મસ્તરામની મસ્તી: કોઈ લોન આપો રે… લોન, આ ભાણિયાઓને સાચવવા!

- મિલન ત્રિવેદી
વહેલી સવારે કશું જ કામ ન્હોતું એટલે મન થયું કે ચાલો ચુનિયાના ઘરે આંટો માં….
શેરીના નાકાથી જ શોરબકોર અને ધબધબાટીના અવાજો આવવા લાગ્યા. મને બે ઘડી તો એવું થયું કે સાહેબે યુદ્ધ વિરામનું કહ્યું છે છતાં આ સોસાયટીમાં એકાદ ડ્રોન કે મિસાઈલ એટેક તો નથી થયો ને?
અડધી સોસાયટી ચુનિયાના ઘરની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી. સોસાયટીના બૈરાઓ એક હાથ કેડે દઈ અને બીજો હાથ લાંબો કરી ડિક્શનરી બહારના શબ્દોમાં કશું કહી રહ્યા હતાં.
અંદરથી છોકરાઓના હસવાના- રડવાના અને બીજા તરેહ તરેહના અવાજો આવી રહ્યા હતા. ચુનિયો પણ લમણે હાથ દઈ અને બહારના પગથિયે બેઠો હતો. મેં પરિસ્થિતિ સંભાળવા માટે બહેનોને શાંત પાડ્યા અને એક પછી એક રજૂઆત કરો' તેવું કહેતા ફરી બધા એક સાથે શરૂ થયા. મને એમ થયું કે આ બધી બહેનોના નામની ચિઠ્ઠી બનાવી અને ડ્રો કરું. જેનું પહેલું નામ આવે તે ફરિયાદ કરે, પરંતુ મિક્સ અવાજમાંથી મેં જે તારણ કાઢ્યું તે પ્રમાણે ચુનિયાના ઘરે રહેલા છોકરાઓએ સોસાયટી માથે લીધી છે. મેં ચુનિયાને ઊંચા અવાજે વઢીને કહ્યું કે
સોસાયટી એરિયામાં કોઈ કમર્શિયલ એક્ટિવિટી કરવાની મનાઈ છે તો તેં પ્લે હાઉસ શું કામ ચાલુ કર્યું?’
મને આ વેકેશનના મહિનામાં ચુનિયાને ઘરે બાળમંદિર ખૂલ્યું હોય તેવું લાગ્યું. રડમસ અવાજે મને કહે `વેકેશન છે એટલે માસી, મામાના દીકરાના દીકરા- દીકરીઓ વેકેશન કરવા આવ્યા છે. નાનાં-મોટાં 12 છોકરા છે. સવારના નાસ્તાથી લઈ અને રાત્રે પથારીમાં સુવા સુધી એકબીજા સાથે બથોડા લે છે અને ધબધબાટી બોલાવે છે. સોસાયટી જ નહીં, હું પણ થાકી ગયો છું.’
મેં તરત જ સોસાયટીના બૈરાઓને સમજાવ્યા :
`દેકારા ભેગો દેકારો …તમારા છોકરાઓને પણ અહીં મૂકી જાવ.!’
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: પત્ની પૂછે છે: `સાંજે શું બનાવું?’
અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ધોમધખતા તડકામાંથી વાદળા ઊમટી આવે અને વરસાદી માહોલમાં શીતળતા વ્યાપી જાય તેવો સોસાયટીનો માહોલ થઈ ગયો.
એક જ ક્ષણમાં વિલન લાગતો ચુનીલાલ બધાને હીરો લાગવા લાગ્યો, કારણ કે ઘરે આવેલા ભાણેજ – ભત્રીજાઓ એક સાથે સાચવવા એટલે જીવતા દેડકા જોખવા જેવું છે.
રાજીના રેડ થતા સોસાયટીના લોકોને પોતાના ઘરે ઉતાવળા પગે છોકરાઓ લેવા જતા જોઈને ચુનિયાએ મોટા અવાજે રાડ પાડતા જણાવ્યું કે `છોકરાઓને મોકલો તેનો વાંધો નથી, પરંતુ નાસ્તાના ડબ્બા સાથે મોકલજો…!’ મને પહેલી વાર એવું થયું કે મુશ્કેલીના સમયમાં પણ મગજ શાંત રાખીને યોગ્ય, કુટુંબ હિતમાં વિચાર આવવો એ બહુ મોટી વાત છે.
તરત જ ચુનિયાએ જેના જેના છોકરાં આવ્યા એનાં મમ્મી -પપ્પાનું એક whatsapp ગ્રુપ બનાવ્યું. જો છોકરાઓ વધારે તોફાન કરશે કે નુકસાન કરવાની કોશિશ કરશે કે અન્ય કોઈ તકલીફ ઊભી કરશે તા whatsapp માં ગ્રૂપમાં મૂકવામાં આવશે તેવી સૂચના પણ એણે ગ્રૂપમાં મૂકી દીધી.
અમુક તોફાની છોકરાઓને અઘરા કામ સોંપી દેવાય. એ મુજબ ચુનિયાએ બાજુની શેરીમાં આફ્રિકાથી આવેલા એક નીગ્રોને બોલાવી ફળિયામાં વચ્ચોવચ બેસાડી દીધો.અને તમામ તોફાની છોકરાઓને સૂચના આપી કે આ અંકલના વાળ જે સીધા કરી દેશે એને રાત્રે પીઝા ખવડાવવામાં આવશે….!
એ પછી તો વાળ સીધા કરવાનો આ કાર્યક્રમ રાત સુધી ચાલ્યો. તાજેતરમાં જ સમાચાર મળ્યા કે એક પણ પીઝાનો ખર્ચ થયો નથી. અને તમામ બાળકો થાકી-પાકીને રાતના 10 વાગ્યામાં જ પથારીમાં પોઢી ગયા છે.
સોસાયટીના બાળકો ઘરેથી જે નાસ્તાના ડબ્બા લાવ્યા હતા તે ચુનિયાના ઘરનાઓએ સાથે મળી અને સફાચટ કર્યા.
બીજા દિવસે સવારે સોસાયટીના સભ્યોએ પોતાના અને ઘરે વેકેશન કરવા આવેલા બાળકોને ચુનિયાના ઘરે મોકલવા માટે પ્રોત્સાહિત કર્યા તો તમામ બાળકોએ કહ્યું કે `અમે તમે કહેશો તેમ કરીશું. તોફાન નહીં કરીએ, પરંતુ ચુની અંકલને ત્યાં ન મોકલો.’
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : ગાજી ગાજીને કહે છે હું મૂંગા મોઢે સહન કરું છું
ઘરે ઘરે આ પરિસ્થિતિ છે. વેકેશનનો મહિનો એટલે `મામા મહિનો’ એકનો એક હોય અને ચાર બહેન હોય તે મામાએ તો ખાસ ભાણિયાઓનું બજેટ કાઢવું પડે. ખરેખર તો જેમ કુકિગ ક્લાસ હોય, ટીચિંગ ક્લાસ હોય તેમ વેકેશનમાં મામાઓએ ભાણિયાથી બચવા માટે શું કરવું જોઈએ? તેના પણ ક્લાસીસ ખોલવામાં આવે તો ધમધોકાર ચાલે.
જોકે અમુક મામા તો પૈસા દઈ અને છૂટી જાય મામીઓની હાલત દયનીય થઈ જાય છે. દિવસે ભાણિયાઓ મામીને હેરાન કરે અને તેનો ભોગ રાત્રે મામાઓ બને છે. ભાણિયાઓને કાંઈ કહી ન શકાય એટલે ગુસ્સો ધણી ઉપર રાત્રે નાયગ્રાના ધોધ ની જેમ વરસે.
કંજૂસ મામો જો ભાણિયા પાછળ ખર્ચ ન કરતો હોય તો ઘરે મામાને મળવા કોઈ મહેમાન આવે ત્યારે જ ભાણિયાઓ લાડકા થઈ અને મામાને ફરમાઈશ મૂકે, `મામા 500 રૂપિયા આપો પીઝા મગાવવા છે’ ગુસ્સાના ભાવ છુપાવી હસતા મોઢે મામા ખિસ્સું ખાલી કરે.
ખરેખર તો આ મોંઘવારીના જમાનામાં બૅંકો જુદી જુદી લોન આપે છે તેમાં `મામા મહિના લોન’નો ઉમેરો કરવો જોઈએ.
વિચારવાયુ:
હું: ચુનિલાલ, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ… પ્રેમથી જમાડજે
ચુનિલાલ: 100 બ્રાહ્મણનું લિસ્ટ આપી દો. એ બધા તોફાન કર્યા વગર જમી તો લેશે.