સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.

- હેમંત વાળા
નવું બધું જ સારું હોય તે જરૂરી નથી. નવાની જરૂર છે, પરંતુ નવું બધું જ સંપૂર્ણતામાં સ્વીકારી શકાય તેવું ન પણ હોય. બદલાવ જરૂરી છે, માનવી અને સમાજ એકધારાપણાથી કંટાળી જતાં હોય છે. તે ગમે તેટલી સારી હોય તો પણ, એક જ પ્રકારની પરિસ્થિતિ માનવી લાંબા ગાળા સુધી સ્વીકારી શકતો નથી. એક સમયે જે બાબત અપાર પસંદ હોય તે બાબત પણ અમુક સમયગાળા પછી બદલાય તેવી અપેક્ષા રખાતી હોય છે. માનવીની વિચારસરણી બદલાતી હોય છે, સમાજમાં તકનીકી બાબતોની પ્રગતિ થતી હોય છે, કળા પ્રત્યેની રુચિ તથા અભિગમ બદલાતાં રહે છે, આદર્શ જણાતી અને ગણાતી બાબતોમાં પણ બદલાવ આવતો છે. તેવા સંજોગોમાં સ્થાપત્યની શૈલી બદલાય તે સ્વાભાવિક છે. બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.
કોઈપણ રચના સંપૂર્ણ નથી હોતી. સ્થાપત્ય માટે તો એવું કહેવાય છે કે સ્થાપત્યનો એવો એક પણ નમૂનો નથી કે જેમાં પ્રશ્ન ન હોય. એનાથી વિપરીત એમ પણ કહી શકાય કે સ્થાપત્યનો એક પણ નમૂનો એવો નથી હોતો કે જેને સંપૂર્ણતામાં રિજેક્ટ – અસ્વીકાર કે નામંજૂર કરી શકાય. પહેલાના સ્થાપત્યમાં પણ પ્રશ્નો હતા અને આધુનિક સ્થાપત્યમાં પણ પ્રશ્નો છે. પહેલાના સ્થાપત્યમાં પણ કેટલીક બાબતોનો સ્વીકાર કઠિન બનતી અને આજના સમયે પણ સ્થાપત્ય જે આકાર લે છે તેની પણ કેટલીક બાબતો સ્વીકારવી મુશ્કેલ છે.
સાંપ્રત સમયમાં મકાનની રચના જે રીતે થઈ રહી છે તેનાથી તો એમ લાગે છે કે દરેક મકાનનું કાર્બન ફૂટપ્રિન્ટ – અંગાર પદચિન્હ વધુ રહેવાનું. મકાનનો ઉપયોગ જાણે કે વીજળીથી ચાલતી વાતાનુકુલ પરિયોજના સિવાય સંભવી જ ના શકે એમ જણાતું હોય છે. જ્યાં બહારનું તાપમાન અનુકૂળ સ્તરે હોય અને જ્યાં દિવસે બહાર પૂરતા પ્રમાણમાં કુદરતી પ્રકાશ પણ હોય ત્યાં મકાનમાં દિવસે પણ જ્યાં લાઈટ ચાલુ રાખવી પડતી હોય, મકાનના અંદરના ભાગનું તાપમાન અનુકૂળ સ્તરે જાળવી રાખવા એસી ચલાવવું પડતું હોય – તો પ્રશ્નો તો થાય જ. કાચ કોન્ક્રીટ સ્ટીલ જેવી સામગ્રીનો જે રીતે ઉપયોગ થાય છે, જે રીતે સ્થાન-આયોજન નિર્ધારિત થાય છે, જે રીતે બહારની પરિસ્થિતિ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવે છે અને જે રીતે એક બંધીયાર આવરણ ઊભું કરવાનો પ્રયત્ન થાય છે તેનાથી ઊર્જાની ખપત તો વધે જ.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્માઇલી લંડન: માત્ર મજા માટેની રચના…
આધુનિક સ્થાપત્યનું એક અન્ય નકારાત્મક પાસું સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા સાથેનો અલગાવ છે. દરેક ક્ષેત્રનું ઐતિહાસિક સ્થાનિક સ્થાપત્ય હોય છે. આ પ્રકારના સ્થાપત્ય પાછળ સ્થાનિક તથા સાંસ્કૃતિક વિચારશૈલી હોય છે. આ પ્રકારનું સ્થાપત્ય સ્થાનિક પરિબળોને આધારે નિર્ધારિત થયું હોય છે અને તેને કારણે તે સ્થાને તેની યથાર્થતા પણ હોય છે. આ પ્રકારના સ્થાપત્ય સાથે સ્થાનિક લોકો વ્યવસ્થિત રીતના જોડાઈ ગયા હોય છે. વૈશ્વિક શૈલીના અનુકરણથી આ સ્થાનિક પરંપરાનો જાણે છેદ ઉડાડી દેવાય છે. વૈશ્વિક પરિબળો પણ જાળવી રખાવા જોઈએ અને સ્થાનિક પરંપરાને પણ સ્થાન મળવું જોઈએ. પરદેશમાં બનેલાં કોઈ મકાનની જે તે બાબતોને અસંદર્ભિક પરિપ્રેક્ષ્યમાં બેસાડી ન દેવાય. આ તો વર્ષોથી પાંગરેલી વ્યવસ્થાનું અપમાન થયું કહેવાય.
જેમ સ્થાનિક પરંપરાગત શૈલીને માન આપવું જરૂરી છે તેમ જે સ્થાને મકાન બનાવવાનું હોય તે સ્થાન – તે પરિસર તથા આજુબાજુની પરિસ્થિતિ સાથે હકારાત્મક સંલગ્નતા સ્થપાવી જોઈએ. મકાન ચારે બાજુની પરિસ્થિતિ સાથે સંવાદ સ્થાપતું હોય છે અને આ સંવાદ સકારાત્મક હોવો જોઈએ. જ્યારે બહારથી લાવેલા કોઈ મોડલનો આંધળો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ પ્રકારનો સંવાદ મુશ્કેલ બની રહે. જ્યારે સ્થાનિક બાબતોને મહત્ત્વ આપવામાં ન આવે ત્યારે ક્યારેક મકાન આજુબાજુની પરિસ્થિતિ તથા પરિસર સાથે સમરસતા જાળવવામાં નિષ્ફળ પણ રહે. મકાનોનું પરસ્પરનું સંકલન પણ જરૂરી છે. આનાથી શહેરી વિસ્તારમાં ઇચ્છનીય એકરૂપતા ઉભરી શકે.
આધુનિક સ્થાપત્યમાં એમ પણ જણાય છે કે, ઉપયોગિતાની અપેક્ષાએ દેખાવને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. વળી આ દેખાવ માટે વિચિત્ર કહી શકાય તેવા ગતકડાં પણ કરાતાં હોય છે. મકાનનું માળખું વધુ વિચાર્યા વગર ઊભું કરી દઈ તેના પર પતરા જડી દેવાનો એક ટે્રન્ડ – એક વલણ પ્રચલિત થતું જાય છે. આ બધાથી મકાનની કિમત પણ વધતી હોય છે. આમાં સામગ્રીનો વ્યય તો થતો જ હોય છે પણ આ પ્રકારની રચના એ રીતે હોય છે કે જેમાં ઊર્જાની ખપત પણ સામાન્ય રીતે વધે. વળી આ પ્રકારના મકાનની માવજત પણ મોંઘી રહે તેવી સંભાવના હોય છે. આ બધાં તરફના મારની પરિસ્થિતિ છે. આ સમગ્ર પ્રક્રિયાથી ક્યારેક મકાનની અસરકારક ઉપયોગિતા સાથે બાંધછોડ પણ થઈ જતી હોય છે, પરિણામે માનવી અગવડતાનો સામનો કરવો પડે અને તેની કાર્યક્ષમતા ગૌણ બની રહે. સ્થાપત્ય માટે આ ઇચ્છનીય પરિસ્થિતિ નથી.
મકાનમાં ઉપયોગકર્તાને અલિપ્તતાની લાગણી ન ઉદ્ભવવી જોઈએ. મકાન સાથે એક ભાવનાત્મક સંબંધ સ્થાપવો જોઈએ. મકાન દ્વારા લોકો વચ્ચેનો સંબંધ વધારવાની તક મળતી હોય છે, જે ગુમાવવી ન જોઈએ. મકાનની રચના એવી હોવી જોઈએ કે જેમાં માનવીનો માનવી સાથેનો સંબંધ જળવાઈ રહે, કુદરતના પ્રત્યેક પરિબળનું મહત્ત્વ સમજાય, જે તે સ્થાન સાથેનું તેનું સમીકરણ હકારાત્મક પ્રતિભાવ સ્થાપે, અને વર્તમાનની જવાબદારી તો મકાન નિભાવે જ પણ સાથે સાથે ભવિષ્ય માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કરે. સ્થાપત્ય એ ગંભીર વ્યવસાય છે. સ્થાપત્ય એ જટિલ કળા છે. સ્થાપત્ય એ બહુ-આયામી અસ્તિત્વ છે. સ્થાપત્ય ભૂત-ભવિષ્ય-વર્તમાનનો સમન્વય છે. સ્થાપત્ય આજ પણ છે અને કાલ પણ છે. જીવનના દરેક પાસાને તે અસર કરે છે. એકંદરે એમ કહી શકાય કે સ્થાપત્ય એક ઉત્તરદાયિત્વ નિભાવવાની ઘટના છે. માત્ર આધુનિકતાના નામે આ સત્ય સામેથી આંખ ન ફેરવી શકાય.
સ્થાપત્યની રચનામાં સ્થાપિત કરાયેલ અગ્રતાક્રમના ધોરણે કેટલીક બાબતો સ્વીકારી લેવામાં આવે છે. ઘણીવાર તો એમ જણાય છે કે પસંદગી, ના-પસંદગીના આધારે નક્કી થતી હોય છે, શું નથી જોઈતું તે પહેલાં નક્કી કરી દેવામાં આવે અને તેને આધારે પસંદગી નિર્ધારિત થાય. આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિકતાના મોહમાં અયોગ્ય કહી શકાય તેવો અગ્રતાક્રમ સ્થાપિત થઈ જતો હોય છે.
હવે તો સ્માર્ટ મકાનનો જમાનો છે. મકાન એની જાતે જ બધું નક્કી કરી અને માણસને પીરસી દેશે. પરિણામે માનવી વધુને વધુ નિષ્ક્રિય બનતો જશે. પછી પોતાની સક્રિયતા જાળવવા માનવી ખર્ચ કરીને કેટલાંક ઉપકરણો વિકસાવશે. આ ઉપકરણોના ઉપયોગમાં વધુ ઊર્જા વપરાશે. આ એક વિષ-ચક્ર છે જેનો તોડ જેમ જલદી મળે તેમ સારું.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: સમુદ્રમાંથી નીકળેલા છીપ જેવી રેસ્ટોરાં!