દગો: ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ – ટીના દોશી

કસમયે અણધાર્યા ટપકી પડતા મહેમાનની જેમ કમોસમી વરસાદ ઓચિંતો વરસવાનો શરૂ થઇ ગયો. શિયાળાના દિવસો હતા. હજુ સવારે દસ વાગ્યા સુધી તો આકાશ એકદમ સ્વચ્છ હતું. વરસાદનો અણસાર સુધ્ધાં નહોતો. અને સાડા દસ સુધીમાં તો મેઘલી અંધારી રાત જેવું વાતાવરણ થઇ ગયું. આભ ગોરંભે ચડ્યું. વીજળીના કડાકાભડાકા, વાદળોનો ગડગડાટ ને ગર્જના. સૂસવાટા મારતો પવન અને પછી મૂશળધાર માવઠું.
બિનમોસમ વરસાદ. જાણે ભરશિયાળે ચોમાસું બેઠું. વરસાદનું જોર એટલું વધી ગયેલું કે થોડી જ વારમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું. પૂરઝડપે ફૂંકાતા પવનથી વૃક્ષો ધરાશાયી થવાં લાગ્યાં. કામે જવા નીકળેલા લોકો પલળી ગયાં. વરસાદથી બચવા જ્યાંત્યાં છાપરી હેઠળ, કોઈ દુકાનના છજા હેઠળ કે જે જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા. માવઠું થોડી વારમાં બંધ થઇ જાય એની રાહ જોતાં. પણ ધરતી સાથે કોણ જાણે કેવી પરમ પ્રીત થઇ ગયેલી કે વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો!
ઇન્સ્પેક્ટર કરણ બક્ષી અને જયરાજ જાડેજા ખુલ્લી જીપમાં નીકળેલા. એથી એ બંને પણ પલળ્યા. પોલીસ સ્ટેશન હજુ દૂર હતું. રસ્તામાં પાણી ભરાયેલાં. બીજાઓની જેમ એમને પણ ક્યાંક રોકાઈ જવામાં જ ડહાપણ ને શાણપણ લાગ્યું. નજીકમાં જ એક ચા વાળાની છાપરી દેખાઈ. બંનેને એ ઠેકાણું સલામત જણાયું.
છાપરી હેઠળ જીપ ઊભી રાખી. બહાર નીકળીને વસ્ત્રો અને વાળ ઝાટક્યાં. ખાસ્સી વાર થઇ ગઈ. જનજીવન થંભી ગયું, પણ, જીદે ચડેલા બાળકની જેમ વરસાદ થંભ્યો નહીં. પવનનું જોર ઓછું થઇ ગયું, પણ વરસાદ વરસતો જ રહ્યો. જાણે પ્રકૃતિ કહી રહી હતી: તમે માણસો તો કઠપૂતળી છો મારા હાથની… સઘળા સંસારનો દોરીસંચાર મારા જ હાથમાં છે. હું જ વિકાસ છું અને વિનાશ પણ હું જ છું. હું જ સર્જન છું અને વિસર્જન પણ હું જ છું. હું જ શાંત છું અને રૌદ્ર પણ હું જ છું!
અત્યારે કુદરત વરસાદના સ્વરૂપમાં રૌદ્ર રૂપ વરસાવી રહી હતી. શિવજીનું તાંડવ જાણે! કુદરતનો કરિશ્મા જોઇને અચંબિત કરણ કહેવા લાગ્યો: આ તો ભારે થઇ. બે કલાક જેવું થઇ ગયું તોય માવઠું અટકવાનું નામ જ નથી લેતું…’ હા, સર…’ જયરાજે ટાપસી પૂરી: `શિયાળામાં આવો વરસાદ. બહુ કહેવાય!’
આ સંવાદ આગળ ચાલે એટલામાં વરસાદ અચાનક બંધ. કોઈ જુઠો માણસ બોલીને ફરી જાય એમ વરસાદ જાણે આવ્યો જ નહોતો એવો અલોપ થઇ ગયો. આસમાન એકદમ સ્વચ્છ થઇ ગયું. ઉઘાડ નીકળી આવ્યો. તડકો નીકળ્યો. કુદરતની આ લીલા નિહાળતાં કરણ અને જયરાજ જીપમાં બેઠા. બપોરના બે વાગી ગયેલા.
બંને સીધા પોલીસ સ્ટેશને. પોણા ત્રણે પહોંચ્યા. થોડા કોરા થયા. આદુ નાખેલી મસાલેદાર ચા પીધી. પ્યાલો પૂરો કર્યો. કરણ ચા પૂરી કરે એની જાણે પ્રતીક્ષામાં હોય એમ ટ્રીન…ટ્રીન …ટેલિફોન રણક્યો. બીજી ઘંટડીએ કરણે ફોન ઉપાડી લીધો. ભૂંગળામાંથી ગભરાયેલો અવાજ સંભળાયો: `ઇન્સ્પેક્ટર સાહેબ, હું કલ્યાણ કોર્પોરેશનમાંથી બોલું છું. જલ્દી આવો. લૂંટ થઇ છે.!’
કરણ અને જયરાજ જીપમાં સવાર થઈને ઉપડ્યા. રસ્તામાં જયરાજ કહે: `આ કલ્યાણ કોર્પોરેશન તો પેલા લોકોની જ છે ને જેમણે…’
`હા, એ જ..હમણાં જ એમણે નગરની બહાર એક રિસોર્ટ બનાવ્યું છે…’ જયરાજનું વાક્ય પૂં કરતાં કરણે કહ્યું: એમના વિશે વારતહેવારે સમાચારો પ્રકાશિત થયા કરે છે. કલ્યાણ બંગલોની સોસાયટી પણ એમની જ છે. બાવીસ બંગલા છે એવું સાંભળ્યું છે. ઘણાબધા ઉદ્યોગો સાથે એમનું નામ જોડાયેલું છે. કર્મચારીઓ પણ હજારેક જેટલા તો ખરા જ.
`હં, એમને ત્યાં લૂંટ થઇ એ બહુ કહેવાય!’ જયરાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
કલ્યાણ કોર્પોરેશનના ચેરમેન કલ્યાણજી કામાણી સરળ વ્યક્તિ છે. મારે એકાદ વાર કોઈ કાર્યક્રમમાં મળવાનું થયું છેએમને...' કરણે યાદ કરતાં કહ્યું:મારે અલપઝલપ વાત થયેલી. આમ તો માયાળુ લાગ્યા. દયાળુ પણ હશે જ. એમને કોણે લૂંટી લીધા હશે! ખેર, જઈએ એટલે ખબર પડી જ જશે!’
વાતવાતમાં કલ્યાણ કોર્પોરેશન આવી ગયું. પાંચ માળની ભવ્ય ઈમારત હતી એ. રાખોડી રંગના પથ્થરની બનેલી. ઈમારતમાં બંને પ્રવેશ્યા. સામે જ વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ. ડાબી બાજુ રિસેપ્શન. ત્યાં બેઠેલી ચા ચિબાવલી જેવી દેખાતી હતી. ચા કરતાં કીટલી ગરમ જેવી કહેવત આવા કોક નમૂનાને જોઇને જ અવતરી હશે. પણ જયરાજ ગણગણતો હોય એમ બોલ્યો: `કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં!’ સામાન્ય સંજોગોમાં મુલાકાતીઓએ ચાના ચાબુક જેવા સવાલોનો સામનો કરવો પડતો, પણ સ્વયં કલ્યાણજી કામાણીએ પોલીસ બોલાવેલી અને બંને ઇન્સ્પેક્ટરનું વ્યક્તિત્વ આબદાર હતું. એટલે ચાએ ઊભા થઈને એમને પાંચમા માળે જવા કહ્યું. બંને લિફ્ટમાં સડસડાટ પાંચમા માળે ગયા.
પાંચમા માળની લોબીમાં પહોંચ્યા. ડાબી બાજુ કર્મચારીઓ બેસતા. જમણી બાજુ મેનેજમેન્ટ એરિયા. બંને જમણી બાજુ વળે એટલામાં કલ્યાણજી કામાણી સામે આવ્યા. સફેદ ધોતિયું અને સફેદ કફની પહેરેલી. સાઠેક વર્ષની ઉંમર હશે. સપ્રમાણ શરીર સચવાઈ રહેલું. માથાની વચ્ચોવચ નાની વાટકી જેટલા વિસ્તારમાં ટાલ ચમકતી હતી. એની આસપાસના વાળ ધોળા થઇ ગયેલા. ભ્રમરો અને મૂછો પણ ધોળી થઇ ગયેલી. ચહેરા પર કરચલીઓ. આંખમાં ચિંતા.
`ઇન્સ્પેક્ટર, હું તમારી જ રાહ જોતો હતો.’ કહીને કલ્યાણજી બંનેને પોતાની ચેમ્બર ભણી લઇ ગયા. કલ્યાણજીના મોભાના પ્રમાણમાં એમની વિશાળ ચેમ્બરમાં સાદગી હતી. સામે વિશાળ મેજ. ત્રણ ટેલિફોન. લાલ, કાળો અને બદામી. એક બાજુ કલ્યાણજીની રિવોલ્વિંગ ચેર. બીજી બાજુ મુલાકાતીઓ બેસી શકે એવી ચાર ખુરસી.
એક દીવાલને અઢેલીને સોફો. સામે ટીપોય. બસ. કરણ અને જયરાજ મુલાકાતીઓની ખુરસીમાં ગોઠવાયા. કલ્યાણજીએ ઇન્ટરકોમ પર ફોન કરીને મેનેજર કબીર અને એકાઉન્ટન્ટ અબીરને બોલાવી લીધાં. બંને જુવાન આવ્યા. સ્વચ્છ, સુઘડ ને ઈસ્ત્રીબંધ વસ્ત્રોમાં સજ્જ હતા બંને. એમની સામે જોઇને કલ્યાણજીએ વાતનો આરંભ કર્યો:
ઇન્સ્પેક્ટર, મારે તો આજે ખરી મોંકાણ થઇ. કોઈ દિવસ નહીં ને આજે જ…’ કહેતાં કલ્યાણજીએ માથા પરનો પરસેવો લૂછ્યો. વળી કહેવા લાગ્યા:અમારા ઘણા વ્યવસાયો છે. એમાં જરૂર પ્રમાણે અમે રોકડ અથવા તો ચેક અથવા તો ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ. પણ આજે એક પ્રસંગ માટે મારે રોકડા દસ લાખ રૂપિયાની જરૂર પડી. આજે રૂપિયા બેંકમાંથી ઉપાડવા જ પડે એમ હતું.’
કરણને ખ્યાલ આવી ગયો કે ખરી કથા તો હવે શરૂ થાય છે. એ ધીરજથી સાંભળી રહ્યો. કલ્યાણજી કહી રહ્યા હતા: મારા મેનેજર કબીર અને એકાઉન્ટન્ટ અબીરને મેં રૂપિયા કઢાવવાનું કામ સોંપ્યું. બેય મારા અતિવિશ્વાસુ માણસ છે. બંને સવારના દસ વાગ્યે જ અમારી કોર્પોરેશનની ગાડી લઈને બેંક જવા ઊપડી ગયા.’ કહીને કલ્યાણજીએ મેનેજર તરફ જોયું. અને કહ્યું:હવે તું કહે શું થયું તે…’
કરણે કબીર સામું જોયું. એની ચૂંચી આંખ અંદર ઊતરી ગયેલી. એક ઊંડો શ્વાસ લઈને એ કહેવા લાગ્યો: `સાહેબ, અમે બંને ગાડીમાં બેસીને બેંક ગયા. સાડા દસ પહેલાં તો બેંકમાં પહોંચી ગયેલા. ખબર નહીં કેમ પણ આજે બેંકમાં ભીડ બહુ હતી. કેશ કાઉન્ટર પર લાંબી લાઈન હતી. અમે ટોકન લીધું. અમારો નંબર આવે એની રાહ જોવા લાગ્યા. ખાસ્સો કલાક થઇ ગયો વારો આવતાં…’
હા સાહેબ, કલાકેક તો થયો જ હશે…’ અબીરે ચૂલાની સાક્ષી ભૂંગળીની જેમ સૂર પુરાવતાં કહ્યું:અમે દસ લાખ રૂપિયા લઈને બ્રીફકેસમાં મૂક્યા અને બહાર નીકળીને સીધા જ ગાડી મારી મૂકી, પણ…’
પણ સાહેબ…’ કહેતાં કબીરે ઠૂઠવો મૂક્યો:અમે હજુ તો અડધે માંડ પહોંચેલાં. ગાડી હું હલાવતો હતો. પાસે જોખમ હતું. એટલે ઉતાવળે ગાડી હાંકતા હતા. એવામાં એક સૂમસામ ઠેકાણે મારી જમણી બાજુએ બે યુવાન જોયા. મોટરસાઈકલ પર સવાર. ગાડીની લગોલગ મોટરસાઈકલ હંકારતા હતા એ. કદાચ કોઈ સરનામું પૂછી રહ્યા હતા.
મેં ગાડી થોડી ધીમી પાડી. એટલે આગળ બેઠેલાએ સ્ફૂર્તિથી ચમકતી છૂરી કાઢી અને મારા પડખે દબાવી. હું તો એવો ગભરાયો. પણ છરીની ધાર જોઇને મારી બોલતી બંધ થઇ ગઈ. છતાં મેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો પાછળ બેઠેલા બદમાશે રૂપિયાની બ્રીફકેસ ગાડીમાંથી કાઢી લીધી. અને એમણે મોટરસાઈકલ પૂરપાટ વેગે ભગાવી મૂકી. અમે હાથ ઘસતા રહી ગયા.’
મેં તો પેલા છૂરીવાળા લફંગાનો ચહેરો પણ બરાબર યાદ રાખ્યો છે.’ કહીને અબીર કલ્પનામાં પેલા બદમાશને જોઈ રહ્યો હોય એમ પોતાના ચીબા નાક પર આંગળી મૂકીને લૂંટારાનું વર્ણન કરવા લાગ્યો:એનો ચહેરો ન ગોળ, ન લંબગોળ, પણ ચોરસ આકારનો હતો. નાક થોડું ચપટું. ગાલ ફૂલેલા ફુગ્ગા જેવા. બહાર નીકળી આવેલા. હોઠ જાડા. વાળ પાંખા. આંખો મોટી. બિહામણી કહી શકાય એવી. સીસમ જેવો વાન. ડાબા લમણે અઢી ઈંચનું જખમનું નિશાન!’ કહીને અબીર પોતાની ચતુરાઈ પર ખુશ થતો બોલ્યો: `ઇન્સ્પેક્ટર સાહેબ, પાછળવાળાને તો હું બરાબર જોઈ શક્યો નહીં, પણ આગળ બેઠેલો તો મોઢા પરથી જ ડામીસ લાગતો હતો. એટલે જ મેં એનો ચહેરો ધારીધારીને જોઈ લીધો. મેં એનું જે વર્ણન કર્યું એના આધારે એ પકડાઈ તો જશે ને?’
વર્ણન સાચું હોય તો લૂંટારા જરૂર પકડાઈ જાય, અબીર…’ કહીને કરણે બે ઘડી વાણીને વિશ્રામ આપ્યો. પછી પ્રત્યેક શબ્દ પર ભાર મૂકીને કહ્યું:પણ અફસોસ…તમે કરેલું વર્ણન સાચું નથી! સાચું નથી એટલું જ નહીં, ઉપજાવી કાઢેલું પણ છે!’
એ સાંભળીને કલ્યાણજી કામાણી ચોંક્યા: આ શું કહો છો, ઇન્સ્પેક્ટર? તમે એમ કહો છો કે આ બંને ખોટું બોલે છે!’ ખોટું જ નહીં… હળાહળ ખોટું.!’ કરણ ટાઢાબોળ સ્વરમાં ઠાવકાઈથી કહી રહ્યો.
`ઇન્સ્પેક્ટર, આ માત્ર તમાં અનુમાન છે કે એનો કોઈ આધાર પણ છે?’ કલ્યાણજી કામાણીએ અસ્સલ વેપારીની અદાથી પ્રશ્ન કર્યો. અબીર અને કબીરની આંખમાં પણ પ્રશ્નનો પડઘો વંચાયો.
`પહેલાં તો માં અનુમાન જ હતું, પણ અબીર-કબીરનું નિવેદન સાંભળીને મને આધાર મળી ગયો છે…’ કહી કરણે શબ્દોની સોટી વીંઝી:
`મારો પહેલો આધાર એ છે કે, આજે સવારે સાડા દસથી ધોધમાર વરસાદ થયેલો. છેક બે વાગ્યે વરસાદ બંધ થયો. અબીર-કબીર તો સવારના બેંકમાં હતા. બેંકમાંથી રૂપિયા લઈને બાર વાગ્યે નીકળ્યા હોય તો, ત્યારે પણ વરસાદ તો ગાજવીજ સાથે વરસી જ રહ્યો હતો. એવામાં જો કોઈ વાહન હંકારતું હોય તો ગાડીના કાચ ચડાવેલા જ રાખવા પડે. કાચ નીચે ઉતારીને ગાડી ચલાવવી સંભવ જ નહોતું. ચલાવે તો પૂરેપૂરો પલળી જાય.
કબીરે પણ કાચ ચડાવેલા જ હોય. તો પછી કોઈ લૂંટારો કબીરને જમણે પડખે છરી કઈ રીતે દબાવે? બીજો આધાર એ કે, બારે મેઘ ખાંગા થયા હોય ત્યારે કોઈ લૂંટ કરવા નીકળે જ નહીં. બે હાથ દૂરનું ય ન દેખાતું હોય એવા વરસાદમાં કોઈ મૂર્ખ જ લૂંટ કરવા નીકળે. વળી, લૂંટારાને જોઇને માણસ ગભરાઈ જાય. અથવા તો એનો સામનો કરે. એનો ચહેરો જોવામાં સમય ન બગાડે. એવામાં અબીરે એનો ચહેરો ટીકીટીકીને કઈ રીતે જોયો? અને ત્રીજો આધાર, લૂંટારાને કેવી રીતે ખબર પડી કે બ્રીફકેસ પાછલી બેઠક પર પડી છે? તમે જ સમજાવો અબીર અને કબીર!’
બંનેનો ચહેરો ઊતરેલી કઢી જેવો થઇ ગયો. એમણે ગુનો કબૂલી લીધો: `શેઠે રોકડા રૂપિયા બેંકમાંથી કઢાવવાનું કહ્યું ત્યારે જ અમારી દાઢ સળકેલી. અમે લૂંટનું બહાનું ઉપજાવી કાઢીને રૂપિયા લૂંટવાની યોજના બનાવી. પણ આ વરસાદે અમારી યોજના પર પાણી ફેરવી દીધું.’ કલ્યાણજી કામાણી આંખેથી અંગારા વરસાવતાં બંને દગાખોરને જોઈ રહ્યા.
અબીર અને કબીરે હાથકડી પહેરવા હાથ લંબાવ્યા. બીજું શું કરે? એમની ચોરી પકડાઈ ગઈ હતી!
આવતા અઠવાડિયે નવી કથા



