ભાત ભાત કે લોગ : યે કૈસા દર્દ કા રિશ્તા…? દર્દના સંબંધે જોડાયેલી છે બે પ્રજાની પીડાભરી કથા

-જ્વલંત નાયક
6 ઓગસ્ટ, 1945. તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને જાહેરાત કરી :
`થોડા સમય પહેલાં અમેરિકન બૉમ્બર પ્લેન દ્વારા જાપાનના હિરોશીમા શહેરને બૉમ્બ ફેંકીને તબાહ કરી નાખવામાં આવ્યું છે.’
ટ્રુમેને પોતાની સ્પીચ દરમિયાન `વી હેવ વીન – આપણે જીતી ગયા’ની જાહેરાત પણ કરી નાખી, પણ આ જીત માટે બંને દેશના નાગરિકોએ કેવડી કિમત ચૂકવી?
જાપાનના હાઈબાકુશા અને અમેરિકાના ડાઉનવિન્ડર્સને પૂછો તો ખબર પડે….`ટાઈમ’ મેગેઝિનની વીડિયો ચેનલ પર સાતેક મિનિટની એક ડોક્યુમેન્ટરી જોવા મળશે. એમાં વાતારુ નામ્બા નામના જાપાનીઝ મૂળના વૃદ્ધ અમેરિકન નાગરિક પોતાની આપવીતી વર્ણવે છે. એ કહે છે :
`હું એ વખતે અઢારેક વર્ષનો હોઈશ. બૉમ્બ ફૂટ્યો અને જાણે આખી દુનિયા સફેદ રંગનો ધૂમાડો બની ગઈ. સમય જતા આ ધુમાડો કાળો પડી ગયો.’
નામ્બાએ બળેલા શરીરવાળા પીડિતોને નરી આંખે જોયા. નામ્બા પોતે હાઈબાકુશા'ની છેલ્લી પેઢીનો માણસ છે. અણુબોમ્બનો માર વેઠી ચૂકેલા છતાં જીવિત રહી ગયેલા લોકો માટે જાપાની ભાષામાં
હાઈબાકુશા’ (hibakusha) શબ્દ વપરાય છે, જેનો અર્થ થાય : અણુહુમલામાંથી બચી ગયેલા લોકો…સામાન્ય સમજ એવી છે કે જાપાન પર અણુબૉમ્બ પડેલા, એટલે હાઈબાકુશા સમૂહમાં માત્ર જાપાની નાગરિકોનો જ સમાવેશ થતો હશે, પણ આશ્ચર્યજનક વાત એ છે કે કેટલાક અમેરિકન નાગરિકોને પણ હાઈબાકુશા ગણવા પડે એમ છે.
ઉપરોકત જેની વાત કરી એ વાતારુ નામ્બા જાપાનીઝ મૂળનો હોવા છતાં અમેરિકન નાગરિક હતો. અણુબૉમ્બની ત્રાસદી વેઠ્યા બાદ એ ફરી પોતાના પરિવાર પાસે અમેરિકા પહોંચી ગયો. એ સમયે એના જેવા ઓછામાં એક હજાર લોકો હતા, જે પોતે જાપાનીઝ મૂળના હોવા છતાં અમેરિકન નાગરિકત્વ ધરાવતા હતા. આ નાગરિકોની માફી માંગવાની વાત તો દૂર રહી, ઊલટાનું એ લોકો અમેરિકા પાછા ફર્યા ત્યાર પછી ય અમેરિકાએ એમની પીડાઓને અમેરિકન સમાજ અને મીડિયામાં બહુ મહત્ત્વ ન મળી જાય એનું ધ્યાન રાખ્યું.
હવે આ સિક્કાની બીજી બાજુ જુઓ. જાપાન પર અણુબૉમ્બ ફેંકાયો એ પહેલાં ખુદ અમેરિકાના જ સંખ્યાબંધ નાગરિકો ય અણુહુમલા જેવી અસરો વેઠી ચૂક્યા હતા. એમની કથા ઓછી જાણીતી છે. કદાચ અમેરિકન સરકારોએ પોતાના જ આ નાગરિકોને ય અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો હશે.
1945નું મધ્ય આવતા સુધીમાં અમેરિકન સરકાર દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું કરવા માટે ઉતાવળી થઇ. એ વખતે એકલે હાથે અમેરિકાને હંફાવી રહેલા જાપાનને ઠેકાણે પાડવા અણુબૉમ્બ વાપરવાનું નક્કી થયું. પ્રોજેક્ટ મેનહટન ' હેઠળ 16 જુલાઈ, 1945ને દિવસે ન્યૂ મેક્સિકોના ટ્રિનિટી બેઝ જે આજે
વ્હાઈટ સેન્ડ મિસાઈલ રેન્જ’ તરીકે ઓળખાય છે ત્યાં અમેરિકન સરકારે અણુબૉમ્બનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. આ પરીક્ષણ `ટ્રિનિટી ટેસ્ટ’ તરીકે જાણીતું છે. આ દુનિયાનું સૌપ્રથમ અણુપરિક્ષણ હતું અને એની ગુપ્તતા જાળવવી જરૂરી હતી. અમેરિકી સરકારે એ હદે ગુપ્તતા જાળવી રાખી કે પરીક્ષણ પહેલાં આસપાસના વિસ્તારો ખાલી કરાવવાની ય તસ્દી ન લીધી!
9 ઓગસ્ટે જાપાનના બીજા શહેર નાગાસાકી પર `ફેટ મેન’ નામે ઓળખાવાયેલો અણુબૉમ્બ ફેંકવામાં આવેલો. ફેટ મેન પ્લુટોનિયમ આધારિત ઈમ્પ્લોઝન બૉમ્બ હતો. કહેવાય છે કે ટ્રિનિટી પરીક્ષણનો મુખ્ય હેતુ આ બૉમ્બની કાર્યક્ષમતા ચકાસવાનો હતો.
ટ્રિનિટી પરીક્ષણનું સ્થળ તેની નિર્જનતા, સપાટ ભૂમિ અને પવનની ઓછી ગતિને કારણે પસંદ કરવામાં આવેલું , પણ આ મંદ ગતિનો પવન હજારો નિર્દોષ લોકોના જીવનમાં કેવું વાવાઝોડું ફૂંકશે, એ કોઈએ નહોતું વિચાર્યું… આ સ્થળથી 150 માઈલની ત્રિજ્યામાં લગભગ 5 લાખ લોકો રહેતા હતા, જેમાંથી કેટલાક તો માત્ર 12 માઈલના અંતરે હતા. આમાં ન્યૂ મેક્સિકોની અડધી વસતિ, ટેક્સાસની બે કાઉન્ટીઝ અને મેક્સિકોના કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો હતો. પરીક્ષણ પછી રેડિયોએક્ટિવ ફોલઆઉટ (ન્યૂક્લિયર ધૂળ) દિવસો સુધી આસપાસના વિસ્તારોમાં ફેલાયો, જે પાણી, ખોરાક અને જમીનમાં ભળી ગયો. પવનની દિશાએ એમાં મુખ્ય ભાગ ભજવ્યો. પવનની દિશામાં વસવાટ કરતા હોવાને કારણે જે લોકો રેડિયો એક્ટિવ ફોલઆઉટનો ભોગ બન્યા, એ `ડાઉનવિન્ડર્સ’ તરીકે ઓળખાયા. જાપાનના હાઈબાકુશાની માફક જ અમેરિકાના આ કમનસીબ ડાઉનવિન્ડર્સ પાસે પણ ન્યુક્લિયર તબાહીનો ફર્સ્ટ હેન્ડ અનુભવ છે.
ટ્રિનિટી ટેસ્ટ પછીના મહિનાઓમાં ન્યૂ મેક્સિકોમાં બાળમૃત્યુદરમાં 56%નો તોતિંગ વધારો નોંધાયો. આસપાસના બીજા વિસ્તારોમાં પણ એ જ થયું. લોકોમાં થાઈરોઈડ, કેન્સર, લ્યુકેમિયા અને અન્ય પ્રકારના કેન્સરના કેસો વધ્યા. વર્ષો સુધી હજારો અમેરિક્નસ રેડિયોએક્ટિવિટીનો ભોગ બનતા રહ્યા. આ બધામાં બાર્બરા કેન્ટ અને એના જેવડી બીજી અગિયાર ક્નયાનો કિસ્સો જાણવા જેવો છે.
13 વર્ષની બાર્બરા કેન્ટ પોતાના જેવડી જ અન્ય છોકરીઓના ગ્રૂપ સાથે ફરવા આવેલી. ગ્રૂપમાં કુલ બાર છોકરી હતી. ટ્રિનિટી ટેસ્ટ સમયે પરીક્ષણ સ્થળની નજીક, રુઈડોસોમાં કેમ્પમાં આ ગ્રૂપ રોકાયેલું. નદીમાં તરવાની મજા માણી રહેલી બિચારી ક્નયાઓ નહોતી જાણતી કે કેમ્પથી થોડે દૂર એમના જ દેશની સરકાર આ ક્નયાઓના મોતનો સરંજામ તૈયાર કરી રહી છે. બાર્બરા કેન્ટ કહે છે કે એ દિવસે અમે બધા બહુ મોજમાં હતા. ત્યાં અચાનક કશુંક થયું અને આકાશમાં મોટા વાદળો છવાઈ ગયા. થોડીવારમાં તો સૂર્ય જાણે પૃથ્વી પર ઉતરી આવવાનો હોય એ રીતે ચકાચૌંધ રોશની ફેલાઈ ગઈ…અમને આંખો ખુલ્લી રાખવામાં ય તકલીફ પડવા માંડી. આ ઘટના બની ત્યારે તો આ બાળાઓને કશું સમજાયું જ નહોતું. ન્યુક્લિયર બ્લાસ્ટને પ્રતાપે ધૂળના જે ગોટા આકાશમાં ચડેલા, એ થોડા જ કલાકો બાદ જમીન પર પાછા ઉતરી આવવા માંડ્યા… અને બહુ કરુણ ઘટનાક્રમનું નિમિત્ત બન્યા.
ધૂળના ગોટેગોટા જમીન પર ઉતરી આવેલા જોઈને હતભાગી બાળાઓને એવી ગેરસમજ થઇ કે આકાશમાંથી બરફવર્ષા થઇ રહી છે. લગભગ તમામ છોકરીએ રેડિયોએક્ટિવ ધૂળને બરફ ગણીને શરીર પર ઘસવાનું ચાલુ કર્યું. એમને મન આ રમત હતી, પણ ઘસ્યા બાદ ખબર પડી કે આ બરફ નહિં પણ પ્રમાણમાં ગરમ રેડિયોએક્ટિવ ધૂળ છે! એ વખતે તો એમને બહુ ખ્યાલ ન આવ્યો, પણ થોડા જ વર્ષોમાં એક પછી એક બાળા કેન્સરનો ભોગ બનવા માંડી. કેમ્પમાં ગયેલી બાર પૈકી બાર્બરા કેન્ટ સિવાયની એક્કેય ક્નયા ત્રીસ વર્ષની ઉંમર સુધી પહોંચી ન શકી. બધીને કેન્સર ભરખી ગયું. બાર્બરા પ્રમાણમાં લાંબુ જીવી, પણ એ પોતે ય એકથી વધુ વખત કેન્સરનો ભોગ બની.
અમેરિકન સરકારે હાઈબાકુશાને બહુ મહત્ત્વ નથી આપ્યું, એ જ પ્રમાણે ટ્રિનિટી ટેસ્ટનો ભોગ બનેલા આ ડાઉનવિન્ડર્સને પણ યોગ્ય વળતર નથી આપ્યું. આજે આઠ-આઠ દાયકા પછી પણ કેટલાય ડાઉનવિન્ડર્સ પરિવારો પોતાનો હક માગી રહ્યા છે. કમાલની વાત એ છે કે અણુબૉમ્બ ફેંક્યા પછી પ્રેસિડેન્ટ ટ્રુમેને પોતાની સ્પીચમાં કહેલું, `આ (અણુબૉમ્બનો ઉપયોગ) ઓર્ગેનાઈઝ્ડ સાયન્સે મેળવેલી મહાન સફળતા છે!’ જાપાનીઝ હાઈબાકુશાથી માંડીને અમેરિકન ડાઉનવિન્ડર્સ સુધીના તદ્દન જુદી જુદી ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે આ ઓર્ગેનાઈઝ્ડ સાયન્સ એક જ સંબંધ સ્થાપવામાં સફળ થયું છે દર્દનો સંબંધ…!
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : પોન્ડ્સ મેન ઓફ ઇન્ડિયા: ખિસકોલી કર્મના હિમાલય જેવડાં પરિણામ…