વીક એન્ડ

મહાન પ્રેમીઓના મહાન પ્રેમપત્ર

વેલેન્ટાઈન્સ-ડે ના અવસરે

વિશેષ – ડૉ. અનિતા રાઠૌર

`જ્યારથી મેં તમારી વિશે સાંભળ્યું છે, મારા પ્રભુ, હું તમારી તરફ આકર્ષિત થઈ ગઈ છું. કૃપયા, શિશુપાલ સાથેના મારા વિવાહ પહેલાં અવશ્ય આવો અને મને લઈ જાઓ. પારિવારિક રીતરિવાજ પ્રમાણે મારા વિવાહના એક દિવસ પહેલાં હું અંબિકા દેવી મંદિરમાં જઈશ. અહીં તમે આવીને મારું હરણ કરો એ માટે સોનેરી અવસર હશે. જો તમે મારા પર આ કૃપા નહીં કરો તો હું ઉપવાસ અને કઠોર વ્રતોનું પાલન કરીને મારા જીવનનો ત્યાગ કરીશ. કદાચ આવતા જન્મમાં હું તમને પ્રાપ્ત કરીશ.’ આ કદાચ સંસારનો પ્રથમ પ્રેમપત્ર હતો જે રૂક્મિણીએ શ્રીકૃષ્ણને લખ્યો હતો અને પોતાના વિશ્વસનીય બ્રાહ્મણ સુનંદા મારફતે ભગવાનને પહોંચાડ્યો હતો. આ પત્ર આપણને શ્રીમદ્ ભાગવતના સર્ગ 10ના અધ્યાય બાવનમાં જોવા મળે છે.

ત્યાર બાદ મીસરની રાજકુમારીના પ્રેમપત્રો વાંચવા મળે છે. આ લેખનો હેતુ પ્રેમપત્રોના ઈતિહાસ બતાડવાનો નથી, પરંતુ એ છે કે કોલ અને ઈન્સ્ટન્ટ મેસેજની સુવિધા નહોતી ત્યારે પ્રેમી પોતાના પ્રેમની કબૂલાત કાગળની મદદથી કરતો હતો. કાગળનો એ યુગ એવો હતો કે પ્રેમના આ ઉદગારો સાહિત્યની અમર કૃતિ બની ગઈ છે. જગ્યાના અભાવે બધા પ્રેમપત્રોનો અહીં સંભવ નથી, પરંતુ અમુક પત્રોની નોંધ લેવી ઘટે જેથી વૅલેન્ટાઈન ડેમાં તમને તમારા પ્રેમ પ્રગટ કરવામાં મદદ કરશે.

વીસ દિવસ પસાર થઈ ગયા હતા અને શાયર કૈફી આજમીને પોતાની પ્રેમીકા શૌકત (પછી પત્ની)ના કોઈ સગડ મળ્યા નથી. તેમણે લાગ્યું કે શૌકત નારાજ છે. તેમણે મનાવવા કૈફીએ લોહીથી પ્રેમપત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે પ્રેમપત્ર લખ્યા બાદ મેં તેને કવરમાં મૂક્યો અને સૂવા લાગ્યો, પરંતુ મને ઊંધ આવી નહીં. મેં તારો છેલ્લો પત્ર ફરી વાંચ્યો અને આસુુને રોકી શક્યો નહીં. શૌકત, મારી કમનસીબી એ છે કે તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી. મેં બ્લેડ વડે કાંડા પર ઊંડો ઘા કર્યો અને મેં મારા લોહીથી આ પત્ર લખ્યો. હું મહિનાઓ સુધી મારા પ્યાર માટે આંસુ સારતો હતો, પરંતુ હવે લોહી રેડી રહ્યો છું. મને ખબર નથી કે આપણું ભવિષ્ય શું છે. મોતી, (શૌકતનું હુલામણું નામ) મને ઊંડો આઘાત લાગ્યો છે. તું એ કેવી રીતે લખી શકે કે હવે હું જાણી ગઈ છું કે તેમની આંખો મારા પર નથી, પરંતુ કોઈ બીજા પર છે જે તેમને સમજતી નથી અને તેઓ એને સમજતા નથી. આ શબ્દોને પાછા લો. શૌકત, મારા પ્રેમની મજાક ન ઉડાવ. જો તું મારા માટે કંઈ ન કરી શકે તો વાંધો નથી. તને પ્રેમ કરતી વખતે હું જાણી ગયો છું કે મારા માટે કોઈ આશા નથી. ખુદા મારું ધ્યાન રાખશે. તને મારા પ્રેમ પર અને ઈરાદા વિશે શંકા છે. તને શંકા છે કે હું તારી સાથે લગ્ન કરીશ નથી. હું ફક્ત એટલું કહીશ કે એક દિવસ હું તને અને દુનિયાને સાબિત કરી આપીશ કે હું તને કેટલો પ્યાર કરું છું. મારી શૌકત, મારું અને મારા પ્રેમનું શું થશે. તું અને હું એટલા દૂર છીએ કે તારે માટે મારા દર્દને જોવું સંભવ નથી. શું તું મારી લાચારી સમજ્યા વિના બીજાની વાત માની લઈશ. જો તને મારી કોઈ વાત ખરાબ લાગી હોય તો મને માફ કરી દે. પ્યાર અને પુષ્કળ પ્રેમ. તારો કૈફી રોમેન્ટિક કવિ જોન કિટ્સની પ્રેમિકા ફૈની બ્રોનએ તેમને પત્રમાં લખ્યું હતું કે મને એ શબ્દો ન લખો જેમાં તમારા જ્ઞાન અને કાબેલિયત પ્રગટ થાય છે. તમે એ લખો જે તમારા દિલની ઊંડાણથી નીકળે. ત્યાર બાદ કિટ્સે તેમની પત્ર લખવાની શૈલી બદલાવી પડી. જોકે બન્નેનાં પ્રેમનો કરૂણ અંજામ આવ્યો. કિટ્સનું 26 વર્ષની વયે ટીબીથી અવસાન થયું હતું. જોકે કિટ્સના પત્રો હજી પણ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે. એક નમૂનો પ્રસ્તુત છે. “તું હંમેશાં નવી લાગે છે. તારું ગયું ચુંબન સૌથી વધારે મીઠું હતું. તારી નાગીન જેવી ચાલનો અંદાજ સૌથી રોચક હતો. કાલે તું મારી બારીની પાસેથી પસાર થઈ ત્યારે મારામાં એ જ સ્પંદનો ઉત્પન્ન થયા જે તને પહેલી વાર મળ્યો ત્યારે સ્ફૂર્યા હતા. તું મને પ્રેમ ન કરતી તો પણ મારો પ્રેમ જીવનભર તને સમર્પિત રહેશે.”

પ્રેમની ઊંડાઈ જેન ઑસ્ટેન જેવી કોઈએ માપી નથી. તેમની ક્લાસિક નવલકથા `પરસુએશન’ના અંતમાં કેપ્ટન વેંટવર્થ એનીને જે પત્ર લખે છે એનો સૌથી વધારે રોમેન્ટિક ગણવામાં આવે છે. “તેં મારા આત્માને ઘાયલ કરી નાખ્યો છે. હું અડધું દર્દ છું અને અડધી આશા છું. તું મને એમ ન કહે કે હવે મોડું થયું છે અને એ કીંમતી અહેસાસ કાયમ માટે જતો રહ્યો છે. હું તને ફરી એ જ દિલ ઓફર કરું છું જે સાડાઆઠ વર્ષ પહેલાં તોડી નાખ્યું હતું. તું એમ ન કહે કે પુરુષ મહિલા સાથેના પહેલા પ્રેમ ભૂલી જાય છે અને એ પ્રેમ મરી જાય છે. હુ ંતારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતો નથી.

વ્લાદીમીર નબોકોવની વેરા સાથેની પહેલી મુલાકાત 1921માં થઈ હતી. વ્લાદીમીરના પત્રો 46 વર્ષની પ્રેમની ગાથાને વર્ણવે છે. ” મારી કોમળ કળી, મારી ખુશી, હું તારા માટે શું શબ્દ લખું. એ કેટલી વિચિત્ર વાત છે કે મારું જીવનકાર્ય કાગળ પર કલમ ચલાવાનું છે. મને ખબર નથી કે હું તને કઈ રીતે કહું કે હું તને પ્યાર કરું છું અને હું તને ચાહું છું. આવી ઉત્તેજના અને દૈવિક શાંતિ! ઓગળી રહેલા વાદળ ગરમીમાં ગુમ થતા બન્યા ખુશીના પહાડ અને હું તારી સાથે તરી રહ્યો છું. હું તારામાં બળી રહ્યો છું અને પીગળી રહ્યો છું. મારું આખું જીવન વાદળોની ગતિ જ્ેવું છે. એમાં છે હવાઈ, શાંત પડવું, તેમની હળવાશ અને કોમળતા અને રંગીન આસમાની વિવિધતા- મારો અતૂટ પ્રેમ. હું મારી અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button