અરાઉન્ડ ધ વર્લ્ડ : જિન્ઝામાં શીખવા મળી ક્નિત્સુગી, તૂટેલી ચીજોને જોડવાની કલા… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : જિન્ઝામાં શીખવા મળી ક્નિત્સુગી, તૂટેલી ચીજોને જોડવાની કલા…

– પ્રતીક્ષા થાનકી

શિન્જુકુમાં ગોલ્ડન ગાઈ ફૂડ માર્કેટમાં મોડી રાત્રે 90નું કુમાર સાનુનું એક બોલિવૂડ સોંગ ચાલુ હતું. આપણે ્ત્યાં હાઇવે પર ટ્રક ડ્રાઇવરો વગાડે તેવું. અહીં તેને વર્લ્ડ મ્યુઝિકમાં નોવેલ્ટી તરીકે વગાડવામાં આવતું હશે. અંદર કોઈને એટલું અંગ્રેજી નહોતું આવડતું કે જવાબ આપી શકે કે આ ગીત કોણે પસંદ કર્યું છે. 

આ જાપાનીઝ બાર અને ફાસ્ટફૂડ વચ્ચે લોકોનો એસોટેરિક મ્યુઝિકનો ટેસ્ટ જરા અલગ જ માહોલ બનાવી રહૃાો હતો. હજી એક વીક પણ નહોતું થયું અને જાણે જાપાનના એક જ શહેરમાં લાઇફટાઇમના અનુભવો થઈ ગયેલા. સ્થાનિકો માટે ગોલ્ડન ગાઈ જરા પ્રોસ્ટિટ્યુશન અને ડાર્ક માહોલ સાથે પણ જોડાયેલો છે. અને બીજી તરફ અહીં દૂર દૂરથી લિમોમાં બેચલર પાર્ટી માટે ગ્રુપ્સ પણ દેખાતાં હતાં. સાથે અમારા જેવાં ટૂરિસ્ટ પણ જલસાથી આંટા મારી રહ્યાં હતાં. શિન્જુકુમાં સ્ટેશનની બહાર એક ખૂણો આવો પણ છે તે પણ જોવા મળી ગયું. 

હવે ઓસાકા અને ક્યોટો તરફ જતા પહેલાં છેલ્લો દિવસ ઇમ્પિરિયલ પેલેસમાં વિતાવવાનો હતો, અને ઇમ્પિરિયલ પેલેસ પછી અડધો દિવસ આમ જ રખડપટ્ટીમાં વિતાવવો હતો. હવે તે રખડપટ્ટી કરવામાં સૌથી મોટી લાલચ હતી ત્યાં એક રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન ફૂડની. હવે રામેન, સુશી, તૈયાકી, બધું ખાઈને જરા મનને કંઇ ઘરની યાદ અપાવે તેવું ખાવું હતું. ત્યાં ગુજરાતી થાળી તો મળવાની ન હતી, તો ઢોસા અને મેદુવડાં જ સહી. જિન્ઝાનું શોપિંગ ત્યાંના સાઉથ ઇન્ડિયન ફૂડ કરતાં પણ વધુ મજેદાર બની રહૃુાં. ત્યાં યુનિક્લો, દાઇસો, ડોન્કી, મુજી, બધાંની કમસેકમ ત્રણ-ચાર માળની અને ક્યારેક તેનાથી પણ ડબલ કદની ઇમારતો વચ્ચે જાપાનીઝ શોપિંગની મજા જ કંઈ ઓર હતી. તે વચ્ચે ટોક્યોમાં ઘણું અનુભવવાનું રહી પણ જવાનું હતું. 

ખાસ તો સુમો રેસલિંગ લાઈવ નહીં જોઈ શકાય તેનો જરા અફસોસ હતો. ટોક્યોની લાઇવ સુમો રેસલિંગની સીઝન માત્ર જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બરમાં જ હોય છે. ઓસાકાની સુમો સિઝન માર્ચમાં હોય છે પણ ત્યાંની પણ ટિકિટ અમને હજી સુધી તો ઓનલાઈન મળી ન હતી.

 આ ઉપરાંત નાગોયામાં જુલાઈ અને ફુકુઓકામાં નવેમ્બરમાં લાઈવ સિઝન હોય છે. એક જમાનામાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ચેનલો ચાલુ થઈ ત્યારે સુમો રેસલિંગ કોને કહેવાય તેની ખબર પડી હતી. સુમો શબ્દનો અર્થ જ જાપાનીઝમાં રેસલિંગ કે કુસ્તી એવો થાય છે. સુમો લડવૈયાઓનો હેવી ડાયેટ, તેમની ખાસ હેર સ્ટાઇલ વગેરે તો ખ્યાતનામ છે જ, પણ નિયમ મુજબ સુમો રેસલરને ડ્રાઇવ કરવાનું અલાઉડ નથી. 2000ની સાલમાં એક સુમો રેસલર સાથેના અકસ્માતમાં એક યુવતીનું મોત થયા પછી આ બેન લાગી ગયું છે. તે સમયે તો અમારા માટે માત્ર રોગ્યોકુ ડિસ્ટ્રિક્ટમાં સુમો અરીના પાસે આંટો તો મારવાનું શક્ય હતું જ.

સુમો રેસલિંગ ન જોવા મળ્યું પણ ક્નિત્સુગી વર્કશોપ અમે ન ચૂક્યાં. ખાસ તો એટલા માટે કે ત્યાં ટૂરિસ્ટ માટે ખાસ ડિઝાઈન કરેલી એક-બે કલાકની ક્નિત્સુગી વર્કશોપ પણ મળી જાય છે. જિન્ઝામાં દાઈવા બિલ્ડિગમાં એક રૂમમાં પ્રાઇવેટ ક્લાસિસમાં 90 મિનિટ વિતાવવામાં જાણે જિંદગી જોવાનો એક નવો દૃષ્ટિકોણ પણ મળી ગયો હોય તેવું લાગતું હતું. ત્યાં 60 યુરોમાં ટીચરની સાથે એક ક્નિત્સુગી કિટ પણ ઇન્ક્લુડેડ હતી. સોશ્યલ મીડિયા આ શબ્દ અને તેના રેફરન્સથી ભરેલું છે. કોઈ તૂટેલી ચીજને જોડીને તેને ફરી વાપરવાને વધુ રોમેન્ટિસાઇઝ કરવામાં આવે છે. આજકાલ ખરાબ થતા જતા પર્યાવરણમાં કશું પણ ફરી વાપરીને તેની યાદગીરી બનાવી શકાય તેમ હોય તો શું વાંધો. 

પહેલાં તો એક મેટલના બાઉલ પર પ્રેકટિસ કરવા મળી. સિરામિકનું એક તૂટેલું બાઉલ ત્યાંથી સાથે પણ લાવવા મળ્યું. અંતે તો જાપાનથી જાતે બનાવેલું સુવિનિયર જ મળી ગયું. કોઈ તૂટીને સંધાયેલી ચીજનું મૂલ્ય ઓર વધી જાય છે તેનો લાઇવ અનુભવ કરવા મળી ગયો. જોકે તેના કારણે હવે ઘરમાં મારાથી સિરામિક દૂર રાખવા માંડ્યાં છે. જરા પણ ક્યાંય તિરાડ દેખાય એટલે હું મારી ક્નિત્સુગી કિટ લઈને તેને ગોલ્ડન સાંધો લગાવવા તૈયાર થઈ જાઉં છું. આમ પણ ક્નિત્સુગીમાં એક્સપર્ટીઝનાં અલગ સ્તર છે. 

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: હાચિકો સ્ટેચ્યૂ – જાપાનના જ નહીં, દુનિયાના સૌથી લોકપ્રિય કૂતરા પાસે…

પ્રોફેશનલ લેવલ પર કામ કરનારાંઓનાં આર્ટની પણ અહીં કોઈ કમી નથી. આ પારંપરિક તૂટેલી ચીજોને જોડવાની કલાનાં ખ્યાતનામ કલાકારોને ત્યાં રોકસ્ટાર જેટલું જ માન મળે છે. જોકે જાપાનમાં લોકપ્રિય થવાના લ્સ બાકીની દુનિયા કરતાં જરા અલગ લાગે છે. અહીં ઘણી આર્ટ ગેલેરીમાં ક્નિત્સુગીથી બનાવેલાં આર્ટ પીસનાં એક્ઝિબિશન પણ લાગે છે. 

જાપાનમાં જાપાનીઝ કલ્ચરનો આવો અનુભવ ધાર્યા કરતાં વધુ ઇન્ટેન્સ બની ગયો હતો. 

હજી જિન્ઝામાં જ અમે એક કલાકની વધુ એક વર્કશોપ માટે સજ્જ હતાં. અમારા સમયમાં કાં તો જાપાનીઝ સુશી ક્લાસ લેવો કે પછી કાન્જી કેલિગ્રાફી. અને અમે કાન્જી પર પસંદગી ઉતારી. તે દિવસે ખાણી-પીણીને બદલે લખાણ પ્રત્યે વધુ મન ખેંચાઈ રહૃુાં હતુંં. ખાસ તો એટલા માટે કે પેટ મેદુવડાંથી ભરેલું હતું. એવામાં કાન્જીના અક્ષરોના અર્થ, તેમને કઈ રીતે પીંછીથી ચિત્રોની જેમ બનાવવાં, તેમને ઘૂંટવા માટેની પ્રિન્ટ્સ, અંતે અમારાં જાતે લખેલાં પોસ્ટર, બધું વધુ એક યાદગાર સુવિનિયર બનીને અમારી સાથે આવેલું. એવામાં વોટરકલર બ્રશ અને સ્પેશિયલ પ્રિન્ટિગ પેપર ઉપરાંત ત્યાં માત્ર ડેકો માટે વપરાંતાં ક્યુટ સ્ટેમ્પ્સ પણ વાપરવા મળ્યાં. ઘણાં લોકો પાતાનાં મનપસંદ કેરેક્ટર કે લખાણનાં સ્ટેમ્પ હાથવગાં જ રાખે. 

જાપાન દરેક પગલે અલગ અનુભવોથી સરપ્રાઇઝ કર્યે રાખતું હતું. હવે જાણે 

અમે દરેક પગલે સરપ્રાઇઝ થવા માટે તૈયાર હતાં. જિન્ઝામાં શોપિંગ જેવી કહેવાતી શૅલો પ્રવૃત્તિઓની સાથે અમે જાપાનીઝ કલ્ચરમાં ત્યાંની પારંપરિક પ્રવૃત્તિઓ સાથે ઊંડા ઊતરી રહૃાાં હતાં તેવું લાગ્યું હતું. હવે ઇમ્પિરિયલ પેલેસનો વારો હતો.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button