સ્પોર્ટ્સમૅનઃ ઑલરાઉન્ડર માટે ઑલ ઇઝ વેલ

-અજય મોતીવાલા
બૅટિંગ-બોલિંગ એમ બન્ને સહિયારી જવાબદારી અદા કરતા ખેલાડીઓ ટીમમાં વધુ સલામત ગણાય છે… જાડેજા, વૉશિંગ્ટન ટેસ્ટમાં તેમ જ હાર્દિક, અક્ષર વન-ડે અને ટી-20ની ટીમમાં સૌથી સુરક્ષિત છે. મોટા ભાગની ક્રિકેટ ટીમોમાં બૅટિંગ લાઇન-અપ સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅનથી શરૂ થાય અને સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર કે સ્પિનરથી પૂરી થાય. સામાન્ય રીતે ઑલરાઉન્ડરનું એમાં સ્થાન મિડલ-ઑર્ડરમાં જ હોય. ખાસ કરીને ફાસ્ટ બોલરથી જ બોલિંગની શરૂઆત કરાતી હોય છે અને ઑલરાઉન્ડરને થોડી ઓવર્સ બાદ કે ઇનિંગ્સની મધ્યમાં મોરચા પર લાવવામાં આવતો હોય છે.
એક રીતે ઑલરાઉન્ડર ટીમમાં બૅટ્સમેનો અને બોલર્સ વચ્ચેની કડી હોય છે અને પ્લેઇંગ-ઇલેવનમાં સૌથી વધુ જવાબદારી પણ ઑલરાઉન્ડરની જ હોય છે. બોલિંગ હોય કે બૅટિંગ અથવા બૅટિંગ હોય કે બોલિંગ, ઑલરાઉન્ડરની ભૂમિકા સૌથી અનોખી છતાં આડકતરી રીતે સૌથી વધુ જવાબદારીવાળી હોય છે. બોલિંગ હોય ત્યારે તેણે વિકેટ લઈ આપવાની તેમ જ ફીલ્ડિંગ તો ચુસ્ત હોવી જ જોઈએ અને બૅટિંગમાં તેણે ટીમને સધ્ધરતા બક્ષી શકાય એટલા રન પણ બનાવવાના હોય છે. ઑલરાઉન્ડર જો બન્ને રોલમાં ખતરારૂપ હોય તો હરીફ ખેલાડીઓએ બન્ને દાવમાં (બૅટિંગમાં અને પછી બોલિંગમાં) તેનો સામનો કરવો પડે છે. ટીમ-વર્કમાં ઑલરાઉન્ડરની ભૂમિકા બૅટ્સમૅન અને બોલરથી ભિન્ન હોય છે, કારણકે તેણે બૅટિંગમાં ધબડકો થાય ત્યારે મિડલ-ઑર્ડરમાં બાજી સંભાળી લેવાની હોય છે અને બોલિંગમાં મુખ્ય બોલર્સનું કંઈ ન ચાલે ત્યારે કૅપ્ટન ઑલરાઉન્ડર પાસે સફળતાની આશા રાખે છે.
ઑલરાઉન્ડર્સની ખાસિયતોની ચર્ચા કરીએ તો હજી બીજું ઘણું લખી શકાય, પરંતુ હાલમાં ભારતની ટેસ્ટ ટીમમાં ઑલરાઉન્ડર્સની હાજરીની બાબતમાં જે ચર્ચાઓ થઈ રહી છે એટલે આ લેખમાં ભારતીય ટીમમાંના આ વિશિષ્ટ પાત્ર પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. 1960ના દાયકામાં ભારતની ટેસ્ટ ટીમ જ્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી ત્યારે કેટલીક મૅચો એવી હતી જેમાં ભારતની પ્લેઇંગ-ઇલેવનના તમામ ખેલાડીઓ ઑલરાઉન્ડર હતા. ત્યારે નરી કૉન્ટૅ્રક્ટરે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને મન્સૂર અલી ખાન પટૌડી વાઇસ-કૅપ્ટન હતા. ફરોખ એન્જિનિયર વિકેટકીપર-બૅટ્સમૅન હતા. ભારતની ત્યારની સ્ક્વૉડમાં ચંદુ બોરડે, સલીમ દુરાની, રમાકાંત દેસાઈ, એમ. એલ. જયસિંહા, બુધી કુંદરન (વિકેટકીપર), બાપુ નાડકર્ણી, વિજય માંજરેકર, વિજય મહેરા, રુસી સુરતી, પોલી ઉમરીગર, દિલીપ સરદેસાઈ તેમ જ એરાપલ્લી પ્રસન્ના અને વસંદ રાંજણેનો સમાવેશ હતો.
ભારતને કપિલ દેવ જેવો ઑલરાઉન્ડર ક્યારેય નથી મળ્યો અને ક્યારે મળશે એ પણ નક્કી ન કહી શકાય. કપિલે તેમના સમયમાં હરીફ ટીમોના ઑલરાઉન્ડર્સ સાથેની તીવ્ર હરીફાઈ વચ્ચે ઉચ્ચ કક્ષાનો પર્ફોર્મન્સ આપવાની સાથે 1983માં ભારતને વન-ડેની ઐતિહાસિક વર્લ્ડ કપ ટ્રોફી અપાવી હતી.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન : માર્ગ વિકટ ખરો, પણ વિક્ટરી શક્ય છે
ઑલરાઉન્ડર બૅટિંગ-બોલિંગ બન્ને પ્રકારની અગત્યની જવાબદારી સંભાળતો હોય છે અને એક રીતે સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન કે સ્પેશિયાલિસ્ટ બોલર કરતાં તેના પર વર્કલૉડ હંમેશાં અને સતતપણે રહેતો હોય છે. પોતાનું ક્રિકેટ બોર્ડ, સિલેક્શન કમિટી, ટીમ મૅનેજમેન્ટ તેમ જ કરોડો ક્રિકેટચાહકો તેની પાસે બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં સારા પર્ફોર્મન્સની અપેક્ષા રાખતા હોય છે. જોકે બેમાંથી એક જવાબદારીમાં નિષ્ફળ જવા છતાં તેને બીજી જવાબદારીની સફળતા ટીમમાં ટકાવી રાખતી હોય છે. એ રીતે ટીમમાં તે અન્યો કરતાં વધુ સલામત હોય છે.
આઇપીએલમાં ઇમ્પૅક્ટ પ્લેયરની પદ્ધતિ આવવાથી ઑલરાઉન્ડર સામે ખતરો ઊભો થયો છે એવું કેટલાક ખ્યાતનામ ક્રિકેટરો અને નિષ્ણાતો કહી ગયા છે, પરંતુ હાલમાં ભારતની ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન (બોલિંગ અને બૅટિંગની) સંયુક્ત જવાબદારી બહુ સારી રીતે સંભાળી રહ્યા છે. જાડેજા ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં બોલિંગમાં બહુ સક્સેસ નથી થયો, પણ બૅટિંગમાં તેણે સર્વોત્તમ કક્ષાના બૅટ્સમેનોને ઝાંખા પાડી દેતું પર્ફોર્મ કર્યું છે. લૉર્ડ્સમાં તે 266 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 181 બૉલમાં અણનમ 61 રન કરવા છતાં ટીમ ઇન્ડિયાને પરાજયથી નહોતો બચાવી શક્યો, પણ ઑલ્ડ ટે્રફર્ડમાં બ્રિટિશરોએ જાડેજાની બૅટ્સમૅન તરીકેની તાકાતનો અઠવાડિયામાં ફરી એકવાર અનુભવ કર્યો હતો જેમાં જડ્ડુએ 218 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 185 બૉલમાં અણનમ 107 રન કર્યા હતા અને વૉશિંગ્ટન સુંદર (298 મિનિટ અને 206 બૉલમાં અણનમ 101) સાથેની જોડીમાં પાંચમી વિકેટ માટે 203 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
ટેસ્ટ-ક્રિકેટને ઘણા મહાન ઑલરાઉન્ડર્સ મળ્યા છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના સર ગૅરી સોબર્સ (8,032 રન અને 235 વિકેટ) તેમ જ જૅક કૅલિસ (13,289 રન અને 292 વિકેટ)ને ગ્રેટેસ્ટ ઑલરાઉન્ડર તરીકે ઓળખાવી શકાય. જોકે વીતેલા વર્ષોના નામાંકિત ઑલરાઉન્ડર્સમાં કપિલ દેવ ઉપરાંત ઇમરાન ખાન, ઇયાન બૉથમ અને સર રિચર્ડ હેડલી તેમ જ સાઉથ આફ્રિકાના ક્લાઇવ રાઇસને પણ ભૂલી ન શકાય.
ભારત પાસે હાલમાં ટેસ્ટ-ક્રિકેટમાં બે ભરોસાપાત્ર ઑલરાઉન્ડર (રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર) છે. નીતીશ રેડ્ડી પણ ટેસ્ટમાં ઑલરાઉન્ડર તરીકે જ ટીમમાં સ્થાન પામે છે. જાડેજા હાલમાં ટેસ્ટમાં વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર છે. વન-ડે અને ટી-20 ફૉર્મેટમાં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા હાલમાં ભારતના બે શ્રેષ્ઠ ઑલરાઉન્ડર છે અને શિવમ દુબે તથા શાર્દુલ ઠાકુરને અનેક તક મળી હોવા છતાં તેઓ ટીમ ઇન્ડિયામાં સ્થાન નથી જમાવી શક્યા. ટીમ ઇન્ડિયાને ઇરફાન પઠાણના રૂપમાં એક ભરોસાપાત્ર ઑલરાઉન્ડર મળ્યો હતો અને તેના પછી હાર્દિક પંડ્યા (હાલમાં ટી-20માં વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર) ખરા અર્થમાં ભારતના પેસ બોલિંગ ઑલરાઉન્ડર તરીકેની ભૂમિકા અદા કરી રહ્યો છે.
સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર તરીકે ભારતને યુવરાજ સિંહ જેવો બીજો નથી મળ્યો. જોકે વીતેલા વર્ષોના ખ્યાતનામ ભારતીય ઑલરાઉન્ડર્સની યાદીમાં વિનુ માંકડ, વિજય હઝારે, મોહિન્દર અમરનાથ, રવિ શાસ્ત્રી તેમ જ તાજેતરમાં નિવૃત્ત થયેલા રવિચન્દ્રન અશ્વિનના નામ પણ અચૂક લઈ શકાય. સચિન તેન્ડુલકર પણ એક તબક્કે ઉપયોગી ઑલરાઉન્ડર તરીકે ગણાતો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલે ભારતને રાહુલ તેવાટિયા, વિજય શંકર અને હર્ષલ પટેલ વગેરે યુવા ઑલરાઉન્ડર આપ્યા છે. જોઈએ હવે આવનારા વર્ષોમાં કયો ઑલરાઉન્ડર બન્ને જવાબદારીનો સંયુક્ત બોજ ઊંચકીને ટીમ ઇન્ડિયામાં લાંબા સમય સુધી સ્થાન જમાવી શકે છે.
આ પણ વાંચો…કુંબલે ને પંત જેવા કમબૅક કોઈના નહીં…