કાત્સુરાગીમાં થોડાં ફૂલો ને થોડાં સુમો…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
જાપાન સાથે બુલેટ ટે્રન, માઉન્ટ ફુજી, કવાઈ, હેલો કીટી જેવાં કેટલાંય મજેદાર અનુભવો અને પ્રતીકો સંકળાયેલાં છે. તેમાં સુમો પણ એટલું જ લોકપ્રિય છે. તેમાંય ભારતીયોને સુમોમાં રસ એટલો બધો છે કે આપણે ત્યાં તો સુમો ફેડરેશન ઓફ ઇન્ડિયા પણ છે જ.
હવે એક વાર સુમોની ટે્રનિંગ, તેમના ઇતિહાસ અને ટુર્નામેન્ટની ઝલક જોયા પછી એવું લાગ્યું કે તેના વિષે થોડી વિગતે માહિતી પણ મેળવવી જ પડશે અને તેના માટે કાત્સુરાગી નજીકમાં જ હતું. કાત્સુરાગી આમ પણ સુમોનું જન્મસ્થળ છે. હવે ઓસાકામાં પણ વધુ સમય બાકી ન હતો. જે દિવસે ઓસાકાની સુમો ઇવેન્ટમાં ગયાં હતાં તે દિવસે ત્યાંની લોકલ માર્કેટમાં પણ ફરી વળ્યાં.
આમ પણ કહેવાય છે કે જાપાન જાવ ત્યારે હંમેશાં એક બેગ તો ખાલી લઈને જવી, પણ અમે તો બેગ પણ ત્યાં જઈને જ લીધી. તેમાં ભરવા માટેની ખરીદી તો થઈ જ ચૂકી હતી. હજી વધુ ચીજો લેવાનું ચાલુ જ હતું. જ્યાં પણ જતાં ત્યાં એક મહાકાય યુનિક્યો, મુજી, ડોન્કી ખરીદી કરવાનાં અનેક ઓપ્શનો દેખાયા કરતા હતા અને અમે તેનો ફાયદો ઉઠાવ્યા કરતાં હતાં. ક્યાંક સ્ટેશનરી, ક્યાંક શૂઝ, ક્યાંક કિચનની આઇટમ્સ અને ક્યાંક મોચીનાં પેકેટ્સ, ખરીદીનો ક્યાંક તો અંત લાવવો પડશે એ પણ એકબીજાને યાદ અપાવ્યા કરતાં હતાં.
મારાં જાપાનીઝ કોલિગ્સે સજેસ્ટ કરેલું એક જાપાનીઝ બ્રાન્ડનું લાસ્ક પણ ડોન્કીમાં મળી ગયું. તે લાસ્કમાં જાપાનીઝ માચા ભરીને અમે કાત્સુરાગી તરફ નીકળી પડ્યાં. અડધો કલાકની ટે્રન અમને કાત્સુરાગી લઈ આવી. અહીં અમને ઓસાકા જેવાં શોપિંગ ઓપ્શન્સ નહોતાં મળવાનાં, પણ સુમો કલ્ચર વિશે વધુ જાણવા જરૂર મળવાનું હતું.
ઓસાકા અને નારા વચ્ચે આવેલું આ ટચૂકડું ટાઉન પહાડોથી ઘેરાયેલું છે. મજાની વાત એ છે કે આ શહેરના સુમો ખ્યાતનામ છે, ત્યાંનાં અઝિલિયા ફૂલો પણ વખણાય છે. અમે ગામમાં જઈને પહેલું કામ માઉન્ટ કાત્ઝુરાગી પર હાઈક કરવાનું કર્યું. તેના માટે પહેલાં તો અમે બસ સ્ટોપ નજીકથી જ તળેટીમાંથી કેબલ કાર લીધી અને ટોચ પર પહોંચી ગયાં. ત્યાં માઉન્ટન ટોપ પર લેટ સરફેસ પર હાઇક કરવાની ખાસ ભલામણ હતી. ત્યાં આઝિલિયા ફૂલોની જાણે ચાદર પથરાયેલી હતી. જાપાન પર કુદરતે જાણે ફૂલોથી જ મહેરબાની કરી હોય તેવું લાગતું હતું.
ચેરી બ્લોસમ્સ અને મેગ્નોલિયા અને અલગ અલગ પ્રકારનાં સ્પ્રિગ ફ્લાવર્સ વચ્ચે અહીં અમે આ વ્યુ એક્સપેક્ટ નહોતો કર્યો. ત્યાં એક હટમાં ગ્રિલ્ડ ડાન્ગો મળતાં હતાં. અહીં મોચીથી માંડીને ડાન્ગો સુધી અલગ અલગ ચીજોમાં ચોખાનો લોટ જ હતો. ડાન્ગોમાં બાફેલા ચોખાના લોટના દડાને તંદૂરી પનીરની જેમ કાઠીમાં ભરાવીને ગ્રિલ કર્યા હતા. દરેક પ્રકારની વખણાતી જાપાનીઝ સ્વીટ્સ ખાવા જેવી નથી હોતી. ત્યાં ડાન્ગોનાં બે-ત્રણ બટકાં ભર્યાં હતાં પણ તે આખો દિવસ દાંતમાંથી કાઢવાની મથામણ કરતાં રહેવું પડ્યું હતું.
એ જ મથામણ સાથે અમે કેહાયાઝા મ્યુઝિયમ આવ્યાં. બે હજાર વર્ષ પહેલાં આ જ શહેરમાં પહેલી સુમો ફાઇટ યોજાઈ હતી. મ્યુઝિયમનું નામ પણ તે સમયના ખ્યાતનામ અને પહેલી સુમો ફાઇટના ફાઇટરના નામે જ પડ્યું છે. આ સ્પોર્ટ અને તેના નિયમો, તેની લોકપ્રિયતા પાછળ તે સમયના શાસકનો પણ મોટો હાથ રહ્યો છે. તેમાંય અહીં તો ઓરિજિનલ સુમો રિગ પર સુમો કોશ્ચુમમાં ફોટો પડાવવાનું પણ શક્ય છે. અહીં બે હજાર વર્ષોમાં જૂના જમાનાની ટિકિટોથી માંડીને, ફોટા, સ્કેચ, જૂનાં ટાઇમટેબલ, સદીઓનાં સુમો રેન્કિગ, સુમો ટે્રનિંગના પ્લાન, બધું એક પછી એક જોવામાં લાગ્યું કે જાપાનને પણ જર્મનીની જેમ જ રેકોર્ડ રાખવાનો પણ બહુ શોખ છે.
મજાની વાત એ છે કે આ મ્યુઝિયમમાં ટિકિટ માત્ર સ્થાનિકો માટે છે. આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ પોતાનું ફોરેન આઇડી બતાવીને મ્યુઝિમમાં ફ્રીમાં જઈ શકે છે. આવું પહેલીવાર જોયું હતું. બાકી દુનિયાભરમાં જ્યાં પણ સ્થાનિકો અને ફોરેન ટૂરિસ્ટ વચ્ચે ટિકિટમાં ફર્ક હોય ત્યાં હંમેશાં ટૂરિસ્ટની ટિકિટ વધુ જ હોય છે. અહીં તો ટૂરિસ્ટ માટે ફ્રી એન્ટ્રી છે. ઓસાકામાં સુમો સ્ટાર્સ દેખાયા હતા, અહીં સુમો લેજન્ડની વાતો જાણવા મળી ગઈ હતી.
હવે શહેરથી નીકળતા પહેલાં એક નાનકડી હાઇક કરવાની બાકી હતી. તેના માટે માઉન્ટ કોન્ગો જવાનું હતું. સુમો લાઇફ વિષે વધુ જાણીને મજા તો આવી હતી, પણ અહીં કાન્સુરાગીમાં ફૂલો અને પહાડોમાં વધુ મજા આવી ગઈ હતી. બનવાજોગ છે કે કદાચ બે સળંગ દિવસો સુમો હિસ્ટ્રીમાં વિતાવવા જેટલો રસ અમને કદાચ સુમો ફાઇટ્સમાં ન હતો. કાત્સુરાગી કોદો તરીકે ઓળખાતી અહીંની સૌથી લોકપ્રિય હાઇક ટે્રઈલ ખરેખર એવી હતી કે ત્યાં રોકાઈ જવાની ઇચ્છા થઈ જાય તેવું હતું.
ટે્રઇલ પર નાનકડું બુદ્ધા જેવું સ્ટેચ્યૂ હતું. તે જીઝો હતો. આ બુદ્ધિસ્ટ મોન્ક જાપાનમાં ખાસ પ્રવાસીઓ અને બાળકોનો રક્ષક દેવ હોવાની વાત છે. તે ક્યુટ સ્ટેચ્યૂ માટે પણ આ હાઇક કરવા જેવી છે. અહીંની શ્રાઇનમાં માત્ર જીઝો નહીં, ગામો નામે એક કાગડાની વાત પણ આવતી. હજારો વર્ષો પહેલાં તે ગામો આ રિજન પર રાજ કરતો હોવાની વાત હતી.
કાવાગુચિકોની જેમ અહીં પણ લોકવાયકાઓ અને સ્થાનિક દેવી-દેવતાઓની વાર્તાઓ જ્યાં જુઓ ત્યાં માહોલમાં સાંસ્કૃતિક રંગો ભરતાં હોય તેવું લાગતું હતું. આ વિસ્તારમાં લીલોતરી વચ્ચેની શ્રાઇન પર તો વધુ પડતી શાંતિ મળતી હતી. આખીય ટ્રિપ પર એટલો બધો થાક ભેગો થયો હતો કે શ્રાઇનમાં વિતાવેલી થોડી પળો કામ નહોતી લાગવાની. હવે ઓસાકામાં થોડા દિવસો પછી બેજિંગમાં એક નાનકડો બ્રેક લઈને ઘરે જવાનું હતું. આ વિસ્તારનો સ્વાદ તો ખરેખર સાથે આવ્યો હતો, પેલું દાઢમાં ચોંટેલું ડાન્ગો હજી પણ નીકળ્યું ન હોય તેવું લાગતું હતું.
આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : જિન્ઝામાં શીખવા મળી ક્નિત્સુગી, તૂટેલી ચીજોને જોડવાની કલા…



