વિશેષ પ્લસ : છોડનું વાવેતર કરતા શીખવાડીને બાળકોમાં કરો દયાનું સિંચન…

રશ્મિ શુકલ
કોઈપણ છોડ વાવવો એ આપણને શીખવે છે કે જીવનનું નિરીક્ષણ કરતા શીખો, માવજત કરતા શીખો. આ જ બાબત આપણા બાળકોને પણ શીખવવી જોઈએ. બાળકોને આપણા પર્યાવરણનું મહત્ત્વ અને એની જાળવણી વિશે જ્ઞાન હોવું જરૂરી છે.
એ માટે વૃક્ષો ઉગાડવાની વિનંતી ઘણાં વખતથી કરવામાં આવી રહી છે. પ્રદૂષણનો સ્તર મહદ્અંશે વધી રહ્યું છે. એવામાં આપણી સૌની નૈતિક જવાબદારી બને છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ.
બાળક જ્યારે ઝાડમાં દરરોજ પાણી સિંચે છે તો તેમને એ વાતનો પણ એહસાસ થવો જોઈએ કે દરેક વસ્તુ યોગ્ય માવજત, ધ્યાન અને સમય માગે છે. છોડને પાણી સિંચવું એ તેને જવાબદારીનું ભાન કરાવે છે. છોડ જેમ-જેમ ઊગે છે એ જોઈને બાળક હરખાઈ છે અને તેને લાગે છે કે તેની મહેનત રંગ લાવી. સમય જતાં બાળકની અંદર પણ જવાબદારીના બી રોપાઈ જાય છે.
ધીરજના ફળ મીઠાં
છોડને જ્યારે આપણે પાણી નાખીએ તો તે એક દિવસમાં ઊગી નથી નીકળતો અને તરત ફળ નથી આપતો. એને ઊગતા અને ફળ આપતા સમય લાગે છે. એના દ્વારા બાળકને સમજાય છે કે સંબંધો, કૌશલ્ય અને રૂઝને આવતા સમય લાગે છે.
કુદરત સાથે મૈત્રી
બાળક જ્યારે છોડની કાળજી લેતો થાય છે. ત્યારે તે એક પ્રકારે કુદરત સાથે સંબંધ કેળવે છે. સાથે જ ગાર્ડનિંગ કરવાથી બાળક આકસ્મિક ઘટનાઓ અને હતાશાનો સામનો કરવાની શક્તિ કેળવે છે.
આપણ વાંચો: વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!
ઘણી વખત એવું પણ બને છે કે બાળકે ખૂબ જતન સાથે છોડની માવજત કરી હોય અને ખાસ્સો સમય વીતવા છતાં પણ છોડનો વિકાસ ન થતો હોય તો તે નિરાશ થાય છે. આ બાબત પણ જીવનમાં ઉતારવા જેવી છે કે ક્યારેક સખત મહેનત કરવા છતાં પણ ધાર્યું ફળ નથી મળતું.
જોકે નિષ્ફળ થવાથી નાસીપાસ ન થવું. ફરીથી પ્રયાસ કરવા અને કદી હાર ન માનવી. આવી રીતે ગાર્ડનિંગ બાળકો માટે એક શિક્ષકની ભૂમિકા ભજવે છે. દરેક બાળકને હાઇ એનર્જીવાળી પ્રવૃત્તિઓ કરવી નથી ગમતી. એવામાં બાગકામ એ સલામત છે. બાળક પર કોઈપણ પ્રકારની સ્પર્ધાનું દબાણ નથી હોતું.
પર્ફોર્મન્સ સુધારવાનું પ્રેશર નથી હોતું. બાળકને પણ પોતાની મહેનત કેવા પ્રકારે ફળ અને ફૂલમાં પરિણમે છે એ જોવું ગમે છે. એનાથી બાળકને પણ જાણ થાય છે કે દરેક વસ્તુ તૈયાર નથી મળતી. એની પાછળ પરિશ્રમ લાગે છે.
વધતા છોડની સાથે બાળકની અંદર ઉદારતા, કરૂણા અને દયાની લાગણીનું પણ સિંચન થતું જશે.