મસ્તરામની મસ્તી : શાંતિ રાખવા મુદ્દે થયું ધિંગાણું! | મુંબઈ સમાચાર

મસ્તરામની મસ્તી : શાંતિ રાખવા મુદ્દે થયું ધિંગાણું!

-મિલન ત્રિવેદી

મૌનનું મહત્ત્વ સમજાવવા દોઢ કલાક ભાષણ કરે અને `બાળકોને પ્રેમથી કેમ સમજાવવા’ તે ન સમજતા લોકોને કાન આમળી, ટાપલિઓ મારી મારી સમજાવતા ચાર- પાંચ વડીલ મારા ધ્યાનમાં છે.

મારા ત્રીજા ઘરે રહેતા ત્રંબક સુંવાળિયા `ધીરૂ બોલવું, મીઠું બોલવું’ વિશે એના દીકરાના દીકરાને સમજાવતા હતા , પરંતુ મારા ઘરે છણકા સહિત બધું સંભળાતું હતું.

આ જ રીતે, સમાધાન માટે મળ્યા હોય અને ધબધબાટી બોલી ગઈ હોય તેવું તો ઘણા કિસ્સામાં જોવા-સાંભળવા મળે છે. અમારા બિલ્ડિંગમાં 35 થી 40 ફ્લેટ છે. હું કાર્યક્રમમાં હતો ત્યારે ફ્લેટના પાર્કિંગમાં ધબધબાટી બોલી ગઈ.
એ પછી મનુ ચિંગુશ, જતીન જોર, ચુનિયો, દિનુ દાઢી, હું… બીજા સભ્યો પણ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા ભેગા થયા હતા.

શરૂઆતમાં તો બધા મૂંગામંતર બેઠા કારણ ભેગા થયા છીએ તો ચા કોણ પીવડાવશે તે હજુ નક્કી થયું ન હતું.
મારે નીકળવાની ઉતાવળ હતી અને જો ચાનુ નક્કી કરવામાં બે કલાક થશે તો આખો મુદ્દો ઉકેલતા બીજી બે ત્રણ કલાક નીકળી જાય. પથારી કરતા રાત નીકળી જાય તો સુવું ક્યારે? એટલે `ચા હું પીવડાવીશ’ તેટલી જાણ કરતા જ સહર્ષ મને બિરદાવી લેવામાં આવ્યો.

મેં કહ્યું `તાત્કાલિક મુદ્દા પર આવો કાલે કોના કારણે ઝઘડો થયો? અને ઝઘડો શરૂ થાય કે તરત જ તમારે હાજરમાંથી કોઈએ કહી દેવાય ને કે’ શાંતિ રાખો.’

ચુનિયો કહે શાંતિનો તો ડખો છે અને હું હાજર હતો મેં કહ્યું શાંતિ ન રાખો'. એટલે મેં તો ચુનિયાને ખખડાવ્યો કેતું ખરેખરો છે આપણા નેતાઓ શાંતિ સ્થાપવા માટે અડધાથી ઉપર સમય વિદેશોમાં ફરે છે અને તને શાંતિની કદર નથી?’
`મિલનભાઈ, તમે સમજતા નથી આ લલિત્યો લખાણખોટો શાંતિ રાખે તો ઘરે મોટું મહાભારત સર્જાય. તમને ખબર નથી, લલિતિયાની ઘરવાળી જ્યારે કોલેજમાં ભણતી ત્યારે કુસ્તીમાં રાજ્ય કક્ષા સુધી નંબર લાવતી. લગ્ન પહેલા લલિતિયાને ખબર ન હતી પણ એકવાર સામે બોલી ગયો અને એની ઘરવાળીએ ધોબીપછાડ દાવ અજમાવ્યો. એ તો સારું થયું કે પલંગ ઉપર પડ્યો એટલે એકાદ મહિનામાં સાજો થઈ કામ કરતો થઈ ગયો. તે દિવસની ઘડીથી લલિત્યો કે સોસાયટીના કોઈપણ સભ્ય એની ઘરવાળી સામે બોલતા નથી. અને તમે કહો છો લલિત શાંતિ રાખીલે તો ભાભી એને જતો કરે એમ?’

આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: પાળેલું ડોગી જ બનાય હોં…

મેં કહ્યું `હા, એમ જ ઈચ્છું છું કે લલિત શાંતિ રાખી લે તો સામેવાળો પણ શાંતિ રાખે. હું તો કહું છું ફ્લેટમાં દરેક જણાય એ આવા સંજોગોમાં શાંતિ રાખવી જોઈએ.’

ચુનીલાલ કહે `એમ તમે કહો તેમ ન થાય. તમારી જ વાત કરો તમે શાંતિ રાખી શકો?’

મેં કહ્યું `ગમે તેવા સંજોગોમાં હું શાંતિ રાખી શકું.’

હવે હાજર રહેલા દીનુ દાઢીએ દાઢી ખંજવાળતા ખંજવાળતા મને કાનમાં પૂછી પણ લીધું કે `શાંતિ કઈ રીતે રાખી શકાય તે મને એકલા સમજાવજો.’

મેં કહ્યું જાહેરમાં પણ સમજાવી શકું કે શાંતિ રાખવા શું કરવું.' દીનુએ તરત જ કહ્યુંનહીં એવી ભૂલ ન કરતા પહેલા આપણે શાંતિ રાખવી છે પછી બીજા ભલે રાખે.’

મનુ ચિંગુસ તરત જ બોલ્યો `મફતમાં શાંતિ રખાતી હોય તો મને પણ રસ છે.’

મેં કહ્યું કે `તેમાં રૂપિયા ખર્ચવાની જરૂર નહીં… મેં ઘણી વાર મફતમાં શાંતિ રાખી છે.’

હવે ચુનિયો આશ્ચર્યથી મારી તરફ જોવા માંડ્યો અને હાથ પકડી થોડે દૂર લઈ ગયો પછી ધોખો કરવા લાગ્યો: `બસને તમને મિત્ર માન્યા હતા અને તમે મારી પીઠ પાછળ, એકલા એકલા, કોઈને કહ્યા વગર, અને એ પણ મફત શાંતિ રાખી લો એ વ્યાજબી નહીં. મને ખરેખર અંતરથી દુ:ખ થયું છે.’

મેં કહ્યું `ચુનિયા, નાટક બંધ કર… મેં તને પણ અસંખ્ય વાર કહ્યું છે કે શાંતિ રાખ પણ તું મારું માન્યો નથી.’

`મિલનભાઈ, મારે મારા ઘરનાનું પણ વિચારવાનું ને હું શાંતિની વાત કરું એટલે ઘરવાળી મારું જીવવું મુશ્કેલ કરી નાખે!’.

મને પણ સાલુ હવે તો આશ્ચર્ય થવા લાગ્યું કે આ લોકોને હું શાંતિ રાખવા માટેની વાત કં છું અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કં છું અને આ બધા ભેગા થઈ શાંતિ ન રાખવાની વાત કરે છે. મેં તરત જ કહ્યું કે `તમને બધાને શાંતિ રાખવામાં વાંધો શું છે?’

બધા એક સાથે બોલ્યા કે `શાંતિ એક છે અને આપણે અનેક છીએ. બધા એક સાથે શાંતિ કઈ રીતે રાખી શકે? અને તમે કલાકાર થઈ અને એક સ્ત્રી માટે આવું કઈ રીતે વિચારી શકો?’

હું તરત જ એની તરફ ધસી ગયો ને ઊંચા અવાજે કહ્યું કે `આમાં સ્ત્રીની વાત ક્યાં આવી? જો તમે આવી વાતો કરશો તો પછી હું શાંતિ નહીં રાખી શકું.’

ચુનિયાએ કહ્યું કે `મિલનભાઈ, તમારી કદાચ કાંઈક ભૂલથી મિસ્ટેક થાય છે. અમે સોસાયટીમાં એકટીવા લઈ અને લટક મટક કરતી કામ કરવા આવતી પેલી શાંતુડીની વાત કરીએ છીએ. અને તમે શાંતિ રાખો …શાંતિ રાખોમાં જામી પડ્યા છો.’

હવે મને સમજાયું કે તમામ પુરુષ વર્ગ જાહેરમાં શાંતિ રાખવાનો વિરોધ શું કામ કરે છે અને ખાનગીમાં શાંતિ રાખવાના કીમિયા શીખવાના અભરખા શુ કામ જાગે છે.?

આમાં શાંતિ માટે ધબધબાટી બોલે તેમાં નવાઈ નથી. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવા કરતા શાંતિને પારિતોષિક દેવાવાળા ઘણા છે. ચાલો ત્યારે તમે શાંતિ રાખજો.

વિચારવાયુ:

`રેતી ન હોય તો તરત ફોન કરો.’

આવી જાહેરાત વાંચીને આખા દિવસમાં 300 ફોન આવ્યા. દરેક પુરુષની ફરિયાદ હતી કે દર 15 દિવસે પિયર હાલી જાય છે.

દુકાનદારે માંડ સમજાવ્યું કે હું ચણતરમાં રેતી ન હોય તો ફોન કરવાનું કહું છું.!

આ પણ વાંચો…મસ્તરામની મસ્તી: જાતે-પોતે મૂરખ બન્યાની મજા જ જુદી છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button