ભાત ભાત કે લોગઃ ગાંધીજી બે દિવસ વધુ જીવ્યા હોત તો નોબેલ પ્રાઈઝ મળી જાત?

જ્વલંત નાયક
ચાલો, એક ઘાત ગઈ… ગત સપ્તાહે નોબેલ પ્રાઈઝની ઘોષણા થઇ ગઈ. આ પારિતોષક મેળવવા છેલ્લાં થોડા સમયથી અમેરિકી રાષ્ટ્રપતિશ્રી છેલ્લી કક્ષાના કેવાં હવાતિયાં મારી રહ્યા હતા એ સૌ જાણે છે… અને અંતે એમને ન મળ્યું. સાં થયું. બાકી સાત-સાત યુદ્ધો અટકાવ્યાં હોવાનો એમનો દાવો કેટલો પોકળ છે એ જગજાહેર વાત છે. સાવ છેલ્લી ઘડીએ ગાઝામાં શાંતિ સ્થાપી દેવાના પ્રયાસો પણ થયા.
સંજોગો જોતા મધ્ય-પૂર્વમાં આટલી આસાનીથી શાંતિ સ્થપાય એ શક્ય નથી. હમણાં ભલે હમાસ શરણે આવેલું જણાય પણ અધૂરે મહિને થયેલી કસુવાવડ જેવા આ યુદ્ધવિરામોની અવળી અસરરૂપે ભવિષ્યમાં મધ્ય-પૂર્વ કે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ ઓર વકરે એવી ભીતિ પણ છે. વાયકા મુજબ આ બધું જો ખરેખર ટ્રમ્પની નોબેલ પ્રાઈઝ ઘેલછા પૂરી કરવાના આશયથી થયું હશે તો ઇતિહાસ એની બહુ ગંભીર નોંધ લેવાનો છે.
મુદ્દાની વાત એ છે કે ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા એના થોડા જ સમયમાં નોબેલ માટેના નોમિનેશન્સની આખરી તારીખ વીતી ગયેલી તો પછી આ વર્ષના નોબેલ પ્રાઈઝ માટે ટ્રમ્પનું નામ આવ્યું કઈ રીતે? શું અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના પદના પ્રભાવનો દુપયોગ કરીને યેન કેન પ્રકારેણ પ્રાઈઝ મેળવવાના પ્રયત્નોમાં હતા?
નોબેલ કમિટીની મથરાવટી આમેય મેલી છે. એમાંય અમેરિકન પ્રેસિડેન્ટ સરીખા પ્રભાવશાળી રાજકારણીઓ સંકળાયેલા હોય તો પૂછવું જ શું? આ અગાઉ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ નોબેલનો વિવાદ જોડાયેલો છે.
ઓબામાએ 2009થી 2017 સુધી સતત બે ટર્મ રાષ્ટ્રપતિપદ ભોગવ્યું. જો આઠ-નવ વર્ષના કાર્યકાળને ધ્યાનમાં રાખીને 2017 પછી ઓબામાને નોબેલ અપાયો હોત તો કદાચ ઝાઝો વિવાદ ન થાત, પણ ઓબામાને તો પ્રમુખપદે બેઠાના નવ જ મહિનામાં નોબેલ પ્રાઈઝ આપી દેવાયું! આટલા ટૂંકા ગાળામાં બરાક મહાશયે એવી તે કઈ સિદ્ધિ મેળવી લીધેલી?
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સહયોગને મજબૂત બનાવવાના ઓબામાના અસાધારણ પ્રયાસો બદલ આ પ્રાઈઝ એમને ફાળે ગયું, એવું કારણ આપવામાં આવ્યું. સ્વાભાવિકપણે જ એ વર્ષે નોબેલ પ્રાઈઝ પોલિટિકલી મોટીવેટેડ હોવાની ભયંકર ટીકાઓ વરસી. ખૂબીની વાત તો એ હતી કે પોતાને નોબેલ પ્રાઈઝ મળવા બાબતે ખુદ ઓબામાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
નોબેલ માટેના નોમિનેશન્સની તારીખ નક્કી જ હોય છે. એ મુજબ તો ઓબામાએ રાષ્ટ્રપતિપદના શપથ લીધા એના બાર જ દિવસમાં નોબેલ માટે એમનું નોમિનેશન થઇ ગયેલું!
આશ્ચર્ય જ્યારે હદબહાર વધી જાય ત્યારે એ આઘાતમાં પરિણમે. ઓબામાને મળેલ નોબેલ પ્રાઈઝને આવો જ એક આંતરરાષ્ટ્રીય આઘાત ગણવો પડે એવી સ્થિતિ હતી. અહીં ઓબામાએ રાષ્ટ્રપતિ તરીકે કરેલા કાર્યોને અવગણવાનો કે ઉતારી પાડવાનો સહેજે આશય નથી, પણ એ બધા કામ કરતા પહેલા જ આવું ખ્યાતનામ પ્રાઈઝ અમેરિકન પ્રેસિડેન્ટની ખુરસીને ચરણે ધરી દેવામાં આવ્યું એ આશ્ચર્યજનક આઘાત છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ પત્ની માટે આઠસો વખત ડૂબકી… આ બુઢ્ઢો પ્રેમી ગણાય કે પાગલ?
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આપણે મહાત્મા ગાંધી અને નોબેલ પ્રાઈઝનો ઘટનાક્રમ ક્યારેય નથી ભૂલી શકતા. ગાંધીના કાર્યકારી વર્ષો દરમિયાન એમના જેવી પ્રજાભિમુખ છબી ભાગ્યે જ બીજા કોઈ વિશ્વનેતાની હતી. એ સમયે એમને ભારતમાં અને ભારતની બહાર સુધ્ધાં જે સમર્થન મળતું હતું એનો ઇનકાર તો એના પ્રખર ટીકાકાર પણ ન કરી શકે.
1937 થી 1948 વચ્ચે મહાત્મા ગાંધીને પાંચ-પાંચ વખત નોબેલ માટે નોમિનેશન્સ મળ્યા. એમાંય 1937, 1938 અને 1939માં તો સતત ત્રણ વર્ષ નોમિનેશન મળ્યું. એ પછી 1947 અને 1948, એમ સતત બે વર્ષ નોમિનેશન મળ્યું. પણ નોબેલ કમિટીને એક્કેય વાર ગાંધીના નામ પર મત્તું મારવાની ઈચ્છા ન થઇ.
તમે વિશ્વનો નકશો જોશો તો સમજાશે કે બ્રિટન અને નોર્વે વચ્ચે સમુદ્રનો નાનો અમથો વિસ્તાર છે. એ સિવાય આ બંને યુરોપિયન દેશો પડોશી જ ગણાય. વળી એ સમયે નોર્વે અને બ્રિટન વચ્ચે સારા સંબંધો હતા. આજેય છે. એવા સંજોગોમાં નોર્વેમાં બેઠેલી નોબેલ પ્રાઈઝ કમિટી દૂરના એશિયાઈ દેશ ભારતમાં બ્રિટીશ શાસન સામે લડત ચલાવી રહેલ વ્યક્તિને નોબેલ શું કામ આપે? સત્ય અને અહિંસાના ગુણગાન ગાવામાં બળુકા પડોશી દેશની ખફગી વહોરી લેવામાં કશું શાણપણ નથી.
એવું ય કહેવાય છે કે નોબેલ કમિટીની શાંતિની વ્યાખ્યા મુજબ બે દેશ વચ્ચે યુદ્ધ અટકાવે એને જ શાંતિ સ્થાપી કહેવાય. જ્યારે ગાંધીજીનું ધ્યેય ઘરઆંગણે અહિંસક પ્રતિકાર દ્વારા સ્વતંત્રતા મેળવવાનું હતું. સાથે જ ગાંધીજીને અભિપ્રેત એવો સામાજિક ન્યાયનો મુદ્દો એ સમયની નોબેલ કમિટીને મન બહુ મહત્ત્વનો નહોતો.
1948માં મહાત્મા ગાંધીનું નામ નોબેલ પ્રાઈઝ માટે શોર્ટ લિસ્ટ થયેલું. ભારત તાજું તાજું આઝાદ થયેલું અને ગાંધી માત્ર એશિયાના જ નહિં, પણ સમગ્ર વિશ્વના પ્રભાવશાળી છતાં અહિંસામાં માનનારા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
એમને એ વર્ષે નોબેલ પ્રાઈઝ મળવાનું લગભગ નક્કી જ હતું એવું આજેય ઘણા માને છે. એ વર્ષે ગાંધીજીને નોમિનેટ કરતા પત્રો પૂરતી સંખ્યામાં કમિટીને મળેલા. બીજા કોઈ દાવેદારને આટલું મજબૂત સમર્થન મળ્યું નહોતું, પણ વિધાતાના લેખ કંઈક જુદા જ લખાયેલા. થયું એવું કે નોમિનેશન્સ ક્લોઝ થવાના બે દિવસ પહેલા જ 30 જાન્યુઆરી, 1948ના દિવસે જ ગાંધીજીની હત્યા થઇ ગઈ!
એ પછી નોબેલ કમિટીએ ફેરવી તોળ્યું. કમિટીએ આપેલ કારણ મુજબ નોબેલ પ્રાઈઝ કોઈ મૃત વ્યક્તિને આપી શકાય નહિ. જો નોમિનેશન્સ ક્લોઝ થયા બાદ દાવેદારનું મૃત્યુ થાય તો વાત જુદી છે, પણ ગાંધીજીની વિદાય એ પહેલા જ થઇ ગઈ. જોકે, નોબેલ કમિટીનું આ કારણ ભારતીયોને ગળે ઉતરતું નથી.
નોબેલ પ્રાઈઝ મરણોત્તર લોકોને નથી અપાતું એ વાત સાચી, પણ એવો કાયદો તો પાછળથી ઠેઠ 1974માં બન્યો. જો કે 1974 પહેલા પણ નોબેલ પ્રાઈઝ જીવિત વ્યક્તિઓને જ અપાયા છે એ ય સાચું. બીજી તરફ ગાંધીજી પહેલા 1931માં તેમજ ગાંધીજી પછી 1961માં મરણોત્તર નોબેલ પ્રાઈઝ અપાયેલ હોવાના અપવાદો છે જ. ગાંધીજીના કેસને પણ અપવાદરૂપ ગણી શકાયો હોત, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે નોર્વેમાં બેઠેલી નોબેલ કમિટીની નજર ઠેઠ 1960 સુધી યુરોપ-અમેરિકાથી આગળનું કશું ભાગ્યે જ જોતી હતી! હા, રવીન્દ્રનાથ ટાગોર એમાં અપવાદરૂપ ખરા.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ `કડકે કડકે… પણ નવાબ કે લડકે’ જેવી હાલતમાં પીસાતી મહાસત્તા…