મસ્તરામની મસ્તીઃ મને ઉંદર બનવાના કોડ!

મિલન ત્રિવેદી
ઓય.. મા… બચાવો…!’ સવારના પહોરમાં આવી રાડારાડ સાંભળી કાચી નિંદરમાંથી હું જાગી ગયો. મારાં વાઈફ સીધા ઠેકડો મારીને અમારા પલંગ પર ચડી ગયાં. ધીસ ઇસ રેડીક્યુલસ, પ્લીઝ હેલ્પ… આઈ એમ અફ્રેઈડ… આ ઘરમાં કાં હું રહી શકું કાં આ ઉંદરડી…લુક એટ માય ફેસ..!’
પરસેવે રેબજેબ મારા વાઈફ ઇંગ્લિશમાં ધાણીફૂટ બોલી રહ્યાં હતાં. શરૂઆતની રાડારાડી ગુજરાતીમાં એટલે કે માતૃભાષામાં એટલા માટે હતી કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા રિએક્શન માતૃભાષામાં આવે. પલંગ પર ચડી ગયા પછી અને મારી હાજરી હોવાથી ફરી ઇંગ્લિશનું ભૂત પ્રવેશ કરે.
મેં તેને શાંત કરતા પૂછ્યું: શું થયું?' ઉંદરડી…. ‘આટલું બોલીને તેણે ખૂણામાં આંગળી ચીંધી.
મેં જ્ઞાન પીરસતા કહ્યું: `કોઈની સામે આંગળી ના ચીંધાય ઇટ્સ અ બેડમેનર’
ફરી ગુસ્સો આવતા તેની જીભે માતૃભાષામાં ટર્ન માર્યો:
તમારી કોઈ સગલી થાય છે કે તેની ચિંતા કરો છો?’ હું સમજી ગયો કે આ મામલામાં મજાક કરી શકાય તેવું નથી. મેં તેને શાંતિથી પૂછ્યું:શું થયું?’
મને કહે: `મેરેજ પછી પહેલીવાર મેં આપણા ઘરમાં ઉંદરડી ફરતી જોઈ. (મનમાં બોલ્યો કે મેં તો રોજ હટ્ટી કટ્ટી ઉંદરડી ફરતી જોઈ છે.) તમને ખબર છે ને કે મને કેટલી બીક લાગે છે…બટકું ભરી જાય તો?’
ફરી મારા ઓરિજનલ મૂડમાં આવી મેં કહ્યું:
ગાંડી, તારા આવડા મોટા શરીરમાં એની બે ટચૂકડી દાંતડી શું કરી લે?’ મારી આ મજાકનું પડીકું બનાવી છૂટું ઘા કર્યું: સો વાતની એક વાત આ ઘરમાં કાં તો ઉંદરડી રહેશે ને કા હું રહીશ.’
આવી રીતે એક નાનકડી ઉંદરડી કોઈ પતિને આટલી ઉપયોગી હોઈ શકે તે વિચારી ઉંદરડીના ખાનદાન પર મને માન થયું. શબ્દો બહાર નીકળવા જતા હતા, પરંતુ તેમાં હું ઘરની બહાર નીકળી જાઉં તેવી શક્યતા વધુ લાગતા મેં હાથમાં સાવરણી લઈ બે ચાર જગ્યાએ ઠક ઠક કર્યું અને કહ્યું કે `તું જેમ તેનાથી ડરે છે એ જ રીતે એ પણ તારાથી ડરી અને ભાગી ગઈ હશે.’
હવે હું આ પલંગ પરથી નીચે નહીં ઊતરું જ્યાં સુધી ઉંદરડી પકડાશે નહીં. જાઓ. બાજુવાળા પન્નાબહેન પાસેથી પાંજં લેતા આવો.’ મેં કહ્યું:શીલાના ઘરે પણ પાંજરૂં છે.’
મને કહે: `શીલા ખુદ જ પાંજરૂં છે.’
થોડામાં ઘણું સમજવાની મારી શક્તિ પર મને એકલાને જ માન છે.
પન્નાબહેનના ઘરેથી પાંજં લઈ આવ્યો પછી કહ્યું કે હવે નીચે ઉતરી અને એકાદ રોટલી બનાવ તો તેનો કટકો આ પાંજરામાં ગોઠવી શકાય.’ મને કહે:ગુજરાતી ઘરમાં ઉંદરડી પણ ગાંઠિયા ખાવા ટેવાયેલી હોય જાવ ડબ્બામાંથી એક ફાફડાનો કટકો પાંજરામાં મૂકી દો.’
આઠ દસ ફાફડા મેં ખાઈ લીધા પછી એક નાનકડો કટકો પિંજરામાં પણ મૂક્યો. હવે તો ઉંદરડી પકડાય ત્યાં સુધી રાહ જોવાની હતી.
સવારની ચાથી માંડી અને નાસ્તો તથા મેં બનાવેલું જમવાનું બધું જ મારા વાઈફે પલંગ પર પૂરૂં કર્યું. ધીરે ધીરે મને પણ ઉંદરડી પર ગુસ્સો આવતો હતો. સાંજ પહેલા પકડાઈ જાય તો સાં નહીં તો સાંજની રસોઈ પણ… પાંજરાના ખડખડાટે મારી વિચારધારા તોડી.
મારી કાકલુદી ઈશ્વર આટલું જલ્દી સાંભળી લેશે તેનો મને અંદાજ ન હતો. ઠેકડો મારી અને હું ખૂણામાં પડેલા પાંજરા પાસે ગયો તેમાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો પકડાયો હતો. અને હું જગતની વાસ્તવિક ફિલોસોફી પર ચડી ગયો.
દરેક પુષ અઢીસો માણસની જાન લઇ અને બેન્ડબાજા સાથે નાચતા કૂદતા ઈડરિયો ગઢ જીતવા જતા હોય તેમ લગ્ન કરવા ઊપડે છે. તેના મનમાં એમ જ હોય છે કે બધું ગોઠવાઈ ગયું છે. ઉંદરડી પકડાય એટલે ઘરના પાંજરામાં કેદ કરી દઈએ. થોડો સમય જાય એટલે આપણને ખબર પડે કે પિંજરામાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો છે નજીક જઈએ તો નુકસાન કરી શકે. જોકે સામા પક્ષે પણ એવું જ હોય કે પિંજરામાં સ્વાદિષ્ટ વ્યંજનો મૂકી કાયમનો બંદી બનાવી લઈએ.
વાઈફની નજર પિંજરા પર પડી અને રાડ પાડી:
ઓહ માય ગોડ…’ આગળ કાંઈ બોલે તે પહેલા જ મેં કહ્યું કે જોયું, ગુજરાતી ગાંઠીયાની તાકાત, એક જ કટકો ખાધો અને ઉંદરડી-નું શરીર કેટલું વધી ગયું?’
`શટ અપ, ઉંદરડી અને ઉંદરડાનો ભેદ મને સમજાય છે. આ તો ઘર છે કે રાફડો? બજારમાં જઈ એક ડઝન પાંજરા લઈ આવો. એક પણ છટકવો ન જોઈએ. જિંદગીમાં મને માત્ર ઉંદરડા અને ઉંદરડીથી જ બીક લાગે છે.’
લગ્નના આટલાં વર્ષ પછી મને આ સિક્રેટ જાણવા મળ્યું. ખરેખર તો લગ્ન પહેલાં અત્યારના સમયમાં જેમ એક્સ્ટ્રા અફેર જાણવા માટે ડિટેક્ટિવ હાયર કરે છે તેમ છોકરો કે છોકરી શેનાથી ડરે છે તે તપાસ કરવી જોઈએ. કામનું તો એ છે…!
સાચું કહું તો મને લગ્નના આટલાં વર્ષે ઉંદર થવાના કોડ જાગ્યા છે.
વિચારવાયુ:
આપણા ઘરમાં જ રહેતા કાળા ઉંદર, ઉંદરડી આપણને નથી ગમતા પણ ધોળા ઉંદર (guinea pig, ગીનીપીગ) પાળવાનું મન કરતું હોય છે. આવું કેમ?
આ પણ વાંચો…મસ્તરામની મસ્તીઃ શિયાળો શરૂ થતાં જ ઘરવાળીનો સ્વભાવ ગરમ કેમ થઈ જાય છે?



