કેવીક છે આ `ક્વિક કોમર્સ’ની કમાલ?

ક્લોઝ અપ – ભરત ઘેલાણી
હવે 30ને બદલે માત્ર 10 મિનિટમાં જ ઓનલાઈન ઓર્ડર મુજબનું ફૂડ ઘેર પહોંચાડવાની સર્વિસથી લોકો ટેવાઈ રહ્યા છે ત્યારે મનગમતી વાનગીઓ ઉપરાંત `માગો તે મળે અને માગો ત્યારે મળે’ એ પણ ગણતરીની મિનિટમાં જેવી જે `ક્વિક્ સર્વિસ’ સેવા હમણાં શરૂ થઈ છે એની એક ઝટપટ ઝલક નિત નવી આવતી ટેક્નોલોજિના પ્રતાપે આપણે -ખાસ કરીને આપણી યુવા પેઢીના જીવનના દરેક તબક્કે એમની લાઈફ સુપર સોનિક ઝડપી બની ગઈ છે. એમણે બધું જ બધું જ ફટાફટ કરવું છે. શ્વાસ લેવા માટેય પોરો ખાવો નથી. આજના અતિ ઝડપી જીવનની આ જ તાસીર છે.
કામના દબાણ હેઠળ જે પણ કંઈક સમય મળે એમાં કોઈ રેસ્ટોરાં કે ફૂડ-કોર્નરમાં જે તૈયાર મળે એ ફૂડ- વાનગી ઝાપટી લેવાની બધાને આદત પડી ગઈ છે. એ જ એમની જીવનશૈલી બની ગઈ છે. આવી આપણી ફાસ્ટ લાઈફ સાથે ફાસ્ટ ફૂડ જડબેસલાક એ હદે સંકળાઈ ગયું છે કે વ્યસ્ત લોકો સમયના અભાવે ઓનલાઈન ઈચ્છિત ફાસ્ટ ફૂડ ઑર્ડર કરી દે અને ગણત્રીની મિનિટોમાં એ તમારી ઑફિસ કે ઘરઆંગણે પહોંચી જાય. આવા ફાસ્ટ ફૂડની જરૂરિયાત વધી રહી છે પરિણામે ફૂડ સપ્લાયર્સની સર્વિસ સાથે ઓનલાઈન `ક્લાઉડ કિચન’ કે `ઘોસ્ટ કિચન’ની સંખ્યા જેટ સ્પીડે વધી રહી છે, `માગો તે મળે અને માગો ત્યારે મળે’ એવી સુવિધાથી લોકો એટલા બધા ટેવાઈ ગયા છે કે એમની ભાવતી ખાણી-પીણીની ફરમાઈશ પૂરી કરવા ઓનલાઈન ફૂડ સપ્લાયર્સમાં રીતસરની ગળાકાપ સ્પર્ધામાં હવે નવો વળાંક આવ્યો છે.
`30મિનિટમાં તમારી ફૂડ આઈટમ ઘેર ન પહોંચાડીએ તો બિલ ન આપતા ને ઉપરથી અમને `ફટ’ કહીજો !’ એવી છાતી ઠોકીને અપાતી ખાતરીને બદલે હવે એક નવો ખેલ શરૂ થયો છે. ઓનલાઈન ઓર્ડર કરેલું ફૂડ 30 મિનિટને બદલે ગણત્રીની માત્ર 10 મિનિટમાં જ નિયત સ્થળે પહોંચાડવાની હોડ લાગી છે, જેને લઈને વિવિધ સોશિયલ નેટવર્કિંગ મીડિયાથી લઈને અખબારોમાં જબરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે, `ઝોમેટો’ના એક સ્થાપક દિપિંન્દર ગોયલ કહે છે કે અમે જે 30 મિનટમાં ફૂડ પહોંચતું કરીએ છીએ એ આજની અતિ ફાસ્ટ લાઈફમાં બહુ સ્લો ગણાય એટલે અમે અમુક શહેરોમાં આ `ટેન મિનિટ એક્સપ્રેસ ડિલિવરી’ સ્કીમ અમલમાં મૂકી છે. અલબત્ત, અત્યાર તો અમુક પ્રકારની વધુ ખપતવાળી પોપ્યુલર ડિશ અને એ પણ અમુક વિસ્તાર મુજબમાં જ મળે એવી વ્યવસ્થા ગોઠવી છે.
નજીકના ભવિષ્યમાં આ યોજના અમે અન્ય શહેરો તથા બની શકે એટલાં બધાં વિસ્તારોમાં વિસ્તરણ કરીશું ‘ જોકે, `ઝોમેટો ક્વિક’ની પહેલાં `બ્લિન્કીટ’ ની `બિસ્ટ્રો’ તથા `સ્વિગી’ની `બોલ્ટ’ નામની સર્વિસ આવી `ટેન મિનિટ સપ્લાય’ સર્વિસ શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આ બધા વચ્ચે માત્ર ઓનલાઈન ફૂડ્- ખાદ્ય પદાર્થ ઉપરાંત હવે તો અન્ય સામગ્રી પણ ઓછામાં ઓછા સમયે ઓફિસ કે ઘેર પહોંચાડવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. આવી અતિ ઝડપી સર્વિસને લીધે ધંધામાં નાણાંનો વ્યવહાર ઘણો વધ્યો છે. એને સોશિયલ મીડિયામાં `કવિક કોમર્સ’ જેવું રૂપકડું નામ પણ મળ્યું છે.
આ `ક્વિક કોમર્સ’ હકીકતમાં કઈ રીત કામ કરે છે ?
Q-કોમર્સ એ ઈ-કોમર્સનો એક પ્રકાર છે. અહીં જે ચીજ -વસ્તુઓની બહુ ડિમાન્ડ હોય એનો `ડાર્ક સ્ટોર્સ’ તરીકે ઓળખાતાં વેરહાઉસમાં સંગ્રહ કરવામાં આવે છે. આ `ડાર્ક સ્ટોર્સ’ અમુક વ્યૂહાત્મક સ્થળે ગોઠવેલાં વેરહાઉસનો ઉપયોગ કરે છે. ઓછામાં ઓછા સમયમાં જોઈતો માલ -સામાન ગ્રાહકને પહોંચી જાય એ માટે સમય અને ડિલિવરી રૂટ્સ નક્કી કરવા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવે છે. ક્યુ-કોમર્સની કંપની કયા માલની માંગ વધુ હશે એની આગાહી કરી એનું સંચાલન માટે AI અને ડેટા એનાલિટિક્સ ટેકનિકસનો ઉપયોગ કરે છે. ક્યુ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકો ચોવીસ કલાક ખરીદી કરી શકે અને એમને રાઉન્ડ ધ ક્લોક સેવા આપી શકે એવી ડિલિવરી ચેનલ્સને પણ કામે લગાડે છે.
વેચાણ વધારવા `ક્વિક કોમર્સ’નાં પ્લેટફોર્મ્સ અનેકવિધ નવા નવા ગુડસ- ચીજવસ્તુ પોતાનાં સેલ-લિસ્ટમાં ઉમેરી રહ્યાં છે એની સાથે એમનાં `ડાર્ક સ્ટોર્સ’ની સંખ્યા પણ વધી રહી છે. આજની તારીખે `સ્વિગી’ પાસે બીજાં નવાં 95 ઉમેરીને કુલ 705 જેટલાં `ડાર્ક સ્ટોર’ છે તો `ઝેપ્ટો’ 900 અને `બ્લિન્કીટ’ 1000 જેટલાં `ડાર્ક સ્ટોર’ ધરાવે છે અને આ વર્ષના ઉત્તરાર્ધમાં એક અંદાજે બધામાં મળીને `ડાર્ક સ્ટોર’ની સંખ્યા પાંચ હજાર 500 સુધી પહોંચી જશે…! આ બધા વચ્ચે, `ક્વિક કોમર્સ’ કંપનીઓમાં અત્યારે 2 લાખ 60 હજાર જેટલા ફાસ્ટ ડિલિવરી મેનનો સ્ટાફ કાર્યરત છે અને આ સ્ટાફની સંખ્યામાં 2025ના અંતે બીજા 1 લાખ 50 હજારનો વધારો થવાનો છે!. આ બધી આંકડાબાજીથી ફલિત થાય છે કે `ક્વિક કોમર્સ’ની કામગીરી અને એની લોકપ્રિયતા ન ધારેલી ક્વિક ગતિએ વધી રહી છે! ક્વિક કોમર્સનાં પ્લેટફોર્મ્સ પરથી લોકો માત્ર ફાસ્ટ ફૂડ જ નથી મંગાવતતા.
અહીં તો જાતભાતની વસ્તુઓની માગણી થાય છે. તાજેતરનો એક સર્વે કહે છે કે `સ્વિગી’ જેવા ફાસ્ટ ફૂડ સપ્લાયરને 2024ના એકલા બિરયાનીના 8 કરોડ 30 લાખના ઓર્ડર મળ્યા હતા. મતલબ કે દર બે સેક્નડે બે બિરયાનીનો ઓર્ડર! બિરયાની પછી લોકોનો મનપસંદ બ્રેકફસ્ટ હતા ઢોસા, જેની 2 કરોડ 30 લાખની ખરીદી રહી! `ક્વિક કોમર્સ’ પર ગ્રાહકોની ખાણી-પીણીનો જ સ્કોર આગળ વધારીએ તો હમણાં વીતેલાં વર્ષ 2024માં ગ્રાહકોએ 77 લાખથી પણ વધુ કપ ચાનો અને 74 લાખથી વધુ કોફી ઓર્ડર કરી હતી તો એ જ રીતે , આવાં ગરમ પીણાંની સાથે ઠંડાં પીણાંની માર્કેટ પણ બહુ હોટ રહી.. ગત વર્ષે 1 કરોડ 85 લાખ `કોકાકોલા’ના કેન્સ અને 855 લાખ જેટલી `થમ્સ અપ’ ની બોટલ્સ પણ ઓનલાઈન વેંચાઈ હતી !. `મોત અને ગ્રાહક કયારે ટપકી પડે એનો કોઈ ભરોસો નહીં’ એવી ઉક્તિની જેમ કસ્ટમરની ઈચ્છા પણ જલ્દી ન વરતાય.
16 લાખ ખજૂરના પેકેટ જ્યાંથી સેલ થયા એ જ `ક્વિક કોમર્સ’ પર 4940 જેટલાં ગ્રાહકોએ ગર્લ ફ્રેન્ડ અને 45 જેટલા એ ભાવિ દુલ્હન માટે ય પૃચ્છા કરી હતી ! ઈમરજન્સીના ધોરણે એક ગ્રાહકે `ફેવિલોન’ની 56 બોટલ એક સાથે મંગાવી હતી એ જ રીતે, 2024 દરમિયાન મધરાતે બેડરૂમની કટોકટી નિવારવા `ક્વિક કોમર્સ’ પરથી 18 લાખ કોન્ડોમની પણ ખરીદી થઈ હતી! બોલો, આ છે આજના `ક્વિક કોમર્સ’ની કમાલ! ફાસ્ટ ફૂડ વિદ્ધ સ્લો ફૂડનું ઢિશુમ .. ઢિશુમ ! હવે માત્ર 10 મિનિટમાં જ ઓર્ડર મુજબનું ફૂડ ઘેર પહોંચાડવાની યોજના અમલમાં આવી ગઈ છે ત્યારે `ફાસ્ટ વર્સિસ સ્લો ફૂડ’નું ભૂત ફરી ધૂણવા માંડયું છે.
ખટાખટ ડિશનું ફટાફટ ભોજન સામે તબીબો-ખાસ કરીને, આહારશાસ્ત્રીઓ માને છે કે આ પ્રકારની ફાસ્ટમફાસ્ટ જીવનશૈલી આપણા આરોગ્ય માટે ખતરનાક છે. હકીકતમાં આ પ્રકારની વિચારધારા આમ સાવ તો નવી નથી, પણ અત્યારે ફરી એક વાર ચર્ચાના ચકરાવે ચઢી છે. થોડા ફ્લેશબેકમાં જઈએ તો ફાસ્ટ કે જંક ફૂડ વિદ્ધ ચળવળ 1986માં એક પત્રકારે શરૂ કરી હતી. અમેરિકન કંપની `મેકડોનાલ્ડ’ એ એની પ્રથમ ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં રોમમાં શરૂ કરી ત્યારે પત્રકાર કાર્લો પેટર્નીએ એની વિદ્ધ કોર્ટમાં અરજી કરી કે આ લોકો ફાસ્ટ ફૂડથી રોમની પરંપરાગત નિરાંતવી ભોજનશૈલીને અસ્તવ્યસ્ત કરી નાખશે માટે કોર્ટે એમને અટકાવવા જોઈએ..
જો કે, કાર્લો એ કેસ હારી ગયો, છતાં એણે જંક ફૂડ વિધ્ધ ઝુંબેશ ચાલુ રાખી પછી તો સમય જતાં અનેક દેશોના આહારશાસ્ત્રીઓ પણ એના ટેકામાં આગળ આવ્યા. સ્લો ફૂડની વિસ્તૃત વ્યાખ્યા કઈંક આ રીતે કરી શકાય. ખાદ્યને પારંપારિક રીતે તૈયાર કરીને એને નિરાંતે ચાવી ચાવીને આરોગવું જોઈએ અને આરોગ્ય માટે નુકસાનકારક એવાં વધારે પડતાં નમકવાળાં-ગળ્યાં અને ચરબીયુક્ત ખાદ્યવાનગી (જંક)ના ચસકાથી દૂર રહેવું જોઈએ. બીજા શબ્દોમાં સાત્ત્વિક પોષ્ટિક ખોરાક અપનાવવો જોઈએ એવો સતત પ્રસાર અને પ્રચાર કરતી આ `સ્લો ફૂડ મુવમેન્ટ’ પણ ખાસ્સી પ્રચલિત અને લોકપ્રિય બની રહી છે. `ફાસ્ટ વર્સિસ સ્લો ફૂડ કલ્ચર ‘ વિશે વધુ જાણવું હોય તો આ રસપ્રદ પુસ્તક વાંચવા જેવું છે.