વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : ગોરા પાર્ક – મોસ ગાર્ડનથી માંડીને ટી-રૂમ્સનો ફુલ જાપાનીઝ અનુભવ…

-પ્રતીક્ષા થાનકી

જાપાન દરેક ખૂણે સરપ્રાઇઝ આપવા માટે જાણે તૈયાર જ હતું. માઉન્ટ હાકોને પર જે બધું લોકપ્રિય હતું તે અમે ઓલરેડી જોઈ ચૂક્યાં હતાં. તો પછી હજી અહીં વધુ અડધો દિવસ વિતાવવો કે પછી પાછાં જઈને ટોક્યોમાં જલસા કરવા એ પ્રશ્ન હતો. ટોક્યોમાં તે દિવસે રાત્રે શિન્જૂકુમાં નાઇટલાઇફ માટે રખડવાનો પ્લાન તો હતો જ, પણ તે માટે બે જણાની પાર્ટી કેટલી વહેલી શરૂ કરવી એ હવે માઉન્ટ હાકોને પર આધારિત હતું. અહીં જો હવે અડધા કલાકમાં મજા ન આવે તો અમે ટોક્યો તરફ નીકળી પડીશું તેમ નક્કી થયું, અને તેમાં જ કેબલ કાર અમને ગોરા પાર્ક લઈ આવી. આ જ પહાડનાં અલગ અલગ લેવલ પર જાણે અલગ અલગ એડવેન્ચર અમારી રાહ જોઈ રહૃાાં હતાં. ગોરા પાર્ક આમ જોવા જાઓ તો કોઈ સાધારણ રિસોર્ટ વિસ્તાર હોય તેવું લાગતું હતું. બસ મજાની વાત એ હતી કે તે એક મહાકાય વોલ્કેનિક પહાડની ઉપર ક્યાંક ગોઠવાયેલો હતો. અહીં એક જાપાનીઝ અને વેસ્ટર્ન એસ્થેટિકને ભેળવીને બનાવેલો એક પાર્ક તો હતો જ. સાથે ત્યાં એક મજેદાર હાકોને ગોરા મ્યુઝિયમ ઓફ આર્ટ પણ હતું.

અમે ઓલરેડી હાઇક તો કરી ચૂક્યાં હતાં. પાર્કની લટાર જરા પાછી ઠેલાઈ. પહેલાં અમે મ્યુઝિયમમાં ઘૂસ્યાં. આ મ્યુઝિયમ પણ ગાર્ડન ડિઝાઇન અને સ્થાનિક આર્ટને લગતું હતું. ઓકાડા મોચિકો નામે એક સ્પિરિચ્યુઅલ ગુરુ અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટે આ મ્યુઝિયમ 1950ના દશકમાં બનાવડાવ્યું હતું. જાપાનીઝ સ્ટાઇલનાં ગાર્ડન દુનિયામાં ક્યાંય પણ જોવા મળે, ત્યાં અનોખી શાંતિ મળતી હોય છે. તે સમયે ક્રિયેટિવિટી અને સાદગી છતાંય રંગોથી ભરેલું આ ગાર્ડન મ્યુઝિયમ જાણે દરેક પ્રકારના ટેસ્ટનાં લોકોને ભાવી જાય તેવું લાગતું હતું. આમ જોવા જાઓ તો જાપાનીઝ ગાર્ડનનાં એલિમેન્ટ્સને સમજવા માટે પણ ત્યાં ગયાં તેની મજા પડી ગઈ.

અંદરનું મોસ ગાર્ડન પહેલાં ઊડીને આંખે વળગે તેવું હતું. ખાસ તો ત્યાં 130 જેટલી મોસની વેરાઇટી અને મોટી સંખ્યામાં અલગ અલગ રંગનાં મેપલનાં વૃક્ષો જોઈને સમજાતું ન હતું કે ત્યાં કયા ખૂણાનો ફોટો લેવો અને કયું દૃશ્ય જતું કરવું. મોસ ગાર્ડન આજકાલ ઇન્ટિરિયરની દુનિયામાં તો ઘણાં લોકપ્રિય છે, પણ તે આ સ્તરે બનાવી શકાય તેની ભાગ્યે જ કલ્પના કરી હતી. મ્યુઝિયમના એક્સટેન્શન તરીકે આગળ સેકિરાકુ ગાર્ડન છે. ત્યાં હાગી-નો-મિચિ નામે પાથ પર થઈને ત્યાંના બામ્બુ ગાર્ડન પર જવાય છે. આ મ્યુઝિયમ જાણે રિજનનો પોતાનો અનોખો હિસ્સો હોય તેવું લાગતું હતું. હજી અમારું ધ્યાન ટી-રૂમ પર પણ હતું. ખાસ તો મ્યુઝિયમના સિરામિક આર્ટના હિસ્સામાં મોમોયામા સ્ટાઇલના ટી સેટ અને અનોખાં જાપાનીઝ વાસણોનું વૈવિધ્ય જોઈને લાગ્યું કે આ પહાડ પર પણ સંસ્કૃતિનો આ હિસ્સો જોવા મળી જશે એ તો વિચાર પણ નહોતો આવ્યો.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ: ઓવાકુડાની – હાકોનેમાં ઊકળતી ખીણ…

મ્યુઝિયમના મોસવાળા હિસ્સાની બાજુમાં જ વ્યુ સાથે શિનવાતાઈ ટી-રૂમ છે. સિરામિક સેક્શનમાં જોયેલા ટી સેટની હજી વાત જ કરતાં હતાં ત્યાં તો જાપાનનો પહેલો ટી-રૂમ અનુભવવાનો સમય આવી ગયો હતો. અમે ટી-રૂમનું બુકિગ છેક ક્યોટોમાં પ્રવાસના છેલ્લા ચરણમાં કરાવેલું. હવે ગોરા પાર્કમાં તો જે પણ થતું હતું તે નવું અને પ્લાન વિનાનું હતું. તેમાં એ તો પાક્કું જ હતું કે અમે કંઈ સાંજ પડે તે પહેલાં ટોક્યો પહોંચવાનાં ન હતાં. એક સમયે તો ફરી પાછું અહીં જ રાત રોકાઈ જવાનું પણ ચર્ચાયું, અને તે પહેલાં અમે ટી-રૂમમાં પહોંચી ગયાં. આમ તો ત્યાં બુકિગ વિના નથી જવા મળતું, પણ તે દિવસે ખરાબ વેધરના કારણે થયેલું કેન્સલેશન અમને ફાયદો કરાવી ગયું. અમે ઠંડીમાં પહેલાં ફૂટ-સ્પા કરીને અને પછી હૂંફાળી જાપાનીઝ ચા પીને સાવ રિલેક્સ થઈ ગયાં હતાં. ટી-રૂમ આમ તો મજાનો હતો, પણ જરા ટૂરિસ્ટી અને પ્રોફેશનલ હતો. ખરેખર ટી-રૂમનો ઐતિહાસિક અનુભવ તો અમને ક્યોટોમાં જ થયો હતો.

ગોરા પાર્ક નજીક જ ટોક્યો અને ક્યોટોને જવા જોડતો એક હિસ્ટોરિકલ રૂટ પણ છે. આજે આ ટોકાઇડો રોડનો જે હિસ્સો બાકી છે ત્યાં ચાલીને ઇતિહાસનો ભાગ બન્યા હોવાનું પણ અનુભવાતું હતું. કોને ખબર હતી આ રસ્તે લોકો એક સમયે ચાલીને અને ઘોડા પર પણ જતાં હતાં. દુનિયા છેલ્લાં સો વર્ષમાં જેટલો વિકાસ પામી છે, તેનો કદાચ સૌથી વધુ ફાયદો પ્રવાસીઓ ઉઠાવી રહૃાાં છે. આખરે આ બધું જોઈને અંતે અમે ગોરા પાર્કમાં લટાર મારવા નીકળ્યાં તો ખાસ કંઈ નવું ન લાગ્યું. ખં જોવા જાઓ તો ત્યાં જે પણ જોવાલાયક છે તે બધું ગોરા પાર્કનો જ હિસ્સો છે એવું માની શકાય. ગોરા પાર્ક નજીક જ એક રિસોર્ટમાં સ્પા ટ્રીટમેન્ટ માટે પણ લોકો રોકાઈ જતાં હતાં. એક રીતે જોવા જાઓ તો આ રિજનમાં દરેક પ્રકારના જાપાનીઝ અનુભવો મળી રહે છે. બસ મોટા શહેરોની લાઈટો અને હાઇરાઇઝ અહીં નથી. અને હવે જાણે તેના માટે જ અમે ટોક્યો તરફ પાછાં વળી રહૃાાં હતાં.

વળતાં ઓડાવરા જતી બસમાં પહેલાં તો અમે સ્ટોપના નંબર તેના ડિસ્પ્લે પર મેળવવાનો પ્રયત્ન કરતાં હતાં. બે-ત્રણ સ્ટોપમાં ખબર પડી ગઈ કે આ રેન્ડમ નંબરોને આવનારાં બસ સ્ટોપ સાથે કોઈ લેવા દેવા ન હતી, તો પણ નંબર તો બદલાયે જ જતા હતા. આ સુડોકું જેવું ડિસ્પ્લે શું બતાવતું હતું તેનું રહસ્ય હજી અમે ઉકેલી શક્યાં ન હતાં. તે પછી હજી નારાથી માંડીને ક્યોટોમાં ઘણી બસ લેવાનું બન્યું હતું. ક્યાંક તો સમજાઈ જ જશે. જાપાનીઝ અનુભવો વચ્ચે એ પણ યાદ આવ્યું કે ખ્યાતનામ નંબરની ગેમ સુડોકુનું નામ ભલે જાપાનીઝ હોય અને તે સૌથી લોકપ્રિય પણ અહીં જ હોય, તે મૂળ બની હતી અમેરિકામાં. જાપાન બીજે ક્યાંક બનેલી મજા કરવાની ચીજોને પણ આગવી રીતે પોતાની બનાવી લે છે એ વાત કરતાં કરતાં અમારું સ્ટોપ ક્યારે આવી ગયું ખબર પણ ન પડી.

આ પણ વાંચો…અરાઉન્ડ ધ વર્લ્ડ : વાદળોથી ફુજીને છુપાવીને બેઠેલો લેક આશી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button