ભાત ભાત કે લોગઃ …તો પહેલી સપ્ટેમ્બરે આખું ભારત અરાજકતામાં ધકેલાઈ જાત? | મુંબઈ સમાચાર
વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ …તો પહેલી સપ્ટેમ્બરે આખું ભારત અરાજકતામાં ધકેલાઈ જાત?

જ્વલંત નાયક

ચીનના તિઆનજીન શહેરમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે એક અનોખી કહી શકાય એવી મીટિગ યોજાઈ ગઈ. અનોખી એટલા માટે કે બંને શીર્ષનેતાઓ કોઈ મીટિગરૂમને બદલે પુતિનની કારમાં મળ્યા. રશિયન રાષ્ટ્રપતિ પુતિન ખાસ પ્રકારની આર્મર્ડ લિમોઝીન કાર વાપરે છે. વિદેશપ્રવાસે જાય ત્યારે પણ એમની કાર સાથે જ હોય.

મોદી અને પુતિને આ જ લિમોઝીનની પાછલી સીટ પર બેસીને મીટિગ કરી. વિશ્વભરના મીડિયાએ આ મીટિગને લિમો ડિપ્લોમસી' અથવાબેકસીટ બ્રોમેન્સ’ તરીકે ઓળખાવી. વિશ્વના દિગ્ગજ નેતાઓ આ રીતે ભાગ્યે જ મળે છે. આ મીટિગ વિશેની અમુક બાબતો આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંતો આજદિન સુધી સમજી નથી શક્યા. અને આવી અસ્પષ્ટ બાબતો હંમેશાં ચિત્રવિચિત્ર થિયરીઝને જન્મ આપે છે. આ કિસ્સામાં પણ એમ જ બન્યું….

1 સપ્ટેમ્બર 2025 ના `શાંઘાય કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ’ માટે ચીન ગયેલા મોદી બાયલેટરલ મીટિગમાં ભાગ લેવા જવા માટે હોટેલના પોતાના રૂમમાંથી નીચે ઉતર્યા ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પહેલેથી જ પોતાની કારમાં રાહ જોતા બેઠા હતા. એમણે મોદીને પોતાની જ કારમાં બેસાડી લીધા.

પંદરેક મિનિટ લાંબી ડ્રાઈવ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વાતચીત થઇ, પણ ગંતવ્ય સ્થાને પહોંચી ગયા બાદ પણ બંને નેતા લિમોઝીનમાં જ બેસી રહ્યા અને વાતચીત બીજી પિસ્તાળીસ મિનિટ સુધી ચાલુ રહી. ટ્રમ્પના ઉધામા સામે ભારત છેલ્લા થોડા સમયથી રશિયા સાથેની પોતાની નિકટતા જાહેરમાં દર્શાવતું રહ્યું છે. આ પ્રકારના રાજદ્વારી વલણને કારણે ટ્રમ્પના ભારત વિરોધી લવારા ઉપર ઘણે અંશે અંકુશ પણ મુકાયો છે.

જોકે રશિયા સાથે નિકટતા દર્શાવવા માટે બીજા ઘણા વિકલ્પો હતા. મોદી અને પુતિન ઔપચારિક રીતે પણ મળી જ શક્યા હોત. એવી તે શું વાત હતી કે આ બંને શીર્ષસ્થ નેતાએ મીટિગરૂમ કે હોટેલના રૂમને બદલે કારમાં બેઠા બેઠા આટલી લાંબી ચર્ચા કરી નાખી? પુતિને કરેલી ચોખવટ મુજબ રશિયન રાષ્ટ્રપતિએ અલાસ્કામાં ટ્રમ્પ સાથે જે ચર્ચા કરેલી, જે એ મોદીજીને માહિતગાર કરવા માગતા હતા.

આ જવાબ એકદમ ગળે ઉતરે એવો નથી. મોદી અને પુતિન વચ્ચે ખરેખર શું ચર્ચાયું એનો જવાબ મેળવવાની મથામણે મોદીની હત્યાના કાવતરાની વિવાદાસ્પદ થિયરીને જન્મ આપ્યો છે! આ થિયરી મુજબ ચીનના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીની હત્યા થવાની હતી!

પુતિનને પણ આ વાતની ગંધ આવી ગઈ આથી એમણે મોદીને સતત પોતાની સાથે રાખ્યા. સોશ્યલ મીડિયાથી માંડીને અમુક પ્રિન્ટ મીડિયામાં પણ આ વિશે ખબરો છપાઇ. એવામાં વળી બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આવેલા સમાચારે બળતામાં ઘી હોમ્યું.

31 ઓગસ્ટ 2025ના ધ સન્ડે ગાર્ડિયન'ના રિપોર્ટ મુજબ આ દિવસે વહેલી સવારે ઢાકાનીધ વેસ્ટિન હોટેલ’ ના રૂમ નંબર 808માંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો. મૃતક અમેરિકન નાગરિક હતો, નામ હતું ટેરેન્સ જેક્સન ઉર્ફે ટીજે. તાત્કાલિક ઢાકાની અમેરિકન એમ્બેસીને જાણ કરવામાં આવી.

એમ્બેસીના માણસો તરત હોટેલ પર પહોંચ્યા અને સ્થાનિક કક્ષાએ પોસ્ટમોર્ટમની પળોજણમાં પડ્યા વિના ટેરેન્સ જેક્સનની લાશને બનતી ઝડપે અમેરિકા મોકલી દેવામાં આવી. `સન્ડે ગાર્ડિયન’નો રિપોર્ટ વધુમાં જણાવે છે કે પચાસ વર્ષનો ટેરેન્સ કોઈ મામૂલી આદમી નહોતો. એના લિન્ક્ડ ઇન પ્રોફાઈલ મુજબ જેક્સન બે દાયકાથી અમેરિકી સેના સાથે જોડાયેલો હતો.

એટલું જ નહિ, અમેરિકી સેનાની એવી મહત્ત્વની પોસ્ટ્સ ઉપર જેક્સન ફરજ બજાવતો હતો, જ્યાં પહોંચવા માટે ઉચ્ચ યોગ્યતા અને અનુભવની જરૂર પડે. આ ઉપરાંત રેકોર્ડ્સ મુજબ જેક્સન `વેપારઅર્થે’ વારંવાર બાંગ્લાદેશ આવતો રહેતો. આ તમામ સાંયોગિક પુરાવા દર્શાવે છે કે જેક્સન કોઈક રીતે બાંગ્લાદેશમાં થતા અમેરિકી ચંચૂપાતમાં સક્રિય ખેલાડી તરીકે કામ કરતો હોવો જોઈએ.

બાંગ્લાદેશમાં જ્યારે શેખ હસીના સત્તા પર હતાં, એ સમયે એમણે એવું નિવેદન આપેલું કે અમેરિકા એમને (એટલે કે હસીનાને) સત્તા પરથી ઉથલાવવા માગે છે. થોડા જ દિવસોમાં શેખ હસીનાની આશંકા સાચી પડી અને બાંગ્લાદેશ સળગ્યું. એ કહેવાતી ક્રાંતિ પાછળ અમેરિકાનો સીધો હસ્તક્ષેપ હતો એ સમજવા માટે કંઈ મોટા જાણભેદુ થવાની જરૂર નથી.

પ્રશ્ન એ છે કે જેક્સન મર્યો કઈ રીતે? ટ્રમ્પ ભલે મોદી કે ભારત વિશે ગમે એટલું સુષ્ઠુ સુષ્ઠુ બોલે, પણ હકીકત એ છે કે ભારત પ્રગતિના પંથે સ્થિર ગતિએ ચાલતું રહે એ અમેરિકાને ક્યારેય નહિ ગમે. આ માટે અમેરિકા અને ચીન જેવી મહાસત્તા દાયકાઓથી ભારતની આસપાસ ઝેરીલા સાપ ઉછેરવાનો ધંધો કરી રહી છે. બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાં આસાનીથી અરાજકતા ફેલાવી શકાય છે અને ત્યાંની પ્રજામાં ભારત વિરોધી ઇમોશન્સ પેદા કરી શકાય છે.

જેક્સન જેવા અધિકારીઓ આવી જ કામગીરી બજાવતા હોવાનું મનાય છે. તો શું જેક્સનને ભારતની કોઈ સુરક્ષા એજન્સીએ મારી નાખ્યો? કે પછી રશિયાની કેજીબીએ જેક્સનનો શિકાર કર્યો?

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : યે કૈસા દર્દ કા રિશ્તા…? દર્દના સંબંધે જોડાયેલી છે બે પ્રજાની પીડાભરી કથા

સન્ડે ગાર્ડિયન’ના રિપોર્ટ મુજબ 31 ઓગસ્ટે જેક્સનનું મૃત્યુ થયું એ પછી લાંબા સમય સુધી એનીલિન્ક્ડ ઇન’ પ્રોફાઈલ એક્ટિવ હતી. આ પ્રોફાઈલ કોણ યુઝ કરતું હતું? અમેરિકી સેનાએ કહ્યું છે કે અમારા તમામ અધિકારીઓ સુરક્ષિત છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાએ સત્તાવાર રીતે જેક્સન મામલે હાથ ખંખેરી નાખ્યા છે.

હવે મૂળ વાત આવે છે આખા ઘટનાક્રમના ટાઈમિંગની. મોદીની હત્યાની આશંકા અને જેક્સનના મૃત્યુને જોડતી જે કડી છે, એ છે બંને ઘટનાનું ટાઈમિંગ. જેક્સન મરાયો. બીજા જ દિવસે પુતિન અને મોદી વચ્ચે પેલી અસામાન્ય મીટિગ થઇ. કેટલાક માને છે કે ચીનની ધરતી પર ભારતના શીર્ષસ્થ નેતાની હત્યા થાય કે એટલીસ્ટ એમના પર હુમલો ય થાય તો દક્ષિણ એશિયાઈ ઉપખંડમાં ભારે અરાજકતા ફાટી નીકળે. જેક્સન જેવા પ્યાદાઓ આ આગને ભડકાવવાનું કામ કરે.

પરિણામે ભારત, ચીન અને રશિયા વચ્ચેની સંભવિત ધરી બનતા પહેલા જ ધ્વસ્ત થઇ જાય અને અરાજકતામાં ફસાયેલા ભારત પાસે અમેરિકાની શરણે ગયા વિના બીજો વિકલ્પ ન રહે.

ખરેખર આવું કશું થાય તો પરિણામો બહુ ગંભીર આવે, પણ આ થિયરીમાં સત્યનો અંશ કેટલો? મોદી-પુતિન વચ્ચે એ દિવસે કઈ ખાનગી ચર્ચા થઇ હશે? જેક્સન મર્યો કઈ રીતે અને એનું પોસ્ટમોર્ટમ કેમ ન કરાયું? આ પ્રશ્નોના સાચા જવાબો ભાગ્યે જ બહાર આવશે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : `1955 સિસ્ટમ’ : આ છે જાપાનની યુનિક રાજકીય વ્યવસ્થા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button