મસ્તરામની મસ્તીઃ લગ્ન એટલે વરસાદ ને છૂટાછેડા એટલે માવઠું

મિલન ત્રિવેદી
આજકાલ વરસાદની સિઝન કરતાં માવઠાની માઠી વધારે ચાલે છે. ડેટા પ્લાન ખતમ થાય તે પહેલા ડેટિગ પ્લાન ખતમ થઈ જાય છે. તાજા તાજા લગ્ન હોય ત્યારે 300 ની કોફી મોંઘી નથી લાગતી, પરંતુ લગ્નના અમુક સમય પછી 20ની ચા માટે રકઝક થાય છે…
લગ્નમાં થયેલો જમણવાર, વીડિયોગ્રાફી, દાંડિયારાસ કે સ્ટેન્ડઅપ કોમેડીનો જલસો કે પાર્ટી પ્લોટના બિલ ચૂકવાય તે પહેલા છૂટા પડી ગયેલાના દાખલા જોવા મળે છે.
તાજેતરમાં જ અમારા એક મિત્રના દીકરાની સગાઈ કરી. હું અને ચુનિયો કોફી શોપમાં બેઠા હતા ત્યાં અતિ આનંદિત 32 લક્ષણો અમારો મિત્ર અનિલ અઠંગ અમારા હાથમાંથી કોફી પડાવી ઘૂંટડો મારતા બોલ્યો, `નાનકાની સગાઈ કરી.’
મેં પૂછ્યું ક્યા કરી? સગાં- વ્હાલાં કેવાં છે?’ અનિલે ઉત્સાહભેર કહ્યું,આપણી જેવા જ છે.’
ચુનિયાએ તેના હાથમાંથી કપ ખેંચતા તરત જ કહ્યું,
`તો પણ કરી?’
અમદાવાદનો વન બીએચકે ફ્લેટ ઉડાડી લગ્નમાં ધામધૂમ કરી. અનિલ અને તેની ઘરવાળીને હાશકારો થાય તે પહેલા મોઢામાંથી હાયકારો નીકળી જાય તેવા સમાચાર મળ્યા.
હનીમૂનમાંથી બંને પરત આવ્યાં, પરંતુ ઘરે નાનકો એકલો આવ્યો. આવતા વેંત ઘરનાઓને કહી દીધું કે `તેને મારી સાથે નહીં ફાવે. લગ્નનો અને હનીમૂનનો અડધો ખર્ચો મંગાવી લેજો.’
અનિલનો મને ફોન આવ્યો. હું તાત્કાલિક પહોંચ્યો.
વિગત જાણી તો મને હસવું કે રોવું તે ખબર ન પડી.
હનીમૂનના પાંચ દિવસ દરમિયાન છોકરીની એક પણ રીલ બનાવી ન દીધી તેથી છોકરીએ છૂટાછેડા ના કારણોમાં એવું જણાવ્યું હતું કે `છોકરાને રીલ બનાવતા આવડતી નથી એટલે આગળની જિંદગી કેમ નીકળે?’
સગાઈ નક્કી થતાં પહેલાં ઇન્ટરવ્યૂમાં છોકરાએ છોકરીને ચાંદ તારા દેખાડ્યા હોય, જેમકે લોંગ ડ્રાઈવમાં જવું ગમે…
બહાર હોટલોમાં જમવું ગમે…વિદેશ પ્રવાસનો શોખ છે…
બહુ મોટું મિત્ર વર્તુળ છે…પહેરવા ઓઢવાનો શોખ છે.
સામે દીકરીએ પણ bmw સામે mercedes કાઢી હોય, જેમકે…
મારા હાથની રસોઈ આંગળા ચાટી જાઓ તેવી સ્વાદિષ્ટ હોય છે. (વાસ્તવમાં મેગીથી વિશેષ કાંઈ બનાવતા આવડતું ન હોય.)
છોકરાના એક એક શબ્દ પર રોજ બહાર જવાના, ત્રણ મહિને એક વિદેશ પ્રવાસના, અધ્યતન વસ્ત્રોથી વોર્ડરોબ ભરવાના, ક્યારેક જ ઘરે જમવાના, ફિલ્મો જોવાના… એવા કેટલાંય સપનાં જોઈ લીધાં હોય… આ રીલ લાઈફ છે. રિયલ લાઈફમાં છોકરાને ધંધા માટે કે નોકરીમાં ઓછો સમય મળતો હોય… વાર તહેવારે જ બહાર જમવા જવાનું બનતું હોય…
રાત્રે થાકીને નોકરી ધંધેથી આવ્યા પછી ટહેલવાનું મન હોય લોંગ ડ્રાઈવનો મૂડ ન હોય ને ડખો ત્યાંથી શરૂ થાય છે. આજની પેઢીને આભાસી અને વાસ્તવિક જિંદગી વચ્ચેનો ફર્ક કેમ કરી સમજાવવો?
હમણાં એક છોકરીએ સગાઈની મીટિંગમાં એક જ મિનિટમાં હા પાડી દીધી. હું તે વાતનો સાક્ષી હતો એટલે મેં દીકરીને પૂછ્યું કે એક મિનિટમાં તે શું જજમેન્ટ લીધું?' -તો એ મને કહે,તેના મોબાઈલમાં zomato, swiggy જેવી એપ મેં જોઈ. એટલે મને જજમેન્ટ આવ્યું કે છોકરો મારી જેમ બહાર જમવાનો શોખીન છે, કે પાર્સલ મગાવી અને મોજ કરશું.’
મેં કહ્યું, `તેને બાળપણથી ઓળખું છું. આ બંને એપમાં વાનગીઓ જોઈ અને તેની મમ્મી પાસે ઘરે બનાવવાની જીદ કરે છે.’
આમ એક ઘર બન્યા પછી ભાંગતું મેં બચાવ્યું. શરૂઆતમાં તો દિલની રકઝક હોય છે. અને લગ્નના અમુક સમય પછી વધુ પડતા બિલની રકઝક હોય છે.
તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં.’ થી મસ્ત લગ્નજીવન શરૂ થાય અને અમુક સમય પછીકાં તું નહીં, કાં હું નહીં’થી પૂરી થાય છે. લગ્નગ્રંથિથી બંધાવવા માટે પ્રેમ અને પૈસો જોવાય છે. હકીકતમાં સમજણ અને સહનશક્તિ જરૂરી હોય છે. પ્રેમ અને પૈસો પછીના ક્રમે આવે છે.
શરૂઆતના લગ્નજીવનમાં સ્પેસમાં (આકાશમાં) ઉડવાનાં સપનાઓ હોય છે, પરંતુ પછી એકબીજાને સ્પેસ (ફ્રીડમ) આપવાનું મહત્ત્વ હોય છે.
સાસુનો જમાઈ પર લગ્ન પછી ફોન આવે અને એટલું ખાલી પૂછે કે મજામાં?’ ત્યારે ગળગળા થતાં જમાઈ મેં જોયા છે. ઘણા કંટાળીને અણી પર આવી ચૂકેલા જમાઈ તો બોલી પણ નાખે કેમાં જાવા દો તમારે તો જલસા થઈ ગયા ને?’
ચાલો,`વરસાદની સિઝન સુધી માવઠાથી બચી રહો તેવી શુભકામનાઓ.’
વિચારવાયુ:
હું: ચુનિયા છૂટાછેડાનું મુખ્ય કારણ શું?
ચુનિયો: લગ્ન!



