ અમારે બુકિગ કરાવવું પડ્યું હતું. ખાસ તો એટલા માટે કે આ વિસ્તાર એટલો જોખમી છે કે ત્યાં લોકોને પોતાની રીતે ફરવા દેવાનું જોખમી બની શકે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ -ઓડાવારા-ફુજીની દિશામાં પહેલો પડાવ…
ઓવાકુડાનીનાં સલ્ફરના ધુમાડા, ગરમ ઝરા, ગરમ નદી, બધું જ અનુભવવાનો તો મોકો ના મળ્યો, પણ કેબલ કારના પછીના પડાવ પર ત્યાંના ગરમ ઝરાના પાણીમાં પગ બોળવાનો મેળ જરૂર પડી ગયો. ખાસ તો બિલ્ડિગના એરિયામાં આવી ગયાં પછી આ ત્રીજા પડાવ પર બાલ્કની જેવા વિસ્તારમાં અમે ત્યાં માત્ર ફુજીના વ્યૂ માટે પ્રવેશેલાં. ત્યાં એક નહેર જેવો સેટ અપ હતો. ત્યાં ટેબલ પર બેસીને લોકો પોતાનો થાક ઉતારી રહૃાાં હતાં. અમે પણ તેમાં જોડાઈ ગયાં. અત્યાર સુધીમાં આ ટ્રિપમાં રોજનાં 25,000થી વધુ સ્ટેપ થતાં હતાં, એવામાં થોડી વાર માટે ક્યાંક બેસીને ગરમ પાણીમાં પગ બોળવા મળી જાય તેવી ક્લ્પના નહોતી કરી. ત્યાં અમે ધાર્યાં કરતાં ઘણું વધારે રોકાઈ ગયેલાં. એ જગ્યાએ ગુજરાતી બોલતી એકલી આવેલી એક છોકરી સાથે થોડી આસપાસનાં વાતાવરણની ગપશપ પણ કરી લીધી હતી. હજી તો આખી ટ્રિપ ઠેર ઠેર ગુજરાતી પ્રવાસીઓ સાથે કેચ-અપ કરવામાં નીકળવાની હતી. તે સમયે હાકોને પર્વત પર જરાય નહોતું ધાર્યું કે ફુજી શેપનાં કપ્સ અને કાળાં એગ્સ વચ્ચે અહીંના વાતાવરણ અને પ્રવાસની હાડમારી વિષે કોઈની સાથે ગુજરાતીમાં વાત કરવાનો મેળ પડી જશે.
ઓવાકુડાનીમાં છેલ્લે વોલ્કેનો ફાટ્યો તો છેક 3000 વર્ષ પહેલાં હતો, પણ ત્યાં પાણી આજે પણ ઊકળી રહૃુાં છે. એટલે જ તેને બોઇલિંગ વેલી તરીકે ઓળખાવાય છે. અમને તો ત્યાંનું પાણી પ્રવાસનાં ઉધમ વચ્ચે આરામ આપી ગયું હતું. હજી માઉન્ટ હાકોનેની આસપાસનાં એડવેન્ચરમાં નવા અનુભવોનો વારો હતો.