અરાઉન્ડ ધ વર્લ્ડ: માઉન્ટ ફુજી-પોપ કલ્ચર આઇકોનોગ્રાફીનો ચેમ્પિયન… | મુંબઈ સમાચાર

અરાઉન્ડ ધ વર્લ્ડ: માઉન્ટ ફુજી-પોપ કલ્ચર આઇકોનોગ્રાફીનો ચેમ્પિયન…

  • પ્રતીક્ષા થાનકી

કાચી કાચી યામાની વાર્તામાં ત્યાંના રેમ્પ પરથી આગળ વધીને ફુજીના જે વ્યૂઝ દેખાયા તેને જોવાનું અમે જરાય ચૂક્યાં નહીં. એક જમાનામાં ભલે ત્યાં લોકવાયકાઓ બને તેવી ઘટનાઓની કલ્પના થઈ હોય, આજે તો ત્યાં ટૂરિસ્ટને મજા આવે તેવા ફોટા પાડી શકાય તેવા ખૂણા ઊભા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી બધે અમે સવારથી જાપાનીઝ, ચાઇનીઝ અને અંગ્રેજી સાંભળતા આવ્યાં હતાં, પણ ફુજીના ફોટા પાડવાની આસપાસ અચાનક ગુજરાતી સંભળાવા લાગ્યું.

હવે માઉન્ટ ફુજી જોવા માટે થોડાં ગુજરાતીઓ તો આવ્યાં જ હોય ને. દુનિયામાં ક્યાંય પણ ગુજરાતી બોલતાં લોકો મળી જાય તેની અમને એક ઘડી માટે પણ નવાઈ નથી લાગતી. ઊલટું ન દેખાય કે ન મળે તો પ્રશ્ન થાય કે આ સ્થળ હજી એટલું લોકપ્રિય નથી બન્યું લાગતું. તેમને ફોટો પાડી આપવાનું અમે ઓફર કર્યું. તેમણે અમારો ફોટો પાડી આપ્યો. આમ તો મોટાભાગે સેલ્ફીથી કામ ચાલી જતું હોય છે, પણ અહીં વ્યૂઝ જ એવા હતા કે માણસને જરા બેકગ્રાઉન્ડ પણ સારી રીતે આવે તે જોઈએ. હવે ટ્રાઇપોડની જવાબદારી લઈને ફરવા જેવું લાગતું ન હતું. ખાસ તો એટલા માટે કે ક્યાંય જઈને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો કોઈ ઇરાદો ન હતો. હવે હજારો ફોટા માત્ર યાદગીરી માટે પાડવામાં આવે છે અને તેનાં ફોલ્ડરો સ્ટોરેજમાં પડ્યાં રહે છે.

મુંબઈના એક ગુજરાતી કપલે અમને ફોટો પાડી આપ્યો અને અમે તેમનો, તે પછી થોડી ગપશપ પણ થઈ. તેમને પણ જાપાનમાં ઘણી જગ્યાએ ગુજરાતીઓ મળી જતાં હતાં. તેમની આઇટનરરી અમારા કરતાં સાવ વિપરીત હતી. એ લોકો હવે હાકોને જવાનાં હતાં. અમે હાકોનેના અનુભવોની થોડી વાતો કરી. તેમના ગ્રુપનાં સાથે આવેલાં લોકો એક ફોટો પોઇન્ટ ગયેલાં. હવે તેમને ત્યાં જવું હતું. એ પોઈન્ટ વિષે અમે વાંચી ચૂક્યાં હતાં. ત્યાંથી પણ ફુજી તો એ જ દેખાવાનો હતો, પણ ત્યાં બે હીંચકા એવી રીતે ગોઠવેલા હતા કે પાછળથી એક વિશેષ ફોટો પાડી શકાય. અને અમે હાકોનેના અનુભવ પછી કોઈ પણ ફોટો માટે લાઇનમાં ઊભા રહેવા માટે તૈયાર ન હતાં. એટલે તેમને તેમના લાઈનમાં ઊભા રહેવાનાં એડવેન્ચર તરફ વળાવી અમે થોડી વાર અલગ અલગ ખૂણેથી ફુજીનો વ્યૂ માણ્યો.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : કાચી કાચી યામા: ફુજીની તળેટીમાં સફરજન ને લોકવાયકાઓની મજા…

હજી આગલા દિવસે અમે આ જ પહાડને જોવા તરસી ગયેલાં. અને હવે જ્યાં પણ નજર નાંખો ફુજી દેખાઈ જ જતો હતો. ખરેખર પોપ કલ્ચરમાં આ પહાડની શું ગજબની આઇકોનોગ્રાફી કરવામાં આવી છે. અલગ અલગ ફુજી શેપમાં કપ્સ અને બરણીઓ, તેનાં ચિત્રોવાળી કિચનની, ડાઇનિંગની, સ્ટેશનરીની, રમકડાંની, બ્યુટી રિલેટેડ અને જિંદગીનાં કોઈ પણ પાસાંને સ્પર્શી જતી બાબતનાં ફુજી શેપનાં સુવિનિયર તમને મળી શકે. ત્યાં પહાડ પર જ નાનકડો સુવિનિયર સ્ટોર પણ હતો. ત્યાં તો ફુજી શેપની કેક પણ મળતી હતી અને બિસ્કિટ પણ. કાવાગુચિકોના કોઈ પણ પાર્ટમાં ખરા ફુજીની સામે ન જોતાં હોવ તો પણ ફુજી કોઈ ને કોઈ સ્વરૂપે તમારી સામે આવી જ જવાનો છે.

આ અનોખો પહાડ તેના પરફેક્ટ કોન શેપને કારણે વધુ પડતો આકર્ષક લાગતો હતો. વળી તે બધી તરફથી એકલો ઊભો છે, અને આસપાસમાં સાવ લેટ ગ્રાઉન્ડ છે. એટલે ફુજીને વાદળો ન ઢાંકી દે તો તેને ઇગ્નોર કરવાનું શક્ય જ નથી. 1707માં છેલ્લે ત્યાંનો જ્વાળામુખી ફાટ્યો હતો. બાકી આજે તો ફુજી શાંત છે અને પોતાની લોકપ્રિયતા એન્જોય કરતો હોય તેવું લાગતું હતું. 12,389 ફીટની હાઈટ પર આ એક્ટિવ વોલ્કેનોની પહાડની સરફેસ તો નેશનલ પાર્કની જાપાની નેશનલ લેન્ડ જ છે, પણ તેની ટોચના વિસ્તારની જમીન શિન્ટો શ્રાઇનની માલિકીની છે. ફુજીની ટોચ સુધી પહોંચવાના આમ તો ઘણા રસ્તા છે, પણ તે બધા રસ્તા સરળ નથી. યોશિડા ટે્રલ સૌથી સરળ માનવામાં આવે છે. તે આમ તો માંડ 6.8થી 7 કિલોમીટરની જ છે, પણ તેને કરવામાં સાતથી વધુ કલાકો લાગી શકે. વળી તેમાં ઠેર ઠેર ફર્સ્ટ એઇડનાં બૂથ પણ છે. ફુજીની હાઈક માટે ફિટનેસની સાથે સાથે પૂરતી તૈયારી જરૂરી છે. જોકે તેનું ડિફિકલટી લેવલ એવરેસ્ટ બેઝ કેમ્પ કે કિલિમાન્જારો સાથે સરખાવી શકાય તેવું નથી.

કોઈ પહાડને જોઈને કહી શકાય કે લોકો તેના પ્રેમમાં પડી જતાં હશે? કદાચ એવું કહી શકાતું હોય, તો તે ફુજી માટે જ હોઈ શકે. જાપાનીઝ તો તેને પૂજનીય માને જ છે, ફુજીની પોતાની લોકવાયકાઓની કોઈ કમી નથી. ત્યાં દર વર્ષે ત્રણ લાખથી વધુ હાઇકરો ચઢાઈ કરવાનો પ્રયત્ન કરે છે. અમે આ ટ્રિપમાં તો ફુજીની કાઈ હાઇક પ્લાન નહોતી કરી, પણ ભવિષ્યમાં ઘણી વાર જાપાન આવ્યા કરીશું, તો ક્યારેક ફુજી પાસે જ રહીને તેની આસપાસના અને થોડે ઉપર સુધી લઈ જતા બાઇકિગ ટે્રક પર સાઈકલ ચલાવીશું તેની ચર્ચા થઈ. જાપાનીઝ શહેરોમાં જરા વધુ પડતી ચહેલપહેલ છે, પણ ત્યાં શાંતિથી માત્ર રિલેક્સ થવા જવું હોય તો ફુજી આસપાસના કોઈ ઓનસેન એટલે કે સ્પા રિસોર્ટ પર પહોંચી જાઓ તો પણ ચાલે. ઓનસેનમાં રહીને બાઈક રાઇડ પ્લાન કરવાની કે પછી કોઈ લોકલ ઘરનો અનુભવ કરાવતા એરબીએન્ડબીમાં રહેવાનું, બસ પ્લાન ફુજીની આસપાસ બનવો જોઈએ.

તે સમયે ફુજીનાં વ્યૂઝ, માહિતી, વાર્તાઓ અને વાતો વચ્ચે સુવિનિયર સ્ટોરમાં ખ્યાતનામ કલાકાર હોકુસાઈની `36 વ્યૂઝ ઓફ ફુજી’ ચિત્રોની સિરીઝમાંથી થોડાં ચિત્રો પોસ્ટકાર્ડ તરીકે જોવા મળ્યાં. આ પહાડ પોતાનાં અનોખા પ્લેસમેન્ટ અને વ્યૂથી દુનિયાનું દિલ જીતી ચૂક્યો છે.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: કેલિકો કેટ ને ટોક્યોનાં નાટકીય થ્રીડી બિલબોર્ડ્સ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button