વીક એન્ડસ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપ નજીક આવી ગયો, ભારતનો પહેલો મુકાબલો અમેરિકા સામે!

સ્પોર્ટ્સમૅનઃ અજય મોતીવાલા

2024ની પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપની સૌપ્રથમ મૅચમાં મોનાંક પટેલના નેતૃત્વમાં અમેરિકાએ કૅનેડાને હરાવીને વિજય સાથે ખાતું ખોલાવ્યું હતું. પાંચ દિવસ પછી અમેરિકાએ પાકિસ્તાનને ટાઇ પછીની સુપર ઓવરમાં પરાસ્ત કરીને સનસનાટી મચાવી દીધી હતી. અમેરિકાની ટીમ ત્યારે સુપર-એઇટ રાઉન્ડમાં પણ પહોંચી હતી, પરંતુ ત્યાર બાદ એના વળતા પાણી હતા. આ વખતે (સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા ટી-20 વિશ્વ કપમાં) અમેરિકાનો પ્રથમ મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સામે થવાનો છે એટલે અમેરિકા માટે સિનારિયો સાવ અલગ છે.

શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ સાંજે સાત વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકાની ટીમ ભારત સામેના જંગ માટે મેદાન પર ઊતરશે ત્યાર બાદ એને જે અનુભવ થશે એને એના ખેલાડીઓ જિંદગીભર યાદ રાખશે, કારણકે તેમણે એવા ખેલાડીઓ સામે રમવું પડશે જેમાંના બે પ્લેયર વર્લ્ડ નંબર-વન છે. ખુદ ભારતીય ટીમ તો ટી-20માં નંબર-વન છે જ, અભિષેક શર્મા બૅટિંગમાં અને વરુણ ચક્રવર્તી બોલિંગમાં અવ્વલ ક્રમે છે.

સૌથી પહેલાં આપણે અમેરિકાના ક્રિકેટ-ઇતિહાસ વિશે ટૂંકમાં જાણી લઈએ. તમને યાદ હશે કે બ્રિટિશરોએ ઉત્તર અમેરિકામાં પણ રાજ કર્યું હતું. 18મી સદીમાં (1709ની સાલમાં) અમેરિકામાં ક્રિકેટ રમાતી હતી. 1838માં સ્થપાયેલી સેન્ટ જ્યોર્જિસ ક્રિકેટ ક્લબના મેદાન પર અગિયાર-અગિયાર ખેલાડીઓના ફૉર્મેટ પર ક્રિકેટ મૅચો રમાતી થઈ ત્યારથી યુએસએ (યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા)માં ક્રિકેટની લોકપ્રિયતા વધતી ગઈ હતી.

અનેક ક્રિકેટ ક્લબોમાં હજારો ખેલાડીઓ રજિસ્ટર થવા લાગ્યા અને વધુને વધુ ક્રિકેટ મૅચો રમાતી ગઈ હતી, પરંતુ બેઝબૉલની પૉપ્યુલારિટીને પગલે ક્રિકેટ થોડી બૅકફૂટ પર ગઈ હતી. જોકે 2024માં વેસ્ટ ઇન્ડિઝ સાથેના સહયોગમાં અમેરિકામાં મેન્સ ટી-20 વર્લ્ડ કપ રમાયો ત્યારથી અમેરિકામાં ક્રિકેટની રમતનો ફેલાવો ઘણો વધી ગયો છે.

હવે તો મેન્સ ઉપરાંત વિમેન્સ ટીમની મૅચો પણ રમાય છે. માઇનર ક્રિકેટ લીગ અને મેજર ક્રિકેટ લીગ આ દેશની બે મોટી નૅશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. 2019માં અમેરિકાને આઇસીસી તરફથી અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્રનો દરજ્જો મળ્યો હતો.

અમેરિકાના પુરુષ ક્રિકેટરો નાના-મોટા દેશો સામે 2004થી અત્યાર સુધીમાં કુલ 75 વન-ડે રમી ચૂક્યા છે જેમાંથી 40 જીત્યા છે, 32 હાર્યા છે અને ત્રણ મૅચ ટાઇ થઈ છે. ટી-20માં પણ અમેરિકાની મોટી હાજરી છે. સાત વર્ષમાં અમેરિકાના ખેલાડીઓ 54 ટી-20 રમી ચૂક્યા છે જેમાંથી 29 જીત્યા છે અને 20 હાર્યા છે, જ્યારે બે મૅચ અનિર્ણીત રહેવા ઉપરાંત તેમની ત્રણ મૅચ ટાઇમાં પરિણમી છે.

અમેરિકાની ક્રિકેટમાં ભારતીયોનું બહુ મોટું યોગદાન રહ્યું છે. કૅપ્ટન મોનાંક પટેલના કુલ 2,288 રન વન-ડે રમી ચૂકેલા તમામ અમેરિકી ખેલાડીઓમાં હાઇએસ્ટ છે, જ્યારે બોલિંગમાં ભારતીય મૂળના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકરની 108 વિકેટ તમામ અમેરિકી બોલર્સમાં સૌથી વધુ છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં પણ મોનાંક અને નેત્રાવલકર અમેરિકી ખેલાડીઓમાં અનુક્રમે 920 રન તથા 40 વિકેટ સાથે પ્રથમ ક્રમે છે.

અમેરિકાએ બાંગ્લાદેશને બે અને પાકિસ્તાન તથા આયરલૅન્ડને એક-એક ટી-20માં હરાવીને પોતાની તાકાત બતાવી છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રૉબિન સિંહ તેમ જ ઑસ્ટે્રલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન સ્ટુઅર્ટ લૉ અમેરિકાના ખેલાડીઓને કોચિંગ આપી ચૂક્યા છે.

ભારતના ગ્રૂપ-એમાં પાકિસ્તાન, નામિબિયા અને નેધરલૅન્ડ્સ પણ છે. પાકિસ્તાન સામે ભારતની ટક્કર 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં થશે અને સમગ્ર ક્રિકેટજગતની નજર એ મૅચ પર જ રહેશે.

સ્પિનરમાંથી સ્વિંગ બોલર બનેલા ઉર્મિકાન્ત મોદીના ક્રિકેટ-કૌશલ્યનો લાભ ભારતીય ક્રિકેટ કરતાં અમેરિકાને વધુ મળ્યો

વર્તમાન યુવા પેઢીના ક્રિકેટપ્રેમીઓ વૈષ્ણવ સમાજના ઉર્મિકાન્ત પ્રભુદાસ મોદીના નામથી કદાચ બહુ પરિચિત નહીં હોય, પણ 1965થી 1976 દરમ્યાન ભારતમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર તેમના સમયમાં ભારતીય ક્રિકેટમાં ખૂબ પ્રચલિત હતા. ખરું કહીએ તો ભારતીય ક્રિકેટ કરતાં અમેરિકાની ક્રિકેટને ઉર્મિકાન્તભાઈનો વધુ લાભ મળ્યો છે. તેઓ અમેરિકામાં ઘણું ક્રિકેટ રમ્યા જ હતા, ત્યાંની ઊગતી પેઢીના ખેલાડીઓને ઘણું કોચિંગ તથા માર્ગદર્શન પણ આપી ચૂક્યા છે અને 82 વર્ષની ઉંમરે હજી સુધી આપી રહ્યા છે.

આગામી સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપના પ્રસંગે જણાવવાનું કે અમેરિકાની વર્તમાન ક્રિકેટમાં કૅપ્ટન મોનાંક પટેલ તેમ જ નિસર્ગ પટેલ સહિત ઘણા ગુજરાતી તેમ જ સૌરભ નેત્રાવલકર સહિતના ભારતીય મૂળના ખેલાડીઓનું બહુ મોટું યોગદાન છે ત્યારે ખાસ ઉલ્લેખ કરવાનો કે ઉર્મિકાન્ત મોદી અમેરિકા વતી રમી ચૂકેલા સૌપ્રથમ ગુજરાતી ખેલાડી છે. અમેરિકા સામેના આગામી ટી-20 મુકાબલા પહેલાં ઉર્મિકાન્તભાઈના અનેરા યોગદાનની વાત ન કરીએ તો આ લેખ અધૂરો કહેવાય.

અમેરિકા ફરી એક વાર ટી-20 વર્લ્ડ કપમાં રમવાનું છે એ નિમિત્તે બીજું ખાસ એ જણાવવાનું કે 1986માં અમેરિકાની ટીમ 1987ના વન-ડે વર્લ્ડ કપ માટે જે ક્વૉલિફાઇંગ મૅચો રમ્યું હતું એ ટીમમાં ઉર્મિકાન્ત મોદી સામેલ હતા અને ત્યારે એ રાઉન્ડમાં તેમની 19 વિકેટ તમામ બોલર્સમાં સર્વશ્રેષ્ઠ હતી. અમેરિકા વિશ્વ કપ માટે ક્વૉલિફાય નહોતું થઈ શક્યું એ કમનસીબ કહેવાય, પરંતુ ઉર્મિકાન્તભાઈના પર્ફોર્મન્સની સર્વત્ર વાહ-વાહ થઈ હતી.

બોલિંગમાં આક્રમક શૈલીવાળા ઉર્મિકાન્ત મોદી ફીલ્ડિંગમાં પણ ખૂબ ચપળ હતા. તેઓ રણજી ટ્રોફીમાં મુંબઈ, સૌરાષ્ટ્ર તેમ જ તમિળનાડુ વતી રમ્યા હતા. તેમણે 10 મૅચમાં 23.34ની સરેરાશે 29 વિકેટ લીધી હતી અને 129 રન પણ બનાવ્યા હતા તથા 10 કૅચ ઝીલ્યા હતા. એ 10 મૅચમાં 40 રનમાં ચાર વિકેટ તેમનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ હતો.
1960ના દાયકામાં એક આંતર-કૉલેજ મૅચમાં પહેલા ત્રણ બૉલમાં ત્રણ વિકેટની હૅટ-ટ્રિક લેનાર ઉર્મિકાન્તભાઈ એ સમયે મુંબઈના બેસ્ટ બોલર્સમાં ગણાતા હતા. સ્વિંગ-સ્પેશ્યાલિસ્ટ ઉર્મિકાન્તભાઈ એ સમયે સુનીલ ગાવસકર, ફરોખ એન્જિનિયર, અજિત વાડેકર વગેરે મુંબઈના ટોચના ખેલાડીઓ સાથે પ્રથમ કક્ષાની મૅચો રમ્યા હતા. ઉર્મિકાન્તભાઈ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરના સૌથી ફેવરિટ ભારતીય ફાસ્ટ બોલર હતા.

એક વાર ગાવસકરે પ્રૅક્ટિસ-સેશનમાં વી. એસ. પાટીલ સાથે ઉર્મિકાન્તભાઈને બોલાવ્યા હતા અને એક જ ઓવરમાં ઉર્મિકાન્તભાઈની ફાસ્ટ બોલિંગે તેમના પર એટલો બધો પ્રભાવ પાડ્યો હતો કે વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર ફાસ્ટ બોલર્સનો સફળતાથી સામનો કરનાર ખુદ ગાવસકરે ત્યારે પ્રૅક્ટિસ ટૂંકાવી નાખી હતી અને ઉર્મિકાન્તભાઈના સ્વિંગ તથા ઝડપી બોલિંગના ભરપેટ વખાણ કર્યા હતા. સ્પિનરમાંથી ફાસ્ટ બોલર બનેલા ઉર્મિકાન્તભાઈની ફાસ્ટ બોલિંગનો અનુભવ દિલીપ વેન્ગસરકરે પણ કર્યો હતો.

`વૅસેલિન’ કાંડ માટે જાણીતા ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જૉન લીવર સામે વેન્ગસરકર ચાર વખત વિકેટ ગુમાવી ચૂક્યા હતા, પરંતુ એક ટેસ્ટ-દાવમાં સેન્ચુરી કર્યા પછી વેન્ગસરકરે લીવરના બૉલમાં જે રીતે વિકેટ ગુમાવી ત્યારે ઉર્મિકાન્તભાઈએ ફોન પરની એક વાતચીતમાં વેન્ગસરકર વિશે મિત્રતાના ભાવે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઉર્મિકાન્તભાઈનું એમાં એવું કહેવું હતું કે તેમના (ઉર્મિકાન્તભાઈ) જેવા કાબેલ ફાસ્ટ બોલરની બોલિંગમાં ઘણી પ્રૅક્ટિસ કર્યા પછી પણ વેન્ગસરકર કેમ લીવરના બૉલમાં વિકેટ ગુમાવી બેઠા?

મુંબઇના ક્રિકેટ વર્તુળમાં ઉર્મિકાન્ત મોદીએ અવ્વલ નંબરના સ્વિંગ બોલર તરીકે નામના મેળવી હતી. તેમણે મુંબઇ વિદ્યાપીઠને લાગલગાટ બે વખત ચેમ્પિયશિપ અપાવી હતી. મુંબઇ ક્રિકેટમાં છવાઇ ગયા છતાં બળુકી મુંબઇ રણજી ટીમમાં વધુ તક ન મળતા વિનુ માંકડે ઉર્મિકાન્તને સૌરાષ્ટ્ર વતી રમવા કહ્યું હતું ને તેમણે સૌરાષ્ટ્ર માટે 1965-66 અને 1967-68 બે વર્ષ રમ્યા હતા અને ત્યાર બાદ સંજોગ અનુસાર એ વખતના મદ્રાસમાં સ્થાઇ થતા એક વર્ષ 1968-69 રણજી ટ્રોફી પ્રથમ કક્ષાની ક્રિકેટ રમ્યા હતા.

1968-69 ફ્રેન્ક ટાયસન ઇંગ્લેન્ડના 50ના દાયકાના અતિ ઝડપી બોલર હતા. તેઓ ઓસ્ટે્રલિયામાં કોચિંગ કરાવતા હતા અને એમણે મદ્રાસ (હવે ચેન્નાઇ)ના ક્રિકેટ કેમ્પમાંથી ઉર્મિકાન્તને સર્વશ્રેષ્ઠ `ન્યુબૉલ બોલર’ તરીકે જાહેર કર્યા હતા. કેલિફોર્નિયામાં કલબ ક્રિકેટ રમનાર ઉર્મિકાન્ત મોદી 1982માં પણ અમેરિકાની ટીમ માટે પસંદગી પામ્યા, પણ ઇજાગ્રસ્ત હોવાથી રમી નહોતા શક્યા. જોકે અમેરિકાની યુવા પેઢીને ઉર્મિકાન્તભાઈનું માર્ગદર્શન હજી આજે પણ મળી રહ્યું છે.
યશવંત ચાડ

આ પણ વાંચો…અન્ડર-19 વર્લ્ડ કપ આવ્યો, જુનિયર ટૅલન્ટનો ખજાનો લાવ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button