મસ્તરામની મસ્તીઃ આમાં ગણપતિ બાપા ક્યાંથી રીઝે?
વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ આમાં ગણપતિ બાપા ક્યાંથી રીઝે?

મિલન ત્રિવેદી

છેલ્લાં 15 દિવસથી ગણપતિ બાપ્પાને વધાવવાની તૈયારીઓ અમારા ફ્લેટમાં શરૂ થઈ ગઈ હતી. જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી.

મૂર્તિ પર્ચેસ કમિટી, ડેકોરેશન કમિટી, પ્રસાદ કમિટી, આરતી કમિટી, પ્રોગ્રામ કમિટી, જેમ જેમ કમિટીઓની રચના થતી ગઈ તેમ તેમ ગંભીર મુખમુદ્રા ધારણ કરી કમિટીના ચેરમેનો પોતાના સભ્યોને અલગ અલગ ખૂણામાં લઈ ચર્ચાઓ કરવા લાગ્યા.

જનરેશન ઝેડ જેને આપણે ઝેન ઝી કહીએ છીએ તે ખુન્નસ ખાઈ અને વડીલો સામે જોઈ રહ્યા હતા. મેં પરિસ્થિતિ પામી અને એમની વચ્ચે જઈ અને પૂછ્યું,`શું વાત છે કેમ તમે કોઈ મૂડમાં નથી દેખાતા?’

ઉપરવાસમાં ખૂબ વરસાદ થયો હોય અને ડેમ ઉપર સુધી ભરાઈ જાય પછી થોડોક દરવાજો ખોલે અને જે પાણીનો પ્રવાહ ચાલુ થાય એમ એક સાથે ધાણી ફૂટ શબ્દો આવવા લાગ્યા. જામભાઈ જમાદારનો નાનકો ચકુ ચતુર તરત જ બોલ્યો,

તમને વડીલોને કોઈ આયોજન કરતા આવડતું નથી. મુખ્ય કમિટી તો તમે બનાવી જ નહીં.’ માથાભારે ગીતાબહેન ગંભીરનો દીકરો મન્યો કૂદયોસોશ્યલ મીડિયા કમિટી બનાવી? કેવું લાગશે જ્યારે instagram facebook કે whatsapp સ્ટોરીમાં કે સ્ટેટસમાં આપણા ગણપતિ દેખાશે નહીં?’

શાંતિલાલની 12મું નાપાસ જીગલીએ તાન છેડ્યો, `વડીલોને તો કાંઈ ન હોય પરંતુ અમારી કોમ્યુનિટી અમને ક્યારેય માફ ન કરે. ગણપતિને લઈ અને એક પણ પોસ્ટ ન હોય તો કેટલું ઓકવર્ડ અને બેકવર્ડ ફિલ થાય?’

મેં તરત જ બધા વડીલોને બોલાવી અને કહ્યું કે `આ છોકરાઓ આપણા ગણપતિના પ્રચાર અને પ્રસારની જવાબદારી લેશે. એટલે સોશ્યલ મીડિયા કમિટી આ લોકોને સોંપીએ છીએ.’

અડધા સાંભળતા અને અડધા ન સાંભળતા વડીલોએ `મેં કાંઈ કીધું છે તો વ્યવસ્થિત હશે’ એમ માની અને હાથ ઊંચા કરી સંમતિ આપી દીધી.

નિકી, બબુ, ટોની, રાજુ, જીગલી, ચકુ, મન્યો, ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ મૂકવાની હોય અને જેટલી ગંભીરતાથી ચર્ચા થતી હોય તેટલી જ ગંભીરતાથી માંડ્યા ચર્ચા કરવા.

સ્ટેડી શોટ કોણ લેશે?, ટ્રોલી શોટમાં કોની માસ્ટરી છે?, ગીમ્બલ શૂટિગ કોણ કરશે? સૌ પોતપોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોતાનું વર્ક દેખાડી સારામાં સારું કામ દેખાડવાની ગેરંટી લેતા હતા.

વડીલોની કમિટીમાં મૂર્તિ કેવડી પસંદ કરીશું? કેટલા બજેટમાં જઈશું? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની મૂર્તિ લેવી?

બહેનોની કમિટીમાં ડેકોરેશન કેવું કરશું કોના ઘરે શું પડ્યું છે અને કઈ રીતે લગાડી શકાય તેની ચર્ચાઓ થવા લાગી whatsapp ગ્રુપ બની ગયા અને તેમાં શું સાં લાગશે શું નહીં ધડાધડ ફોટા મૂકવા લાગ્યા.

લેડીઝુ કોણ પ્રસાદ બનાવશે તેની જવાબદારી એકબીજા પર નાખી રહી હતી. જેન્ટસુ ભૂતકાળના પ્રશ્નોમાં કોણ નડતર રૂપ હતું તે પ્રમાણે ચોકઠા ગોઠવી વિરોધ કરી રહ્યા હતા.

તમામ કમિટીમાં વિવાદ ચાલી રહ્યો હતો. વાતાવરણ ધીમે ધીમે ઉગ્ર થતું ગયું. મારે વચ્ચે પડવું પડ્યું અને `આવતીકાલે ગણપતિ બાપાને લઈ આવવાના છે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે’ તેવું સમજાવી બધાને ઘરે રવાના કર્યા. સૌ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયા હતા.

બહેનોએ સરસ મજાનું ડેકોરેશન કરી લીધું, પ્રસાદ ના થાળ આવી ગયા, ખાલી પંડાલથી માંડી અને ઉપસ્થિત ભક્ત સમુદાયની રીલ બનવા માંડી. બહેનોમાં અને છોકરાઓમાં ઉત્સાહ હતો, પરંતુ વડીલો મોટાભાગે એકબીજાને પીઠ દેખાડી બેઠા હતા. મોઢા ચડાવી મનમાં ગણગણતા હતા.

પોણા 11નું મૂરત છે બાપાનું સ્થાપન કરવા મેં વડીલોને કહ્યું કે ચાલો ગણપતિ બાપા ને વાજતે ગાજતે લઈ આવીએ.’ બધા એકબીજા સામે જોતા હતા, કારણ કે મૂર્તિ કેટલા ફૂટની? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની? તેમાં એટલી ઉગ્ર ચર્ચા થઈ ગઈ કે એકબીજાને કહી દીધુંતમારે જેમ કરવું હોય એમ કરો.’ અને આ મગજમારી માં કોઈએ કાંઈ કર્યું ન હતું.

બધી તૈયારી પછી ગણપતિબાપા જ ભુલાઈ ગયા હતા. ખરેખર ગણપતિ ઉત્સવ છે તે રિદ્ધિ અને સિદ્ધિના ઓવારણા લેવાનો ઉત્સવ છે, વિધ્ન હર્તા દેવ છે, અને એવા ઘરે જ રાજી ખુશીથી બાપા પધારે જ્યાં ખુલ્લા મને, રાગ દ્વેષ વગર, સંપૂર્ણ ભક્તિ ભાવથી તેમને આવકાર મળે.

બાપાએ અમારા વડીલોને ચમત્કાર દેખાડી દીધો. બધાના મોઢા વિલા થઈ ગયા. એકબીજાની માફી મંગાઈ, બગીચામાં જઈ માટીનો પિંડો તૈયાર કર્યો અને એક જ કલાકમાં સરસ મજાના ગણપતિ બાપા તૈયાર કરી ભક્તિ ભાવથી સેવા પૂજા કરી તેમની સ્થાપના કરી.

વિચારવાયુ:

ગણપતિ બાપા: એ’ લા, તમે પણ ખરા છો. રિસાયેલા ફુવાને મનાવવા એક મહિનો સાચવી શકો. અને હું બધી રીતે અનુકૂળ, સુખ સમૃદ્ધિ આપું, છતાં દસ દિવસે મને પાછા ધકેલી દ્યો છો. `આવતા વર્ષે આવજો’ એ’ લા આવ્યો છું તો રહેવા દે ને તને ક્યાં નડું છું?

આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: મેળાની મોજ કરી લેજો, વહાલા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button