સાહિત્ય, નશો ને સર્પદંશ…

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
મારા કોલેજકાળમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસ દરમિયાન મને બે કવિઓ અંદર સુધી ઊતરી ગયેલા. એમાંના પ્રથમ કવિ હતા વિલિયમ વર્ડ્સવર્થ. દુનિયા તેમને પ્રકૃતિના કવિ કહે છે અને એમની કવિતા ‘આઈ વોન્ડર્ડ લોનલી એઝ એ ક્લાઉડ’ એટલે કે રખડું વાદળની માફક હું ભટકતો હતો જગવિખ્યાત બની હતી. બીજા કવિ હતા સેમ્યુઅલ કોલરીજ જેનું કાવ્ય ‘રાઈમ ઓફ ધ એન્સીયન્ટ મરીનર’ જગવિખ્યાત છે. આપણાં ગુજરાતી જાણીતા કવિ જયંત પાઠકને તેમનાં પ્રકૃતિ કાવ્યોના કારણે ગુજરાતના વર્ડ્સવર્થ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ કોલરીજની વાત કરવી હોય તો આપણે આપણાં ઘાયલ સાહેબને યાદ કરવા પડે . . . સમજ્યા? અંગ્રેજી કવિ કોલરીજ અફીણનો નશો કરીને જ કાવ્ય સર્જન કરતો એવું કહેવાય છે. તેનું ખૂબ નામના પામેલું કાવ્ય ‘કુબ્લા ખાન’ અફીણના નશામાં જ લખાયું હતું એવું કહેવાય છે. તો મિત્રો, આજે તમને થશે કે આ શું દારૂ અને અફીણના બંધાણીઓની વાત લઈને બેઠો છે? પણ આજે આપણે સાપના ઝેરના નશા માટે થઈ રહેલા ઉપયોગ વિશે જાણીએ.
યુવાનોમાં પ્રિય હિન્દુવાદી સોશિયલ મીડિયા ઇન્ફલ્યુઅન્સર એલ્વિસ યાદવ સામે રેવ પાર્ટીઝમાં ડ્રગ્સના બદલે સર્પદંશથી નશો કરવા અને લોકોને ઝેરી સાપ પૂરા પાડવા બાબતે વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલો એ ચર્ચામાં હતું. આપણને થશે કે આ તે વળી કેવું ? ઝેરી સર્પ કરડે તો મૃત્યુ થાય એવી વાત તો બચ્ચા બચ્ચા જાનતા હૈ . . . તો ચાલો આજે આપણે અનેક લોકો કેવી રીતે સર્પદંશથી નશો કરે છે તે સમજીએ. સૌ પહેલાં તો સાપનું ઝેર માનવ શરીર પર શું અને કેવી રીતે અસર કરે છે અને કેટલું ઘાતક છે તે જોઈએ.
વૈજ્ઞાનિકોનાં સંશોધનોમાં જાણવા મળે છે કે ઝેરી સર્પોમાં મોટે ભાગે બે પ્રકારનું ઝેર જોવા મળે છે. એક તો ન્યૂરોટોક્સિન અને બીજુ હિમોટોક્સિન. ન્યૂરોટોક્સિક ઝેર માનવના ચેતાતંત્ર પર હુમલો કરે છે જેથી મસ્તિષ્ક શરીરને મોકલતા કમાન્ડ ખોરવાઈ જાય છે, જ્યારે હિમોટોક્સિક ઝેરના કારણે માનવની રુધિરાભિસરણ પદ્ધતિ ખોરવાઈ જાય છે અને આંતરિક રક્તસ્રાવ અને અંદરના અંગો મરતા જવાને લીધે માણસનું મૃત્યુ થાય છે. માનવના શરીરમાં જ્યારે સર્પનું ઝેર પ્રવેશે ત્યારે માનવ શરીરની સુરક્ષા પ્રણાલી સક્રિય થઈ જાય છે અને ઝેર સામે લડવા માટે સફેદ રક્તકણોને મોકલી આપે છે અને સફેદ રક્તકણોની સાથે સાથે ઝેરના મારણ જેવા એન્ટિ-બોડી બનાવવાની ફેક્ટરી ધમાધમ ઉત્પાદન કરવા લાગે છે, પરંતુ આ ઉત્પાદનની ઝડપ ઓછી હોવાથી ઝેરનો વિજય થાય અને માનવનું મૃત્યુ થાય છે. સર્પના ઝેરની રસી એ બીજું કશું જ નથી, પરંતુ ઘોડાના શરીરમાં સાપના ઝેરના એન્ટિ-બોડી બનાવીને તેનો ઉપયોગ માનવ જીવન બચાવવા માટે થાય છે. તો પછી આવા ઘાતક ઝેરનો નશામાં તેનો કેવી રીતે ઉપયોગ થતો હશે તે જાણવાનું મન થાય એ સ્વાભાવિક જ છે.
આપણને તો આ બાબત હમણાં જાણવા મળી, પરંતુ નશો કરવાના શોખીનો તો નશા માટે અજીબોગરીબ નુસખાઓ અજમાવતા હોય છે, પરંતુ આજે આપણે નશો કરવાની જે પદ્ધતિની વાત કરીએ છીએ તે ઘણી જ જોખમી છે. ડોક્ટર ઇન્જેકશન ઇન્ટ્રા વિનસ અને ઇન્ટ્રા મસ્ક્યુલર એમ બે પ્રકારે આપે છે જેને સર્પના દંશના પરિપ્રેક્ષ્યમાં સમજીએ. ભારે દવાની અસરને ધીમી કરવા ડોક્ટર બાવડે અને થાપામાં આવેલા સ્નાયુઓના જથ્થામાં ઇન્જેકશન આપે તે ઇન્ટ્રા મસ્ક્યુલર, અને ઝડપી અસર માટે લોહીની નસમાં સીધી દવા નાખતા ઇન્જેક્શનને ઇન્ટ્રા વિનસ કહેવાય છે. હવે સાપ દંશ મારે ત્યારે નક્કી કરીને નથી આપતો કે આને ઇન્ટ્રા મસ્ક્યુલર બાઈટ કરવો છે અને આને ઇન્ટ્રા વિનસ . . . સાપ તો લાગ મળે ત્યાં દંશી લે. આ પદ્ધતિ અને વિજ્ઞાનને જાણતા નશેડિયાઓએ સાપના ઝેરને લોહીમાં પહોંચાડવાની પ્રક્રિયાને ધીમી કરવા માટે શરીરના બે અંગ શોધી કાઢ્યા છે. એક તો જીભ પર અને બીજી જગ્યા છે પગની પાની. જીભમાં અને પગની પાનીમાં સૌથી વધુ માંસ અને સૌથી ઓછી લોહીની નસો હોય છે.
આ બંને જગ્યા પર સર્પનું ઝેર દાખલ થાય ત્યારે ઝેર ફેલાવાની પ્રક્રિયા અત્યંત ધીમી થઈ જાય છે, અને આમ થવાના કારણે શરીરને સાપના ઝેરના એન્ટિબોડી બનાવવાની સારી એવી તક મળી જાય છે. આ ઝેર એકદમ ધીમી ગતિએ શરીરમાં ફેલાતું રહે અને તેના એન્ટિ બોડી તેને નકામું બનાવ્યા કરે. આમ આ લડાઈ બે-ત્રણ દિવસથી લઈને અઠવાડિયાઓ સુધી ચાલતી રહે છે. અને એ દરમિયાન નશો કરનારને સાપના ઝેરની જે અસરો થાય છે તેની આદત પડતી જાય છે. જે લોકો આવા ગાંડા નશા કરીને બેઠા છે તેઓ તો કહે છે કે હાઈ પાવરના ડ્રગ્સની અસરો તો કલાકોમાં ઘટવા માંડે છે, જ્યારે સર્પદંશનો નશો તો એક કે ક્યારેક દોઢ-બે અઠવાડિયા સુધી સતત રહે છે.
હવે આપણે સર્પદંશ દ્વારા ઝેરનો નશો કરનાર એક-બે કેસ સ્ટડી પર નજર નાખીએ. નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવેલા એક આશરે ૩૩ વર્ષના યુવાનનો નશાનો લગભગ ૧૫ વર્ષનો ઈતિહાસ હતો. તેણે ૧૮ વર્ષની વયે સિગારેટથી નશો ચાલુ કરેલો, ત્યાર બાદ આગળ વધતાં દારૂ અને અફીણના રવાડે ચડ્યો. વર્ષોપરાંત તેણે અનેકવાર નશો છોડવા પ્રયત્ન કરેલો પરંતુ એક બે મહિનામાં ફરી આદતસે મજબૂર . . . કોઈ મિત્રની પ્રેરણાથી દારૂ અને અફીણ કરતાં સસ્તો નશો હોવાથી તેણે મદારીઓ પાસેથી ઝેરી સાપોના દંશ લેવાનું ચાલુ કરેલું. તેણે જીભ પર નાગ એટલે કે કોબ્રાનો નિયંત્રિત દંશ લીધો. તેના જણાવ્યા મુજબ તેને શરીરમાં આંચકા આવવા લાગ્યા અને એક બે કલાક સુધી બેહોશ રહ્યો. તેની આંખો સામે અંધારા આવી ગયેલાં અને તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને તીવ્ર જાતીય ઉત્તેજનાનો પણ અનુભવ થયેલો ! તેની નશાની આ શારીરિક અવસ્થા લગભગ ત્રણથી ચાર અઠવાડિયા સુધી ચાલી હતી.
અંતે એ જાણીએ કે સર્પદંશનો નશો કરતાં લોકો મુખ્યત્વે નાગ, કાળોતરો, અને લીલા રંગના સાપના દંશથી નશો કરતાં હતા. પહેલાં બંને સાપોના ઝેર ન્યૂરોટોક્સિક છે, પરંતુ નશાની આવી વિચિત્ર રીત અંગે જાણીને સૌને તુલસીદાસજી યાદ આવ્યા વિના રહે નહીં તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ. જેમ સાપને પકડવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો, તેની સાથે સ્ટંટ કરવા એ બધુ સાપ પરના અત્યાચાર છે, એ જ રીતે સાપની ઈચ્છા વિરુદ્ધ તેના દંશ લેવા એ માત્ર વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટનો ભંગ જ નથી, પરંતુ તેમ કરવાથી જો સહેજ ભૂલ થાય તો નીકળેલી સ્મશાન યાત્રામાં રામ બોલો ભાઈ રામ… તો છે જ…