વીક એન્ડ

લંગડા ઘોડા… તેરા ક્યા હોગા રે?

ચંદીગઢ મેયર ચૂંટણીના ઘાત-આઘત્- પ્રત્યાઘાત

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

જોઇ લીધું? પત્રકારિતાના નામ પર કલંક એવી ચેનલો ચોમાસામાં દેડકા ડ્રાંઉ ડ્રાંઉ કરે તેમ ધમાધમ કરવા માંડ્યા છે. કાચબાઓ રંગ બદલવા માંડ્યા છે. કોઇના ટુકડા પર જીવતા ટુકડાજીવીઓ યોયો હનીસિંગની જેમ ‘પાર્ટી અભી શરૂ હુઇ હૈ…’ એમ ભેંસાસુર રાગે કોરસમાં ગાઇ રહ્યા છે!

દેશ ચલાવવાનું કામ એ ખાંડું ચલાવવા જેવું કામ છે. એમાં સામ,દામ, દંડ, ભેદ એવા બધા તિકડમ ચલાવવા પડે! તેમાં યુધિષ્ઠિર જેવા ધર્મરાજ ન બનાય અમે દુર્યોધન પણ છીએ, દુશાસન પણ છીએ. અમે શકુનિ પણ છીએ.

ઓફ કોર્સ, ધૃતરાષ્ટ્ર પણ છીએ. અમે પાંડવોને બરબાદ કરીશું પણ … જવા દો એ કાવતરા!

૨૦૨૪ની ચૂંટણીને જીતવા ‘આયારામ ગયારામ’ પક્ષાંતરનો ઘોડો છૂટો મુકાય ગયો છે. કકળાટ કપૂરની સિરિયલોની જેમ દર એપિસોડમાં કોણ વિપક્ષની વાડ ઓળંગી વિકાસધારામાં મલિન થશે તેનું સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે.

આજના નેતાશ્રીઓને નૈતિકતાને શું લેવાદેવા? એ બધું જૂના નેતાઓનું આભૂષણ હતું. અમારે તો બધા પક્ષોના કાંગરા
ખેરવવા છે-પરિવારવાદ ખતમ કરવો છે. જેને પરિવાર ન હોય તે પરિવારની કિંમત શું જાણે એમ કોણ બોલ્યું? મોટાભાઇ, એને
યુક્રેન મોકલી દો! અમારું વૃંદાવન અન્યના નેતાથી સાંકડું બની
રહ્યું છે!

અમારે શુચિતા ફુચિતા સાથે ન્હાવા નિચોવવાનો સંબંધ નથી. અમે રેવડી વહેંચી, વિપક્ષ તોડી, નેતા ખરીદી,વિપક્ષી નેતા સામે સીબીઆઇ, ઇડી, ઇન્કમટેકસની અક્ષૌહિણી સેના શિકારી કૂતરાંની જેમ છોડી-ડરાવી-ધમકાવી દુનિયાના મોટા પક્ષને બ્રહ્માંડનો મોટો પક્ષ બનાવીએ છીએ!

કોઇ બે મત લાવી આપે એવું લાગે તેને કોલ્ડ ડ્રિકના ઢાંકણથી છોકરા લલચાવીએ તેમ એરાગૈરાને પણ ઊંચા ઊંચા અવોર્ડ પણ આપવા પચાસ હજાર પારિતોષિક બનાવવા ઓર્ડર કર્યો છે! ૨૦૨૪ એ મહાભારત કરતાં પણ મોટો સંગ્રામ છે જેમાં ઘમંડિયા વિપક્ષોનો ‘બાહુબલી’ ફિલ્મમાં મહેન્દ્ર બાહુબલિ દુશ્મનોનો કચ્ચરઘાણ બોલાવે તેમ ખુરદો બોલાવવાના છીએ!
અમને જનતા જનાર્દન બેલેટ મારફત જીતના આશિષ ન આપે તો અમારે હાથ જોડીને બેસવાનું? અરે, સાહેબ પ્રાણી જગતમાં કીડીને કણ અને હાથીને મણનો અલિખિત કાયદો છે. અમે સામવાળાનું પેટ અમે ભૂખ જોઇને ભૂખોપચાર કરીએ છીએ!

ટુકડે ટુકડે ઘમંડિયા ગેંગથી બચાવવાનું કામ અમારી સિવાય કોણ કરી શકે? માનો કે, મતદારો અમને મત ન આપે, ભ્રમિત થઇને સામેની પાર્ટીને મત આપે એટલે મતદાર દુશ્મન થઇ જાય…?
પથભૂલેલા મતદારનું ક્ષેમકુશળ જોવાની અમારી ફરજ છે કે નહીં? અમારે લાંબુંલચ ભાષણ કરવું નથી. અમે ભાષણજીવી હોવાનો તમે આરોપ લગાવો છો. અમે કાયમ ઇલેકશન મોડમાં જીવતા રોબોટ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોવાનો મનઘડંત આરોપ કરો છો? તમને શરમ નથી આવતી?

અમે ચંદીગઢ કોર્પોરેશનના મેયરની ચૂંટણીની સ્ક્રિપ્ટ રોહિત શેટ્ટી, પ્રસુન જોશી, જાવેદ અખ્તર પાસે લખાવી હોય તેવું તમને મને -કમને લાગતું હશે.

દેશમાં કેટલાં શહેરોમાં મેયરની ચૂંટણી નિરસ-બીબાઢાળ- મોનોટોનસ સ્ટાઇલથી પૂરી થાય છે. કોઇને ખબર પડતી નથી
અને કોઇને રસ પણ હોતો નથી. પરસ્પરના દુશ્મન ઝાડુ અને પંજો મેયરની ચૂંટણીમાં કમળને કચડવાનો પ્રયાસ કરે છે! સંખ્યાબળ તેમના પક્ષે હતું તેનો ઇન્કાર નથી,પણ કમળને કમજોર માનવાની ભૂલ કરી બેઠા!

તાજેતરમાં ચંદીગઢ મેયર ચૂંટણી વખતે ચૂંટણી અધિકારી બનેલા અનિલ મસીહ કેમેરા સામે ‘કમલ કા મેયર બનાઉંગા… તેરે ઝાડુ કે સામને તેરા ઘર બરબાદ કરૂંગા તેરે હી સામને..’ એવું ગીત ગાતા ગાતા આઠ બેલેટ રદ કરીને ઘમંડિયાની હવા કાઢી નાખી!

તમે એમ માનો છો કે સંખ્યાબળથી મેચ જીતી શકાય છે. પાકિસ્તાન હંમેશાં પક્ષપાતી અમ્પાયરોની મદદથી જીતે છે તેવો આ મિસ્ટર અનિલ પર આરોપ છે! કે ચૂંટણી વખતે અમુક મળેલ મત ધરાર રદ કરી કમળને મેયરની ખુરશી પર ધરાર બેસાડી દીધું …!
આ ગેમ સામે હાઇ કોર્ટે સ્ટે ન આપ્યો, પણ સુપ્રીમ
અદાલતે પ્રથમવાર એ પણ ડાયરેકટ મેયર જેવી ક્ષુલ્લક ચૂંટણીમાં હસ્તક્ષેપ કરીને ‘ઝાડુ’ ના ઉમેદવારને મેયર તરીકે વિજયી જાહેર કરી દીધા..
વેલ, ઐતિહાસિક ચુકાદો આપી દીધો. ઠીક છે, મારા ભાઇ. ભાદરવાના ભીંડાની જેમ વધો, પરંતુ વિશ્ર્વવલ્લભના તાપ સંતાપથી ક્યાં સુધી બચશે?

ઈંડાના નસીબમાં તવા ફ્રાય કે આમલેટ થવાનું લખાયેલુ હોય છે. બકરાની મા ક્યાં સુધી ખેર મનાવશે? બકરાએ એક દિવસ હલાલ કે ઝટકાથી કપાવવાનું જ છે તેમાં કોઇ મીનમેખ નથી! આ દેશમાં ઇલેકશન પિટિશન કોર્ટના કબાટમાં ગૂંગળાવાનું મુક્ત અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી હોય છે.

‘ઝાડુ’ પક્ષના મેયર આજે મીઠાઇ આરોગી લે., હરખના આંસુ વહાવી લે. ટેકેદારોને ભેટી લે.એ કેટલા દિવસ મેયર રહેશે તેનો ભવિષ્ય નિર્ણય કરશે. દર વખતે સુપ્રીમ કોર્ટ થોડી બચાવશે? લાગતા-વળગતા લોકો અનિલ મસીહને એના હાલ પર છોડી દેશે, કેમ કે ઘોડો લંગડો થઇ ગયો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button