મસ્તરામની મસ્તીઃ ગાય્ઝ…GST ફરજિયાત છે, હોં…!
વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ ગાય્ઝ…GST ફરજિયાત છે, હોં…!

મિલન ત્રિવેદી

હું દોડતો દોડતો ઘરની બહાર નીકળ્યો, નક્કી કંઈક ડખ્ખો છે. ક્યાંક યુદ્ધની શરૂઆત થઈ લાગે છે. લોકોમાં અફડા તફડી મચી હશે. મેં હરતાં ફરતાં ન્યૂઝ ચેનલ જેવા ચુનિલાલ ને ફોન કર્યો :

ચુનીલાલ, આ ક્યાં યુધ્ધ થયું?’ હિન્દી ફિલ્મોમાં આપણી પેઢીના ખૂંખાર વિલન અમરીશ પુરીની જેમ ખડખડાટ હસતા એ બોલ્યો:ગરબા ગ્રાઉન્ડમાં આજે `જેન ઝી’ના ગરબા છે.

`કેમ આજ મંગળાબહેનનું ગળું બેસી ગયું છે કે… મેં કાલે રાત્રે જ કીધું હતું કે નાસ્તો પારકો છે પેટ ક્યાં પારકું છે. રાત્રે મિક્સ ભજીયાની ત્રણ પ્લેટ ઉલાળી ગયાં છે અને અધૂરામાં પૂં, પ્લાસ્ટિકનું ઝબલું ભરી અને સવારના નાસ્તા માટે પણ લેતા ગયાં હતાં. પછી તકલીફ થાય કે નહીં?’

`અરે એવું નથી, પરંતુ રાત્રે તમે નીકળી ગયા પછી આપણી સોસાયટીની ટણક ટોળકી ગરબા સમિતિ પાસે આવી અને ભજિયાં ખાતા ખાતા રજૂઆત કરી કે આવતીકાલનો દિવસ તમારા સાઇલેન્ટ જનરેશન, બેબી બૂમર્સ, જનરેશનને જનરેશન એક્સ, મિલેનિયલ એટલે કે જનરેશન વાય, માટેનો નથી, પરંતુ જનરેશન ઝેડ અને ઝેન આલ્ફા માટેનો છે. બધું અમારી પસંદગીનું થશે.’

તમારી પાસે બે જ ઓપ્શન છે `હા પાડો અથવા તો હા પાડો.’
અધરવાઈઝ… એટલું કહી અને વીડિયોમાં તાજેતરમાં જ નેપાળમાં થયેલા રમખાણો દેખાડ્યા.

`મિલનભાઈ, તમે નહીં માનો પણ આપણી સોસાયટીમાં લગભગ 25-30 જનરેશન ઝેડ છે, પરંતુ ટોળું 60 -70 જણાનું લાગતું હતું. ઝીણી આંખે મેં જોયું તો ખબર પડી કે આપણા 35-40 સુધી પહોંચેલાં બૈરાઓ અને અમુક માથામાં કલર કરી પોતાની જાતને જનરેશન ઝેડમાં ખપાવવા માગતા આપણી સોસાયટીના પ્રૌઢો પણ હા એ હા કરવામાં હતા. હવે તમે કંઈક રસ્તો કાઢો તો ખરા અર્થમાં માતાજીના ગરબા ગાઈ અને રમી શકાય.’

મેં ચુનિયાને કહ્યું કે `ચિંતા મત કર…રાત્રે મેદાનમાં ભેગા થઈએ.’

આજે ગરબાના સ્ટેજ પર મોટાં મોટાં સ્પીકર અને ન સમજાય તેવાં વાજિંત્રો સાથે વિખરાઈ ગયેલા વાળ અને રાત્રે પણ ગોગલ્સ પહેરી અને વારેવારે ઠેબા ખાતા અતરંગી કલરના થીગડા ધારણ કરેલ કપડાવાળા 10 જણા આમથી તેમ દાંડીઓ વાજિંત્ર પર ઉલાળી યા.. યા… યા.. કરી અને ઇન્સ્ટ્રુમેન્ટ બેલેન્સ કરાવતા હતા. મને થયું કે આ લોકોના પેન્ટ બેલેન્સ નહીં થાય તો જોયા જેવી થશે. અમુક તો પોણા ચડા પહેરી અને સ્ટેજ પર 31મી ડિસેમ્બરના માહોલમાં હતા.

બધા ભેગા થઈ જતા જ મેં માઈક હાથમાં લઇ અને યંગ જનરેશનને ચિયરઅપ કર્યું. મોઢામાં સોપારી રાખી અને થોડું અંગ્રેજી બોલ્યો એટલે અમેરિકન સ્ટાઇલ દેખાય. પછી ઓરિજિનલ જેનેક્સ મોડમાં આવ્યો.
`ફ્રેન્ડ્સ, તમારે એન્જોય કરવાની છૂટ છે, પરંતુ એઝ પર ગવર્મેન્ટ રૂલ GST ઇઝ કંપલસરી…. ‘

અચાનક મારા આ સ્ટેટમેન્ટથી ગેટ ટુ ગેધરમાં બોલાવી અને ફાળો માગી લીધો હોય અને જે હાલત આવનારની થાય તેવી સૌની હાલત થઈ, પરંતુ ઝેન ઝી દલીલ તો કરે જ એટલે બે ત્રણ યંગ લેડી વિખરાઈ ગયેલા વાળ સાથે આર્ગ્યુમેન્ટ કરવા લાગી કે `ગયા અઠવાડિયે જ GST રીમુવ કરવામાં આવ્યો છે. ડોન્ટ લાય, અંકલ…’

આ છેલ્લું વાક્ય મને હાડો હાડ લાગ્યું, પરંતુ હસતાં હસતાં મેં કહ્યું :
લુક, યંગ લેડી…’ હું આગળ બોલું ત્યાં તો હુટિગ થયું…અંકલ, હું દિનેશભાઈનો મોન્ટી છું અને આ રમણીકભાઈનો રોની… !’

સાલુ, પહેલીવાર હું થાપ ખાઈ ગયો, પરંતુ તે લોકોએ જે વેશ કાઢ્યા હતા તેમાં મારો કોઈ વાંક ન હતો. મગજ પર બરફ રાખી અને મેં કહ્યું આઈ નો, પણ આ GST એટલે જી મીન્સગરબા’ એસ મીન્સ સાથે’ ટી મીન્સતાળી’ ફરજિયાત છે…!’

`ઓહ.. નો… હાવ કેન બી….’ પછીના શબ્દો હવામાં વિલન થઈ ગયા… પચરંગી પોશાકમાં જે વાજિંત્રકારો આવ્યા હતા એ મૂંઝાઈ ગયા, કારણ કે લયબધ કે તાલબધ તાળીઓ તો ગરબા સિવાય વાગે નહીં.

મેં તરત જ એનાઉન્સમેન્ટ કર્યું કે `જે પૂરેપૂરો GST ભરશે એમને આજે મિલેટ પિઝા સોસાયટી તરફથી ફ્રી છે. વિથ ડબલ ચીઝ લેયર…’
ફરી હુટિગ થયું અને મંગળાબહેને સ્ટેજની પાછળથી ગરબો ચાલુ કર્યો. નવી પેઢીના સંગીતકારોએ વાત સરસ રીતે ઝીલી લીધી અને ત્રણ તાલી રાસ શરૂ થયો.

એ હાલો…
વિચારવાયુ:
આ ગરબાનું ગ્રાઉન્ડ ખાડા-ટેકરા વાળું છે. રોલર ફેરવવું પડશે…
ચંદુભાઈ પરિવારને પાંચ દિવસ માટે આ ગ્રાઉન્ડમાં-ગરબા રમાડો એટલે લેવલ થઈ જશે.

આ પણ વાંચો…મસ્તરામની મસ્તીઃ સિંગર સાળાનો હાહાકાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button