તમે ભૂત – પ્રેત – ડાકણમાં માનો છો?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
તો જાણી લો, એના રોચક કિસ્સા અને એના વળગાડના નામે થતાં જંતરમંતરનાં બખડજંતર…! ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ આ બધા શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં ઉત્કંઠા-રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડ્ડરજ્જુમાંથી પસાર થઈ જાય ને સાથે માથા પર પ્રસ્વેદ બિંદુ ફૂટી નીકળે..! આવી અગમનિગમ ઘટનામાં આપણા અજ્ઞાન કરતાં અજ્ઞાત ભય આપણને વધુ ધ્રુજાવે છે.. આમ છતાં ભૂત-ડાકણની વાત ભલે આપણી વાટ લગાડી દે તોપણ એ વાંચવી -જાણવી જરૂર ગમે, ડર લાગે તો ડરીને પણ લોકો એ માણે છે એ હકીકત છે. ભૂત – પ્રેત – ડાકણ – પિશાચનાં અસ્તિત્ત્વમાં પોતે જરા પણ માનતા ન હોવા ને છતાંય ઉર્દૂ – સંસ્કૃત – ઈંગ્લિશ વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી એક લેખક તરીકે ગુજરાતીમાં 165 નવલકથા લખી હોય અને એમાંય 90 જેટલી કથા ભૂત-પ્રેત આધારિત હોય એવો વિક્રમ ધરાવતા એચ.એન. ગોલીબાર ઊર્ફે ભોલાભાઈ ગોલીબારનો તાજેતરમાં 76 વર્ષે ઈન્તેકાલ થયો. આજકાલ – એમાંય ખાસ કરીને છેલ્લાં ત્રણેક વર્ષમાં મનોરંજનની દુનિયામાં ભૂત - પ્રેત - ડાકણ'ની જબરી નીકળી પડી છે.
ભુલભૂલૈયા’ અને `સ્ત્રી’ જેવી હોરર-કૉમેડી ફિલ્મમાં 50 ટકાથી વધુ દર્શકો મહિલા હોય છે એવું એક અહેવાલ કહે છે!
આવાં દુષ્ટ તત્ત્વોની ફિલ્મો-વેબ સિરીઝ બૉકસ ઑફિસ એવી રણકાવે છે કે ભૂત-પ્રેતમાં જરાય ન વિશ્વાસ કરનારા નિર્માતા- ક્લાકારો પણ અઢળક કમાવી દેતાં આ અનિષ્ટ તત્ત્વોમાં માનવા માંડ્યા છે! 2024નું વર્ષ હમણાં સમાપ્ત થયું
ત્યારે ગત વર્ષમાં રજૂ થયેલી ફિલ્મોમાં ભુલભુલૈયા-3 (રૂપિયા: 282 કરોડ), સ્ત્રી-2 (627 કરોડ) અને
મૂંજ્યા’ (107 કરોડ) ઇત્યાદિ હિટ રહી. અહીં મજાની વાત એ છે કે આ બધી સફળ ફિલ્મ્સ કરણ જોહર કે આદિત્ય ચોપરા જેવા ખમતીધર નિર્માતાઓના વૈભવી બજેટથી બની નથી. એમણે ઓછા બજેટે આ તગડો ધંધો કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો શાહરુખ, સલમાન કે કાર્તિક જેવા સોહામણા સુપરસ્ટારની સરખામણીએ એકાદ કદરૂપો ભૂત કે બેડોળ-ડરામાણી ડાકણ વધુ કમાવી આપે છે!
ખેર, આવા ફિલ્મી `અતૃપ્ત આત્મા’ની દુનિયામાંથી બહાર આવીએ તો બહારના જગતમાંય ભૂત-પ્રેતના ખોફની વાતો પણ એટલી જ રસપ્રદ છે. ભૂત શબ્દ જેટલો રોમાંચક છે એટલો જ ભયાનક છે. અગમનિગમની દુનિયાનાં ભૂત-પ્રેત-પિશાચ જેવાં પાત્રોનું અસ્તિત્ત્વ છે કે નહીં એ જબરા મત-મતાંતરનો વિષય છે, પણ ભૂત-ડાક્ણના મહેલ -બંગલા-હવેલીની કથા ડરામણી હોવા છતાંય જબરી મજેદાર હોય છે. એમાં મર્ડર-મિસ્ટ્રી-હોરર જેવાં લોકપ્રિય કથાનાં બધાં જ તત્ત્વ ઠાંસોઠાંસ ભરેલાં હોય છે.
જગતનાં એવાં કેટલાંય સ્થળો છે, જે ત્યાં ભૂત-ડાકણના કહેવાતા વાસ-આવાસને લીધે વગોવાઈ ગયાં છે. જોકે થોડા સમય પહેલાં આવી એક ભૂત હવેલી અખબારો-ટીવી ચેનલોમાં બહુ ચમકી હતી. આયલર્ન્ડમાં 14મી સદીમાં બંધાયેલી એક વિશાળ હવેલી અત્યારે સાવ અવાવરુ છે, કારણ કે કહે છે કે બે-ત્રણ માથાંભારે ભૂતના વાસનો ત્યાં ત્રાસ છે. વેક્સફોર્ડ ટાઉનમાં 67 એકર જમીન પર આવેલી 27 હજાર સ્કેવર ફૂટની `લોફટ્સ હોલ’ તરીકે ઓળખાતી હવેલીમાં સદીઓ પૂર્વે એક વરસાદી સાંજે એક આગંતુક આવ્યો અને રાતભર માટે આશ્રય માગ્યો. રાતે બધાં ડ્રિન્ક્સ-ડિનર પછી વાતો કરતાં બેઠાં હતાં ત્યાં હવેલીની માલિક એવી લેડીને ન જાણે એવું લાગ્યું કે આ મહેમાન સામાન્ય માનવી નહીં, પણ કોઈ અતૃપ્ત આત્મા છે લેડીને પોતાની સાચી ઓળખ થઈ ગઈ છે એવો અણસાર આવતાં જ પેલો મહેમાન-ભૂત એક ધડાકા સાથે અગનગોળો બનીને ગાયબ થઈ ગયો અને નજર સામે જ આ ભયાનક દૃશ્ય જોઈને પેલી લેડીનું ત્યાં જ હાર્ટફેલ થઈ ગયું. ત્યાર પછી કહે છે કે આ લેડી તથા પેલા મહેમાનના અતૃપ્ત આત્મા ત્યાં જ ભટકે છે!
ત્યારથી જ અવાવરુ-ભેંકાર પડેલી આ હવેલીમાં ભૂત-પ્રેતના ભયથી કોઈ જતું નથી. હા, એના અત્યારના માલિક એઈડન કિવ્ગલેએ થોડા સમય પહેલાં હવેલીની મરમ્મ્ત કરાવી છે અને એ આ વેચી નાખવા ઇચ્છે છે. આ વિશાળ હવેલીમાં 22 રૂમ તથા 97 બારી ઉપરાંત એક ખાનગી બીચ પણ છે. આ સમગ્ર પ્રોપર્ટીની કિંમત આજે કરોડો રૂપિયા છે, પણ જ્યાં સુધી સોદો ન થાય ત્યાં સુધી આ હવેલી પર હોરર ફિલ્મોના શૂટિગ થાય છે. પર્યટકો માટે ઘોસ્ટ સ્પોટ - ટૂર' નું આયોજન થાય છે. હવેલી-ટૂરના આયોજક-માલિક ટૂરિસ્ટોને એટલું જ કહે છે:
અમારી આ ઘોસ્ટ હવેલી પર હોંશે હોંશે પધારો.. નસીબ સાથ દેશે તો અમારા મનમોજી એવા બે ફૅમસ ભૂત સાથે મુલાકાતનો લહાવો પણ મળશે!’
હવે આ કથા સાંભળો, અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના એક ગામની. આમ તો એ ખેતી પ્રધાન ગામ ગણાય છે, પણ કહે છે કે થોડા વર્ષથી આ ટાઉન પર ન જાણે કેમ કેટલાક અતૃપ્ત આત્માઓની એવી બૂરી નજર લાગી કે અહીં કોઈ ટકતું નથી. પંદરેક વર્ષ પહેલાં અહીં સરકારી ગણતરી મુજબ 150 લોકોની વસતિ હતી, જે સાવ ઘટી જઈને એક પતિ-પત્ની એટલે માત્ર બે જ વ્યક્તિની વસતિ રહી..! કાળક્રમે પતિનું અવસાન થતાં આ મોનોવી ટાઉનમાં અહીં હવે એની પત્ની એસ્લી એકમાત્ર રહે છે. ન જાણે કેમ એસ્લીને કોઈ પ્રેતાત્માએ હજુ સુધી પજવી નથી અને હા, આજુબાજુ ગામના લોકો અહીંથી પસાર થાય એ બધા એસ્લીના બારમાં જરૂર જાય. પરિણામે એસ્લીને સારી એવી કમાણી છે..!
હવેની આ ઘટના મૈરુતની છે. અહીં પોલીસે એક માણસને સંભવિત આરોપી તરીકે પક્ડીને કસ્ટડીમાં નાખ્યો. ગુનો કબૂલ કરાવવા પોલીસે એની સાથે મારઝૂડ કરી. રાબેતા મુજબ એને પોલીસે ચૌદમું રતન' ચખાડ્યું. પોલીસના ત્રાસથી પેલા આરોપી યુવાને જેલ કસ્ટડીમાં આપધાત કરી નાખ્યો. પોલીસે આ કેસ રફેદફે તો કરી નાખ્યો, પણ ક-મોતથી માર્યા ગયેલા પેલા યુવાન આરોપીનું
ભૂત’ જાણે વેર વાળવું હોય તેમ રોજ સવાર-સાંજ પોલીસ સ્ટેશનમાં પ્રગટ થવા લાગ્યું અને એક યા બીજી રીતે ડરામણી હરક્તોથી પોલીસ ટીમને એવું રંજાડવા માંડ્યું કે ત્યાંનો પોલીસ સ્ટાફ ભયભીત થઈને ત્યાં ડ્યુટી કરવા તૈયાર નથી ! પોલીસ હેડ કવાટર્સથી નવા પોલીસ મેન્સને અહીં ડ્યૂટી પર મૂકવામાં આવ્યા. એમાં પેલા ભૂતે વધુ ગિન્નાઈને એવો પ્રકોપ ફેલાવ્યો કે આ શાપિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડરીને ભાગી ગયો!
આવા `વૈરી’ ભૂતને કાબૂમાં લેવા એક બ્રાહ્મણની સલાહથી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં રામભકત ભીડભંજન હનુમાનજીનું એક મિનિ મંદિર બાંધવામાં આવ્યું અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા પછી પોલીસ કસ્ટડીમાં પેલા યુવાનનું અપમૃત્યુ કેમ થયું એના માટે ફરીથી પોલીસ તપાસ શરૂ કરાવી એ બાદ પેલા ભૂતનો રંજાડ બંધ થઈ ગયો! ભૂત-પ્રેત કે ડાકણ જેવા અતૃપ્ત આત્માના વળગાડથી મુક્તિ અપાવવાનો દાવો કરતા ભૂવા-તાંત્રિક-બંગાળી બાબા-મૌલવી કે કહેવાતા માતાજીના ભક્તો આપણા દેશ અને વિદેશોમાં પણ અસંખ્ય છે. શ્રીલંકાના એક જાણીતા તાંત્રિક તો ન્યૂ યૉર્કની વૈભવી હોટેલ્સમાં માત્ર પાંચેક ડોલરની સસ્તી ટિકિટ રાખીને સંખ્યાબંધ શો રાખીને સ્ત્રીઓના વળગાડ કઈ રીતે કાઢવા એની રીત શીખવે છે! આવા તો અનેક લેભાગુ લોકો છે, જે લોકોનાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા તથા અજ્ઞાત ભયનો પૂરેપૂરો ગેરફાયદો કઈ રીતે લે છે એની બીજી અનેક રોચક કથાઓ છે, પણ એ વિશે ફરી ક્યારેક્..!