દરોડામાં ઝબ્બે થયેલ દારૂની બોટલોનો નિકાલ આમ કરાય?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
દિલ કે અરમાન આંસુઓમેં બહ ગયે લગભગ મરણપોક મુકતો હોય તેમ રાજુ રદી મારા ઘરે આવ્યો. પ્લેન રન વે પર લેન્ડ થાય તેમ રાજુ રદીએ તેનું મુખબાવળ મારા ખભા પર લેન્ડ કર્યું. રાજુના દસ શેરિયાના વજનથી મારો ખભો નીચે ઝૂક્યો . એટલે રાજુ રદી ગબડી પડ્યો .
રાજુ, આ બધું શું માંડ્યું છે? મેં કડક અવાજે રાજુને ઘચકાવ્ચો.
નિકાહ ફિલ્મનું સલમા આગા નામની પાકિસ્તાની સિંગર કમ અભિનેત્રીએ ગાયેલ ગીત છે.’રાજુ રદીએ જવાબ આપ્યો.
રાજુ હું અરસિક કે ઓરંગઝેબ નથી. આ વખતે મુસ્લિમ ક્ધયાએ તને ના પાડી?’ મેં રાજુને લમણાંમાં વાગે તેવો કટાક્ષ કર્યો.
ગિરધરભાઇ શાદી કે અલાવા ભી કુછ ગમ હૈ જહાંનમેં. ‘રાજુ સૂફી સંતની જેમ સંતવાણી બકયો.
રાજુ, ઉસ શહેર મે હર શખ્સ પરેશાન શા કયું હૈ!’ મેં રાજુને સ્પષ્ટતા કરવા કહ્યું.
ગિરધરભાઇ, તમારી સામે પાણીથી ફૂલ છલોછલ તળાવ હોય. છતાં તમે ગળુ ભીનું કરી ન શકો તો કેવું લાગે?’ રાજુ મૂળ મુદા પર આવ્યો.
રાજુ, તું દારૂબંધીની નીતિ બાબતે કહેવા માંગે છે? મેં રાજુને પૂછયું
ગિરધરભાઇ, દારૂબંધીની નીતિ વિવાદાસ્પદ છે. જાહેર સ્થળોએ દારૂ પીને કોઇ અડબંગ દબંગ બની દંગલ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેનો વિરોધ ન હોય. કોઇ પિયકકડ પોતાના ઘરમાં બે પેગ પીવે તો કોઇનું શું લુંટાઇ જવાનું છે? એક બાજુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના નામે હોટલોને લિકર પરમિશન આપીએ છીએ. લોકો બાટલી પીવા તંત્રને મેન્યુપ્લેટ કરી હેલ્થ ગ્રાઉન્ડ પર પરમિટો મેળવે છે. દારૂ છોડવાથી હેલ્થ સુધરે કે દારૂ પીવાથી હેલ્થ સુધરે એવો કોઇ સવાલ પણ કરતું નથી. પોલીસ ગમે તેવા પ્રતિષ્ઠિતની કાર, ઘર, ઓફિસ પર છાપા મારી તેની પ્રતિષ્ઠા ધૂળધાણી કરે છે. ગુજજુની જેમ દીવ, દમણ, માઉન્ટ આબુમાં પગ મુકયો કે આવતી કાલ ઉગવાની નથી અને શરાબની કિલ્લત થવાની છે તેમ માની અકરાંતિયાની જેમ ઢીંચ ઢીંચ પણ કરવાનું હોય? મદિરાપાન એ કળા અને વિજ્ઞાન છે. તેની એસઓપી હોય.‘રાજુએ મદ્યસંહિતા રજૂ કરી..
રાજુ, દારૂબંધીના અમલ માટે આપણે દરોડા પાડીએ છીએ.
દારૂ, બિયર, દેશી દારૂ, સ્કવોશ, પીપડા, મોબાઇલ, ટુ વ્હીલર, રીક્ષા, છકડો, કાર વગેરે પકડીએ છીએ પાંચ લિટર લિકર પકડવા માટે મુખ્યમંત્રીથી લઇને અનઆર્મડ પથુભા નાઓની પીઠ થાબડીએ છીએ. કેટલાક બુટલેગરોનું ટર્ન ઓવર કરોડોમાં હોય છે. થોડા રૂપિયા માટે પોલીસની ગાડી બુટલેગરની ગાડીનું પાયલોટિંગ કરે છે તેવું પણ છાપામાં આવે છે. બહારના રાજ્યોમાંથી ગાડીઓ ભરી દારૂ લાવ્યા પછી કોક ગોડાઉન કે ખેતરમાં તેવું કટિંગ થાય છે.’ મે વિગતો આપી.
ગિરધરભાઇ, રૂપિયા પચાસની પોટલી પીનાર સ્વર્ગલોકની સહેલગાહે ઉપડી જાય છે!. ખુલ્લી ગટરના ગંધીલા ઢાંકણે, ધૂળમાં પડ્યો હોય તો પણ હોટલ ઉમેદના લકઝુરિયસ સ્યુટમાં સૂતો હોય તેવા ભાવ ચહેરા પર ઝલકતા હોય. ઉંદરડી ખરલ ચાટી ગઇ હોય તેમ એક પેગમા કૂદાકૂદ કરવા માંડે. આપણે તો નિટ જ પીઇએ, આપણે ગમે તેટલો પીઇએ પણ આપણને ચડે નહીં તેવી મિથ્યા માન્યતાથી ગ્રસિત હોય. જગજીતસિંહની જેમ ગાંગરતો હોય,’ ઠુકરાઓ અગર પ્યાર કરો મૈં નશે મેં હૂં!.‘પીવા અને મ્યુઝિક વચ્ચે શું સંબંધ છે તે બિથોવન, માઇકલ જેકશન, પંડિત રવિશંકર નક્કી કરી શકયા નથી. એટલે મદિરાપાન દરમિયાન મોટા અવાજે મ્યુઝિક વગાડે. કોઇ પાડોશી ધીમેથી મ્યુઝિક વગાડવા કહે તો ગુલામ અલીની જેમ હંગામા કયું હૈ બરપા, થોડીસી જો પીલી હૈ. અલ્યા, નીચે નજર કર. છ બાટલા ખાલી કરી દીધા છે, થોડી સી પીલીની કયાં પતર ખાંડે છે? પોતે ઇન્ટરનેશનલ પિયકકડ હોય તેમ પાછો ઉદધોષણા કરે,’ મુજે પીને કા શોખ નહીં, પીતા હું ગમ ભૂલાને કો.’અરે તારી ભલી થાય. પાછો દોઢડાહ્યો કહે મજા લેના હૈ પીનેકા , ધીરે ધીરે પી’કંકોડા ધીમે પીવે. સામેની પાર્ટી કોકાકોલા પીતો હોય તેમ વાઇન ઠપકારતો હોય. અધૂરામા પૂરું કવાર્ટરિયુ લાવ્યા હોય. એમાં ચાર ગણું પાણી ઠપકારી લિટરિયું કર્યું હોય તેમાં કંકોડા ધીરે પીવે? ઉપરથી ગઝલકારનો ધર્મનો બાપ એવો પોલીસ કાકો બોચી ઝાલે તેની બીક હોય! કાયમ પારકા પૈસે પીવાની મધ્યપ્રતિજ્ઞા કરી તેનું કેફાત્મક પાલન કરતો હોય અને પંકજ ઉધાસની ગઝલનો બારોબાર હવાલો આપે હુઇ મહેંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખ્ખો હિસાબ, થોડી પિયા કરો. ડફોળ દારૂ પિવાનો હિસાબ રાખીશ તો ઇડી, સીબીઆઇ કે એકસાઇઝવાળાતો બરડો લાલ કરી નાંખશે..’રાજુએ મદિરા સેવન કરનારની અંતરંગ બાબતો ઉજાગર કરી.
રાજુ, સરકાર દારૂ, વિદેશી શરાબ, લઠા પર પ્રતિબંધ મૂકે. પરંતું, દારૂ કે લઠો પીને કોઇ મરી જાય તો વળતર આપો.પૂંછડે પકડો તો બાંડા અને શીંગડે પકડો તો ખાંડા. રસ્તા, ગલી, મહોલ્લા, હાઇ- વે વગેરે જગ્યાઓથી અબજો રૂપિયાની શરાબની બોટલ પકડીએ. બુટલેગર, પીનાર પર કેસ કરીએ. આ મુદ્દામાલ રાખવા પોલીસ સ્ટેશનમાં મુદામાલખાના બનાવીએ. ગોડાઉનમાં રહેલ દારૂની સલામતી માટે ચોકીદાર રાખીએ. આ મુદ્દામાલનો નિકાલ વેચાણથી કરવાના બદલે રોડ રોલર ફેરવીને નાશ કરીએ. જે બાટલી પર રોડ રોલર ફેરવીએ તેમાં ખરેખર મદિરા, શરાબ કે દારૂ છે કેમ તેની સ્ક્રૂટિની પણ કરતા નથી. અંદરનો દારૂ બે પગવાળા કે ચોપગા ઉંદરડા પી ગયા હોય અને બોટલમાં કોકાકોલા કે કાલાખટા શરબત જેવું પાણી ભરી દીધું હોય તેવુ પણ બની શકે! મેં કહ્યું.
ગિરધરલાલ, બિહારમાં પોલીસ કસ્ટડીમાં રહેલ એક, બે,દસ કે પચીસ હજાર નહીં પણ પૂરા ૩ કરોડ રૂપિયાનો દારૂ ઉંદરડા આઇસ કયુબ, પાણી કે મન્ચિંગ-બાઈટીંગ વગર ગટગટાવી ગયેલ!જો પકડાયેલ દારૂ ઓપન માર્કેટમાં સેલ ન કરાય તો કુલ જથ્થાનો ૪૫ % દારૂ પાણીની પરબની જેમ જાહેર રસ્તે નિશુલ્ક વેચવાથી વેલ્ફેર સ્ટેટનો ક્ધસેપ્ટ સિધ્ધ થઇ શકે. વળી, જેથી કોઇ પ્યાસીને ટલી થવા માટે માઉન્ટ આબુ સુધી લાંબા થવું ન પડે.કુલ જથ્થાના ત્રીસ ટકા વાજબી ભાવની દુકાન મારફત ડીપીએલ- ડ્રિંક પોવટી લાઇન કાર્ડના હોલ્ડરને પ્રતિ કાર્ડ પાંચ બોટલ કે વ્યકિત દીઠ ૧.૧૩ બોટલનું વિતરણ કરો તો રાષ્ટ્રની તૃષાનો ગ્રાફ બેલેન્સ્ડ થશે. બાકી જે કાંઇ જથ્થો વધે તેનો ખાતાકીય રાહે નિકાલ કરવાનું પણ વિચારી શકાય. સ્ટાફ ગરીબ ગાય જેવો છે. એ બાપડાનું કોણ? બિચારા કરમના બુંધિયાળ છે, એટલે પોલીસ ખાતામાં ભરતી થયેલ છે. બાળોતિયાના બળેલ પેગડુભા, પથુભા પાછા પિયકકડ હોય. એમનું બધું ખાતાકીય રાહે હોય!.’રાજુએ સ્કેમ જેવી સ્કિમ જાહેર કરી
સાલી, રાજુ રદીની રજૂઆત નશીલી છે. મદિરા પ્યાસીની હાજરીમાં કરોડો રૂપિયાના કથિત દારૂની બોટલો રોડરોલર નીચે કચડાય તે પ્યાસી કેવી રીતે સહન કરી શકે? બિચારાની જીભ હાંફતા કૂતરાંની જેમ લબલબ થતી હોય એની સરસ તરસને છીપાવવા આવી સ્કિમ લોંચ કરવી જ રહી.તમને સ્કિમ બનાવતા કોણ રોકે છે કે રોડા નાંખે છે? ચાલો, જોઇ શું રહ્યા છો? જોડાઇ જાવ સ્કિમ બનાવવામાં.