હમશકલઃ ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ

ટીના દોશી
ઇન્સ્પેકટર કરણ બક્ષી પોતાની સામે બેઠેલા અભયકુમારને જોઈ રહ્યો. ભયભીત અભયકુમાર. રોયલ બ્લુ રંગના શર્ટ અને કાળા પેન્ટ પર બ્લેક કોટમાં સજ્જ અભયકુમાર પહેલી નજરે ભલોભોળો લાગ્યો. ઊજળો વાન, મોટી કાળી આંખો, માથે કાળા વાળ. ડાય કરેલા નથી લગતા. નાક બહુ મોટું નહીં ને નાનું પણ નહીં, હોઠ પાતળા. પણછ ખેંચેલા તીર જેવા. એકંદરે ચહેરો જોવો ગમે એવો.
જોકે આ ચહેરા પાછળ બીજો ચહેરો પણ હોઈ શકે. એ તો ખબર પડશે. કરણે જોયું કે અત્યારે આ ચહેરા પર ગંભીરતા, ગભરાટ અને ચિંતાનાં વાદળ છવાયેલાં. એની ઉંમર કદાચ પાંત્રીસેકની હશે, પણ આંખ નીચેનાં કાળાં કુંડાળાંને કારણે એ હતો એથી દસેક વર્ષ મોટો દેખાતો હતો. કદાચ આખી રાત ઊંઘ્યો નહીં હોય. એણે જે કહ્યું એ સાચું હોય તો ઊંઘ ન આવે એ સ્વાભાવિક જ હતું. એ માંડ માંડ સ્વસ્થતા જાળવીને બેઠેલો.
બેધ્યાનપણે વારંવાર હાથની મુઠ્ઠીઓ ખોલબંધ કરી રહ્યો હતો. કંઈક બોલવા મથતો હતો અને વળી મૌન થઇ જતો હતો. ત્રણેક મિનિટ સુધી અભયકુમારનું અવલોકન કર્યા પછી કરણ બક્ષીએ પોતાના બંને હાથની આંગળીઓ પરસ્પર પરોવી, અંકોડા ભીડી, એને હડપચી પર ટેકવીને સ્થિર નજરે પૂછ્યું: `એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારો કોઈ હમશકલ છે જે તમારા નામે ખુલ્લેઆમ ફરી રહ્યો છે?’
હા, ઇન્સ્પેક્ટર બક્ષી, હું ક્યારનો એ જ તો સમજાવી રહ્યો છું…અભયકુમાર પોતાના નામથી બિલકુલ વિપરીત ભય પામેલો હોય તેવું વર્તન કરતાં બોલ્યો: `તમને મારી વાતમાં વિશ્વાસ નથી ને? હું પણ પહેલાં નહોતો માનતો. મારા હમશકલની વાત મેં પોતે મજાકમાં ઉડાવેલી. પણ હવે મને ખાતરી થઇ ગઈ છે કે કોઈ છે જે મારા જેવો જ દેખાય છે અને મારા નામે જ જાહેરમાં ફરી રહ્યો છે!’
`તમારી ઓળખ, તમાં રૂપ લઈને ફરવાથી એને કોઈ ફાયદો થાય એમ છે?’ કરણે જાણવાનો પ્રયત્ન કર્યો: `એટલે કે સંપત્તિ કે બીજું કંઈક…’
`ના,રે…’ અભયકુમારે માથું હલાવ્યું: `એટલે જ તો મને નવાઈ લાગે છે કે એ આવું કેમ કરી રહ્યો છે. ન તો મારી પાસે જર છે ન જમીન..!’
`તમે એને ક્યારેય જોયો છે?’ કરણ વિગતો મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
`ના, મારી સામે આવવાની એણે હજુ સુધી હિંમત કરી નથી.’ અભયકુમારે મુઠ્ઠી કચકચાવી: `એક વાર મારી સામે આવે તો ખરો. એનો ટોટો ન પીસી નાખું તો માં નામ નહીં!’
બાજુમાં બેઠેલા જયરાજ જાડેજાથી બોલી જવાયું: `તમારો કોઈ જોડિયા ભાઈ હતો જે કુંભમેળામાં ખોવાઈ ગયો હોય અને આટલા વર્ષે પાછો આવ્યો હોય એ પણ શક્ય છે ને?’
`પ્લીઝ ઇન્સ્પેક્ટર…’ અભયના અવાજમાં દર્દ ઘૂંટાયું: `હું આમ પણ દુ:ખી છું. મારી ઠેકડી ન ઉડાડો. હું કોઈ બોલિવૂડની મસાલા ફિલ્મની કથા નથી કહી રહ્યો. મારી પોતાની વેદના વર્ણવી રહ્યો છું. હું સાચું કહું છું કે મારો કોઈ હમશકલ છે, જે માં નામ, મારી ઓળખ લઈને ફરે છે!’
કરણે જયરાજને ઈશારો કર્યો. એટલે એ શાંત થઈને, ગંભીર બનીને સાંભળવા લાગ્યો. કરણે સહાનુભૂતિથી પૂછ્યું: `હું સમજું છું તમારી વાત… હવે મને એ કહો કે તમને કેવી રીતે ખબર પડી કે તમારો કોઈ હમશકલ છે અને એ તમારા નામે ફરી રહ્યો છે?’
`હું કહું તમને…’ કહીને અભયકુમારે ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢીને કપાળે બાઝેલો પસીનો લૂછ્યો. કરણે જોયું કે એણે જમણા હાથની વચલી આંગળીમાં શનિનો જાંબલી નંગ જડેલી સોનાની વીંટી પહેરેલી. કરણ એ વીંટી જોઈ રહ્યો. એટલે અભયકુમાર કહે: `શું વાત કં? મારા તો ગ્રહો જ વાંકા છે. શનિની સાડા સાતી ચાલે છે. ખબર નહીં શું થવા બેઠું છે? અઠવાડિયા પહેલાં જ શનિની વીંટી કરાવી. જોઈએ હવે કેટલો ફેર પડે છે! નોકરીમાં પણ મારી તો પનોતી બેઠેલી છે. આટલું ઓછું હોય એમ પાછો પેલો હમશકલ ફૂટી નીકળ્યો!’
જયરાજ: `હા, તો તમને હમશકલ વિશે કેવી રીતે ખબર પડી એ તમે કહેતા હતા!’ `હા, હું એ જ કહેતો હતો…’ અભયકુમારે વિગતવાર કહેવાનું શરૂ કર્યું: `લગભગ દોઢ મહિના પહેલાં હું મારા એક મિત્ર અતુલને ઘેર ગયો. ઘણા લાંબા સમયથી એને મળ્યો નહોતો. પણ મને જોઇને ખુશ થવાને બદલે એ ચોંક્યો.
મને કહે કે, ગઈ કાલે જ તો તું આવેલો. આપણે સાથે જમ્યાં પણ હતાં. મેં ધાર્યું નહોતું કે આટલો જલ્દી પાછો આવીશ. પણ આવ, આવ…મેં કહ્યું કે હું તો ત્રણ મહિને આવ્યો છું. કાલે ક્યાં આવેલો? એ થોડો ઝંખવાણો પડી ગયો. વાત ત્યાં જ પૂરી થઇ. મને લાગ્યું કે, કંઈક ભાંગરો વટાયો છે. અથવા તો એ ભૂલકણો થઇ ગયો છે!
‘
`હં, તો પહેલી વાર તમારો હમશકલ તમારા મિત્રએ જોયો. પ્રશ્ન એ છે કે એને કેવી રીતે ખબર પડી કે તમે એને ઘેર જવાના છો?’
`એ જ તો! એને ખબર કેવી રીતે પડી…’ અભયકુમાર માથું ખંજવાળતાં બોલ્યો: `હું તો પાછા ફર્યા પછી એ વાત સાવ ભૂલી જ ગયેલો. પણ મહિના પહેલાં એ ફરી પ્રગટ્યો. પહેલી વાર દેખાયાના પંદર દિવસ પછી. અમારા કિરાણા સ્ટોરવાળાને ત્યાં!’
`કિરાણાવાળાને ત્યાં?’ જયરાજની આંખમાં ચમક ઊપસી.
`હા, કૃષ્ણવીર કિરાણાવાળાને ત્યાં…’ કહીને અભયકુમારે પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો: `બન્યું એવું કે દર મહિનાનું કરિયાણું અમે એમને ત્યાંથી જ લઈએ છીએ. આગલે દિવસે અમે જે કાંઈ જોઈતું હોય તે સામાન લખાવી દઈએ અને બીજે દિવસે ઓફિસેથી પાછાં વળતાં હું ગાડીમાં સામાન મુકાવી દઉં.
નિયમ મુજબ આ વખતે હું ગયો ત્યારે કૃષ્ણવીર મને કહે કે, એક કલાક પહેલાં તો તમે સામાન લઇ ગયા. પાછા આવ્યા તે કાંઈ બાકી રહી ગયું છે? હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું હું તો અત્યારે જ ચાલ્યો આવું છું. તો કહેવા લાગ્યા, મજાક સારી કરો છો. હું તમને ન ઓળખું? હું કંઇ બોલ્યા વિના, સામાન લઈને પાછો આવ્યો, છતાં મને થયું કે કંઈક ગરબડ જરૂર છે!’
હં, પછી? કરણ સર્વ કાને સાંભળવા લાગ્યો.
`ત્રણ અઠવાડિયા પહેલાંની વાત છે…’ અભયકુમારની આંખમાં ડરના ઓછાયા ઊતરી આવ્યા: `હું ઘેરથી ઓફિસ જવા સવારે સાડા નવે નીકળું છું. સાંજે સાડા છ વાગે ઘેર પાછો. એ દિવસે પણ રાબેતા મુજબ ઓફિસે ગયો. અગિયાર વાગ્યે તો પલકનો ફોન આવ્યો કે તમે ઓફિસે જવાને બદલે ઘરના ફળિયામાં કેમ બેઠેલા? અને હું બહાર આવું ત્યાં સુધીમાં ક્યાં ગાયબ થઇ ગયા?’
`ઓહ..!’ કરણ ખુરસીમાં ટટ્ટાર થઈને સાંભળી રહ્યો. જયરાજ નિવેદન લખતો રહ્યો.
`ઇન્સ્પેક્ટર, તમે માનશો? પલકની વાત સાંભળીને મને એવી તો ફાળ પડેલી!’ અભયકુમારના સ્વર કાંપવા લાગ્યો: `બે ઘડી તો હું સ્તબ્ધ જ થઇ ગયો. હું જે હમશકલને હસવામાં કાઢી રહ્યો હતો એ છેક મારા ઘર સુધી પહોંચી ગયેલો. જો એણે પલકને કંઇ નુકસાન પહોંચાડ્યું હોત તો?’ બોલતાં બોલતાં અભયકુમારનાં ંવાડાં ખડાં થઇ ગયાં.
`તમે તમારી પત્નીને હમશકલ વિશે કહ્યું?’ કરણે કહ્યું.
`ના, સાહેબ.’ અભયકુમારે કહ્યું: `એને કહીશ તો એ બિચારી ગભરાઈ જશે. તમે પણ એને નહીં કહેતા, પ્લીઝ!’
`તમારા હમશકલે કપડાં પણ તમારા જેવા જ પહેરેલાં?’ કરણે અણિયાળો સવાલ કર્યો.
`હા સાહેબ.’ અભયકુમાર કહે: `હું કેવા કપડાં પહેરીશ એના વિશે એને કેવી રીતે ખબર પડતી હશે કોણ જાણે!’
ઓકે… જયરાજ બોલ્યો: `તમે કહ્યું કે ત્રણ અઠવાડિયા પહેલાં પલકે તમારા હમશકલને જોયેલો. પછી એ કોઈને દેખાયો?’
`હા, બે અઠવાડિયા પહેલાં એ ઘેર આવેલો…’ અભયકુમાર હાંફતો હાંફતો એળેબેળે બોલી રહ્યો હતો: `હું રોજ ઘેરથી ટિફિન લઈને ઓફિસે જાઉં છું. એટલે દિવસ દરમિયાન ઘેર પાછા આવવાનું કોઈ કારણ જ નથી. એ દિવસે પણ હું ઘેર નહોતો ગયો. ઓફિસમાં જ એક મિટિગ હતી. સાંજે ઘેર પાછો આવ્યો ત્યારે પલકનું મોઢું ચડેલું હતું. ગુસ્સાથી લાલચોળ થયેલી. મેં કારણ પૂછતાં એ ફુંગરાઈને બોલી કે, `તમે બપોરે અચાનક જમવા ઘેર આવ્યા તો મને ગમ્યું.
ટિફિન ભલે પડ્યું રહ્યું. આમ તો માં બનાવેલું ભોજન તમને બહુ ભાવે છે. પણ તમે સબ્જીમાં નમક ઓછું ન હોવા છતાં એ મુદ્દે મારી સાથે ઝઘડો કર્યો. ન કહેવાનું કહ્યું અને ફૂલદાન છુટ્ટું માર્યું. મને માથે લોહી નીકળવા લાગ્યું. આટલું થયા છતાં એમ પૂછો છો કે હું નારાજ કેમ છું?’ એ દિવસની ઘટના વર્ણવીને અભયકુમાર થરથર ધ્રૂજવા લાગ્યો: `એ મારા ઘર સુધી પહોંચી ગયો. મારી પલકને ઈજા પહોંચાડી રહ્યો છે. સમજાતું નથી કે શું કરવું?’
`મને લાગે છે કે તમારે પલકને કહી દેવું જોઈએ તમારા હમશકલ વિશે!’ કરણે સૂચન કર્યું.
`ના, ના. એવું ન કરશો.’ અભયકુમાર કરગરવા લાગ્યો: `એને ખબર પડશે તો એનું હાર્ટ ફેઈલ થઇ જશે. નબળા હૃદયની છે બાપડી. મારા હમશકલ વિશે જાણીને ક્યાંક મરી ન જાય!’
`સાં. હવે એ કહો કે છેલ્લા બે અઠવાડિયામાં કોઈએ એને જોયો?’ જયરાજે પૂછ્યું.
`હા, જોયોને…’ અભયકુમાર આંગળીના નખને દાંતથી કરડવા લાગ્યો: `ગયા અઠવાડિયે પલકે જ પાછો જોયો. હું આખો દિવસ ઓફિસમાં જ હતો. પણ સાંજે પલક કહેવા લાગી કે, `હું બજારમાંથી પાછી આવતી હતી ત્યારે તમારી ગાડીની અડફેટે આવી ગયેલી. તમે તો મને મારી જ નાખત, સહેજમાં જ બચી ગઈ. પછી ડોળા કાઢીને કહેવા લાગી કે, મારા પરથી ગાડી ચલાવી મૂકવી’તી ને? કચડી નાખવી તી.’ આ સાંભળીને મને કમકમાં આવી ગયા. મારી પલકને કંઇ થઇ જશે તો?’
`હં, એ પછી છેલ્લા અઠવાડિયામાં જોયો એને કોઈએ?’ કરણના મનમાં કંઈક સમીકરણો રચાવા લાગ્યાં.
`હા, મારા પાડોશીએ જોયો.’ કહીને અભયકુમાર બૂટથી ભોંય ખોતરવા લાગ્યો: `આજે સવારે મારી બાજુની ઈમારતમાં રહેતા રોહિતભાઈ રસ્તામાં મળ્યા. મને કહે કે, ગઈ કાલે સાંજે તમે પાણી લેવા મારે ત્યાં આવેલા, તે તમારે ત્યાં પાણી નહોતું આવતું કે શું? પહેલો સગો પાડોશી, કેમ? વળી કહેવા લાગ્યા કે, કાલે તમે પહેરેલો શનિનો નંગ ગમ્યો હં. સારૂં થયું.
શનિનો નંગ પહેર્યો. એનાથી પનોતી બધી છૂમંતર થઇ જશે. આ તો મારા અનુભવની વાત છે! હું તો છક થઇ ગયો. મેં એમને કહ્યું કે, હું તમારે ઘેર આવ્યો જ નહોતો. પણ એ કહે કે, મશ્કરી સારી કરો છો. તમે નહોતા તો કોણ હતું? હું તમને ન ઓળખું ભલા માણસ? હવે મારે શું કરવું?’
`હં…એના દેખા દેવાનો સમય ધીમે ધીમે ઓછો થતો જાય છે!’ કરણે કંઈક ગણતરીઓ માંડીને કહ્યું: `એ દોઢ મહિના પહેલાં પહેલી વાર દેખાયો. પછી મહિના પહેલાં. પછી ત્રણ અઠવાડિયા પહેલાં, પછી બે અઠવાડિયા પહેલાં, પછી છ દિવસે…. હવે કદાચ પાંચ દિવસ પછી દેખાશે. હા, એવું બની શકે.’ અભયકુમારે ડોકું ધુણાવ્યું.
`સારૂં. અમે તમાં નિવેદન નોંધી લીધું છે.’ જયરાજ બોલ્યો: `હવે તમે જાવ. અને સાવધાની રાખજો. એ કદાચ પલક પર પણ હુમલો કરી શકે. અમે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.’
`ભલે… તો હું રજા લઉં.’ અભયકુમાર બેસીબેસીને થાકી ગયો હોય એ રીતે ઊભો થયો. જતાં જતાં કહે: `મારી પલકને કાંઈ ન થાય એનું ધ્યાન રાખજો. એને ન કહેતા. બિચારી આઘાતથી મરી જશે. કહીને નીકળી ગયો.’
પાંચ દિવસ પછી….મધરાત પછીનો સમય. અભયકુમારના શયનખંડમાં એક ઓળો હળવે પગે દાખલ થયો. હાથમાં મોજાં પહેરેલાં. રાતના અંધારામાં જમણા હાથે પકડેલી ધારદાર છરી ચમકતી હતી. ઓળો ધીમે ધીમે પલંગ તરફ આગળ વધ્યો અને પલંગમાં વચ્ચોવચ સૂતેલી પલકના સુંવાળા દેહમાં છરીના આડેધડ ઘા કરવા લાગ્યો. ભકાભક…ભકાભક…!
એ જ પળે અજવાળું થયું. એકાએક પ્રકાશ થતાં પેલા ઓળાની આંખો અંજાઈ ગઈ. એણે જોયું તો સામે ઇન્સ્પેક્ટર કરણ બક્ષી, જયરાજ જાડેજા અને… અને…આ બાજુમાં કોણ ઊભું છે? એને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. એ પલક હતી!
જીવતીજાગતી! સાજીસમી! તો પછી હમણાં જેને છરી મારી એ…! ઓળાએ પલંગ પરની ચાદર ખેંચી કાઢી..
ચાદર હેઠળથી બે તકિયા નીકળ્યા. ઓહ, આવડી મોટી છેતરપિંડી! મારી તો બાજી ઊંધી વળી ગઈ!!
તારી બાજી ઊંધી વળી ગઈને, અભયકુમાર ઉર્ફે હમશકલ! કરણ તમેમાંથી તુંકારા પર આવી ગયો, એટલે જયરાજે પેલા ઓળાએ વીંટાળેલી રજાઈ ખેંચી કાઢી. એ અભયકુમાર જ હતો!
`તું તારી જાતને બહુ ચાલાક અને પોલીસને બેવકૂફ સમજતો લાગે છે, અભયકુમાર…’ કરણે કહેવાનું શરૂ કર્યું: `તું મારી પાસે આવ્યો અને જે નિવેદન લખાવ્યું એ સાંભળીને જ મને ખબર પડી ગયેલી કે તું વાર્તા બનાવી રહ્યો છે. તારો કોઈ હમશકલ છે જ નહીં!’
`એ કેવી રીતે?’ અભયકુમાર બોલ્યો.
`એ એવી રીતે કે… કરણે કહ્યું: `પહેલી વાત એ કે તારા હમશકલને એકલદોકલ માણસે જ જોયો છે. ઉદાહરણ તરીકે તારો મિત્ર અતુલ. તું એક દિવસ અચાનક એને ઘેર ગયો. જમ્યો. બીજે દિવસે પાછો ગયો. પછી કહ્યું કે હું તો આજે જ આવ્યો. એમાં ખાસ કાંઈ કરવાનું નહોતું. સિવાય કે થોડી એક્ટિંગ.
કિરાણાવાળા સાથે પણ તેં એવું જ કર્યું. સામાન લઇ આવ્યો અને કલાકમાં પાછો ગયો. એમને પણ કહ્યું કે હું તો અત્યારે જ આવ્યો. થોડી એક્ટિંગ બસ…એટલે સુધીની તારી વાત સાંભળીને હું સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે આખરે તું કરવા શું માગે છે? પછી તે પલકની વાત કરી. તારો હમશકલ કોઈને કંઇ નુકસાન નહોતો કરતો, પણ પલકને એણે બે વાર ઘાયલ કરી. એક વાર ફૂલદાન મારીને અને બીજી વાર ગાડી હેઠળ કચડીને! પલકે એ વાત કરી ત્યારે તેં એમ ન કહ્યું કે, ફૂલદાન ફેંકનાર કે ગાડીની અડફેટે લેનાર હું નહોતો. કારણ કે એ તું જ હતો!
બીજી વાત, બીજાઓને તારો હમશકલ એક જ વાર દેખાયો, પણ પલકે એને ત્રણ ત્રણ વાર જોયો. એવું તેં જ કહ્યું ને? પલકવાળી વાત સાંભળીને મને થયું કે તું જરૂર કોઈક વેંતમાં છે. પલકને ઈજા કરવા માંગે છે! વળી, તું વારંવાર કહેતો રહ્યો કે પલકને કાંઈ ન કહેશો. એનો અર્થ એમ જ થતો હતો કે તું પલક સાથે કશુંક ભયાનક કરવા ધારે છે. કરે તું અને નામ આવે તારા હમશકલનું! બરોબર ને?’
અભયકુમાર ઓશિયાળી આંખે બાહોશ કરણને જોઈ રહ્યો. એના પર નજર કરીને કરણ કારમી ઠંડકથી બોલ્યો: `તારા નિવેદનમાં જ તાં જૂઠ પકડાઈ ગયેલું. તારા પાડોશી રોહિતભાઈને ગઈકાલે તારો હમશકલ મળ્યો અને એણે પણ શનિના નંગવાળી વીંટી પહેરેલી. રોહિતભાઈએ એવું કહેલું, એમ તેં જ કહ્યું ને! આવું તો ત્યારે જ શક્ય બને જયારે એ તું પોતે હોય! કારણ એ વીંટી તેં હજુ ગયા અઠવાડિયે જ બનાવડાવી છે. શનિના નંગની વીંટી એ જ બનાવડાવે છે, જેને શનિ નડતો હોય. એ શોખ માટે પહેરવામાં આવતી નથી.
હવે તું એમ કહે કે તારા હમશકલને પણ શનિ નડતો હશે, તો એ જરા વધારે પડતું લાગશે. માટે માપમાં રહેજે. શનિવાળી વાત સાંભળીને તો મને ખાતરી થઇ ગઈ કે તું હળાહળ જૂઠું બોલે છે! બીજી વાત, તારો હમશકલ કપડાં પણ તારા જેવા જ પહેરે એ માનવામાં આવતું નથી. જરા વધારે પડતું લાગે છે. તેં જ તારા નિવેદનમાં કહેલું કે તાં રૂપ કે તારી ઓળખ લઈને કોઈને કાંઈ ફાયદો થાય એમ નથી. તારી પાસે ન જર છે ન જમીન. ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે આ બધું જો માટે થઇ રહ્યું છે. જર, જમીન ને જો, ત્રણ કજીયાના છો!’
`તો તમે ત્યારે જ અભયની ધરપકડ કેમ ન કરી?’ જયરાજ કરણને અહોભાવથી નિહાળી રહ્યો.
એટલા માટે કે… કરણે પત્તાં ખોલ્યાં: `હું અભયની રંગે હાથ ધરપકડ કરવા માંગતો હતો. એ દિવસે એની ધરપકડ કરવા માટે કોઈ પુરાવો નહોતો. પણ એ કોઈ ખેલ કરવામાં છે એવી મને ખાતરી હતી. મેં એના કથનમાં કોઈ શંકા વ્યક્ત કરી હોત તો એ સાવચેત થઇ જાત અને પોતાની યોજના મુલત્વી રાખત. એથી મેં જ એને વિચાર આપ્યો કે હવે પાંચમે દિવસે કદાચ હમશકલ દેખાશે. અને એણે એ તક ઝડપીને પલકને છૂરી હુલાવી દેવાની યોજના ઘડી કાઢી. અને મેં મારો દાવ ખેલ્યો, તારી ચાલ ઊંધી વાળી દીધી. બોલ, ખરૂં કે ખોટું?’
`ખરૂં, ખરૂં…’ અભયે ગુનો કબૂલી લીધો: `હું પલકથી કંટાળી ગયેલો. મારી ઓફિસમાં કામ કરતી જલ્પાના પ્રેમમાં પડેલો. પલકને રસ્તામાંથી હટાવું તો જ જલ્પાને પરણી શકું. એટલે મેં હમશકલની યોજના બનાવી કાઢી. હમશકલ પલકનું ખૂન કરે અને હું જલ્પા સાથે…!’
જયરાજે અભયને હાથકડી પહેરાવી ત્યારે પલકની નફરતભરી નજર કહેતી હતી: વાવો તેવું લણો!
આવતા અઠવાડિયે નવી કથા
આ પણ વાંચો…ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ- ચિઠ્ઠી



