વલો કચ્છ: હવા – પાણી ને સ્વભાવની સ્વચ્છતા…

ડૉ. પૂર્વી ગોસ્વામી
કચ્છના દક્ષિણ કાંઠે, અખાતની હળવી લહેરો દરરોજ જે જમીનને લાડથી ધોઈ જાય છે, તે જ જમીન પર મુન્દ્રા નામનું નાનું વિશ્વ સદીઓથી પોતાનું અસ્તિત્વ ખડું કર્યું છે. કચ્છનું પેરિસ કહેવાતું મુન્દ્રા ઉદ્યોગોના ધબકાર સાથે નવી ઓળખ મેળવવા હવા, પાણી અને સ્વભાવની સ્વચ્છતાનું પ્રતીક બનવા તરફ ઝંખી રહ્યું છે. વિકાસની આ ગતિ વચ્ચે ક્યાંક એક શાંત પ્રશ્ન ઊભો થાય છે કે, વિકાસનો ધુમાડો મારી હવાની શુદ્ધતા લઇ જશે?
તાજેતરમાં કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ મુન્દ્રા-બારોઈને ‘મેન્ટી શહેર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેમાં ઓછું પ્રદર્શન કરનારાં શહેરોને ટોચના પ્રદર્શન કરનારાં મેન્ટર શહેરો પાસેથી માર્ગદર્શન આપવામાં આવે છે.
ગુજરાત માટે મેન્ટર શહેર તરીકે અમદાવાદને પસંદ કરી મુન્દ્રા બારોઇ, સાણંદ, વાંકાનેર, સલાયા, રાણાવાવ નગરપાલિકાનું નામ મેન્ટી શહેર તરીકે જોડવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ સંદેશ મળે છે કે મુન્દ્રામાં સ્વચ્છતાના ક્ષેત્રે ઘણી સુધારેલી કામગીરીની જરૂર છે.
આપણ વાચો: વલો કચ્છ : કાપડથી કળા સુધીનો પ્રવાસ: એપ્લિકનો આલેખ
કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના સોનીપત ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન-શહેરી હેઠળ ‘સ્વચ્છ શહેર જોડી’ પહેલ લોન્ચ કરી હતી.
આ પહેલ શહેરી કચરો વ્યવસ્થાપન ક્ષેત્રમાં સૌથી મોટો ટાઇમ-બાઉન્ડ અને માળખાકીય માર્ગદર્શન ફ્રેમવર્ક છે. તે જ્ઞાન વહેંચણી, માર્ગદર્શન અને હેન્ડહોલ્ડિંગ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક મેન્ટી શહેરો એ મેન્ટર શહેરો પાસેથી શીખીને તેમના સ્વચ્છતા પરિણામમાં સુધારો કરશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 મુજબ, જે શહેરો ઓછા મૂલ્યાંકન સ્કોર મેળવે છે અથવા કચરા વ્યવસ્થાપન, જાગૃતિ, ટોઈલેટ સુવિધા, ફરિયાદ નિવારણમાં નબળું પ્રદર્શન કરે છે, તેમને મેન્ટી શહેર તરીકે પસંદ કરવામાં આવે છે.
આપણ વાચો: *વલો કચ્છ : * કચ્છી પ્રેમભરી કુરનિશ
મુન્દ્રા બારોઇનું મેન્ટી શહેર તરીકેની પસંદગી માટેનાં અમુક કારણો જોઈએ. વસ્તી અને વસાહતોનો ઝડપથી વધારો, ઉદ્યોગોની અસરથી નવા મજૂર વિસ્તારો ઊભા થયા, પરંતુ મૂળભૂત સુવિધા તેના પ્રમાણમાં ખાસ વધી નહી.
કચરાની નબળી વિભાજન વ્યવસ્થા; દરરોજ ઊપજતા કચરામાંથી કેટલું રીસાયકલ થાય છે, કેટલું વૈજ્ઞાનિક રીતે નિકાલ થાય છે, તેમાં નીરસતા છે. વપરાયેલ પાણી અને ગટરના મુદ્દા, વધતી વસ્તીને કારણે નિકાસ વ્યવસ્થા પર બોજો, જાગૃતિ અભિયાનની અછત, નાગરિક ભાગીદારી સ્વચ્છતા આયોજનમાં મુખ્ય છે.
ફરિયાદ નિવારણનું નબળું માળખું, ટેકનોલોજી આધારિત મોનિટરિંગ અમલમાં નથી. આ જ કારણે SSI પહેલ હેઠળ મુન્દ્રા-બારોઈને અમદાવાદ સાથે જોડીને 100 દિવસની પાયલોટ કાર્યયોજના શરૂ કરવામાં આવી છે.
આપણ વાચો: વલો કચ્છ: સરહદના સંત્રીઓ માટે અનોખો સેવાયજ્ઞ…
રાવ ભોજરાજજીએ સત્તરમી સદીમાં જે પરિસરમાં એક બંદરિયું શહેર વાવ્યું, તેની મૂળમાં દરિયાનો નિશ્ર્ચિત સાથ હતો. આ ધરતી શાહ મુરાદની દરગાહની છાંયામાંથી ઊઠતી સુગંધ, મોહનરાયજીના મંદિરની ઘંટધ્વનિ અને ભાટિયાખોજા વેપારીઓનું આફ્રિકા સુધી પહોંચતું સાહસ જેવી સમૃદ્ધ વાર્તાઓથી ભરેલી છે.
ભદ્રેશ્વરના જૈન દેરાં પ્રાચીન અવશેષોની વચ્ચે વીતેલા શતાબ્દીની ગાથા રજુ કરે છે કે આ વિસ્તાર માત્ર બજાર કે બંદર નહોતો, પરંતુ સંસ્કૃતિ, વેપાર અને આધ્યાત્મિકતાએ એકબીજાના ખભા પર હાથ રાખીને ચાલવાનું શીખ્યું હતું.
ઉદ્યોગો, વેપાર અને રોજગારના મામલે મુન્દ્રા દેશના નકશા પર તેજીથી ઊભરતું કેન્દ્ર છે. પરંતુ વિકાસનું સાચું માપદંડ માત્ર ઈમારતો કે ઉદ્યોગો નથી પરંતુ સ્વચ્છતા, વ્યવસ્થા, અને નાગરિકોની જીવન ગુણવત્તા પણ એટલી જ મહત્ત્વની છે. મુન્દ્રા પાસે ઈતિહાસ, સંસ્કૃતિ, વેપાર અને શિક્ષણનો વિશાળ વારસો છે ત્યારે જરૂર આ વિકાસને સ્વચ્છતાની દિશામાં વધુ જવાબદાર બનાવવાની.



