અરાઉન્ડ ધ વર્લ્ડ: હાચિકો સ્ટેચ્યૂ - જાપાનના જ નહીં, દુનિયાના સૌથી લોકપ્રિય કૂતરા પાસે… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: હાચિકો સ્ટેચ્યૂ – જાપાનના જ નહીં, દુનિયાના સૌથી લોકપ્રિય કૂતરા પાસે…

  • પ્રતીક્ષા થાનકી

જ્યાં પણ જાઓ ત્યાંની વળતી ટિકિટ લઈને જાઓ એટલે સમયસર પાછું તો ઊપડી જ જવું પડે. કાવાગુચિકોથી વળતી બસનો સમય થયો એટલે અમે ફુજીને છેલ્લે સારી રીતે સ્ટેશનથી અને થોડી વાર બસમાંથી જોવા માટે સજ્જ હતાં. જાપાન છે, એટલે બસ સમયસર આવી, કોઈ પણ કષ્ટ વિના ભરાઈ, સમયસર આગળ ચાલી. અમને બારી પણ ફુજીની સાઈડ જ મળી. હવે ધાર્યા કરતાં વધુ થોડી વાર ફુજી દેખાઈ ગયો. તેમાંય એ વિસ્તારનો એક કન્વિનિયન્ટ સ્ટોર તેના લોકેશનના કારણે ખાસ ખ્યાતનામ બની ગયો છે. આમ તો આખાય જાપાનમાં ઢગલાબંધ લૉસન સ્ટોર્સ છે. પણ આ સ્ટોરની બરાબર છત પર ફુજી ગોઠવાયેલો હોય તેવું લાગતું હતું.

અમારે તો ત્યાં ખાસ ચાલીને જવું પણ ન પડ્યું. ઊલટાનું બસમાંથી પરફેક્ટ હાઈટ પરથી તે વ્યૂને પણ થોડી પળો માટે માણી લીધો. હવે ધીમે ધીમે વાતોમાં ફુજી પાછળ નીકળી ગયો. જાપાન જે રીતે મનને ભાવી રહ્યું હતું, અહીં ફુજીને છેલ્લી વાર જોયો હોય તેવું જરાય ન લાગ્યું. જો ક્યાંય પાછાં જવાનો પ્લાન બનતો હશે તો તે લિસ્ટમાં જાપાન ઘણું આગળ હશે એ હવે નક્કી હતું.

જોતજોતામાં શિન્જૂકુ સ્ટેશન ફરી આવી ગયું. સવારની બે ટે્રઈનની હાડમારી ક્યાંય ભુલાઈ ગઈ. રાત પડી ગઈ હતી. શિન્જૂકુ સ્ટેશન તો ખુદ એટલું ધમધમતું હતું કે ત્યાં જ નાનકડું ગામ વસેલું હોય તેવું લાગતું હતું. ખરેખર જાપાનના આવાં મહાકાય ટે્રન સ્ટેશન્સ અને ત્યાંની અંડરગ્રાઉન્ડ દુનિયા બાકી બીજે ક્યાંય નથી. તેનું સૌથી મોટું કારણ જગ્યાનો અભાવ પણ ખરો. ટે્રન સ્ટેશનની આસપાસ શોપિંગ અને મનોરંજનના વિસ્તારો એવી રીતે ગોઠવાયા છે કે ત્યાં જવા માટે લોકો આપમેળે જ ટે્રનથી જાય અને રસ્તા પર ભીડ અને ટ્રાફિક થોડો ઓછો થઈ શકે. અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ચાર-પાંચ માળ તો ક્યાંય પણ જોવા મળી જતા હતા. શિબૂયા સ્ટેશનમાં તો સાત માળ હતા. એટલું જ નહીં, ટોક્યો સ્કાયટ્રીમાં તો ટાવરની નીચે દસ માળની જમાવટ છે. ક્યાંક પાર્કિંગ લોટ, ક્યાંક બસ સ્ટોપ, ક્યાંક મલ્ટિપ્લેક્સ, ક્યાંક શોપિંગ મોલ, ક્યાંક ડોન્કી એટલે કે ડોન કિહોટે નામની સુવિનિયર શોપ, બધું ત્યાંનું ત્યાં જ એક જ ભોંયરામાં મળી જતું.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: માઉન્ટ ફુજી-પોપ કલ્ચર આઇકોનોગ્રાફીનો ચેમ્પિયન…

એવામાં શિન્જૂકુ પહોંચતાં હજી માંડ અંધાં થયું હતું. હવે તે દિવસે વિચાર્યું કે હાચિકોના સ્ટેચ્યૂ પર માથું ટેકવી આવીએ. જાપાનને સાચાં હોય કે કાલ્પનિક અને કાર્ટૂનનાં, પ્રાણીઓ અને પક્ષીઓથી ખૂબ પ્રેમ છે. પછી તે માયથોલોજિકલ ગોડઝિલા હોય કે પછી ખરો હાચિકો નામનો આકિતા ઇનુ બ્રિડનો કૂતરો, મહત્ત્વ બધાંને અહીં એટલું જ મળ્યું છે. અમને ગોડઝિલાનું સ્ટેચ્યૂ ફોટોગ્રાસના પ્રમાણમાં સાવ ટચૂકડું લાગ્યું હતું, પણ હાચિકો તો એક ભવ્ય ચોકમાં મૂકવામાં આવ્યો છે. ત્યાં સ્ટેશનની ઘણી એક્ઝિટ પર તો હાચિકોના ચિત્ર સાથે એરો બતાવેલાં હતાં. તમે ધારો તો પણ હાચિકો ક્યાં છે તે ચૂકી શકો નહીં. એવામાં અમે એકઝિટ પર પહોંચ્યાં અને તરત જ કૂતરાનું મજેદાર શિલ્પ નજરે પડ્યું. અમે તો ધારેલું કે સાંજે ત્યાં લોકો ઊભરાતાં હશે, પણ તે સમયે ત્યાં માંડ બે-ત્રણ જણાં ફોટો પાડતાં દેખાયાં.

પોતાની વફાદારી માટે જગવિખ્યાત કૂતરો જોવા પ્રાઇમ ટાઇમ પર કોઈ ખાસ ન આવ્યું હોય તે કઈ રીતે બને. પહેલાં તો લાગ્યું કે અમે જ ક્યાંક ખોટા ચોક પર પહોંચી ગયાં હોઇએ, પણ હાચિકો તરફની સાઈન તો ખોટું નહોતી બોલતી. બસ અમારી આંખોએ હજી ત્યાંની ભીડ જોઈ ન હતી. ત્યાં ફોટા પાડવા માટે આખા ચોકને ફરતી મારી જિંદગીની સૌથી લાંબી લાઈન લાગેલી હતી. બસ, શિલ્પ પાસે લોકો પોતાની પ્રાઇવસીથી ફોટા પડી શકે તે માટે બધાંએ લાઈન થોડે દૂરથી ચાલુ કરી હતી. જાપાનમાં ટૂરિસ્ટની ભીડ પણ લાઈનના સ્વરૂપે જ હોય છે. અમે તો હાકોનેથી નક્કી કરી ચૂક્યાં હતાં કે માત્ર ફોટો અને રીલ્સની લાઈનમાં અમે નહીં ઊભા રહીએ. અમે ખુશી ખુશી હાચિકોના સ્ટેચ્યૂનો દૂરથી જ ફોટો પાડીને મનમાં જ તે લોયલ કૂતરાને શ્રદ્ધાંજલિ આપી દીધી.

આ હાચિકો 1923માં જન્મેલો અને પ્રોફેસર ઉએનોનો પાલતુ અને મનપસંદ બની ગયો હતો. બંને રોજ સાથે ઘરેથી ચાલીને શિબૂયા સ્ટેશન સુધી જતા. પછી પ્રોફેસર ટે્રન લઈને જતા અને સાંજે કામ પતે એટલે પાછા ફરતા. ત્યાં આખો દિવસ હાચિકો તેમની ધીરજથી રાહ જોતો રહેતો. પછી બંને સાથે ફરી ચાલીને ઘરે પાછા ફરતા. 1925માં અચાનક જ પ્રોફેસરનું અવસાન થઈ ગયું અને તેઓ સાંજે પાછા ન આવ્યા. તે પછી પણ હાચિકો દસ વર્ષ સુધી રોજ સવારે નિશ્ચિત સમયે એકલો સ્ટેશન પહોંચી જતો અને ત્યાં પ્રોફેસરની રાહ જોતો. હવે એ જ સ્થળે શિબૂયા સ્ટેશનની બહાર હાચિકો આજે પણ શિલ્પનાં રૂપમાં ત્યાં જ બેઠો છે. જાપાનીઝ લોકો માટે હાચિકો લોયલ્ટીનું પ્રતીક બની ગયો છે. તેને વાર્તાઓ, કાર્ટૂન, ચિત્રો, ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. ઘણાં તો હાચિકોને દુનિયાનો સૌથી વફાદાર કૂતરો પણ કહે છે.

જોકે ભારતીયોને તો જેકી શ્રોફની ફિલ્મ તેરી મહેરબાનિયાં'નો કૂતરો કે પછીહમ આપકે હૈં કૌન’નો ટફી પણ એટલાં જ વફાદાર લાગે. પણ જાપાનમાં હાચિકો એટલો લોકપ્રિય બની ગયો છે કે તેની બ્રીડ આકિતા ઇનુને જાપાનની નેશનલ ડોગ બ્રીડ બનાવી દેવામાં આવી છે. જાપાનને આમ તો બિલાડીઓ વધુ પસંદ હોવાની વાત છે, પણ હાચિકોની શ્રાઇન પર ઊભાં રહેલાં લોકોને જોઇએ તો લાગે કે કૂતરાઓ પણ લોકપ્રિયતાના મામલે જરા પણ પાછા પડે તેવું નથી.

શિબૂયાની ખ્યાતનામ બિલાડીને આ વફાદાર કૂતરા તરફથી લોકપ્રિયતાના મામલે બરાબર કોમ્પિટિશન મળી રહી હતી. જો કે તે સમયે તો લાગ્યું કે થ્રીડી બિલાડીની નવીનતાની સામે હાચિકો પ્રત્યે મુલાકાતીઓને વધુ પડતી સહાનુભૂતિ હતી.
આ કૂતરાના સ્ટેચ્યૂ પાસે અમે સેલ્ફી ન લીધી, પણ તેની હાજરી અને લોકોનો તેના પ્રત્યેનો પ્રેમ ત્યાં જરૂર અનુભવી શકાતો હતો. અમે હવે બાકીનો સમય શિન્જૂકુ સ્ટેશન પર વિતાવવાનાં હતાં. રાત પડ્યે રોપોન્ગીની હોટલ પાછું પહોંચવાનું હતું. હવે તો જાણે રોપોન્ગીની હોટલ ઘર જેવી લાગવા માંડી હતી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ લેક કાવાગુચિકો-ફુજીના વ્યૂ વિના પણ મજેદાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button