અરાઉન્ડ ધ વર્લ્ડ: જિમ્બોચો-દુનિયાના સૌથી અનોખા બુક ટાઉનમાં…

- પ્રતીક્ષા થાનકી
જાપાન કોઈ વિષય પર ફોકસ કરે છે પછી તેને પૂરતો ન્યાય આપે છે. એટલે જ અહીં જાણે દરેક પ્રકારના ઇન્ટરેસ્ટ અને રોજિંદી જિંદગીની બાબતોને લગતા આખા ને આખા ડિસ્ટ્રિક્ટ છે. એવામાં જ્યારે ટોક્યો બુક ટાઉન જવાનો મોકો મળે તો એ તો ચૂકી જ ન શકાય. આ પહેલાં ન્યુયોર્ક અને બુએનોસ ઍરેસના પુસ્તક ભંડાર જોઈને ત્યાં મૂવ થઈ જવાની ઇચ્છા થઈ આવી હતી. તેમાંય ખાસ તો આર્જેન્ટિનાના કેપિટલમાં તો 700 જેટલા બુક સ્ટોર્સ છે. ત્યાં આખા શહેરને બુક ડિસ્ટ્રિક્ટ કહી શકાય તેવું છે. ન્યુયોર્કનો કેસ જરા અલગ છે. ત્યાંના બુક સ્ટોર્સ જરા વધુપડતા લોકપ્રિય છે અને દુનિયાભરના વાચકોએ ન્યુયોર્કમાં આકાર લેતી કે ત્યાં વિષે વાત કરતી બુક વાંચી હોવાની શક્યતા જરૂર છે.
એક રીતે જોવા જાઓ તો દુનિયાનો સૌથી લોકપ્રિય બુક સ્ટોર `શેક્સપિયર એન્ડ કંપની’ તો પેરિસમાં છે. કોલકાતાનો બુક ફેર પણ કંઇ ઓછો લેજન્ડરી નથી. ક્યાં વધુ બુક્સ મળે છે તે વાત કરવામાં પણ અનોખી મજા અને સંતોષ મળે છે.
એવામાં જિમ્બોચો તરફ જતી સબવેમાં પણ ત્યાં શું જોવા, વાંચવા, ખરીદવા મળશે તેની ઇંતેજારી હતી. ત્યાંના સબવે સ્ટેશનમાં પણ લાઇબ્રેરી કે બુક સ્ટોરના શેલ્ફનો ભાસ ઊભો કરતાં વોલપેપર લાગેલાં હતાં.
ઓલમોસ્ટ દરેક સબવે સ્ટેશન તે વિસ્તારની ખાસિયતના કોન્ટેક્સ્ટમાં ડેકોરેટ કરેલું હતું. જિમ્બોચોમાં બુક ડિસ્ટ્રિક્ટ ઉપરાંત બીજું પણ ઘણું હતું. એવામાં સ્વાભાવિક છે બુક્સવાળાં વોલપેપર તરફ જવામાં અમને બુકસ્ટોર જોવા મળી જ ગયા. મોટાભાગના બુક સ્ટોરમાં કાફે, લાંબો સમય સુધી બેસવાની વ્યવસ્થા અને સુવિનિયર સેક્શન પણ હતાં. ઘણા સ્ટોર્સ તો ખુદ કોઈ આર્ટ ઇન્સ્ટોલેશન જેવા લાગતા હતા. જોકે ઘણા સાવ પસ્તી અને ભંગારની દુકાન જેવા પણ લાગતા હતા. એવામાં સૌથી મજેદાર જગ્યા પહેલી થોડી મિનિટોમાં જ જોવા મળી ગઈ.
એ હતી ટોક્યોની ખ્યાતનામ બુક હોટેલ. આ બુક થીમ્ડ હોટલ અમને હોટલ બુકિગ વખતે કેમ દેખાઈ નહીં તે પ્રશ્ન થયો, પણ સમજી શકાય તેમ હતું કારણ કે જો કોઈને ખબર ન હોય કે તેઓ બુક હોટલ માટે સર્ચ કરી રહૃાાં છે, તો તેમને માત્ર બુક હોટલમાં અઢળક સર્ચ રિઝલ્ટ મળવાનાં જ. વળી આ હોટલને પણ ખાસ જાહેરાત કરીને લોકોને આકર્ષવામાં રસ ન હોય તેવું લાગતું હતું, પણ તેનો માહોલ ઘણો મજેદાર હતો. અમને ત્યાં રહેવા તો નહોતું મળવાનું પણ ત્યાં ઊભા રહીને તેના વિષે વાંચવામાં પણ મજા આવી ગઈ. બુક હોટલના દરેક રૂમમાં અને દરેક ખૂણામાં પુસ્તકો એવી રીતે ગોઠવેલાં છે કે ત્યાં વાચનનાં રસિકોને જલસા થઈ જાય. જોકે તેમને મોટાભાગે માત્ર જાપાનીઝ વાચકોમાં જ રસ હોય તેવું લાગ્યું. તેમના કોમન એરિયામાં તો માત્ર જાપાનીઝ બુક્સ જ હતી.
આ હોટલથી આગળ વધતાં અહીંનાં બીજાં અનોખાં પાસાં જોવા મળ્યાં. અહીં જ ટોક્યોની લિટરેચર પ્રિઝરવેશન સોસાયટી' અને
બુક બાઇન્ડિગ ક્લબ’ પણ છે. સ્વાભાવિક છે બધે જ પુસ્તકો વેચાતાં નથી, અમુક નાની લાઈબ્રેરીઝ પણ છે. અહીં આખું વેકેશન ન વિતાવો તો પણ એક-બે દિવસ આ પુસ્તકિયા માહોલમાં વિતાવવાની શું મજા હશે તે જોવું જ રહૃુાં. ક્યારેક કાન્જી વાંચતાં શીખીને મુરાકામીનાં પુસ્તકો તેના ઓરિજનલ સ્વરૂમમાં વાંચવાનું શક્ય તો નહોતું બનવાનું, પણ ત્યાં ઊભા રહીને તે કલ્પના કરવાની પણ મજા આવી. માત્ર અંગ્રેજી બુક્સનું ટારગેટ હોય તો જાપાનીઝમાં `યોશો’ એટલે કે વેસ્ટર્ન બુક્સની દુકાનો શોધવી રહી. અને અમને થોડી મળી પણ ખરી. માત્ર જાપાનીઝ બુક્સ વચ્ચે પણ આંટો મારીને સાં લાગતું હતું. ખાસ તો અહીં સ્ટોર ડેકોરેશનનું એસ્થેટિક પણ અલગ સ્તરનું હતું.
આ પણ વાંચો….અરાઉન્ડ ધ વર્લ્ડ : કાપ્પાબાશી – ટોક્યોની આકર્ષક વાસણ બજાર…
કિતાઝાવા અને કોમિયામામાં જ આખો દિવસ વિતાવી શકાય એવું હતું. જોકે અમે તે દિવસે ઝડપથી આગળ વધ્યાં. કોમિયામા તો બુક્સની સાથે આર્ટ ગેલેરી પણ છે. વચ્ચે કાફે આટારાક્સિયામાં માચા કોફી માટે રોકાયાં. ત્યાં પણ ડેકોરેશન તો બુક્સ, ગ્રામોફોન અને ઓલ્ડ જાપાનીઝ આર્ટનું જ હતું. જિમ્બોચોનું નામ બે સદી પહેલાં એડો સમયગાળામાં ખ્યાતનામ સામુરાય જિમ્બોના નામ પરથી પડ્યું હતું. આ વિસ્તારમાં બુકસ્ટોર અને લાઇબ્રેરી તો સદીઓથી છે. છેલ્લી બે સદીમાં તેના કારણે જ જાપાનની ઘણી ખ્યાતનામ કોલેજો આ વિસ્તારની ફરતે બની છે. જાકે ટાઉનને તેનું હાલનું સ્વરૂપ 1950નાં દશકમાં મળ્યું હતું. આજે ત્યાં બસોથી વધુ સેક્નડ હેન્ડ બુક સ્ટોર છે. માત્ર બુક્સની વાતો વચ્ચે અચાનક જ અમે એક એલિયન શિપ જેવી બિલ્ડિગ પાસે આવી પહોંચ્યાં. આ જિમ્બોચો થિયેટરની ઇમારત આ વિસ્તારને કોઈ અલગ જ દુનિયામાં લઈ જતી હતી.
આ વિસ્તાર ભલે બુક્સ માટે જાણીતો હોય, ત્યાંની વધુ એક ખાસિયત ત્યાંનાં કરી રેસ્ટોરાં છે. કરી આમ તો મોટાભાગે ભારતીય ક્વિઝીન સાથે જોડાયેલી છે, પણ અહીં ઇથિયોપિયન, જાપાનીઝ, સુમેરિયન અને દુનિયાના જે પણ ખૂણામાં કરી બને છે ત્યાંની કરી મળી જાય છે. સ્વાભાવિક છે જે લોકોને વાંચવું ગમે છે તેમને સ્વાદિષ્ટ ખાવાનું પણ ગમતું જ હોય. અમે તે દિવસે જાપાનીઝ કરી માટે ગોઠવાઈ ગયાં અને અહીં ફરી ફરીને આવવા માટેનું વધુ એક કારણ મળી ગયું. ત્યાંથી બહાર નીકળીને વધુ એક રાઉન્ડ એક બુકસ્ટોરમાં લગાવ્યો. ટોક્યોમાં લોકો જ્યાં પણ જાઓ ત્યાં ઉતાવળમાં લાગતાં હતાં.
એવામાં આ એક માત્ર વિસ્તાર એવો હતો જ્યાં લોકો ઊભાં રહીને ટાઇટલ્સ વાંચતાં હતાં, બુક વાંચવા કે ખરીદવા રોકાતાં હતાં. અમને પણ લાગ્યું કે નેક્સ્ટ ટોક્યો વિઝિટ દરમ્યાન રોપોન્ગીને બદલે અહીં જ રહીશું, શાંતિથી બુક્સની વચ્ચે સમય વિતાવીને દુનિયાભરના સાહિત્યથી પરિચિત થઈશું. ખરેખર એવું કરી શકાશે કે નહીં એ તો ખબર નથી, પણ આવાં શહેરોની મજા જ એ છે કે ત્યાં આવનારા પ્રવાસના અલગ અલગ વર્ઝન મનમાં આકાર લેવા માંડે છે. હજી જાપાનમાં આવાં ઘણાં પ્રેરણા આપનારાં સ્થળો બાકી હતાં.
આ પણ વાંચો….અરાઉન્ડ ધ વર્લ્ડ: અસકુસા ફૂડ સ્ટ્રીટ પર વાયરલ ફોટોજેનિક વાનગીઓ…