વીક એન્ડ

બીએસએફની ‘લેસી’ સગર્ભા થઇ તો કયુ આસમાન તૂટી પડવાનું છે?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

માતા બનવું એ દરેક માદા-નારીનો મહિલાકીય અધિકાર છે. જનોઇ ધારણ કરવાથી જનોઇ ધારણ કરનારનો બીજો જન્મ થાય છે. એટલે જનોઇ ધારણ કરનારને દ્વિજ કહેવાનાં આવે છે તેમ એક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાથી દ્વિજા બંને છે. માતૃત્વ માદાને પરિપૂર્ણ બનાવે છે. સ્ત્રીને ગર્ભ ધારણ કર્યાની અનુભૂતિ સાતમા આસમાને પહોંચાડે છે. આ સમાચાર અન્યને કહેવા બેતાબ બને છે.આ સુવાવડ-સારા સમાચાર શબ્દોથી અભિવ્યકત કરવાના બદલે કોઇની સામે ખાટી વસ્તુ ખાઇને સામેની વ્યક્તિનું સંપૂર્ણ ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્નશીલ રહે છે. જ્યારે કોઇ પૃચ્છા કરે ત્યારે તેના પ્રતિભાઓમાં શરદપૂનમના ચંદ્ર જેવી મુખકમળ પર હાથરૂપી વાદળો મુકીને શરીરના અણુએ અણુમાંથી પ્યોર હેપીનેસ ઝંકૃત કરી હસતા હસતા શરમાતા મસ્તિક હકારમાં ઝુકાવી હરિણીની ગતિએ ત્યાંથી નાસી છૂટે છે. આ વર્ણનમાત્રથી તેના દિલને શાતા, ટાઢક કે અવર્ણનીય ખુશી મળતી હોય તો તે અનુભવમાંથી પસાર થનાર માનુનીના ઉર ઉદધિમાં ઉમંગ અને ઉત્સાહના મોજા ઉછળતા હશે તે કલ્પનાનો વિષય છે. મહીં પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને. માતૃત્વનો મારગ છે વિરાંગનાનો કાયરનું ન કામ જોને !!જો કે, હવે પ્રેગાની સ્ટ્રિપથી પ્રેગનન્સી ક્ધફર્મ કરે છે!! સ્ત્રી સગર્ભા હોય તો તેને બેજીવસોતી,પેટથી છે, સગર્ભા અને ભારેપગે, ઠૈયો બંધાયો છે એવું કહેવાય છે. અલબત, હાથીપગાનો રોગ હોય તેનો પણ પગ ભારેખમ થાય છે પરંતુ, તેને ભારેપગે ન કહેવાય બોસ!! આ સદભાગ્ય કમનસીબે પુરુષોને પ્રાપ્ત થતું નથી. અલબત, વરસો પહેલાં થોમસ બેટી નામના તથાકથિત પુરૂષે આવો દાવો કરેલો! જો કે, પછીથી તેના દાવામાં રેતી વધારે અને સિમેન્ટ ઓછી નીકળેલી.( કર્ટસી સ્વ. અબ્દુલ રહેમાન અંતુલે તત્કાલીન મુખ્યમંત્રી મહારાષ્ટ્ર!!) આ સમયમાં પસાર થનારને
જાતજાતની તિલસ્મી ઇચ્છાઓ થાય છે, તરંગો લહેરાય છે. જેને, દોહદ કહેવાય છે. જોકે દોહદ અને દાહોદ વચ્ચે વ્યસ્ત કે કોઇ સહસંબંધ નથી એવી સ્પષ્ટતા અસ્થાને નહીં પણ સસ્થાને લેખાશે !
નાનકડા ગામ કે શહેરમાં અફવા મિસાઇલ કે બુલેટ ટ્રેન ઝડપે ફેલાય છે. ફલાણી કે ઢીંકણાની વહુ પેટે છે એટલે તબિયતની કાળજી લેવા, બહુ પરિશ્રમ ન કરવા, પૌષ્ટિક ભોજન લેવા, કૂદાકૂદ ન કરવા, ક્લેશ ન કરવા, મન પ્રસન્ન રાખવા, ફળફળાદિ લેવા, પગે સોજા પડે તો પલંગની પાંગતે ઓશીકા રાખવા ચાલવા , ફોલિક એસિડની ગોળીઓ લેવા, ગાયનેકોલોજીસ્ટને સમયાંતરે બતાવવા વગેરે પ્રેમભરી સલાહ વર્ષા
થાય છે.

સ્ત્રીઓ મહદઅંશે સગર્ભા હોવાના ઢોલ, નગારા, ત્રાંસા, નગારા, ડ્રમ, બોંગો પર ડાંડી પીટતી નથી, પરંતુ ફિલ્મ અભિનેત્રી, મોડેલ જાણે મીર માર્યો હોય કે અશ્ર્વમેધ યજ્ઞ કર્યો હોય ત્યાં બેબી બમ્પની તસ્વીરો પોસ્ટ કરવા માંડે છે. બેબી બમ્પ એટલે પેટનો કે પૂંઠનો સગર્ભાવસ્થાનો ઉપસેલો ભાગ દર્શાવતી તસ્વીરો રિલીઝ કરે છે. બેન કયો મોરલો કે કાગડો કળા કરી ગયો છે તેનો શા માટે ઢંઢેરો પીટે છે? ડીએનએ ટેસ્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે!!જગતમાં ઇવ પછી માનો કે પહેલી સ્ત્રી છે કે જે વંદેમાતૃત્વ એકસપ્રેસ ચલાવવાની હોય તેવા તાયફા કરે છે!( આ ઘટનામાં મારો કોઇ હાથ કે પગ નથી.એટલે મારા પર વહેમ રાખવો નહીં કે ડોળા કાઢવા નહીં. હું ઘરના કામમાં પહોંચી શકતો નથી તો બહારના ઓર્ડર પર કયાં ધ્યાન આપું? અમારા રાજુ રદીનો કોઇ ભરોસો નહીં!)
સીમંત એ સોળ સંસ્કાર પૈકીનો સંસ્કાર છે. જેને ગોદ ભરાઇ, ખોળો ભરવો, બેબી શાવર જેવા નામે ઓળખવામાં આવે છે. કોઇ ધીમા પગલે ચાલતો હોય તો તેને અઘરણીના ડગલા ભરતો હોય તેવો ઉપાલંભ આપવામાં આવે છે!પિતાજીનું બારમું અને સ્ત્રીના જીવનમાં સીમંતનો પ્રસંગ એકવાર આવે છે. લગ્ને લગ્ને કુંવારી એલિઝાબેથ ટેલરની ભારતીય આવૃત્તિ સમાન બહેનો જેટલી વાર લગ્ન કરે તેટલી વાર સીમંત પ્રસંગ ઉજવે છે!

આ અવસ્થામાં ગર્ભસ્થ શિશુમાં સંસ્કાર સિંચન માટે રામાયણ, મહાભારતની કથા સગર્ભા સ્ત્રી પેટમાં રહેલા બચ્ચાંને સંભળાવે છે, જેના કાનનો પણ આકારનો નિશ્ર્ચિત થયો હોતો નથી!છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજા બાઇએ ગર્ભાવસ્થાથી સંસ્કારોનું સિંચન કરેલ. સુભદ્રા સગર્ભા હતા ત્યારે સાત કોઠાની વિેંધવાની વાત કરતા હતા. સુભદ્રાને ઝોકું આવી ગયું. ગર્ભમાં રહેલા અભિમન્યુ-રાક્ષસે હોંકારો ભણ્યો. ભગવાન કૃષ્ણ ચોંકી ગયેલા અને દૂરદર્શનની જેમ રૂકાવટ કે લીએ ખેદ હૈની માફક સાતમો કોઠો ભેદવાની વિદ્યા સમજાવી નહીં !!
હમણા બોર્ડર સિકયોર્ટી ફોર્સે શિસ્તભંગ બદલ ઇન્કવાયરી ઓફ કોર્ટનો આદેશ કરેલ. અલબત, કોઇ મેજર,કર્નલ, બ્રિગેડીયર,સુબેદાર, નાયક કે લાન્સનાયક સામે નહીં. તમારા મનમાં સવાલ થાય કે કોના સામે? અરે, દિલ થામકે બેઠ્યે હજૂર ઔર ખાઇયે ખજૂર. હું જવાબ આપીશ તો દસ રિચર સ્કેલનો ધરતીકંપ આવી જશે!! બીએસએફે એક સ્નીફર ડોગ સામે ઇન્કવાયરી ઓફ કોર્ટનો આદેશ કર્યો. માનો કીડી પર કોશનો ડામ.

પોલીસ, સૈન્ય, અર્ધ સૈનિક દળોમાં વિશિષ્ટ કામગીરીને અંજામ આપવા અને હ્યુમન કેઝયુલ્ટી નિવારવા શેફર્ડ, સ્નિફર,લાબ્રાડોર, આલ્સેશિયન જેવા ઊંચી નસલના શ્ર્વાનની ભરતી કરવામાં આવે છે. બેકાયદા તેમની સેલરી પણ મંજૂર કરવામાં આવે છે. તેમને રહેવા માટે ડોગ કેનાલ બનાવવામાં આવે છે. તેમની નોકરીના વરસો પણ નક્કી કરવામાં આવે છે. તેમને પેન્શન પણ આપવામાં આવે છે. શ્ર્વાનોએ શ્ર્વાન શિસ્ત નિયમોનું પાલન કરવાનું કરવાનું રહે છે. જેમાં માદા કે નર શ્ર્વાનોએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય? રામ રહીમ, નિત્યાનંદ કે આશારામ સ્ટાઇલની હરકત ન કરી શકે.

બીએસએફની સ્નિફર માદા કોઇ નબળી પળે સ્ટ્રીટ ડોગ સાથે છાનગપતિયા કરી લીધા. શ્ર્વાનમાં પરાણે એક પતિત્વ કે એક પત્નીત્વનું પાલન ન હોય. શ્ર્વાન જગતમાં સૌનો સાથ સૌનો સંગાથ સૌનું સાહચર્યનો સિદ્ધાંત હોય. ગર્ભ નિરોધક ગોળીઓ કે નિરોધ પણ વર્જિત હોય!! માદા સ્નિફર ભારે પગે થઇ. શ્ર્વાન જગતમાં બેબી શાવર કે ગોદ ભરાઇ રસમ હશે કે કેમ તે રામ જાણે. ગોદ ભરાઇની પ્રથા હોય તો જગતના શ્ર્વાનને પ્રસંગમાં આવવા નિમંત્રણ આપીએ. પણ ચીનની જેમ શ્ર્વાનને પણ ટેરેટેરીના વિકરાળ પ્રશ્ર્નો હોય છે.

એટલે કૂતરાનો સંઘ કાશીએ જઇ શકતો નથી આમ, તો બીએસએફે રાજી થવું જોઇએ કે વિશેષ પ્રયત્નો સિવાય કે સરકારી ખર્ચ વિના માદા સ્નિફર સગર્ભા થઇ. બીએસએફે ગોદ ભરાઇ કે બેબી શાવર કે સીમંત પ્રસંગનું આયોજન ધામધૂમથી કરવું જોઇએ!! અરે, ભાઇ જીયાણું કે મામેરું અમે લઇને આવીશું જાવ. જેન્ટલમેન પ્રોમિસ. માદા શ્ર્વાનથી શું વધારે હોય?? બે પાંચ લાખ આમ કે તેમ,ભલાદમી !આવું કશું કરવાના બદલે ઇન્કવાયરી ઓફ કોર્ટ?? યેહ સરાસર ગલત હૈ! યહ ના ઇન્સાફી હૈ. બીએસએફ તેનો નિર્ણય પરત લે તેમાં ભલાઇ છે! નહીંતર અમે માદા સ્નિફરના પિયરિયા બની માદા સ્નિફરને ન્યાય અપાવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશું અમે મામા (અમને બધા મામા જ બનાવે છે. બે ત્રણ ગલૂડિયાના મામા બનવામાં ક્યાં કશું ખાટામોળું થઇ જવાનું છે?) પણ ઇન્કવાયરી ઓફ કોર્ટ રદ કરવા બીએસએફને કડક અને સખ્ખત વિનંતી છે!!!અને માદા સ્નિફરની ગોદ ભરાઇ રસમ કરવા પણ આદેશાત્મક વિનંતી છે!!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?