
વલસાડનો હેનિલ પટેલ, તમિળનાડુનો દેવેન્દ્રન અને ડોમેસ્ટિકમાં મુંબઈ વતી રમતો કુન્ડુ વિશ્વ કપના તખ્તે શરૂઆતથી જ ચમકવા લાગ્યા
સ્પોર્ટ્સમૅન – અજય મોતીવાલા
હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, અભિજ્ઞાન કુન્ડુ, ખિલન પટેલ
2008માં ભારતે વિરાટ કોહલીના નેતૃત્વમાં અને રવીન્દ્ર જાડેજાની વાઇસ-કૅપ્ટન્સીમાં વન-ડે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે દૃઢપણે કહેવાતું હતું કે ભારતની સિનિયર નૅશનલ ટીમને બે ટૅલન્ટેડ સ્ટાર ખેલાડી મળી જ ગયા છે. એ પહેલાં, 2000માં મોહમ્મદ કૈફના સુકાનમાં ભારતે અન્ય કેટલાક ખેલાડીઓ ઉપરાંત યુવરાજ સિંહના સુપર પર્ફોર્મન્સની મદદથી જુનિયર વર્લ્ડ કપ જીતી લીધો હતો. એ અગાઉ, 1998ના અન્ડર-19 વર્લ્ડ કપમાં વીરેન્દર સેહવાગ અને હરભજન સિંહ ચમક્યા હતા.
2008માં વિરાટ-જાડેજાની જોડીએ કમાલ કરી એના બે વર્ષ અગાઉ (2006)ના જુનિયર વિશ્વ કપમાં રોહિત શર્માએ ધમાકેદાર પર્ફોમ કર્યું હતું. તમે નહીં માનો, પણ એ જ વિશ્વ કપમાં ચેતેશ્વર પુજારાએ રોહિત શર્માથી પણ ઝડપથી (છ ઇનિંગ્સમાં 82.11ના સ્ટ્રાઇક-રેટથી) 349 રન બનાવ્યા હતા. એના બે વર્ષ પહેલાં (2004માં) શિખર ધવન સાત ઇનિંગ્સમાં 505 રન કરીને હાઇએસ્ટ રનકર્તા બન્યો હતો અને સુરેશ રૈના પણ એ જ વિશ્વ કપમાં ઝળક્યો હતો. 2016ના અન્ડર-19 વર્લ્ડ કપમાં રિષભ પંતે વિસ્ફોટક બૅટિંગની ઝલક આપી હતી.
આ બધા સ્ટાર-સુપરસ્ટારના ઉલ્લેખ અહીં કેમ કરવામાં આવ્યા એનું કારણ તમે સમજી જ ગયા હશો. ઝિમ્બાબ્વે અને નામિબિયામાં અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે અને એમાં પહેલા દિવસથી જ કેટલાક ભારતીયો ચમકી રહ્યા છે એટલે છાતી ઠોકીને કહી શકાય કે આ વિશ્વ કપ પણ દેશને ભાવિ સુપરસ્ટાર્સ આપશે.
લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી 27મી માર્ચે જિંદગીના 15 વર્ષ પૂરાં કરશે. તે લગભગ દોઢ વર્ષથી ક્રિકેટનાં મેદાનો ગજવી રહ્યો છે. આ વખતના વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમની કમાન મુંબઈનો જ ઓપનિંગ બૅટ્સમૅન આયુષ મ્હાત્રે સંભાળી રહ્યો છે. આ બે સિતારા તેમ જ વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રા તથા મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન આરૉન જ્યોર્જ તથા અમદાવાદના વેદાંત ત્રિવેદીને બાજુ પર રાખીએ તો તેમના ઉપરાંત વર્તમાન અન્ડર-19 ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેઓ ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની છઠ્ઠી ટ્રોફી અપાવી શકે છે અને એમાં હેનિલ પટેલ, ખિલન પટેલ, દીપેશ દેવેન્દ્રન અને અભિજ્ઞાન કુન્ડુના નામ અચૂક લેવા જોઈએ.
ભારતીય ટીમે આ વિશ્વ કપમાં બે કટ્ટર દેશોમાંથી પાકિસ્તાન સામે રમવાનો સમય ક્યારે આવશે એ નક્કી નથી, પરંતુ આજે (શનિવારે) બાંગ્લાદેશ સામે (બપોરે 1.00 વાગ્યાથી) ટક્કર છે જે જીતીને સુપર-સિક્સ રાઉન્ડ માટેનો દાવો મજબૂત કરી શકશે.
અમેરિકાની ટીમમાં બધા ભારતીય મૂળના ખેલાડીઓ
ગુરુવારે અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત સામે રમનાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ)ની ટીમમાં જે 11 ખેલાડી હતા એ તમામ ભારતીય મૂળના હતા. નવાઈની વાત એ છે કે અમેરિકાની ટીમમાં એક પણ ખેલાડી મૂળ અમેરિકાનો નહોતો. એનો કૅપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવનો જન્મ પુણેમાં થયો હતો અને નાનપણમાં અમેરિકામાં સ્થાયી થયા બાદ હવે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે.
અન્ડર-19 વર્લ્ડ કપ માટેની અમેરિકાની સ્ક્વૉડ: ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કૅપ્ટન), અમરિન્દર ગિલ, સાહિલ ગર્ગ, અર્જુન મહેશ (વિકેટકીપર), અદનિત ઝામ્બ, અમોઘ અરેપલ્લી, નીતીશ સુદિની, અદિત કપ્પા, સબરિશ પ્રસાદ, રિષભ સિમ્પી, રિત્વિક આપ્પિડી, અદવૈત ક્રિષ્ના, રેયાન તાજ, સાહિર ભાટિયા અને શિવ શની.
પાવરફુલ પટેલ, દમદાર દેવેન્દ્રન, કમાલનો કુન્ડુ
ગુરુવારે ઝિમ્બાબ્વેના બુલવૅયોમાં અમેરિકા સામેની અન્ડર-19 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં મૂળ ઉત્તર ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર ખિલન પટેલને એક વિકેટ મળી હતી. તેણે અમેરિકા વતી સૌથી વધુ 36 રન કરનાર નીતીશ સુદિનીનો કૅચ પણ ઝીલ્યો હતો. જોકે આ પટેલથી વધુ ઝમકદાર પર્ફોર્મન્સ વલસાડના પેસ બોલર હેનિલ પટેલનો હતો. સાઉથ આફ્રિકાના પેસ-લેજન્ડ ડેલ સ્ટેનના ડાઇ-હાર્ડ ફૅન હેનિલ પટેલે ફક્ત 16 રનમાં અમેરિકાના પાંચ બૅટ્સમેનને પૅવિલિયન ભેગા કર્યા હતા. હેનિલ ઘણા મહિનાઓથી સુંદર પર્ફોર્મન્સ બદલ ચર્ચામાં છે.
પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન અને યુએઇ સામે ઢગલાબંધ વિકેટો લીધા બાદ હવે પોતાના આખરી જુનિયર વર્લ્ડ કપમાં હેનિલ પહેલા જ દિવસથી ચમકી રહ્યો છે. ગુરુવારે યુએસએની ટીમને માત્ર 107 રનમાં તંબૂ ભેગી કરાવવા બદલ તેણે (પાંચ વિકેટના તરખાટ બદલ) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. સતતપણે અસરકારક બોલિંગ કરવી એ તેની સૌથી મોટી ખાસિયત છે. ખિલન પટેલ પણ ઊણો ઊતરે એવો નથી. હેનિલની માફક તેણે પણ છેલ્લા ત્રણ મહિના દરમ્યાન ઘણા દેશો સામે વિકેટો લેવામાં સફળતા મેળવી છે.
પટેલ-પ્લેયર્સ પછી હવે જો વર્તમાન ટીમમાં કોઈના વિશે ચર્ચા કરવી હોય તો એ છે પેસ બોલર દીપેશ દેવેન્દ્રન. ભૂતપૂર્વ ક્રિકેટર વાસુદેવન દેવેન્દ્રનનો પુત્ર દીપેશ રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર છે. છેલ્લી 10 મૅચમાં તે કુલ 21 વિકેટ લઈ ચૂક્યો છે. જુનિયર ક્રિકેટમાં સૌથી સારો કહી શકાય એવો તેનો પર્ફોર્મન્સ રહ્યો છે. ડિસેમ્બર, 2025માં દુબઈમાં પાકિસ્તાન સામેની મૅચમાં દીપેશે 16 રનમાં ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. મલયેશિયા સામેની મૅચમાં પાંચ વિકેટ અને સ્કૉટલૅન્ડ સામે ત્રણ વિકેટ તેના આ 10 મૅચમાં બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યા છે.
દીપેશને તેના પિતા વાસુદેવને જ તાલીમ આપી છે. દીપેશની ગણના જુનિયર ક્રિકેટમાં ભારતના સૌથી રોમાંચક પર્ફોર્મન્સ બતાવતા ટૅલન્ટેડ યુવા પેસ બોલર તરીકે થઈ રહી છે. ગુરુવારે અમેરિકા સામેની પહેલી મૅચમાં ભારતને પરાજયથી વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુએ જ બચાવ્યા હતા. ફક્ત 108 રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલી ભારતીય ટીમે 70 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પણ એ વખતે કુન્ડુ તારણહાર બન્યો હતો. તેણે એક છેડો સાચવી રાખ્યો હતો અને અણનમ 42 રન કરીને ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધી હતી. ઉપ-સુકાની વિહાન મલ્હોત્રા અને કનિષ્ક ચૌહાણ સાથેની તેની ભાગીદારી અમેરિકાને નડી હતી.
આ પણ વાંચો…વલસાડનો હેનિલ પટેલ કયા વિદેશી ખેલાડીનો ડાઇ-હાર્ડ ફૅન છે?



