વીક એન્ડ

જાણી લેવા જેવી 3 મોડર્ન બોધકથા

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

(1) બિલાડી પાસેથી બોધ

એક દેશમાં શહેરના લોકોના દિલમાં સરકાર વિરુદ્ધ ઘણી ફરિયાદો હતી અને એ લોકોને એમના રાજા પર બહુ ગુસ્સો હતો. એક દિવસ એ લોકોએ સરકાર વિરુદ્ધ સરઘસ કાઢવાનું નક્કી કર્યું. આ સમાચાર મંત્રીઓ સુધી પહોંચ્યા. સરઘસને દબાવવા અને આ બળવો રોકવા માટે જરૂરી તમામ પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા. સરઘસ નીકળ્યું એટલે એને રોકવામાં આવ્યું, પણ સરઘસ રોકાયું નહીં એટલે ભારી લાઠીચાર્જ કરવામાં આવ્યો, ગોળીબાર પણ કરવો પડ્યો, જેને કારણે ઘણા લોકો ખૂબ ઘાયલ થયા. પરિણામે, છેવટે સરઘસ વિખેરાઈ ગયું અને શહેરમાં સરકારી વર્ચસ્વ ફેલાઈ ગયું. વળી સરઘસ કાઢનાર નેતાઓની ધરપકડ કરવામાં આવી.

થોડા સમય પછી, મંત્રીઓના આદેશથી એ શહેરમાં અચાનક ઘણાં સારાં કામ થવાં માંડ્યાં. જેમ કે- `અનાજ સસ્તું થયું, નવાં કારખાનાઓ શરૂ કરવામાં આવ્યાં, નવા રસ્તાઓ બન્યા.’ આ જોઈને એક શરીફ માણસે મંત્રીને પૂછ્યું, `તમે ગજબ છો, મંત્રી સાહેબ! કાલ સુધી તો તમે આ શહેરના લોકો પર ગોળીબાર કરીને જનતાને મારી રહ્યા હતા અને આજે હવે તમે અચાનક એ જ લોકોની સુખાકારી અને પ્રજાના વિકાસના પ્રયત્નો કરવા લાગ્યા!’ બુદ્ધિશાળી મંત્રીએ જવાબ આપ્યો: `એમાં શું છે કે હું બિલાડી પાસેથી એક બોધપાઠ શીખ્યો છું કે જ્યારે બિલાડી એકદમ ચોખ્ખી જગ્યા પર બેસીને જ મળમૂત્રની ગંદકી કરે, પછી એ તરત જ એ ગંદકીને માટીથી ઢાંકી દે.

અર્થાત્: `ગમે તેવાં ખરાબ કાર્યોને પણ થોડાં સારાં કાર્યોથી ઢાંકી શકાય અને દરેક નેતાએ એ છુપાવી દેવાં જ જોઈએ!, જેથી કરીને જો જો… હવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે લોકો અગાઉનાં મારાં ખરાબ કાર્યોને ભૂલી જશે અને ફક્ત છેલ્લે આચરેલાં સારાં કાર્યોને જ યાદ રાખશે. યાદ રાખો, મારું ચૂંટણીચિહ્ન હશે: બિલાડી!

(2) સરકારી સવારી.. ચાલ રાણી, ક્યાંક દૂર જઈએ!

`જો જો.. આ રસ્તો જ્યાં જાય છે એના અંતમાં એક ધોધ છે. તેનો મધુર અવાજ સંગીતની લહેર જેવો લાગે છે. મને કલાકો સુધી ત્યાં બેસી રહેવાનું મન થાય છે. ચાલ રાણી, આજે રવિવાર છે, ક્યાંક જઈએ!’ ધોધ પાસે બેસીને સુખની જે અનુભૂતિ થશે એની સરખામણીમાં આ સરકારી જીપમાં પેટ્રોલનો ખર્ચ થશે એ સાવ નજીવો છે. આ બીજા રસ્તાના અંતમાં ગુફાઓ છે, જેમાં સુંદર માનવાકારની મૂર્તિઓ છે, જે કોઈ પણ ત્યાં જાય છે, એ પોતાને ભૂલી જાય છે. ચાલ રાણી, આપણે ત્યાં જઈને આ ગુફાઓની છાયામાં બેસીએ. ગુફાઓમાં જવાથી જે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે રાણી એની સરખામણીમાં સરકારી જીપમાં પેટ્રોલનો ખર્ચ થશે એ પણ સાવ નજીવો છે. આ ત્રીજા રસ્તાના અંતમાં એક વિશાળ શિવ મંદિર છે. પ્રલયંકાર શંકરની મૂર્તિનાં દર્શન કરીને આંખો અને મનને પરમ સંતોષ મળે છે. ચાલ રાણી, આપણે ત્યાં શિવનાં દર્શન કરવા જઈએ! શિવજીનાં દર્શન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થશે એની સરખામણીમાં સરકારી જીપમાં પેટ્રોલનો ખર્ચ થશે એ સાવ
નજીવો છે. આખરે સરકારી પેટ્રોલ સારાં કામે ક્યારે વપરાશે?

(3) સસલાની જીત ને કાચબા પર કટોકટી

જેમ કે આપણને ખબર જ છે કે એક એવી વાર્તા છે જેમાં એક હતો કાચબો અને એક હતો સસલો. બાકીની વાર્તા તો સૌ જાણે જ છે. પણ એવા એક સસલાએ કાચબાને સંસદમાં, રાજકીય મંચ પર અને પ્રેસનાં નિવેદનો માટે પડકાર આપ્યો- `જો આગળ વધવાની બહુ તાકાત છે, તો મારા કરતાં પહેલાં અંતિમ મુકામ પર પહોંચીને બતાડ!’ બેઉ વચ્ચે હરીફાઈ શરૂ થઈ. સસલો એના સ્વભાવ પ્રમાણે ફટાફટ દોડવા લાગ્યો અને કાચબો એની પોતાની રીતે ધીમી ગતિએ આરામથી ચાલતો રહ્યો જેમ કે આપણને ખબર જ છે કે, આગળ જઈને સસલો એક ઝાડ નીચે આરામ કરવા માંડ્યો. આ વિશે એણે પત્રકારોને કહ્યું, `હું રાષ્ટ્રની સમસ્યાઓ પર ગંભીર ચિંતન કરી રહ્યો છું, કારણ કે મારે ઝડપથી એ લક્ષ્ય સુધી પહોંચવાનું છે ને દેશને પણ આગળ વધારવાનો છે’. બસ આટલું કહીને સસલો આંખ મીંચીને ચિંતન કરવા માંડ્યો એટલે કે ઘસઘસાટ એ સૂઈ ગયો.

આ બાજુ કાચબો ધીમે ધીમે એના લક્ષ્ય સુધી પહોંચવા માંડ્યો. થોડીવારે જ્યારે સસલો સૂઈને ઊઠ્યો ત્યારે એણે જોયું કે કાચબો એના કરતાં ઘણો આગળ નીકળી ગયો છે એટલે એને સમજાઈ ગયું કે આ વખતે પણ એની હાર અને બદનામીની પૂરી શક્યતાઓ છે એટલે ચાલાક સસલાએ તરત જ દેશમાં કટોકટી જાહેર કરી દીધી અને એણે એના નિવેદનમાં કહ્યું, `પ્રગતિશીલ, પછાત અને રૂઢિચુસ્ત તાકતો આગળ વધી રહી છે, તેઓથી દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે. જેથી આજથી દેશમાં ઇમર્જન્સી!’ આમ કાચબો એના લક્ષ્ય સુધી પહોંચે અને રેસ જીતે એ પહેલાં જ એની ધરપકડ કરવામાં આવી અને એને જેલમાં ધકેલી દેવામાં આવ્યો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button